કાશ્મીરી રેશમનું 'કામણ' ફરી બેઠું થશે કે નહીં

    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, શ્રીનગરથી, બીબીસી ગુજરાતી માટે

ભારત પ્રશાસિત કાશ્મીરમાં 120 વર્ષ જૂનું રેશમ રીલિંગનું કારખાનું ત્રણ દાયકા બાદ ફરીથી ધમધમવા લાગ્યું છે.

ફરી એક વખત કારખાનામાં રેશમનાં તાણા વણતા અને રેશમી ગુચ્છા બનાવતા કારીગરો નજરે પડવા લાગ્યા છે.

આજથી ત્રીસ વર્ષ પહેલાં આ સરકારી કારખાનાને બંધ કરી દેવાયું હતું પણ છેલ્લા પચીસ દિવસથી કારીગરો અહીં રેશમના તાણાવાણા ગૂંથવામાં મગ્ન છે.

અલબત્ત, કારખાનું ભલે ફરી એક વખત ચાલુ કરી દેવાયું હોય પણ હજુ પહેલાં જેવો દબદબો નજરે નથી પડતો.

વીતી ગયેલા વખતને ફરી જીવંત કરવાનો પ્રયાસ

ગુલામ નબી બટ છેલ્લાં 38 વર્ષોથી કાશ્મીરના રેશમના ઉદ્યોગ સાથે જોડાયેલા છે.

1975માં બટે રેશમ રીલિંગ ફેકટરીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી લઈને 1989 સુધી તેમણે કારખાનામાં મિકૅનિક તરીકે કામ કર્યું હતું.

વીતેલા વખતને યાદ કરતા બટ જણાવે છે રેશમના દોરા બનાવવાનો એ સોનેરી કાળ હતો.

તેઓ કહે છે, ''એ વખતે અહીં બે શિફ્ટમાં કામ ચાલતું. કારખાનું સરકારને પણ ભારે ફાયદો રળી આપતું હતું.''

''મને એ સમય પણ યાદ છે કે જ્યારે અહીં કેટલાય કારીગરો કામ કરતા હતા. કારખાનું ફરી શરૂ થયું એ વાતનો મને આનંદ છે. પણ, આજે હું અહીં એકમાત્ર મિકૅનિક છું.''

''1989 પહેલાં કારખાનામાં મારા સહિત ચાર મેકૅનિક હતા. પણ, અત્યારે હું એકલો જ છું. ક્યારેક ક્યારેક હું સાડા દસ વાગ્યા સુધી અહીં કામ કરતો હોઉં છું.''

''કારણ કે હું ઇચ્છું છું કે કારખાનાનો દબદબો પહેલાંની માફક જ કાયમ થાય. અહીંનો માહોલ ફરી એક વખત એવો જ જીવંત થઈ જાય જેવો આજથી ત્રીસ વર્ષ પહેલાં હતો.''

કારખાનું કેમ બંધ થયું?

વર્ષ 1989માં રેશમના આ કારાખાનાને ભારે ખોટ ગઈ અને સરકારે તેને બંધ કરી દેવાનું નક્કી કર્યું.

શ્રીનગરના સુલીના વિસ્તારમાં આવેલું આ કારખાનું અહીંના પ્રસિદ્ધ લાલચોકથી માત્ર બે કિલોમીટરના અંતરે જ આવેલું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર કારખાનું 120 વર્ષ જૂનું છે અને તેને 1897માં શરૂ કરવામાં આવ્યું હતું.

કારખાનાના મૅનેજિંગ ડિરેક્ટર જાવેદ ઇકબાલ અનુસાર કારખાનાનો પાયો સર વૉલટને મૂક્યો હતો. તેમના મતે કારખાનું બંધ પડ્યું એ પાછળ કેટલાંય કારણો જવાબદાર હતા.

તેઓ કહે છે, ''ત્રીસ વર્ષ પહેલાં જ્યારે કારાખાનું બંધ થયું ત્યારે એ કેટલાય લોકોને રોજગારી આપતું હતું. પણ, રેશમની ગુણવત્તામાં ઘટાડો નોંધાયો.''

કાશ્મીરની કથળતી સ્થિતિ અને કારખાના પર અસર

વળી, અહીં ટૅકનિકલ સ્ટાફની પણ ઘટ પડી. આવી નાની-નાની બાબતો કારણે કારખાનું બંધ કરી દેવું પડ્યું.''

''જ્યારે ફરીથી શરૂ કરાયું ત્યારે એવો નિર્ણય લેવાયો હતો કે એ ભૂલો ફરીથી ના થાય જે પહેલાં થઈ હતી.''

જોકે, કારખાનાના ઇન્ચાર્જ ગુલામ મોહમ્મદ બટ્ટનું કહેવું છે, ''કાશ્મીરમાં 1989ના વર્ષમાં જ્યારે સ્થિતિ કથળવા લાગી તો એની સીધી જ અસર કારખાના પર પણ પડી.''

''એ જ કારણ હતું કે તેને બંધ કરી દેવું પડ્યું હતું.''

હજારો પરિવારોને પહોંચશે ફાયદો

સરકારી આંકડા કહે છે કે હાલ કાશ્મીર ખીણમાં રેશમી ગુચ્છાના ઉત્પાદન સાથે 40 હજાર પરિવાર જોડાયેલા છે.

જેમની પાસેથી કારખાના માટે માલ ખરીદવાની તૈયારી માટેનો એક કાર્યક્રમ પણ નક્કી કરાયો છે.

જાવેદ ઇકબાલ કહે છે, ''40 હજાર પરિવાર આ કામ સાથે સંકળાયેલા છે. જેમા મહિલાઓ પણ મોટી સંખ્યામાં સામેલ છે.''

''પહેલાં એવું થતું હતું કે પૈસાદાર લોકો આ રેશમી ગુચ્છા તૈયાર કરનારાઓનો ગેરફાયદો ઉઠાવતા હતા.''

"હવેથી અમે જ સીધા તેમનો માલ ખરીદીશું. આવું કરવાથી બજારમાં રેશમના ગુચ્છાની કિંમતો પણ વધશે.''

બહારથી પણ માણસો લાવવામાં આવ્યા

અહીં ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં દર વર્ષે હજાર ટન જેટલા રેશમી ગુચ્છાનું ઉત્પાદન થતું હોય છે.

વર્ષ 1961-62માં રાજ્યમાં રેશમનું ઉત્પાદન 98 હજાર કિલો રહ્યું હતું.

ગત 25 દિવસ દરમિયાન સુલીનાના આ કારખાનામાં રેશમી ગુચ્છામાંથી 200 કિલોથી પણ વધુ દોરા તૈયાર કરાયા છે.

કારખાનાને ફરીથી ધમધમતું બનાવવા બહારથી પણ અહીં કારીગરો લાવવામાં આવ્યા છે.

કારખાનાના ઇન્ચાર્જ ગુલામ મોહમ્મદ બટનું કહેવું છે, ''હાલમાં તો ટ્રાયલ બેસિસ માટે બહારથી માણસો લાવવામાં આવ્યા છે.''

''આ કારીગરો અહીંના સ્થાનિક લોકોને પણ તાલીમ આપી રહ્યા છે. અમારા વિભાગના કેટલાક નિવૃત્ત લોકોને પણ તાલીમ માટે અહીં બોલાવાયા છે.''

1980માં અહીં 3500 કર્મચારી કામ કરતા હતા.

'કાશ્મીરનું રેશમ દુનિયામાં નં.1 હતું'

બટ જણાવે છે, ''જે દિવસોમાં અહીં 120 કિલો દોરા બનતા હતા એ દિવસોમાં અહીં 3 ફિલાચર(કૉકુનમાંથી રેશમના દોરા કાઢતું મશીન) ચલાવાતાં. હાલમાં અહીં માત્ર એક જ ફિલાચાર ચાલી રહ્યું છે.''

બટનું કહેવું છે જ્યારે રેશમનાં કપડાં તૈયાર થઈ જાય છે ત્યારે અમારા શૉ રૂમમાં એક સાડીની કિંમત એક લાખ સુધીની પણ હોય છે.

બંગાળથી આવેલા એક કારીગર મોહમ્મદ અલીનું કહેવું છે કે તેઓ દિવસ દરમિયાન 9થી 14 કિલો જેટલા તાણા વણી નાખે છે.

જાવેદ ઇકબાલનું કહેવું છે કે એક એવો પણ વખત હતો કે જ્યારે કાશ્મીરનું રેશમ દુનિયા આખીમાં શ્રેષ્ઠ ગણાતું હતું.

તેઓ જણાવે છે, ''કાશ્મીરનું રેશમ એક સમયે કાશ્મીરની શાન ગણાતું હતું. દુનિયા આખીમાં કાશ્મીરનું રેશન નંબર 1 હતું. આ રેશમની યુરોપના દેશોમાં પણ નિકાસ કરાતી હતી.''

''કાશ્મીરના રેશમની ગુણવત્તા અહીંની આબોહવાને કારણે પણ વધી જતી હોય છે. ભલે ચીનનું રેશમ પણ બજારમાં ઉપલબ્ધ હોય પણ કાશ્મીરી રેશમની તો હેરિટેજ વૅલ્યૂ પણ છે.''

ક્યારેક આ રેશમનું કારખાનું મૃતપ્રાય થઈ ગયું હતું પણ હવે તે ફરી ધબકવા લાગ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો