You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રતિબંધ છતાં અમેરિકાએ ભારતને ઈરાનનું તેલ ખરીદવાની છૂટ કેમ આપી?
- લેેખક, ટીમ બીબીસી હિન્દી
- પદ, નવી દિલ્હી
ફકત તેલને કેન્દ્રમાં રાખીને ઈરાન પર આકરા પ્રતિબંધો લાદવા છતાં અમેરિકાએ ભારતને ઈરાન પાસેથી તેલ ખરીદવાની છૂટ આપી છે. એવું કહેવાય છે કે આગામી લોકસભા ચૂંટણી સુધી નરેન્દ્ર મોદીની સરકારને મળેલી આ ખૂબ મોટી રાહત છે.
ભારત હવે ઈરાનમાં નિકાસ પણ કરી શકશે. તેલની વધતી કિંમતોની વચ્ચે અમેરિકા તરફથી મળેલી આ રાહતને ચૂંટણીની મોસમમાં મોદી સરકાર માટે મહત્ત્વની ગણાવાય છે.
ભારતીય ચલણ રૂપિયો ડૉલરની તુલનામાં 74 રૂપિયા સુધી પહોંચી ગયો છે ત્યારે ભારતની તેલ આયાતનું બીલ પણ સ્વાભાવિકપણે વધી રહ્યું છે અને ભારતની વ્યવસાયિક ખોટ પણ વધી રહી છે.
છેલ્લાં કેટલાક અઠવાડિયાઓથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો છે. બીજી તરફ ઈરાન ભારતને રૂપિયાના ચલણ પર તેલ આપે છે.
હવે, જયારે ભારતના વિદેશી ચલણ ભંડારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે ડૉલર આપ્યા વગર રૂપિયાથી તેલ મેળવવું અગત્યનું બની જાય છે.
ટ્રમ્પ સરકારના વહીવટીતંત્રએ આ અંગે ભારત સહિત આઠ દેશોને આવી રાહત આપી છે. જોકે, આ રાહત ઈરાન સાથે સીમિત તેલ ખરીદી પૂરતી મર્યાદિત છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત છેલ્લા ત્રણ મહિનામાં સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે એ સ્થિતિમાં અમેરિકાના પ્રતિબંધથી તેલના પુરવઠામાં ઘટાડાની આશંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે.
ભારતને છૂટ કેમ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પૉમ્પિયોએ ગત સપ્તાહે કહ્યું હતું, "તેલના ભાવને સ્થિર રાખવા માટે આઠ દેશોને રાહત આપવામાં આવી છે."
ગત મહિના સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વર્ષોની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી.
પ્રેસ કૉન્ફરન્સમાં પત્રકારોએ અમેરિકા તરફથી રાહત મેળવનારાં આઠ દેશોનાં નામ પૂછ્યા, પરંતુ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પૉમ્પિયો અને નાણાંમંત્રી સ્ટીવન મનુચિનએ દેશોનાં નામ જણાવવાની મનાઈ કરી હતી.
જોકે, કહેવાય છે કે આ આઠ દેશોને પણ ઈરાનથી તેલની આયાત ધીમેધીમે ઓછી કરવાની રહેશે.
અમેરિકા તરફથી મળેલી રાહત મામલે જાપાન, ભારત અને દક્ષિણ કોરિયા એમ ત્રણ દેશોનાં નામ આંતરરાષ્ટ્રીય મીડિયામાં જણાવવામાં આવી રહ્યા છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ચીન પણ આવી રાહત મેળવવા માટે કોશિશ કરી રહ્યું છે.
જોકે, પૉમ્પિયોએ સ્પષ્ટ કરી દીધું છે કે, આવી રાહત યુરોપિયન યુનિયનના દેશોને આપવામાં નથી આવી.
પૉમ્પિયોએ દાવો કર્યો છે કે, તેલની કિંમતો પર ઈરાનથી તેલ નહીં ખરીદવાની કોઈ અસર નહીં પડે.
બીજી તરફ તેલના બજાર ઉપર નજર રાખનારા વિશ્લેષકોનું કહેવું છે કે અમેરિકાના આ પ્રતિબંધથી તેલની કિંમત વધશે.
2017-18માં ભારતે ઈરાન પાસેથી 2.2 કરોડ ટન તેલ આયાત કર્યું હતું અને આગામી વર્ષે ત્રણ કરોડ ટન તેલ ખરીદવાની યોજના છે.
પ્રતિબંધોને લીધે 2019ના માર્ચ મહિનાથી ભારતીય કંપનીઓ ઈરાન પાસેથી દર મહિને સવા દસ લાખ ટન જેટલું જ તેલ ખરીદી શકશે.
ઈરાનનું કહેવું છે કે તે અમેરિકાના પ્રતિબંધોનો વિરોધ કરશે અને અમેરિકા સામે હથિયાર હેઠા નહીં મૂકે.
ભારત અને ઈરાનની દોસ્તી
ભારત અને ઈરાન વચ્ચે દોસ્તીના મુખ્યત્વે બે આધાર છે. એક ભારતની ઊર્જા જરૂરિયાત છે અને બીજો આધાર ઈરાન પછી દુનિયામાં સૌથી વધુ શિયા મુસ્લિમો ભારતમાં વસે છે.
ઈરાનને લાગતું હતું કે ભારત સદ્દામ હુસૈનના ઇરાકની વધુ નિકટ છે.
જોકે, ગલ્ફના કૉ-ઑપરેશન કાઉન્સિલ સાથેના આર્થિક સંબંધ અને ભારતીય કામદારો સાથે વ્યવસ્થાપન ક્ષેત્ર સાથે જોડાયેલી પ્રતિભાઓને કારણે આરબ દેશો સાથે ભારતના સંબંધો મજબૂત રહ્યા છે.
જરૂરિયાતોના હિસાબે ઈરાનથી તેલનો પુરવઠો મેળવવો ભારત માટે ક્યારેય ઉત્સાહજનક નથી રહ્યો. એનાં મુખ્ય કારણોમાં ઇસ્લામિક ક્રાંતિ અને ઇરાક-ઈરાન યુદ્ધ રહ્યાં છે.
ભારત પણ ઈરાન સાથેના સંબંધોને દોસ્તીના મુકામ સુધી લઈ જવામાં લાંબા સમય સુધી અચકાતું રહ્યું છે.
1991માં શીત-યુદ્ધ પૂરું થયું, ત્યારબાદ સોવિયત સંઘનું પતન થયું તો દુનિયાની નવી બાજુ દેખાઈ. ભારતના અમેરિકા સાથેના સંબંધો સ્થાપિત થયા અને અમેરિકાએ ભારતને ઈરાનની નિકટ આવવાથી હંમેશાં અટકાવ્યું.
ઇરાક સાથે યુદ્ધ બાદ ઈરાન પોતાની સેનાને મજબૂત કરવામાં લાગી ગયું હતું.
એ પછીથી જ ઈરાનની ઇચ્છા પરમાણુ બૉમ્બ બનાવવાની રહી અને તેણે પરમાણુ કાર્યક્રમ પણ શરૂ કરી દીધો.
અમેરિકા કોઈ પણ હાલતમાં નહોતું ઇચ્છતું કે ઈરાન પરમાણુશક્તિ બને અને મધ્ય-પૂર્વમાં તેનો દબદબો વધે. આ સ્થિતિમાં ઈરાનના અન્ય દેશો સાથેના સંબંધો ન વિકસે તે વાત પર અમેરિકાએ ભાર મૂક્યો.
ભારત-ઇઝરાયલ મિત્રો, તો ઈરાન ક્યાં?
ઇઝરાયલ અને ઈરાનની દુશ્મની કોઇથી છૂપી નથી. ઈરાનમાં 1979ની ક્રાંતિ પછી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે દુશ્મની વધી જે આટલાં વર્ષો પછી પણ ઓછી નથી થઈ બલકે વધતી જ રહી છે.
બીજી તરફ ઇઝરાયલ અને ભારત નિકટ આવતાં ગયાં. ભારત હાર્ડવેર અને અન્ય તકનીકની બાબતે ઇઝરાયલ ઉપર નિર્ભર છે.
આ સ્થિતિમાં ઈરાન સાથે ભારતના સંબંધો એ હદ સુધી સામાન્ય નથી થઈ શક્યા.
14 જુલાઈ, 2015એ જયારે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઈરાન સાથેના પરમાણુ કરારને અંજામ સુધી પહોંચાડ્યો, ત્યારે ભારતને સંબંધો આગળ વધારવાની એક તક મળી.
ઓબામાંનું આ પગલું એ દેશો માટે તક હતી, જે ઈરાન સાથે તેલનો વેપાર વધારવા ઇચ્છતા હતા.
2016માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈરાન ગયા હતા. મોદીના પ્રવાસને ચાબાહાર બંદર સાથે જોડવામાં આવ્યો હતો.
ભારત માટે આ બંદર ચીન-પાકિસ્તાનની વધતી દોસ્તીની લીધે અડચણરૂપ જોવામાં આવે છે.
સ્વતંત્ર વિદેશ નીતિ
ભારત આ બંદરને લાંબા સમયથી વિકસિત કરવા ઇચ્છે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને લીધે એ મુદ્દો લટકતો રહ્યો છે.
ચાબાહાર ટ્રાન્સપૉર્ટ અને ટ્રાન્ઝિટ કૉરિડોર કરારમાં ભારત અને ઈરાન સાથે અફઘાનિસ્તાન પણ સામેલ છે.
2016માં પહેલી નવેમ્બરે ઇન્ડિયન બૅન્ક ઈરાનમાં બ્રાંચ ખોલનારી ત્રીજી વિદેશી બૅન્ક બની હતી.
ઇન્ડિયન બૅન્ક સિવાય ઈરાનમાં ઓમાન અને દક્ષિણ કોરિયાની બૅન્ક છે. સાથે જ ઍર ઇન્ડિયાએ નવી દિલ્હીથી સીધી તેહરાન માટેનાં વિમાનની જાહેરાત કરી હતી.
માર્ચ 2017માં ભારત અને ઈરાન વચ્ચે ઘણા ઊર્જા કરારો થયા હતા.
ઈરાનની સાથે ભારતે ફરઝાદ બી કરારને પરિણામ સુધી પહોંચાડ્યો હતો. 2008માં ભારતીય ટીમે ઈરાનના અખાતમાં પ્રાકૃતિક ગેસની શોધ કરી હતી.
ભારતનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ જ વર્ષે જૂનમાં વાર્ષિક પત્રકાર પરિષદમાં ઈરાન સાથે સંલગ્ન એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, ભારત ઈરાન બાબતે સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોને જ માનશે, અમેરિકાના નહીં.
જોકે, 2009માં ભારતે સંયુક્ત રાષ્ટ્રના એક પ્રસ્તાવ પર ઈરાન વિરુદ્ધ મતદાન કર્યું હતું અને કહેવાય છે કે ભારતે આવું અમેરિકાના દબાણને લીધે કર્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો