ગૂગલ એન્જિનિયરની બાળકચોરીની આશંકાએ ટોળાએ કરી હત્યા

કર્ણાટકમાં બાળક ચોરીની અફવાના કારણે ગૂગલના એન્જિનિયરને ટોળાએ માર મારતા મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે.

શુક્રવારે કર્ણાટકના બિડાર જિલ્લામાં બાળકો ઉઠાવી જતી ટોળકી સમજીને લોકોએ 32 વર્ષીય સોફ્ટવૅર એન્જિનિયર અને અન્ય ત્રણ વ્યક્તિઓને માર માર્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

જેમાં એન્જિનિયરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હોવાનું સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે જાણવા મળી રહ્યું છે.

'ફાઇનાન્સિયલ એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે, આ ઘટનામાં મૃત્યુ પામનાર સોફ્ટવૅર એન્જિનિયર મોહમ્મદ આઝમ અહેમદ ગૂગલ સાથે કામ કરતા હતા.

તેમની સાથે તેમના અન્ય ત્રણ મિત્રો હતા, જે પૈકી એક કતારના નાગરિક છે. જેઓ આ ઘટનામાં ઇજાગ્રસ્ત છે અને ત્રણ પૈકી એકની સ્થિતિ ગંભીર છે.

વૉટ્સૅપના માધ્યમથી ફેલાતી બાળકચોરીની અફવાઓના કારણે અત્યાર સુધી આશરે 30 જેટલા લોકોની ભારતમાં હત્યા થઈ ચૂકી છે.

બાળકોને ચોકલેટ આપતાં મુસિબત

મૃતક સહિતના ચાર મિત્રો શુક્રવારે હૈદરાબાદથી એક પ્રસંગમાં ઉપસ્થિત રહેવા માટે બિડાર આવ્યા હતા. જમીન ખરીદવાનો વિચાર હોવાથી પ્રસંગ પૂર્ણ થયા બાદ તેઓ જમીન જોવા નીકળ્યા હતા.

આ ચાર પૈકી કતારથી આવેલો યુવક બાળકોને ચૉકલેટ આપતો હતો, ત્યારે અજાણ્યા શખ્સોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને તેમના ફોટો પાડીને વૉટ્સઍપ પર વાઇરલ કર્યા હતા.

સ્થિતિ અયોગ્ય જણાતા તેઓ ત્યાંથી રાવાના થઈ ગયા હતા પણ, વૉટ્સઍપ પર ઝડપથી વાઇરલ થયેલી તસવીરોના કારણે પછીના ગામામાં લોકોએ રસ્તો જામ કરીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

લોકોએ તેમને માર માર્યો હતો, જેમાં એકનું મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, આ ઘટનામાં 30 લોકોની ધરપકડ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત સહિત દેશભરમાં સોશિયલ મીડિયા પરની ખોટી અફવાઓના કારણે ટોળા દ્વારા હત્યાની 30 જેટલી ઘટનાઓ ઘટી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો