વાંચવા-લખવા કરતાં 'હિંદુત્વવાદી દેશભકિત' વધુ મહત્ત્વપૂર્ણ?

    • લેેખક, રાજેશ પ્રિયદર્શી
    • પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિંદી

દેશદ્રોહીઓની લાંબી થઈ રહેલી યાદીમાં હવે વધુ એક નામ ઉમેરાયું છે અને એ નામ છે ઈતિહાસકાર રામચંદ્ર ગુહાનું.

ગુહા હવે અમદાવાદ યુનિવર્સિટીમાં ભણાવવાની કામગીરી નહીં કરે કેમ કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ની નજરમાં તેઓ "શિક્ષણ અને દેશ માટે નુકશાનકારક" છે.

રામચંદ્ર ગુહા વિશે વાત કરતા પહેલા ભૂતકાળમાં જઈશું તો આ ટ્રૅન્ડ સમજવામાં સરળતા રહેશે.

27 સપ્ટેમ્બર 2018નાં રોજ મધ્યપ્રદેશના મંદસૌરમાં એક સરકારી કોલેજના પ્રોફેસરે વર્ગખંડમાં નારાબાજી કરી રહેલાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)નાં વિદ્યાર્થીઓની પગે પડીને માફી માગી હતી.

આ વીડિયો એક દિવસ માટે વાઇરલ થયો હતો અને પછી લોકો તેને ભૂલી ગયા.

તમે આ વાંચ્યું કે નહીં?

'દેશદ્રોહી' ઘોષિત કરવામાં આવેલા પ્રોફેસર સાહેબે ગાંધીવાદી રીતે તેનો વિરોધ કર્યો હતો અને કદાચ સમજદારી પણ એમાં જ હતી.

આ જ રાજયમાં 2006માં માધવ કૉલેજના પ્રોફેસર સભરવાલની માર મારીને હત્યા કરવામાં આવી હતી.

તેમને મારવાનો આરોપ જે છ લોકો પર લાગ્યો હતો એ પણ એબીવીપીના 'દેશભક્ત વિદ્યાર્થી નેતાઓ' હતા.

આ વાત મંદસૌરવાળા પ્રોફેસરને કદાચ યાદ રહી ગઈ હશે.

પ્રોફેસર સભરવાલ હત્યાકાંડના એક મુખ્ય આરોપીની તબિયત ખરાબ હતી અને તેની કેસની સુનાવણી પણ ચાલુ હતી. આ સમયગાળામાં મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેની ખબર પૂછવા દવાખાને ગયા હતા.

ઉલ્લેખનીય છે કે મુખ્ય મંત્રી હિંસક પ્રવૃતિમાં જોડાયેલા લોકોનો ઉત્સાહ વધારી રહ્યા છે તેવી આલોચના થઈ. જોકે, એ વાત આવી અને તરત જતી પણ રહી.

રાજય સરકારે પ્રોફેસર સભરવાલની હત્યાના મામલામાં જે રીત અપનાવી હતી તેના પર પણ કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા ને આખરે, 2009માં તમામ છ આરોપીઓ 'પુરાવાઓના અભાવને કારણે' છૂટી ગયા.

છૂટી ગયેલા તમામ આરોપીનો સંબંધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વિદ્યાર્થી સંગઠન એબીપીવી અને સંઘપરિવારની સહોયોગી સંસ્થા બજરંગદળ સાથે હતો.

આ કેસમાંથી છૂટી ગયા બાદ અમુક લોકોને શિક્ષણસંસ્થાઓમાં નોકરીઓ પણ આપવામાં આવી.

નિયંત્રણનુંપ્રથમ પગથિયું છે કૅમ્પસ

ભાજપ શાસિત રાજય મધ્ય પ્રદેશથી 10-12 વર્ષ અગાઉ એક પ્રકારનો ટ્રૅન્ડ યાને કે રિવાજ શરૂ થયો.

મંદસૌર અને ઉજ્જૈન જેવી અનેક ઘટનાઓ ત્યાં બની, પરંતુ 2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા પછી એબીવીપીથી જોડાયેલા વિદ્યાર્થીઓએ દેશભરમાં કૉલેજ કૅમ્પસ અને વિશ્વવિદ્યાલયોમાં પોતાને 'દેશભકત' અને બાકી બધાને 'દેશદ્રોહી' સાબિત કરવાનું અભિયાન છેડ્યું.

દિલ્હીની રામજસ કૉલેજ અને જેએનયુથી લઈને અલાહાબાદ (નવું નામ પ્રયાગરાજ) અને હૈદરાબાદ સુધી તમામ ઘટનાઓ એક જેવી છે અને તેમને અલગઅલગ ઘટનાઓ તરીકે નહીં પરંતુ એક શ્રેણીની જેમ જોવી જોઈએ.

આરએસએસના નિર્દેશો મુજબ એબીવીપી અને અન્ય હિંદુત્વવાદી સંગઠનો જે કરી રહ્યા છે એમની પીઠબળમાં સરકાર પૂરી તાકાત સાથે ઊભેલી છે.

શિક્ષણ સંસ્થાઓનું હિંદુત્વકરણ દેશનાં તમામ સંસ્થાનો પણ આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના નિયંત્રણની પ્રથમ કડી છે અને આ પ્રોજેકટ પર ગંભીરતાપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે.

પૂરી કોશિશ કરવામાં આવી રહી છે કે એકપણ કૅમ્પસમાં હિંદુત્વ સિવાયનો કોઈપણ અવાજ ન સંભળાય.

આ જ રીતે વરિષ્ઠ પત્રકાર સિદ્ધાર્થ વરદરાજનને અલાહાબાદ યુનિવર્સિટીમાંથી પોલીસ રક્ષણ સાથે પાછા ફરવું પડયુ હતું, કેમ કે એબીવીપી તેમને 'દેશદ્રોહી' ઘોષિત કરી ચૂકી હતી.

નાના-મોટા તમામ પ્રકારનાં દેશદ્રોહી

'ગાંધી બિફોર ઈન્ડિયા' અને 'ઈન્ડિયા આફટર ગાંધી' જેવા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત પુસ્તકો લખનારા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાને હવે ગાંધીની જન્મભૂમિ ગુજરાતમાં 'રાષ્ટ્રવિરોધી' જાહેર કરી દેવામાં આવ્યા છે.

એબીવીપીનાં વિદ્યાર્થીઓએ નક્કી કરી લીધું છે કે અમદાવાદ યુનિવર્સિટીમાં તેમનું ભણાવવું 'શિક્ષણ અને રાષ્ટ્ર બેઉ માટે' નુકશાનકારક છે.

સામાન્ય રીતે તો દેશદ્રોહીનો થપ્પો મારી દેવો જ પૂરતો હોય છે પણ આ કેસમાં વિશ્વવિદ્યાલયના વહીવટીતંત્રને એક લાંબી ચિઠ્ઠી લખવામાં આવી અને એમાં એ સાબિત કરવાની કોશિશ કરવામા આવી કે ગુહા ખરેખર જ રાષ્ટ્રવિરોધી છે.

એ ચિઠ્ઠીમાં ગુહાના પુસ્તકનાં અંશોનો હવાલો આપવામાં આવ્યો, તાર્કિક રીતે પોતાની વાત રજૂ કરવાની એબીવીપીની કદાચ આ પ્રથમ કોશિશ હતી.

પરંતુ કાશ કે તેઓ જાણતા હોત કે લેખિત શબ્દોમાં "" યાને કે અવતરણની સંજ્ઞાનો શું અર્થ થાય છે.

ગુહાની સામે જે ચાર અંશો પ્રમાણ તરીકે રજૂ કરવામાં આવ્યા છે એ પૈકીના બે તો ગુહાએ લખેલા જ નથી.

એ તો બ્રાહ્રણવાદ વિરોધી આંદોલનનાં નેતા ઈ. વી. રામાસ્વામી પેરિયારના લેખન અને ભાષણના અંશ છે, જે ગુહાએ અવતરણની સંજ્ઞા સાથે પોતાનાં પુસ્તકમાં ટાંકેલા છે.

આ ચિઠ્ઠીમાં ઘણી રસપ્રદ બાબતો લખવામાં આવી છે.

જેમ કે, "ગુહા આપણા પ્રાચીન અને મહાન રાષ્ટ્રનું અપમાન કરે છે, અમારી સભ્યતા સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ છે એ આખો સંસાર માને છે, તેઓ દિશાહીન વ્યકિત છે, એમને શું ભણાવશે ?"

ખેર, રામચંદ્ર ગુહાએ કહી દીધું છે કે તેઓ અમદાવાદ યુનિવર્સિટીમાં નહીં ભણાવે. આ નિર્ણયનું કારણ તેમણે પરિસ્થિતિ તેમના અંકુશમાં નથી તેવું જણાવ્યું.

દરેક સ્થળે હિંદુત્વ

એક તર્ક એવો પણ આપવામાં આવે છે કે જો કોંગ્રેસીઓ અને ડાબેરીઓ પોતાની પસંદનાં લોકોને શિક્ષણસંસ્થાઓમાં ભરી શકે છે તો અમે કેમ નહીં?

આ જ કારણ છે કે અટલ બિહારી વાજપેયીના સચિવ રહેલા શક્તિ સિંહા નહેરૂ મેમોરિયલ ચલાવી રહ્યાં છે અને ત્યાંથી પ્રતાપ ભાનુ મહેતા જેવા પુખ્ત વિદ્વાનને હટાવીને ટીવી ન્યૂઝ એન્કર અર્ણબ ગોસ્વામીને બેસાડવામાં આવ્યા છે, તેઓ દરેક વાત બરાડીને કહેવા માટે જાણીતા છે.

આ જ રીતે ભારતમાં સમાજવિજ્ઞાનના ક્ષેત્રે સંશોધનની સર્વોચ્ચ સરકારી સંસ્થા આઈસીએસએસઆર (ઇંડિયન કાઉન્સિલ ઑફ સોશિયલ સાયન્સ રિસર્ચ)ના ચેરમેન વૃજબિહારી કુમાર છે, જેઓ માને છે:

"જે લોકો મુઘલોની બીકથી જંગલમાં ભાગી ગયા તે લોકો આદિવાસી બની ગયા અને સૂવર ખાનારા દલિત બની ગયા."

તેઓ એવું પણ કહે છે કે ભારતમાં જાતિપ્રથા હતી જ નહીં, હિંદુધર્મમાં તમામ વિકૃતિઓ મુસલમાનો અને અંગ્રેજોના લીધે આવી.

વિજ્ઞાનના ભણતરની પરિસ્થિતિ પણ કંઈ અલગ નથી. મહત્તમ ધ્યાન જ્યોતિષ, સંસ્કૃત, ગોબર, ગૌમૂત્ર, સરસ્વતી નદીની શોધ વગેરે પર કેન્દ્રીત છે.

આરએસએસનો સ્પષ્ટ મત છે, "સમગ્ર વિશ્વનું જ્ઞાન હિંદુ ધર્મમાં નિહિત છે, વિદેશી અસરને કારણે આપણે આપણાં પ્રાચીન જ્ઞાન પર ગર્વ કરવાનું ભૂલી ગયા છીએ, એટલે એ પ્રાચીન જ્ઞાનને ફરી સ્થાપિત કરવું એ રાષ્ટ્રના હિતમાં છે."

તથ્ય અને તર્ક ગમે તે કહેતા હોય તો પણ ઇતિહાસના પાઠને હિંદુત્વવાદી નજરથી બદલવાનું કામ સતત ચાલુ છે.

રાજસ્થાનમાં રાણા પ્રતાપ સદીઓ પછી અકબર સામે વિજયી ઘોષિત થઈ ચૂકયા છે.

તો શિક્ષણનું શું થશે?

જેએનયુમાં "થિંક ટૅન્ક" બનાવવાને બદલે સવાલ પૂછનારાઓ સામે અસલી ટૅન્ક લાવવાની રણનીતિ, દરેક કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં ઊંચો તિરંગો ફરકાવવાનો નિર્દેશ, ભારતીય જનસંચાર સંસ્થાનમાં હવન વગેરે એવા કામ છે જે રાજનૈતિક રીતે અસહમત લોકોને ઉશ્કેરવા માટે કરવામાં આવે છે.

જો તેઓ ટૅન્ક અથવા ઝંડો લગાવવાથી થનારા ફાયદાઓ પર સવાલ ઉઠાવશે તો તેમને દેશદ્રોહી જાહેર કરવા આસાન બની જશે.

એબીવીપીનું કહેવું છે કે શિક્ષણનાં હિતમાં રામચંદ્ર ગુહાને પ્રોફેસર ન બનાવવામાં આવે.

જો એબીવીપીને શિક્ષણની આટલી ફિકર છે તો તેણે કયારે પૂછ્યું કે યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)માં શું થઈ રહ્યું છે?

રિસર્ચની બેઠકો અને બજેટમાં ઘટાડો કેમ થઈ રહ્યો છે, જેના લીધે ફી વધી જવાની છે તો પણ અનેક શિક્ષણ સંસ્થાઓનું ખાનગીકરણ શા માટે કરવામાં આવી રહ્યું છે?

આ કેવી અજીબ વાત છે કે જેના પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આટલો ગર્વ છે તે પ્રાચની હિંદુ પરંપરામાં જ્ઞાન મહદ્અંશે પ્રશ્નો અને તેના ઉત્તરોનાં માધ્યમથી આપવામાં આવેલું છે.

પ્રશ્ન પૂછવા માટે ગુરુકુળમાં પ્રેરણા અપાતી, પ્રશ્ન જ યક્ષ ગણવામાં આવતો, ઉત્તર નહીં. ત્યાં સુધી કે ઉપનિષદોમાં એક પ્રશ્નોપનિષદ પણ છે.

શાસ્ત્રાર્થની પરંપરાનાં દેશમાં અસહમત વિચારોને કચડી દેવા, તેને તર્કથી નહીં પરંતુ તાકાતથી પરાજિત કરવા એ કયારેય હિંદુ પરંપરાનો હિસ્સો નથી રહ્યું.

શિક્ષણ સંસ્થાઓમાં દેશભક્તિનાં નામે સવાલ પૂછવા પર પાબંદી આગળ કેવી રીતે નાગરિક તૈયાર કરશે?

શું સમાજવિજ્ઞાન પેરિયાર, જ્યોતિબા ફુલે, આંબેડકર વગર જ ભણાવવામાં આવશે, કારણ કે એ લોકો બ્રાહણવાદી હિંદુત્વના આકરા ટીકાકાર હતા અને આરએસએસની 'મહાન હિંદુ સભ્યતા'ની થિયરી પર સવાલ ઊભા કરી રહ્યા છે?

શિક્ષણને લઈને કોઈ ગંભીર ચિંતાની આશા સરકારમાં બેસેલા લોકોથી કરવી બેઈમાની છે.

તેના વિશે તો વિદ્યાર્થીઓએ અને યુવાવર્ગે વિચારવાનું છે. પોપટ પાઠનું રટણ કરનારા દેશભક્તો દેશની સેવા સારી કરશે કે તાર્કિક અને વૈજ્ઞાનિક અભિગમથી ભણેલા-ગણેલા દેશભક્ત?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો