દૃષ્ટિકોણ : હિંદુઓમાં ગુસ્સો છે તો બુદ્ધિ ભ્રષ્ટ થવાનું જોખમ પણ

    • લેેખક, દેવદત્ત પટનાયક
    • પદ, બીબીસી માટે

હિંદુઓને ગુસ્સો કેમ આવે છે એના પર વધારે ચર્ચા નથી થતી.

એમ મનાય છે કે હિંદુઓએ શાંત અને સહિષ્ણુ હોવું જોઈએ. આથી જ્યારે હિંદુઓને ગુસ્સો આવે છે ત્યારે લોકો અચંબામાં મૂકાઈ જાય છે, આશ્ચર્યચકિત રહી જાય છે. તેમને લાગે છે હિંદુ ધર્મના પાયામાં તો આ છે જ નહીં.

આજે ચોતરફ હિંદુઓનો ગુસ્સો જોવા મળી રહ્યો છે પણ લોકો તેને સમજી શકતા નથી. સમજવાનો પ્રયાસ પણ કરતા નથી.

આ રોગ છેલ્લાં 100 વર્ષોથી ધીમે ધીમે વધી રહ્યો છે અને અત્યારે તો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો છે.

એનું કારણ એ છે કે હિંદુઓને લાગે છે કે દેશભરમાં જે બીજા ધર્મમાં માનતા લોકો છે અથવા તો એ લોકો કે જેઓ પોતાને ધર્મ નિરપેક્ષ ગણાવે છે તેઓ હિંદુ ધર્મની વિરુદ્ધમાં છે. આ લોકોનાં લખાણમાં કે બોલવામાં હિંદુ ધર્મ વિરોધી પૂર્વગ્રહ જોવા મળે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જો તમારે ખ્રિસ્તી ધર્મ વિશે જાણવું હોય તો તમારે બાઇબલ વાંચવુ પડશે. ઇસ્લામ અંગે જાણવું હશે તે કુરાન વાંચવું પડશે.

પણ જો તમારે હિંદુ ધર્મ વિશે જાણકારી પ્રાપ્ત કરવી હશે તો કોઈ જ શાસ્ત્ર નથી કે જે સમજાવી શકે કે હિંદુ ધર્મ શું છે.

હિંદુ ધર્મ શાસ્ત્ર પર નહીં પણ લોકવિશ્વાસ પર નિર્ભર છે. એ મૌખિક પરંપરા પર ભરોસો ધરાવે છે.

હિંદુ ધર્મનાં રૂપ

ઉત્તર ભારતનો હિંદુ ધર્મ, દક્ષિણ ભારતના હિંદુ ધર્મથી અલગ છે. પાંચસો વર્ષ પહેલાંનો હિંદુ ધર્મ આજના હિંદુ ધર્મ કરતાં જુદો છે.

દરેક જાતિ, દરેક પ્રાંત અને ભાષા પ્રમાણે હિંદુ ધર્મનાં વિવિધ સ્વરૂપ છે. આ વિવિધતા મોટા ભાગના લોકોને સમજાતી નથી.

હિંદુ ધર્મને હજારો વર્ષોથી ખોટો ગણવામાં આવે છે. જ્યારે મુસલમાન ભારતમાં આવ્યા ત્યારે તેમણે હિંદુઓને મૂર્તિપૂજા કરનારા ગણાવી એમની નિંદા કરી.

એમને લાગ્યું કે મૂર્તિપૂજા એ જ હિંદુ ધર્મ છે. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમણે હિંદુ ધર્મમાં એક કરતાં વધુ ઇશ્વરની આરાધના થતી હોવાથી તેને એને ખોટો ગણાવ્યો અને એકેશ્વરવાદને જ સત્ય ગણાવ્યો.

એનાથી ભારતના લોકો દબાણમાં આવી ગયા. જો તમે આઝાદીની લડત દરમ્યાન લખવામાં આવેલું લખાણ વાંચો તો તમને ભારતીય બુદ્ધિજીવીઓ બચાવની મુદ્રામાં નજરે ચઢે છે.

અંગ્રેજોના સમયમાં મોટા ભાગના બુદ્ધિજીવીઓ એમની વાત માનતા જોવા મળ્યા છે. એમણે હિંદુ ધર્મને સમજવાને બદલે એને બદલવાની શરૂઆત કરી.

એમના લખાણમાં સગુણ ભક્તિ, મૂર્તિપૂજા અને રીત-રિવાજોની નિંદા અને નિર્ગુણ ભક્તિની પ્રશંસા વગેરે જોવા મળ્યું.

એ લોકોએ હિંદુ ધર્મને એવી રીતે ઢાળવાનો પ્રયાસ કર્યો કે જે પશ્ચિમના ધર્મો સાથે જોડાઈ શકે. પશ્ચિમના ધર્મોમાં શાસ્ત્ર અને નિયમ બહુ સ્પષ્ટ છે. એક પ્રકારના સુધારણા આંદોલનનાં મંડાણ થયાં.

હિંદુ ધર્મની નિંદા

હિંદુ ધર્મને એક ખાસ રૂપ આપવાનું કામ 200 વર્ષ પહેલાં અંગ્રેજોએ કર્યું હતું. તેઓ જ્યારે આ કામ કરી રહ્યાં હતાં ત્યારે તેમનું ભણતર રાજકારણથી પ્રેરિત હતું એટલે તેઓ એ સાબિત કરવા માગતાં હતાં કે હિંદુ ધર્મ ખ્રિસ્તી ધર્મ કરતાં ઊતરતો છે.

ધીરે ધીરે દુનિયા જ્યારે ધર્મનિરપેક્ષતા તરફ વળી તો આપણો ઝુકાવ અંગ્રેજ વિદ્વાનોને બદલે ડાબેરી વિચારકો તરફનો રહ્યો. ડાબેરી વિચારકો કોઈ ધર્મમાં માનતા જ નથી તેઓ દરેક ધર્મની નિંદા કરે છે.

હિંદુ ધર્મની તો તેઓ આકરી નિંદા કરે છે. એમનાં લખાણ પરથી એવું પ્રતીત થાય છે કે તેઓ હિંદુ ધર્મનું વિશ્લેષણ કરે છે અથવા તો એના વિશે સમજાવે છે. પણ પુસ્તકો મારફતે એક પ્રકારનું સુધારણા આંદોલન ચલાવવામાં આવે છે.

આ વિચારધારામાં હિંદુ ધર્મને મહિલા વિરોધી અને જ્ઞાતિવાદી ગણાવવામાં આવે છે. હિંદુ ધર્મની મોટી વસ્તુ જેવી કે વેદાંત વગેરેને માત્ર ભ્રમણા ગણાવવામાં આવે છે.

ડાબેરી વિચારકો સમજાવે છે કે વેદાંત અને ભારતીય દર્શન તો હાથીદાંતની જેમ માત્ર દેખાડવા માટે જ છે. હિંદુ ધર્મની વાસ્તવિકતા તો જ્ઞાતિવાદ જ છે.

બદલાતા પ્રસંગો અને તહેવારો

સમાનતાવાદી અને ધર્મનિરપેક્ષવાદી દુનિયામાં દરેક ધર્મને એક સમાન ગણવામાં આવતો નથી. પયગંબરોને ઐતિહાસિક અને અવતારોને કાલ્પનિક માનવામાં આવે છે.

સોશિયલ મીડિયામાં ભગવાનની લીલાઓની મજાક ઉડાડવામાં આવે છે.

દરેક વિશ્વાસ આંધળો હોય છે પણ હિંદુઓને લાગે છે કે માત્ર હિંદુ ધર્મની માન્યતાઓને જ અંધવિશ્વાસનો દરજ્જો પ્રાપ્ત છે.

દુનિયાભરમાં આ વાત ફેલાયેલી છે ,તમે ગમે ત્યાં પણ જાવ હિંદુ ધર્મ વિશે લોકો બે જ વાતો કરે છે કે હિંદુ મૂર્તિપૂજક છે અને જ્ઞાતિવાદી છે. અથવા તો નાગા બાવાઓ કે સંન્યાસી સાથે જોડી દે છે.

એક પ્રકારથી હિંદુ ધર્મને વિચિત્ર દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેથી એના પર વિશ્વાસ કરનારા લોકોને ખરાબ લાગે છે.

જો તમે અખબાર જોશો તો તમને જણાશે કે જ્યારે હિંદુ તહેવાર આવે છે તો લોકો હિંદુ ધર્મની ખોદણી કરવા માંડે છે. જેમ કે દિવાળી દરમ્યાન પ્રદૂષણ વધવાની વાત સામે આવે છે. દરેક

પૂજાની બાબતમાં આમ બને છે. તેઓ સમજતા નથી કે ઔદ્યોગીકરણને કારણે તહેવારોનું સ્વરૂપ ઘણું બદલાઈ ગયું છે.

પહેલાના સમયમાં ફૂલ પાંદડાથી પૂજા કરવામાં આવતી જ્યારે અત્યારે પ્લાસ્ટિક આવી ગયું છે, પ્લાસ્ટર ઑફ પેરિસ આવી ગયું છે, દારૂગોળો આવી ગયો છે.

તહેવારોનું આધુનિકરૂપ પર્યાવરણને અનુકૂળ નથી. સમસ્યા ઔદ્યોગીકરણ અને વ્યવસાયીકરણની છે, ધર્મની નથી. છતાં લખનારા તો હંમેશા ધર્મની નિંદા કરે છે.

સ્ત્રીવિરોધી છે હિંદુ ધર્મ

હિંદુ તહેવારો અંગે માનવામાં આવે છે કે તે સ્ત્રીવિરોધી છે. માનવામાં આવે છે કે તમામ પરંપરા પુરુષોના વર્ચસ્વને વધારે છે. પણ આવું તો બધા જ ધર્મોમાં છે.

જેમ કે ઇસ્લામમાં બધું જ પુરુષ પ્રધાન છે, સ્ત્રી પયગંબરની વાત જ કરવામાં આવી નથી.

મધર મેરીને બાદ કરતા કોઈ મહિલાની વાત કે ઉલ્લેખ કરવામાં આવતો નથી.

ધર્મની વાત કરવામાં આવે તો એમ કહેવામાં આવે છે કે ભારતનો સૌથી સારો ધર્મ બૌદ્ધ ધર્મ હતો અને બ્રાહ્મણોએ તેને નષ્ટ કરી નાખ્યો.

ઇસ્લામને કારણે પડી ભાંગ્યો. પણ કોઈ એમ નથી બોલતું કે બૌદ્ધ ધર્મ પણ પુરુષપ્રધાન છે. વિનય પિટકમાં સમલૈંગિકો( પાલીભાષામાં એને પંડક કહેવામાં આવે છે) અને સ્ત્રીઓની નિંદા કરવામાં આવી છે.

એક વાત બીજી કહેવામાં આવી છે કે હિંદુ ધર્મમાં મૌલિક વિચાર નથી. બધા જ વિચારો યૂનાનીઓ, તુર્કો, ફારસીઓ અને અંગ્રેજો મારફતે આવેલા છે. આ પણ બુદ્ધિજીવીઓના જ વિચાર છે, ભારતમાં મૌલિક કશું જ નથી.

હવે તો અમેરિકા યોગ પર પણ પોતાનો દાવો કરવા માંડ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે યોગને ભારત સાથે કોઈ જ લેવા દેવા નથી.

જ્યારે તમારા વિશ્વાસને જાણીજોઈને સતત ખોટો માનવામાં આવે, ત્યારે ગુસ્સો આવવો સ્વાભાવિક છે.

ભણેલા બુદ્ધિજીવીઓ માને છે હિંદુ ધર્મમાં પાપ કરતા અટકાવવાની કોઈ જોગવાઈ નથી. તો પછી એ વાતથી શું ફર્ક પડે કે તમને ખોટા ગણવામાં આવે છે કે સાચા.

બધી વાતની એક જ વાત કે હિંદુઓને ગુસ્સો એટલા માટે આવે છે કે એમના ધર્મને ખોટો ગણવામાં આવે છે અને એમને સમજવાને બદલે સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે.

કોઈને કોઈ વખતે તો ગુસ્સો આવવો નક્કી જ હતો અને 100 વર્ષથી ચાલી રહેલી બીમારી આમ સ્ફોટક રીતે સામે આવી છે.

પણ ભગવદ્ગગીતામાં જે લખ્યું છે તેને યાદ કરવું જોઈએ:

જ્યારે ક્રોધ આવે છે ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને આ જ આપણને અત્યારે ચોતરફ જોવા મળી રહ્યું છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે. તેમાં સામેલ તથ્યો તથા વિચાર બીબીસીના નથી તથા બીબીસી તેની કોઈ જવાબદારી નથી લેતું.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો