You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટનમાં મકાનમાલિકે કરી ભાડાને બદલે સેક્સની માગણી
- લેેખક, એલી ફ્લિન
- પદ, બીબીસી થ્રી
રાંધવા, સાફ-સફાઈ અને અઠવાડિયે એક કે બે વાર ઓરલ સેક્સના બદલામાં ઘરમાં મફત રહેવા દેવાની ઓફર. હા, મારી પાસે આવી ચીજોના બદલામાં સેક્સની માગણી કરવામાં આવી હતી.
લંડનમાં એ શુક્રવારની એક સાંજ હતી અને 25 વર્ષનો યુવાન મારી સામે બેઠો હતો.
તેણે તેનો બેડરૂમ મારી સાથે કોઈ ભાડા વિના, મફતમાં શેર કરવાની ઓફર કરી હતી પણ એક શરત મૂકી હતી.
શરત એ હતી કે માથા પર છત મળે એ માટે મારે તેની સાથે નિયમિત સેક્સ કરવું પડશે.
તમને આ વાંચવું પણ ગમશે:
લંડનમાં 'સેક્સ ફોર રેન્ટ' કૌભાંડ ચાલી રહ્યું હતું, જેમાં કેટલાક મકાનમાલિકો તેમના ભાડૂઆત પાસેથી 'મફત'માં રહેવાની સુવિધા બદલ સેક્સની માગણી કરી રહ્યા હતા.
બીબીસી-થ્રીની ડોક્યુમેન્ટરી માટે મારે એ તપાસ કરવાની હતી કે આ કૌભાંડ કેટલા મોટા સ્તરે ચાલી રહ્યું છે. આ સ્ટોરી માટે હું ભાડૂઆત સ્વરૂપે આગળ વધી હતી.
હું 24 વર્ષની એક નર્સિંગ સ્ટુડન્ટ તરીકે મકાનમાલિક સામે રજૂ થઈ. એ યુવાન લંડનમાં જે ઘરમાં રહેતો હતો તેમાં બીજા લોકો પણ તેની સાથે રહેતા હતા.
તેણે મને જણાવ્યું હતું કે અન્ય લોકોથી કોઈ તકલીફ નહીં થાય. મારે માત્ર એટલું કહેવું પડશે કે હું તેની ગર્લફ્રેન્ડ છું. હું ખચકાવા લાગી ત્યારે તેણે મને સમજાવવાના પ્રયાસ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેણે મને કહ્યું હતું, "રૂમની ઓનલાઇન ઓફર કરતા આધેડ વયના લોકો કરતાં હું બહેતર વિકલ્પ છું. બહુ મજા આવશે. મારો ભરોસો કરો..."
'સેક્સ ફોર રેન્ટ'
એ યુવાન લંડનમાંની એકમાત્ર ન હતો જે 'સેક્સ ફોર રેન્ટ' ઓફર કરી રહ્યો હતો. ક્લાસીફાઇડ જાહેરાતોની એક લોકપ્રિય વેબસાઇટ પર પણ હું ફરી વળી હતી.
'એડલ્ટ એરેન્જમેન્ટ'ના બદલામાં રૂમની ઓફર કરતી સંખ્યાબંધ જાહેરાતો તેમાં જોવા મળી હતી. આ પ્રકારની જાહેરાતોની જાળ સમગ્ર બ્રિટનમાં ફેલાઈ હતી.
મેં જાહેરાતોમાં રસ દેખાડવાનું શરૂ કર્યું તેની થોડી મિનિટોમાં જ એક જવાબ આવ્યો. તેમાં સેક્સ માટે સ્પષ્ટ ઇશારો હતો.
એક મકાનમાલિકે મારી બોડી અને મારી બ્રાની સાઈઝ પૂછી હતી.
બીજાએ જણાવ્યું હતું કે તમે 'એડલ્ટ એરેન્જમેન્ટ' માટે રાજીખુશીથી તૈયાર ન થઈ જાઓ ત્યાં સુધી આપણે વોટ્સએપ પર ચેટિંગ ચાલુ રાખીશું.
મેં આવા અનેક મકાનમાલિકોની અપૉઈન્ટમેન્ટ લીધી હતી અને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
હું જે લોકોને મળતી હતી તેમાં દરેક વયના અને અલગ-અલગ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો હતા. મોટાભાગના લોકો એકલા રહેતા હતા.
તેમાં એક 24 વર્ષનો હતો, જ્યારે બીજો પુરુષ મને તેની દીકરીનો રૂમ ઓફર કરી રહ્યો હતો. તેની દીકરી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી.
ત્રીજાએ જણાવ્યું હતું કે હું તેના બંગલાની પાછળના ભાગમાં આવેલી કેબિનમાં ભાડું ચૂકવ્યા રહી શકું છુ, પણ એના બદલામાં મારે તેની સાથે સેક્સ કરવું પડશે.
બિઝનેસ ટ્રાન્ઝેક્શન
સ્કોટલેન્ડમાં હું જે યુવાનને મળી એ 24 વર્ષનો હતો અને દર બીજા દિવસે સેક્સ કે એવું બીજું કંઈક કરવા ઇચ્છતો હતો.
તેને સેક્સમાં લાગણી સાથે સંબંધ ન હતો. તેણે કહ્યું હતું, "હું સેક્સને એક બિઝનેસ ટ્રાન્ઝેક્શન માનું છું."
હું આ બધા લોકો સમક્ષ એક એવી લાચાર યુવતીના સ્વરૂપમાં રજૂ થતી હતી, જેની પાસે રહેવા માટે ઘર ન હતું અને પૈસા ન હતા.
મકાનમાલિકો મને રહેવાની જગ્યા આપવાના બદલામાં જે બેશરમીથી સેક્સની માગણી કરતા હતા તેનાથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
તેઓ જેના માટે મને કહેતા હતા તેની મારા પર શું અસર થશે તેની તેમને કોઈ પરવા ન હતી. પોતે કંઈક ખોટું કરતા હોવાની જરા સરખી અનુભૂતિ સુદ્ધાં તેમને થતી ન હતી.
કોઈને ઘરમાં રૂમ રહેવા આપવાના બદલામાં તેની પાસેથી સેક્સની માગણી કરવાનું વેશ્યાવૃત્તિને પ્રોત્સાહિત કરવાનું કૃત્ય ગણી શકાય.
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આ ગુના માટે સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
આ મકાનમાલિકો સાથે વાત કર્યા બાદ મેં તેમને બીબીસી-થ્રીની આ તપાસ વિશે લખ્યું ત્યારે માત્ર બે લોકોએ પ્રતિભાવ આપ્યો હતો.
એક મકાનમાલિકે જણાવ્યું હતું કે એ સમંતિપૂર્ણ સેક્સ ઇચ્છતો હતો અને તેમાં તેણે કંઈ ખોટું કર્યું નથી.
બીજા મકાનમાલિકે જણાવ્યું હતું કે એ મને તેમના ઘરમાં સોફા પર મફતમાં રહેવાની સુવિધા આપવાના હતા.
જાહેરાતોની જાળમાં ફસાયેલા લોકો
હકીકત એ છે કે જે લોકો આવી જાહેરાતોની જાળમાં ફસાઈ રહ્યા છે, તેમની સ્થિતિ ખરાબ છે. તેમની પાસે રહેવા માટે કોઈ ઠેકાણું નથી.
'સેક્સ ફોર રેન્ટ'નો આશરો લઈ ચૂકેલી એક છોકરીને પણ હું મળી હતી. એ 20 વર્ષની હતી.
એ જ્યાં સુધી મકાનમાલિક સાથે રહેવા ગઈ ન હતી ત્યાં સુધી તેને સમજાયું ન હતું કે તેણે કેવો સોદો કર્યો છે. સોદા અનુસાર, તેણે મકાનમાલિક સાથે એક જ પલંગ પર સુવાનું હતું.
એ છોકરીએ મને જણાવ્યું હતું કે એ મકાનમાલિક સાથે એક પલંગ પર સુવા ઇચ્છતી ન હતી. છતાં મકાનમાલિક તેને સ્પર્શવાનો વારંવાર પ્રયાસ કરતો હતો.
એ છોકરીએ કહ્યું હતું, "મકાનમાલિકે મારી સાથે બળજબરી ન કરી એટલે હું તેની આભારી છું."
ફરીથી બેઘર થવાના ડરને કારણે એ છોકરી લાંબા સમય સુધી મકાનમાલિક સાથે રહી હતી.
આ બાબતે મેં તેના મકાનમાલિકને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમણે એ છોકરી સાથે ક્યારેય સેક્સ કર્યું ન હતું અને સેક્સની માગણી પણ કરી ન હતી.
'એડલ્ટ એરેન્જમેન્ટ'
ન્યૂકેસલમાં એક ફ્લેટમાં એકલા રહેતા અને 'સેક્સ ફોર રેન્ટ' ઓફર કરતા આધેડ વયના એક મકાનમાલિકનો ભેટો પણ મને થયો હતો.
તેમણે મને જણાવ્યું હતું કે તેઓ માત્ર "એક સાથીને શોધતા હતા. એ માત્ર સેક્સ માટે ન હતું. હું કંઈ ખોટું કરી રહ્યો હોવાની મને ખબર ન હતી."
તેમની સાથે રહેતી સ્ત્રી અહેસાન ચૂકતે કરવાના બદલામાં અને બેઘર થવાના ડરથી તેમની સાથે સેક્સ કરી શકે. સેક્સમાં તેની સહમતી ભલે ન હોય.
આ વાત તેમને સમજાવવાનો પ્રયાસ મેં કર્યો ત્યારે તેમણે કહ્યું હતું, "આ સહમતીની એક છૂપી બાજુ હોઈ શકે છે એ હું જાણું છું."
ભવિષ્યમાં આવી 'એડલ્ટ એરેન્જમેન્ટ'ની શોધ તેઓ કરશે કે કેમ એ સવાલનો જવાબ તેમણે આપ્યો ન હતો.
આ ડોક્યુમેન્ટરી માટે હું જેટલા મકાનમાલિકોને એ પૈકીના મોટાભાગના એ સમજી શકતા ન હતા કે તેઓ જે કરી રહ્યા છે તેમાં ખોટું શું છે.
ગરીબી વિરુદ્ધ કામ કરતા ભાડૂઆતોના સંગઠન 'એર્કોન'નાં અલેન મોરાને કહ્યું હતું, "પસંદગીની ચીજ મેળવવા માટે નિર્બળ લોકો પર શક્તિનો ઉપયોગ કરવાનું કેટલાક યોગ્ય સમજે છે અને એ માટે કોઈ સવાલ કરી શકાતો નથી."
આ ગુનો છે
અલેન મોરાને કહ્યું હતું, "તેઓ આ તાકાત ધરાવે છે અને કાયદાનું પાલન કરાવતી એજન્સીઓ પણ તેને નજરઅંદાજ કરે છે."
"ઘણીવાર કેટલાક લોકો સમાજમાં એટલા એકલા થઈ જતા હોય છે કે શારીરિક નિકટતા પામવા કંઈ પણ કરતા હોય છે."
બ્રિટનમાં 'સેક્સ ફોર રેન્ટ'ને ગેરકાયદે જાહેર કરાવવા માટે અલેનનું સંગઠન હવે અભિયાન ચલાવી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો