ગ્રાઉન્ડ રિપોર્ટ : 'બાળકચોરી' મુદ્દે હત્યા બાદ વાડજમાં કેવી છે સ્થિતિ?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વૉટ્સઍપના માધ્યમથી બાળકચોરીની અફવાઓ 'જંગલમાં આગની જેમ' ફેલાઈ રહી છે. તામિલનાડુથી શરૂ થયેલો હત્યાઓનો સિલસિલો અમદાવાદના વાડજ સુધી પહોંચ્યો છે.

બાળકચોરીના ઓડિયો-વીડિયો કાયદો અને વ્યવસ્થા સામે પડકાર ઊભો કરી રહ્યા છે, જેને પહોંચી વળવાનું ગુજરાત સરકાર તથા પોલીસ માટે મુશ્કેલ બની રહ્યું છે.

અમદાવાદ પહેલાં વડોદરા, જામનગર, સુરત, દેવભૂમિ દ્વારકા તથા કચ્છમાં પણ બાળકચોરીની શંકાના આધારે મારઝૂડની ઘટનાઓ નોંધાઈ છે.

બાળકચોરીના મૅસેજિસ અફવા હોવાનું અનેક જિલ્લા પોલીસ કહી ચૂકી છે અને BBC ગુજરાતી સહિતની મીડિયા સંસ્થાઓ આ અંગે લેખ અને કાર્યક્રમો પ્રસારિત/પ્રકાશિત કરી ચૂક્યાં છે. છતાંય આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી.

તમે આ વાંચ્યું કે નહીં?

મનોચિકિત્સકના કહેવા પ્રમાણે, ઍંગ્ઝાયટી પ્રોન (anxiety prone) લોકો આ પ્રકારના મૅસેજ અને વીડિયો વગર વિચાર્યે ફોર્વર્ડ કરે છે, જેનાં કારણે આ પ્રકારની અફવાઓને વેગ મળે છે.

વાડજથી ગ્રાઉન્ડ રિપોર્ટ

'બાળકચોર ટોળકી શહેરમાં પ્રવેશી છે અને બાળકોને ઉઠાવી જાય છે.' આ પ્રકારની અફવા ફેલાવતા મૅસેજને કારણે ગુજરાતભરમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.

અમદાવાદના વાડજમાં ટોળાએ ચાર ભિક્ષુકાઓને 'બાળકચોર' ઠેરવીને ઢોરમાર માર્યો હતો, જેમાં એક ભિક્ષુકાનું મૃત્યુ થયું હતું, જ્યારે ત્રણ અન્ય ભિક્ષુકાઓ ઘાયલ થઈ છે.

બીબીસીની ટીમે આ સ્થળની મુલાકાત લીધી. ઘટનાસ્થળે જોયું તો ટ્રાફિક-પોલીસને સાથે રાખીને પોલીસકર્મીઓ સ્થાનિક રહીશોને વૉટ્સઍપ પર ફેલાતી અફવાઓ પર ધ્યાન નહીં આપવા તથા આ પ્રકારના મૅસેજિસને ફોરવર્ડ નહીં કરવા સમજાવી રહ્યા હતા.

પોલીસમેન જેઠાભાઈ પરમાર કહે છે, "અમે સ્થાનિકોને સમજાવીએ છીએ કે જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો કાયદો હાથમાં ન લેવો."

પાસે જ ઊભેલા પોલીસમેન અશોક માળી વાતને આગળ વધારતા કહે છે કે અમે તેમને પોલીસનો સંપર્ક સાધવાની સૂચના આપીએ છીએ. આ સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસકર્મીઓનાં નંબર આપીએ છીએ, જેથી કરીને તેમનામાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય.

વાડજમાં રહેતાં કરૂણા પરમાર કહે છે, "આવા મૅસેજિસ મળ્યાં પછી અમે એટલાં બધાં ડરેલાં હતાં કે ઘડીભર પણ અમારાં બાળકોને છૂટાં મૂકતાં ન હતાં, પરંતુ હવે પોલીસે સમજાવતાં અમને રાહત થઈ છે."

બીજી બાજુ, ગાંધીનગર તથા તેની આજુબાજુનાં ગામડાંઓમાં લોકો લાકડી, હોકી સ્ટિક તથા ધારિયા લઈને આખી રાત 'જનતા પેટ્રોલિંગ' કરી રહ્યાં છે.

હિંસા અને હત્યા માટે મૅસેજ જવાબદાર

વાડજમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા પ્રમોદ પટણીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું:

"આ મૅસેજને કારણે અમારા વિસ્તારમાં ભારે તંગદિલી પ્રવર્તી રહી હતી, કારણ કે અમારાં બાળકો રસ્તા પર જ રમતાં હોય છે. આ ભિક્ષુકાઓને જોઈ એટલે ઉશ્કેરાયેલાં ટોળાંએ તેમની ઉપર હુમલો કર્યો."

જીવનની સાંઇઠ તડકીછાંયડી જોઈ ચૂકેલા અમૃત નાઈએ પણ પ્રમોદભાઈની વાતમાં સૂર પૂરાવ્યો.

વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એ. રાઠવાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "સુરતથી આવેલાં મૅસેજને કારણે આ વિસ્તારમાં ટોળું ઉશ્કેરાયું હતું. અમે કીર્તિ મકવાણા અને સુરેશ પ્રજાપતિની ધરપકડ કરી છે."

પોલીસે સીસીટીવી ફૂટેજ તથા વાડજના સ્થાનિકોએ લીધેલાં વીડિયોનાં આધારે સાત શખ્સોની શોધ હાથ ધરી છે.

વાડજના રહેવાસી દુષ્યંત પટેલના કહેવા પ્રમાણે, "વૉટ્સઍપ અનિવાર્ય છે, પરંતુ તેમાં 50 ટકાથી વધુ નકામાં મૅસેજિસ આવે છે."

અન્ય એક રહીશ ગૌતમ ત્રિપાઠી ખરાઈ કર્યાં બાદ જ વ્હૉટ્સૅપ પર મેસેજ ફોરવર્ડ કરવા પર ભાર મૂકે છે.

સોશિયલ મીડિયા પર 'બાળકચોર ગેંગ સક્રિય છે,' એવા મૅસેજિસને કારણે રાજ્યના છ અલગ અલગ વિસ્તારોમાં 12 લોકો સાથે મારઝૂડની ઘટના નોંધાઈ છે. આવી ઘટનાઓને પગલે રાજ્ય પોલીસે પેટ્રોલિંગને વધુ સઘન બનાવ્યું છે.

સુરતથી થઈ શરૂઆત

ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ગુજરાતમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાની વીડિયો અને સુરતથી વાઇરલ થયેલા ઓડિયો મેસેજને કારણે ફફડાટ ફેલાયો છે."

પ્રદીપસિંહના કહેવા પ્રમાણે, જો કોઈ સુલેહશાંતિનો ભંગ કરે તો 'કડક હાથે' કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે.

જે સ્થળે બાળકો એકઠાં થતાં હોય તેવાં સ્થળોએ ખોટા વાઇરલ મૅસેજથી દૂર રહેવા માબાપને સમજાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ કામમાં પોલીસ ઉપરાંત ટ્રાફિક પોલીસની સેવાઓ પણ લેવાય રહી છે.

સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મુકુલ ચોક્સી કહે છે, "ઍંગ્ઝાયટી પ્રોન લોકોમાં સમજણશક્તિ ઓછી હોય છે એટલે તેઓ મૅસેજિસની ખરાઈ કરતા નથી અને મૅસેજિસ ફોરવર્ડ કરી દે છે.

"આવાં લોકો 'માસ ફિયર' ફેલાવે છે. જે 'માસ મેનિયા' અને પછી 'માસ વાયલન્સ'માં પરિવર્તન પામે છે."

વિજ્ઞાનિક પરિભાષામાં તેને 'સૉશિયોજેનિક ઇલનેસ' કહેવામાં આવે છે.

ઍંગ્ઝાયટી પ્રોન લોકોને કારણે સમસ્યા

ડૉ. ચોક્સી કહે છે, "સોશિયલ મીડિયાને કારણે જે દુષ્પ્રચાર થાય છે, તેનાં કારણે સામૂહિક ડર અને આક્રમકતા ફેલાય છે.

"પ્રસાર માધ્યમો પર નિયંત્રણ હોવાથી અને આવી કોઈ બાબતનું વૅરિફિકેશન થતું હોવાથી આવી બાબતો પર કંટ્રોલ રહે છે, પણ સોશિયલ મીડિયા પર કોઈ પ્રકારનું નિયંત્રણ નહીં હોવાને કારણે આવી ઘટનાઓ ઘટે છે.

"મોટા ભાગે અશિક્ષિત અને અસલામતીથી પીડાતા લોકો ઍંગ્ઝાયટી પ્રોન (anxiety prone) હોય છે. સમાજમાં આવા નવ ટકા લોકો હોય છે, જે આવા સંદેશાઓને ઝીલવાને તૈયાર હોય છે.

"આ પ્રકારના સંદેશાઓથી તેઓ એકદમ ચિંતિત થઈ જાય છે અને સામાન્ય માણસની સરખામણીએ દસગણાં ચિંતિત થઈ જાય છે."

ડૉ. ચોક્સી ઉમેરતાં કહે છે કે આર્થિક અને સામાજિક રીતે નબળાં વર્ગનાં લોકોમાં આ પ્રકારની મનોદશા સવિશેષપણે જોવા મળે છે. અસ્તિત્વ માટે સંઘર્ષ તથા ગુમાવવાને માટે કશું ન હોવાને કારણે તેમનામાં આક્રમક્તા વધારે હોય છે.

ઍંગ્ઝાયટી પ્રોન લોકો એક જ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેતા હોય, ત્યારે 'માસ વાયલન્સ'ની શક્યતા વધી જાય છે.

કઈ રીતે ફેક ન્યૂઝને અટકાવશો?

  • વૉટ્સઍપ પર કોઈ દાવા કરતા મૅસેજ આવે તો ગૂગલ પર સર્ચ કરીને તેની ખરાઈ કરી શકાય છે.
  • કોઈ વીડિયો વૉટ્સઍપ પર આવે તો તેને યૂટ્યૂબ કે ગૂગલ પર જઈને ચેક કરી શકાય છે. ઘણી વખત વીડિયો એડિટ થયેલો હોય છે.
  • સોશિયલ મીડિયામાં આવતા સમાચારોને મુખ્ય માધ્યમોના સમાચારો સાથે સરખાવી સમાચાર સાચા છે કે નહીં તે નક્કી કરી શકાય.
  • કોઈ તસવીર આવે તો ગૂગલમાં જઈ તસવીર સર્ચ કરીને તે સાચી છે કે ખોટી તે નક્કી કરી શકાય.
  • જ્યારે પણ સોશિયલ મીડિયા પર કોઈ શંકાસ્પદ કે અરાજકતા ફેલાવતો મૅસેજ જણાય તો તેની જાણ સાઇબર સેલને કરી શકાય છે.
  • ખરાઈ કર્યાં વગર કોઈ મૅસેજ ફોર્વર્ડ ન કરીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો