શું પોર્ન વેબસાઇટ્સ ઉપર સરકાર લગામ કસશે?

    • લેેખક, નવીન નેગી
    • પદ, બીબીસી સંવાદદાતા

શું તમે ક્યારેય કોઈ પોર્ન વીડિયો જોયો છે? અથવા તો શું તમને યાદ છે કે પહેલીવાર પોર્ન જોતી વખતે તમારી ઉંમર કેટલી હતી?

તમે, સપ્તાહમાં કેટલી વાર પોર્ન વેબસાઇટ ઉપર જાઓ છો?

આ થોડા એવા સવાલો છે જેના જવાબ કદાચ જ કોઈ ખૂલીને આપવાનું પસંદ કરે.

બની શકે કોઈ પોતાની નીડરતા બતાવવા માટે શરૂઆતના બે સવાલોના જવાબ આપી પણ દે, પરંતુ વધુ શક્ય છે કે ત્રીજા સવાલના જવાબમાં તેઓ ફક્ત સ્મિત જ આપે.

આ સવાલોના જવાબ ભલે આપણને કોઈના મોઢે સંભાળવા ન મળે, પરંતુ જ્યારે કોઈપણ પોર્ન વેબસાઈટ્સ ઉપર પ્રતિબંધ લાદવાની વાત આવે ત્યારે ઘણા ચહેરાઓ ઉપર નિરાશા અને પરેશાનીના ભાવ સ્વયંભૂ પ્રગટ થઈ જાય છે.

હકીકતમાં ભારતના દૂરસંચાર વિભાગે દેશમાં ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવતા તમામ સર્વિસ પ્રોવાઇડર્સને આદેશ આપ્યો છે કે તેઓ 827 પોર્ન વેબસાઇટ્સને બ્લૉક કરી દે.

આ આદેશ ઉત્તરાખંડ હાઈ કોર્ટના એ ચુકાદા બાદ આપવામાં આવ્યો જેમાં તેમણે દેશમાં પોર્ન વેબસાઇટ્સ બંધ કરવાની વાત કહી હતી.

હાઈ કોર્ટમાં બળાત્કારના એક કેસની સુનાવણી દરમિયાન આરોપીએ કહ્યું હતું કે તેણે પીડિતાનો બળાત્કાર કરતા પહેલાં પોર્ન વીડિયો જોયો હતો.

દૂરસંચાર વિભાગના આ આદેશ બાદ પોર્નહબ સહિત ઘણી જાણીતી પોર્ન વેબસસાઇટ્સ ભારતમાં ખૂલવાની બંધ પણ થઈ ગઈ છે.

આ પછી સોશિયલ મીડિયા ઉપર લોકોએ #PORNBANની સાથે પોતપોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું.

કેટલું જોવાય છે પોર્ન?

ઉપર આપવામાં આવેલી સોશિયલ મીડિયાની ટિપ્પણીઓ દ્વારા તમે અંદાજ તો લગાવી જ લીધો હશે કે પોર્ન વેબસાઇટ્સ ઉપર લગામ કસાવાને લીધે તેનો ઉપયોગ કરનારા લોકોને કેટલી અસર થાય છે.

આ સ્થિતિમાં સવાલ એ ઊઠે છે કે શું સરકાર પોર્ન વેબસાઈટ્સ ઉપર ખરેખર અંકુશ લાદી શકે છે?

આ સવાલનો જવાબ વાંચતા પહેલાં એ પણ જાણી લો કે વર્ષ 2015માં પણ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લગભગ 850 પોર્ન વેબસાઇટ્સને બ્લૉક કરી દીધી હતી.

પરંતુ એના થોડા સમય બાદ જ તમામ પ્રકારની નવી વેબસાઇટ્સ આપણા ઇન્ટરનેટની માયાજાળમાં ઉપલબ્ધ થઈ ગઈ.

દુનિયાભરમાં પોર્ન સામગ્રી ઉપલબ્ધ કરાવનારી વેબસાઇટ પોર્નહબના એક સર્વેમાં એ વાત સામે આવી હતી કે વર્ષ 2017માં ભારતમાં પોર્ન વીડિયો જોવામાં 75 ટકા પ્રમાણ વધ્યું છે.

આનું સૌથી મોટું કારણ બહુ જ સસ્તા થયેલા મોબાઈલ ડેટાને ગણવામાં આવ્યું હતું.

દુનિયાભરમાં તુલના કરીએ તો ભારત પોર્ન જોવાની બાબતે ત્રીજો સૌથી મોટો દેશ છે. વર્ષ 2014 સુધી ભારત પાંચમાં સ્થાને હતું.

પોર્ન બાબતે શું કાયદો છે?

જયારે કોઈપણ ક્ષેત્રમાં કોઈ વસ્તુની માગ વધે તો તેના ઉપર પ્રતિબંધ લાદવો પણ એટલો જ મુશ્કેલ બની જાય છે. કંઈક આ જ હાલત ભારતમાં પોર્નની બાબતે કહી શકાય.

શું ભારતમાં પોર્નને નિયંત્રિત કરવા માટે કોઈ ખાસ કાયદો છે. આ વિષયમાં સાયબર બાબતોના વિશેષજ્ઞ પવન દુગ્ગલનું માનવું છે કે ભારતમાં હાલમાં તો પોર્નને નિયંત્રિત કરવાનો કોઈ કાયદો નથી.

પવન દુગ્ગલ કહે છે, "કેટલાક કાયદા એવા છે જે પોર્નોગ્રાફી ઉપર લાગુ થઈ શકે છે. જેમકે, માહિતી પ્રસારણનો કાયદો છે જે મુજબ કોઈપણ પ્રકારની અશ્લીલ ઇલેક્ટ્રૉનિક સામગ્રીને પ્રકાશિત-ટ્રાન્સમિશન કરવી અથવા એમાં મદદ કરવી ગેરકાયદેસર છે."

"આમાં પાંચ વર્ષની સજા અને ત્રણ લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે."

તમે આ વાંચ્યું કે નહીં?

પવન દુગ્ગલ જણાવે છે કે હકીકતમાં એ જણાવવું ખૂબ જ મુશ્કેલ છે કે કયા પ્રકારની સામગ્રી કોઈના મગજ પર કેવી અસર કરશે. આ જ કારણ છે કે કયા કન્ટેન્ટને અશ્લીલ માનવામાં આવે, એ વ્યાખ્યાયિત કરવું પણ મુશ્કેલ બની જાય છે.

તેઓ કહે છે, "અશ્લીલ સામગ્રીમાં ફક્ત વીડિયો જ નથી, આમાં તસવીરો-ચિત્રો અને લખાણ પણ સામેલ હોય છે. બીજી તરફ ચાઇલ્ડ પોર્નોગ્રાફી ઉપર તો એ સામગ્રીને જોવી પણ ગેરકાયદેસર છે અને તેની સજા નિર્ધારિત છે."

પોર્નની આપણાં શરીર ઉપર અસર

પવન દુગ્ગલ એક વાત સ્પષ્ટ કરે છે કે કોઈ સામગ્રીની કોઈ વ્યક્તિ ઉપર કેવી અસર પડશે એ કોઈ કહીં ના શકે અને એને કાયદાના પુસ્તકોમાં પણ સ્પષ્ટ રીતે લખવું મુશ્કેલ છે.

એવામાં સવાલ તો એ પણ થાય કે પોર્ન જોવાથી આપણાં શરીર ઉપર કેવી અસર પડે છે.

આ બાબતે સેકસૉલૉજિસ્ટ વિનોદ રૈના કહે છે કે જે દેશમાં સેક્સ ઍજ્યુકેશનના નામે કશું પણ જણાવવામાં ના આવતું હોય ત્યાં લોકોની પાસે પોર્ન જ એકમાત્ર વિકલ્પ બચે છે.

રૈનાનું કહેવું છે કે પોર્ન જોવાના ફાયદા અને નુકસાન બંને થાય છે.

તેઓ ઉમેરે છે, "ફાયદો એ રીતે કે આપણા દેશમાં સેક્સ એક ટેબુ છે, એટલે લોકો સેક્સ એજ્યુકેશનના નામે પોર્ન દ્વારા જ તમામ વસ્તુઓ શીખે છે અને નુકસાન એ રીતે કે એની સાચી જાણકારી નહીં હોવાને લીધે પોર્ન વીડિયોથી પ્રેરિત થઈને લોકોમાં ખોટી ધારણાઓ પણ ઠસી જાય છે."

વિનોદનું માનવું છે કે જો કોઈ પુખ્ત વયની વ્યક્તિ પોર્ન સામગ્રી જોતી હોય તો તેને અટકાવવી જોઈએ નહીં.

તેઓ કહે છે, "આપણા દેશમાં કામસૂત્ર લખાયું, અહીંયા ખજુરાહોનાં મંદિરોમાં સેક્સ સાથે સંલગ્ન દૃશ્યો અંકિત છે, એવામાં આપણે આ વેબસાઇટ્સને કેટલી નિયંત્રિત કરી શકીશું."

"જો પોર્ન જોવાથી કોઈ બળાત્કાર કરે છે, તો સૌથી પહેલા સરકારે નશા સાથે જોડાયેલી તમામ વસ્તુઓ ઉપર પ્રતિબંધ લાદવો જોઈએ કારણકે બળાત્કાર પાછળ સૌથી વધારે આ જ કારણ હોય છે."

શું પોર્ન ઉપર નિયંત્રણ શક્ય છે?

પોર્ન વેબસાઇટ્સને પ્રતિબંધિત કરવાની વાત સામે આવ્યા બાદ જ પોર્નહબે પોતાની એક અન્ય વેબસાઇટ ભારતીય દર્શકો માટે તૈયાર કરી દીધી.

એની જાણકારી તેઓએ ટ્વિટર ઉપર પણ આપી.

પોર્નહબની જેમ જ ઘણી અન્ય વેબસાઇટ્સ છે, જે પ્રતિબંધ લાગ્યા પછી પણ દેશમાં પોર્ન સામગ્રી ઉપલબ્ધ કરાવે છે. છેવટે આ કઈ રીતે સંભવ છે.

આ બાબતે પવન દુગ્ગલ જણાવે છે, "હકીકતમાં ભારતમાં જે પણ પોર્ન સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેમાં બહુ મોટો હિસ્સો વિદેશી વેબસાઇટ્સનો હોય છે. તેઓ સીધેસીધી ભારતીય કાયદા અંતર્ગત નથી આવતી."

"જો કોઈ વેબસાઇટ ઉપર અંકુશ લાદવામાં આવે તો પણ ઇન્ટરનેટનો સંસાર એટલો વિસ્તૃત છે કે કોઈપણ એને સીમાઓમાં બાંધી શકે એમ નથી, આ જ કારણ છે કે પોર્ન વેબસાઈટ્સ ઉપર અંકુશ લદાયા પછી પણ ફરીવાર કંઈક અદલબદલ સાથે ઉપલબ્ધ થઈ જાય છે."

સાયબર વિશેષજ્ઞ પવન દુગ્ગલ અને સેકસૉલૉજિસ્ટ વિનોદ રૈના બંનેનું માનવું છે કે ભારત જેવા મોટા લોકતંત્રમાં ઇન્ટરનેટ ઉપર કોઈ સામગ્રી ઉપર અંકુશ લાદવો એ ખરેખર અસંભવ છે.

સમાધાન શું હોવું જોઈએ?

એ બાબતે બંને વિશેષજ્ઞનું એક જ મંતવ્ય છે અને એ છે જાગૃતિ.

વિનોદ રૈના કહે છે કે સ્કૂલના અભ્યાસક્રમમાં 6ઠ્ઠા ધોરણ બાદ જ સેક્સ સંલગ્ન અભ્યાસ શરૂ થવો જોઈએ, જેનાથી વિદ્યાર્થીઓ મોટા થઈને ખોટે રસ્તે ના જાય અને સાચી જાણકારી મેળવી શકે.

પવન દુગ્ગલ કહે છે કે લોકોને જાગૃત કરવા પડશે, જેથી ઓછામાં ઓછા લોકો પોર્નોગ્રાફિક વેબસાઇટ્સ ઉપર જાય.

કારણકે આ વેબસાઇટ્સમાં ઘણી એવી લિંકસ હોય છે જે છેતરપિંડી સાથે સંલગ્ન હોય છે. લોકો ઘણીવાર પોર્ન જોવાની સાથે સાથે આવી છેતરપિંડીનો શિકાર પણ થઈ જાય છે.

આ બધું ભેગું કરીને એટલું જ કહી શકાય કે આ રીતના અંકુશ ભલે સમયે-કસમયે લાદાતાં રહેતાં હોય, પરંતુ એની ઉપર સરકારી લગામ ખેંચી શકાય નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો