હવે ફૈઝાબાદ બન્યું શ્રી અયોધ્યા, યોગીનો નામ બદલવાનો સિલસિલો યથાવત

ભાજપ શાસિત રાજ્યોમાં નામબદલવાની મોસમ દિવાળીમાં પણ ચાલુ રહી છે. અયોધ્યામાં દિવાળી ઉત્સવની ઊજવણીમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે નામ બદલવાની પરંપરા આગળ ધપાવી ફૈઝાબાદનું નામ શ્રી અયોધ્યા કરવાની જાહેરાત કરી હતી.

આ વર્ષ અયોધ્યામાં મનાવાઈ રહેલી દિવાળીમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈનનાં પત્ની કિમ જોંગ-સૂકને આંમત્રિત કરવામાં આવેલા છે.

અયોધ્યાના રામપાર્કમાં યોજાયેલા દિપોત્સવના રંગારંગ કાર્યક્રમમાં સંબોધન કરતા યોગી આદિત્યનાથે ફૈઝાબાદ હવે અયોધ્યા તરીકે ઓળખાશે તેમ કહ્યું હતું.

અત્યાર સુધી અયોધ્યા ફકત આ જિલ્લાનો એક ભાગ હતો, પણ હવે આખો જિલ્લો શ્રી અયોધ્યાને નામે ઓળખાશે.

હિંદુ ધાર્મિક માન્યતા મુજબ આ શહેરમાં જ ભગવાન શ્રી રામનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે અને તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ બાબતે અયોધ્યામાં રામમંદિર નિર્માણનું આંદોલન ફરી છેડવાની જાહેરાત કરવામાં આવેલી છે.

અયોધ્યા શહેર 10 વર્ગ કિલોમિટરમાં ફેલાયેલું છે અને તે હિંદુ, જૈન અને બૌદ્ધ મંદિરો માટે જાણીતું છે. રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ બાદ 1992થી અયોધ્યા રાજનીતિનું કેન્દ્ર બન્યું છે.

આ ઉપરાંત તેમણે અયોધ્યામાં ભગવાન શ્રી રામના નામે ઍરપૉર્ટ બનાવવાની અને રાજા દશરથને મેડિકલ કૉલેજ બનાવવાની પણ જાહેરાત કરી હતી.

અઠવાડિયા અગાઉ યોગી આદિત્યાનાથે દિવાળી પર મોટી જાહેરાત કરીશું તેમ જણાવ્યું હતું, ત્યારે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી'ની જેમ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમાની જાહેરાત કરે અથવા હાલ ફરી ચર્ચામાં આવેલા રામમંદિર મુદ્દે વાત કરે તેવી ધારણાઓ હતી.

જોકે, તેમણે રામમંદિર કે રામની પ્રતિમા બાબતે કોઈ જાહેરાત કરી નહોતી.

ભાજપા શાસિત રાજ્યોમાં વિવિધ શહેરો, સ્થળોનાં નામ બદલવાની અને તેને પોતાની રાજનીતિ મુજબ ઢાળવાની પરંપરામાં ફૈઝાબાદનો ઉમેરો થયો છે ત્યારે અગાઉની કેટલીક જાહેરાતો આ મુજબ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મુઘલસરાઈ સ્ટેશનનું નામ બદલીને પંડિત દિનદયાળ ઉપાધ્યાય સ્ટેશન કરવામાં આવ્યું.

નવી દિલ્હીમાં ઔરંગઝેબ રોડનું નામ બદલીને એ.પી.જે અબ્દુલ કલામ માર્ગ કરવામાં આવ્યું.

2016માં હરિયાણાની ભાજપ સરકારે ગુડગાંવનું નામ બદલનીને ગુરૂગ્રામ કર્યુ હતું.

ગત મહિને ઉત્તરપ્રદેશ સરકારે બરેલી, કાનપુર અને આગ્રા શહેરનાં એરપોર્ટનાં નામ બદલીને હિંદુ સંપ્રદાય મુજબ કરવાની જાહેરાત કરી હતી.

જેમાં બરેલી ઍરપૉર્ટનું નામ નાથ સંપ્રદાય પર નાથનગરી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો