ભારત-પાક : જ્યાં ગોળીઓ નહીં પરંતુ રૂપિયાનો વરસાદ થાય છે

    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત પ્રશાસિત કાશ્મીરના ઉરી, સલામાબાદ ટ્રેડ સેંટરમાં ઇમ્તિયાઝ કેટલાક બીજા મજૂરોની સાથે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરથી આવતી ટ્રકોની રાહ જોઈ રહ્યા છે.

ભારત-પાકિસ્તાન તરફથી શરૂ કરવામાં આવેલા આ ટ્રેડ સેન્ટરમાં 35 વર્ષના ઇમ્તિયાઝ છેલ્લાં છ વર્ષથી મજૂરી કરી રહ્યા છે.

તેઓ એ દિવસોમાં શાળામાં ભણતા હતા જ્યારે ભારત-પાકિસ્તાન તરફથી એલઓસી ટ્રેડ શરૂ કરવામાં આવ્યો હતો. એમનો નિર્વાહ એના પર જ ચાલતો હતો.

એમની સાથે વાત ચાલતી જ હતી ત્યાં જ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરથી એક સુંદર અને ભપકાદાર ટ્રક સલામાબાદ ટ્રેડ સેન્ટરમાં આવી જેમાં બદામ ભરેલી હતી.

આ શરૂઆતે બદલ્યું જીવન

ઇમ્તિયાઝ જણાવે છે, ''દસ વર્ષ પહેલાં શરૂ થયેલા એલઓસી ટ્રેડે એમના જીવનને ઘણે અંશે બદલી નાખ્યું છે."

"ભણેલા-ગણેલા યુવાનોને આનાથી મોટો લાભ થયો છે. જે લોકો બેરોજગાર હતા તેમને રોજગાર મળ્યો છે.''

તમે આ વાંચ્યું કે નહીં?

એમણે જણાવ્યું, ''પહેલાં અહીંયા રોજગારની તક નહોતી પણ વેપાર શરૂ થવાથી સ્થિતિ બદલાઈ ગઈ છે."

"સરકારે આ વેપાર-ધંધાને પ્રોત્સાહન આપવું જોઈએ. જો આવું થાય તો ઘણા લોકોને રોજીરોટી મળશે.''

ભારત-પાકિસ્તાને વર્ષ 2008માં સીબીએમ (કૉન્ફિડેંસ બિલ્ડિંગ મેજર્સ એટલે કે ભરોસો સ્થાપિત કરવા માટે લેવાયેલાં પગલાં) હેઠળ સરહદની બન્ને બાજુથી અહીંયા ટ્રેડ શરૂ કર્યો હતો.

વેપાર- ધંધામાં સામેલ વસ્તુઓ

જમ્મુ-કાશ્મીરના લગભગ 240 વેપારીઓ અહીંયા વેપાર કરે છે. સરહદની બન્ને બાજુથી અહીંયા કુલ 21 જેટલી ચીજ-વસ્તુઓનો વેપાર થાય છે.

પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરથી આ બાજુ આવનારી ચીજ-વસ્તુઓમાં બદામ, કીનૂ, હર્બલ પ્રોડક્ટ, કપડાં, કેરી, સફરજન, સૂકો મેવો, ખુબાની અને શેતરંજી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.

એવી જ રીતે ભારત પ્રશાસિત કાશ્મીરથી કેળા, દાડમ, દ્રાક્ષ, મસાલા, ભરત-ગૂંથણની વસ્તુઓ, શાલ, કાશ્મીરી કળાની બીજી વસ્તુઓ અને મેડિસિન હર્બ્સનો સમાવેશ થાય છે.

ભારત પ્રશાસિત કાશ્મીરનાં ઉરી, સલામાબાદથી મુઝફ્ફરાબાદ જનારા માર્ગ પર અઠવાડિયામાં ચાર દિવસ પાકિસ્તાન માટે માલ ભરેલી ટ્રકો રવાના થાય છે.

આ જ રીતે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના ચકોટીથી પણ ટ્રકો તરફ આવતી હોય છે. સલામાબાદથી ચકોટીનું અંતર 16 કિલોમીટર છે.

5200 કરોડ રૂપિયાનો વેપાર

ઝેલમ નદીની ડાબી બાજુએ વસેલું ઉરી, બારમુલા જીલ્લાનો એક તાલુકો છે. આ જ રીતે જમ્મૂના પુંછનાં ચકા દી બાગથી રાવલકોટ માટે દર અઠવાડિયે એક ટ્રેડ થાય છે.

દસ વર્ષનાં આ ટ્રેડમાં અત્યાર સુધી 5200 કરોડ રૂપિયાનો વેપાર થઈ ચૂક્યો છે.

ઉરીના સબ-ડિસ્ટ્રિક્ટ મેજીસ્ટ્રેટ બશીર- ઉલ હક ચૌધરી જણાવે છે, ''અત્યાર સુધી અમે 5200 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. એમાં નિકાસ 2800 કરોડ રૂપિયાની છે જ્યારે આયાત 2400 કરોડ રૂપિયાની છે.''

સરહદ પારથી થતા આ વેપાર-ધંધા સાથે જોડાયેલા ધંધાદારીઓ ખૂબ ખુશ છે છતાં એમનું કહેવું છે કે આમાં પણ હજી કેટલી ખામીઓ છે જેને પૂરી કરવી અત્યંત જરૂરી છે.

શરતો સાથે વેપાર

હિલાલ તુર્કી ભારત પ્રશાસિત કાશ્મીરમાં એલઓસી ટ્રેડનાં અધ્યક્ષ છે.

તેઓ જણાવે છે , '' બન્ને દેશો વચ્ચેના સંબંધો નાજુક છે છતાં પણ બન્ને બાજુથી આ ટ્રેડ ચાલી રહ્યો છે.”

“સાથે-સાથે કેટલીક મુશ્કેલીઓ પણ છે જેનાથી વેપારમાં અડચણ આવી રહી છે. સૌથી પહેલી અડચણ તો એ છે કે આમાં 21 ચીજ-વસ્તુઓનો જ વેપાર કરી શકાય છે. સામાનની હેરફેર તો થાય છે પણ બૅન્કિંગની સગવડો ઉપલબ્ધ નથી.''

એમણે જણાવ્યું, "અહીંની પરિસ્થિતિ થોડીક જુદી છે. જો તમે અહીંથી કોઈ વસ્તુ મોકલો છો તો ત્યાંથી તમારે કોઈ ચીજ મંગાવવી પડે છે. ઘણી વખત તો એવું બને છે કે જ્યારે અમે પેલે પારથી કોઈ ચીજ લાવીએ છીએ તો એની બજાર કિંમત એની ખરીદ કિંમત કરતા ઓછી હોય છે, આવામાં આ નુકસાનનો ધંધો સાબિત થાય છે. આને કારણે ઘણા ધંધાદારી આ વેપારમાંથી અલગ થઈ ગયા."

ધંધાદારીઓની માંગણી

તુર્કી જણાવે છે કે આ સિવાય સુરક્ષા અને રજીસ્ટ્રેશનની પણ સમસ્યા છે.

તેઓ જણાવે છે, ''સરહદ પારના ટ્રેડ સાથે જોડાયેલા અમારા જેવા લોકોને શંકાની નજરે ના જોવામાં આવે. અમે તો આ વેપારમાં બન્ને દેશોનાં રાજદૂત છીએ.”

“અમને દરેક જગ્યાએ માનથી જોવામાં આવે. અમારા પર હંમેશા શંકાની તલવાર લટકતી જ હોય છે.''

બીજી સારી વાતો પણ છે

બશીર- ઉલ હક ચૌધરી જણાવે છે, '' આ ટ્રેડને ઉમદા બનાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. નાની-મોટી ઉણપો દૂર કરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.''

આ વેપાર ચાલતો રહે તેવું ઇચ્છનારા ઘણા લોકો છે.

ધંધો, નફો અને બન્ને બાજુનાં કાશ્મીરનાં લોકોની મુલાકાતોને છોડી દઈએ તો સલામાબાદ સેંટર પર મજૂરી કરનારા મોહમ્મદ યૂનુસની આ વાત મનને ગમી જાય તેવી છે.

તે કહે છે, ''પહેલાં અહીંયા પુષ્કળ શેલિંગ (ગોળીબારી) થતી હતી પણ અત્યારે અહીં શાંતિ છે. અમારા માટે આ જ સૌથી મોટો ફાયદો છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો