ગ્રાઉન્ડ રિપોર્ટ : 'તેઓ કહે છે કે મારો દીકરો ઉગ્રવાદી બની ગયો છે, હું સ્વીકારતો નથી'

    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, કાશ્મીરના ખાનયારથી, બીબીસી ગુજરાતી માટે

આ તસવીરમાં એક યુવક દેખાઈ રહ્યો છે જેના શરીર પર હથિયાર અને દારૂગોળો બાંધેલા છે. તેના બેકગ્રાઉન્ડમાં કથિત ઇસ્લામિક સ્ટેટ(આઈ.એસ.)નો ઝંડો દેખાઈ રહ્યો છે. તેમાં ISJK લખેલું છે.

વાઇરલ થયેલી આ તસવીર 19 વર્ષના એહતેશામ બિલાલની છે. તેના માથે કાળા રંગની પાઘડી બંધાયેલી છે જેવી કથિત ઇસ્લામિક સ્ટેટના ચરમપંથીઓનાં માથે બાંધેલી હોય છે.

આ તસવીર પર એહતેશામ બિલાલ લખેલું છે. આ સિવાય છ મિનિટનો ઉર્દૂ ભાષમાં એક ઓડિયો વાઇરલ થયો છે.

આ ઓડિયોમાં એહતેશામ કાશ્મીરમાં ઇસ્લામી સત્તા સ્થાપવાની વાત કરી રહ્યા છે. સાથે જ તેઓ કુરાનની અમુક આયતો પણ વાંચે છે.

કોણ છે એહતેશામ?

ભારત પ્રશાસિત કાશ્મીરના ખાનયાર વિસ્તારના રહેવાસી એહતેશામ બિલાલ દિલ્હીને અડીને આવેલા નોઇડાની એક પ્રાઇવેટ યુનિવર્સિટીમાં બીએમઆઈટીના વિદ્યાર્થી છે.

એહતેશામની તેમના પિતા બિલાલ અહમદ સોફી સાથે છેલ્લી વાત 28 ઑક્ટોબર 2018ના રોજ થઈ હતી. આ સમયે એહતેશામ તેમની યુનિવર્સિટીથી દિલ્હી જઈ રહ્યા હતા. ત્યારબાદ તેમનો અત્યારસુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

ગત 4 ઑક્ટોબરના રોજ યુનિવર્સિટી કૅમ્પસમાં અમુક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી જેમાં એહતેશામ પણ ઘાયલ થયા હતા.

એહતેશામનાં માતાપિતા આઘાતમાં

એહતેશામના ગાયબ થયા બાદ તેમનાં માતા ઇરફાના ખૂબ જ બીમાર છે.

બે દિવસ પહેલાં જ્યારે તેઓ પોતાના પરિવાર સાથે શ્રીનગરના પ્રેસ એન્ક્લેવમાં પ્રદર્શન કરવા આવ્યાં હતાં ત્યારે તેમને ગ્લુકોઝનો બૉટલ પણ ચઢી રહી હતી.આમ છતાં તેઓ ત્યાં આવ્યાં હતાં.

બિલાલ અહમદની હાલત પણ ખરાબ છે. તેઓ એક દુકાનદાર છે.

એહતેશામના માતાપિતા વાઇરલ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યાં પરંતુ એહતેશામ ક્યાં છે તે બાબતથી પરેશાન છે. તેમનું કહેવું છે કે જો એહતેશામ ચરમપંથીઓ સાથે ચાલ્યો પણ ગયો હોય તો તેને અપીલ કરે છે કે તે ઘરે પરત ફરી જાય.

એટલું જ નહીં તેઓ દરેક ચરમપંથી સંગઠનોને અપીલ કરે છે કે એહતેશામને ઘરે પરત આવવા દે.

તમે આ વાંચ્યું કે નહીં?

એહતેશામનાં માતા ઇરફાના કહે છે, "ઓડિયોમાં સંભળાતો અવાજ મારા દીકરાનો નથી. શું હું નથી જાણતી કે મારા દીકરાનો અવાજ કેવો હોય. એહતેશામ જ્યાં પણ હોય, જેની પણ પાસે હોય હું દરેક સંગઠનને અપીલ કરું છું કે તેને પરત આવવા દે."

આટલું કહેતાં-કહેતાં તેઓ રડવા લાગે છે. થોડીવાર બાદ તેઓ બોલે છે, "એહતેશામ અમારા સમગ્ર પરિવારનો એકમાત્ર છોકરો છે. જો તે પરત નહીં આવે તો અમારી દેખરેખ કોણ કરશે. હું હાથ જોડીને માફી માગું છું કે મારા દીકરાને છોડી દો."

એક માતાની મમતા

ડૂસકે ડૂસકે રડતાં ઇરફાના આગળ કહે છે, "હું એહતેશામને કહું છું કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દે. અત્યારે જાણે અમે મરી ગયાં છે, તું ઘરે આવી જા."

"જો તેને કંઈ થશે તો ઘરમાં કોઈ નહીં બચે. જેની પાસે એહતેશામ છે તેઓ અમારા ઘરે આવે અને અમને બધાને મારી નાખે પછી વિચારે કે એહતેશામ સાથે શું કરવું છે. હું અપીલ કરું છું કે એહતેશામને સુરક્ષિત ઘરે પરત મોકલી દે."

એહતેશામના પિતા બિલાલ અહમદ કહે છે કે જે પ્રકારે ઓડિયોમાં ઉર્દૂ બોલે છે એવું ઉર્દૂ એહતેશામ નથી બોલી શકતો.

તેમણે કહ્યું, "મને નથી લાગતું કે આ ઓડિયો એહતેશામનો હોય. જેવી રીતે ઓડિયોમાં સંભળાય છે તેવી સ્પીચ તો કોઈ સ્કૉલર અથવા તો કોઈ સત્તાધિકારી જ બોલી શકે."

"એહતેશામ નાનો બાળક છે જે આટલી લાંબી સ્પીચ ના બોલી શકે."

એહતેશામના પિતા બિલાલ અહમદ ઉમેરે છે કે સોશિયલ મીડિયા કહી રહ્યું છે કે મારો દીકરો ચરમપંથી બની ગયો છે, પરંતુ હું કહું છું કે એહતેશામ એ તરફ બિલકુલ રસ નહોતો ધરાવતો.

બિલાલ અહમદ આગળ ઉમેરે છે, "જો એહતેશામ ચરમપંથી બની ગયો હોય તો હું દરેક સંગઠનને અપીલ કરું છું કે તેને પરત મોકલી દેવામાં આવે. અમારા ચાર ભાઈઓમાં એહતેશામ જ માત્ર છોકરો છે. ચાર માતાઓનો આ એક જ પુત્ર છે."

મિત્રોએ બતાવી હતી પિતાને તસવીર

બિલાલ અહમદ કહે છે કે ગત રાત્રે તેમના કોઈ મિત્રએ એહતેશામની વાઇરલ તસવીર બતાવી હતી અને ઓડિયો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે તસવીર અને ઓડિયો જોયા બાદ તેઓ છ કલાક સુધી બેહોશ હતા.

પોલીસ મહાનિરીક્ષક એસપી પાનીએ બીબીસીને જણાવ્યું કે આ વાઇરલ ઓડિયો અને તસવીરની તપાસ કરવામાં આવી રહી છે.

ખરેખર શું થયું હતું?

જે દિવસે એહતેશામ ગાયબ થયા હતા એ દિવસે ખરેખર શું બન્યું હતું એ અંગે બિલાલ અહમદ કહે છે, "જે દિવસે મારપીટની ઘટના બની હતી તે દિવસે હું નોઇડા પહોંચ્યો હતો. હું મારા દીકરા એહતેશામને મળ્યો હતો."

"તેને હાથમાં ઈજા થઈ હતી. એહતેશામ સિવાય અન્ય બે-ત્રણ કાશ્મીરી યુવકોને ઈજા પહોંચી હતી. હું એ વિદ્યાર્થીઓને પણ મળ્યો જેમને એહતેશામ સાથે મારપીટ કરી હતી."

"તેમણે મારી પાસે માફી માંગી. પરંતુ આ યુવકોમાંથી બે યુવકો મને મળવા નહોતા આવ્યા જેઓ મારપીટમાં સામેલ હતા."

"હું લગભગ છ દિવસ ત્યાં રહ્યો હતો. ત્યાંના સ્ટેશન હાઉસ માસ્ટરે મને કહ્યું હતું કે જો તમે અરજી આપો તો હું એ યુવકો વિરુદ્ધ કાર્યવાહી કરીશ જેમણે તમારા દીકરાને માર્યો હતો."

"પરંતુ મેં આવું કરવાનો ઇન્કાર કર્યો હતો. મેં વિચાર્યું કે આ પણ બાળકો છે અને કાર્યવાહીથી તેમની કારકિર્દી ખરાબ થશે. મેં એવું પણ વિચાર્યું કે આ લોકોને સાથે જ રહેવાનું હોવાથી કાર્યવાહી કરવી યોગ્ય નથી."

બિલાલ અહમદ કહે છે કે ત્યારબાદ 28 ઑક્ટોબરના રોજ મેં સવારે સાડા દસ વાગ્યે એહતેશામને ફોન કર્યો અને પૂછ્યું કે આજે શું કરે છે?

તેઓ ઉમેરે છે, "એહતેશામે કહ્યું હતું કે હું આજે મિત્રો સાથે દિલ્હી ફરવા જઈ રહ્યો છું. મેં એવું પણ પૂછ્યું કે મુબાશિર પર તારી સાથે છે કે નહીં?"

"એહતેશામે જવાબ આપ્યો કે ના. ત્યારબાદ મેં મુબાશિરને ફોન કર્યો તો તેણે કહ્યું કે તેની તબીયત સારી નથી."

"ત્યારબાદ મેં ફરી સાંજે 4.29 વાગ્યે એહતેશામ સાથે ફોન પર વાત કરી હતી. એહતેશામે કહ્યું હતું કે તે મને દિલ્હીની તસવીરો વ્હૉટ્સઍપ કરશે. મેં પૂછ્યું કે આજે ક્યાં-ક્યાં ગયો હતો તો તેણે કહ્યું કે હમણાં તસવીરો મોકલે છે."

'પરંતુ ફોન જ ના આવ્યો'

આગળ વાત કરતા બિલાલ કહે છે, "સાંજના સાડા છ વાગ્યા સુધી તસવીરો ન આવી તો મેં ફરીથી ફોન કર્યો. ત્યારે તેનો ફોન બંધ બતાવતા હતા. મેં મુબાશિરનો ફોન કર્યો જે તેની સાથે રૂમમાં રહે છે."

"મેં પૂછ્યું કે એહતેશામ યુનિવર્સિટી પહોંચ્યો કે નહીં તો મુબાશિરે કહ્યું કે ના. મુબાશિરે કહ્યું કે તેની એહતેશામ સાથે સાંજે સાડા વાગ્યે વાત થઈ હતી અને તેને એવું જ કહેલું જેવું મને કહ્યું હતું."

"અમે લગભગ 12 વાગ્યા સુધી રાહ જોઈ પરંતુ કોઈ ફોન ન આવ્યો. મુબાશિરે અમને કહ્યું કે એહતેશામે તેને સાડા આઠ વાગ્યા સુધીમાં આવી જવાનું કહ્યું હતું."

બિલાલ અહમદે એવું પણ જણાવ્યું કે રાતના બાર વાગ્યા સુધી એહતેશામનો કોઈ પત્તો ન લાગતા તેઓ ખાનયાર પોલીસ સ્ટેશન ગયા અને મિસિંગનો રિપોર્ટ નોંધાવ્યો હતો.

એહતેશામ સાથે યુનિવર્સિટીમાં મારપીટ શા માટે કરવામાં આવી હતી તે સવાલના જવાબમાં બિલાલ અહમદે કહ્યું કે યુનિવર્સિટીમાં તેમની પર હુમલો થયો હતો.

તેઓ ઉમેરે છે, "4 ઑક્ટોબરના રોજ એહતેશામ ક્લાસમાં હતો અને મુબાશિરે (એહતેશામના પિતરાઈ) તેને ફોન કરીને કહ્યું કે કૅમ્પસમાં સ્થિતિ ખરાબ છે એટલા માટે બહાર આવ."

"બીએઆઈટીના ચાર વિદ્યાર્થીઓ ક્લાસની બહાર આવી રહ્યા હતા તેમની સાથે ઉબૈદ પણ હતો. તે સમયે તેમની પર હુમલો થયો હતો."

બિલાલ અહમદે કહ્યું કે જ્યારે તેઓ યુનિવર્સિટી પહોંચ્યા અને એહતેશામ સાથે થયેલી મારપીટ અંગે પૂછ્યું તો યુનિવર્સિટી પ્રશાસને કહ્યું કે યુવકોએ ભૂલથી એહતેશામને માર્યો હતો.

બિલાલ આગળ કહે છે, "યુવકોને એવું લાગ્યું કે એહતેશામ અફઘાનિસ્તાનનો છે. મને યુનિવર્સિટી તરફથી કહેવામાં આવ્યું કે એ યુવકોને કાશ્મીરી યુવકો સાથે કોઈ લેવાદેવા નહોતી."

"એહતેશામે મને કહ્યું હતું કે આ બધા યુવકો તેની સાથે ક્રિકેટ રમતા હતા. પરંતુ જ્યારે તેની સાથે મારપીટ કરવામાં આવી ત્યારે એક યુવકે કહ્યું હતું કે એહતેશામ પર અફઘાન છે. મેં એહતેશામને આ અંગે પૂછ્યું તો તેણે કહ્યું કે વાત આગળ વધારવાથી કોઈ ફાયદો નથી."

આ ઘટના બાદ એહતેશામના દિમાગમાં શું ચાલી રહ્યું હતું તે અંગે બિલાલ કહે છે, "એહતેશામે મને કહ્યું હતું કે 'તમારા કહેવા પર હું દિલ્હી અભ્યાસ માટે આવ્યો હતો પરંતુ અહીં મારપીટ શરૂ થઈ ગઈ છે.'"

"એહતેશામે યુનિવર્સિટી પ્રશાસનને કહ્યું હતું કે તે કોઈ વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવા નથી માગતો."

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાએ શનિવારે એહતેશામની તસવીર અને ઓડિયોનો હવાલો આપી ટ્વીટ કર્યું, "નોઈડા યુનિવર્સિટીના લાપતા વિદ્યાર્થીની તસવીર આઈએસ ચરમપંથીના સ્વરૂપે આવવી ખૂબ જ ચિંતાનો વિષય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો