રામચંદ્ર ગુહા વિવાદ : 'જાણો,ઓળખો પછી અસહમતી દર્શાવો'

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઇતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાએ અમદાવાદ યુનિવર્સિટીમાં ન જોડાવવાનો નિર્ણય લીધો છે. તેઓ 1 ફેબ્રુઆરી, 2019થી યુનિવર્સિટીમાં જોડાવાના હતા.

પરંતુ સોમવારે તેમણે ટવીટ કરી કહ્યું, ''તેમના નિયંત્રણમાં નથી એવા સંજોગોના કારણે તે અમદાવાદ યુનિવર્સિટીમાં નહીં જોડાય.''

ગુહાએ ટવીટમાં લખ્યું,''મારા નિયંત્રણમાં ન હોય એવી કેટલીક પરિસ્થિતિને કારણે હવે હું અમદાવાદ યુનિવર્સિટીમાં નહીં જોડાઉં."

"હું અમદાવાદ યુનિવર્સિટીને શુભેચ્છા પાઠવું છું, તેની પાસે સારા અધ્યાપકો છે અને ઉત્તમ કક્ષાના વાઇસ ચાન્સેલર છે. હું ઇચ્છું કે ગાંધીની ઊર્જા ફરી એક વખત પોતાના વતન ગુજરાતમાં જીવંત થાય.''

બે અઠવાડિયા પહેલાં આરએસએસની વિદ્યાર્થી પાંખ 'અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ'(એબીવીપી)એ અમદાવાદ યુનિવર્સિટમાં રામચંદ્ર ગુહાની નિમણૂક સામે વિરોધ નોંધાવ્યો હતો.

16 ઑક્ટોબરે અમદાવાદ યુનિવર્સિટીએ 'ગાંધી વિન્ટર સ્કૂલ''ના ડાયરેક્ટર શ્રેણીક લાલભાઈએ ડૉ. ગુહાના નામની જાહેરાત કરી હતી.

19 ઑક્ટોબરે એબીવીપીએ આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો.

એબીવીપીએ રામચંદ્ર ગુહાને 'રાષ્ટ્રદ્રોહી' ગણાવી અમદાવાદ યુનિવર્સિટીમાં જેએનયુ જેવો માહોલ સર્જાવાનો ભય વ્યક્ત કર્યો હતો.

એબીવીપીએ ગુહાને 'અર્બન નક્સલ' પણ ગણાવ્યા હતા.

આ વિવાદ અંગે બીબીસીએ અમદાવાદ યુનિવર્સિટીના હોદ્દેદારોનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનું ટાળ્યું હતું.

ડૉ. ગુહાના અમદાવાદ યુનિવર્સિટીમાં નહીં જોડાવાના નિર્ણય વિશે બીબીસીએ શિક્ષણવિદોનો મત જાણ્યો.

'જાણો,ઓળખો પછી અસહમતી દર્શાવો'

જાણીતા અર્થશાસ્ત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યોગેન્દ્ર અલઘે આ ઘટનાને કમનસીબ ગણાવી.

તેમણે કહ્યું, ''આપણે વૈકલ્પિક વિચારધારાઓ પણ જાણવી અને સમજવી જોઈએ. તમે પહેલાં કોઈ વિશે જાણો, ઓળખો અને પછી અસમહત થાઓ.''

અલઘે જણાવે છે, ''ઘણા એવું માને છે કે યુનિવર્સિટીઝ માત્ર 'સ્કિલ ઍજ્યુકેશન' આપે છે પણ એ ખોટું છે. અહીં વિવિધ નિષ્ણાતો વિદ્યાર્થીઓની ક્ષિતિજો વિસ્તારવાનું કામ થતું હોય છે.''

તમે આ વાંચ્યું કે નહીં?

''પુસ્તકોનો જવાબ પુસ્તકથી આપો''

સૅપ્ટ યુનિવર્સિટીના ઍસોસિએટ પ્રૉફેસર ઋતુલ જોશી આ મુદ્દે વાત કરતાં કહે છે, ''આ મુદ્દો જ આખો ખોટો છે. તમે કોઈ ઇતિહાસકારના કોઈ પુસ્તક સાથે સહમત નથી તો તમે પુસ્તકથી જવાબ આપો, લખીને વિરોધ કરો."

ઋતુલ કહે છે, "રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાત અમદાવાદના વિદ્યાર્થીઓના વર્ગો લેવાના હોય એ વાત જ ઉત્સાહપ્રેરક હતી."

તેઓ ઉમેરે છે, ''જો તમે કોઈ વ્યક્તિના વિચાર સાથે સહમત નથી, તો તમે તેમની કક્ષાના અન્ય વિચારક અને નિષ્ણાતનો વિકલ્પ બતાવો, પણ તમે કોઈની નિમણૂકને ના અટકાવી શકો."

ઋતુલ આ પગલાની વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડનારી અસર અંગે પણ જણાવે છે.

તેઓ કહે છે, "આજે સંસ્થાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન મેળવવા પ્રયત્ન કરે છે, તેના માટે વિદ્યાર્થીઓનું આદાન-પ્રદાન અને વિવિધ ફેકલ્ટી એ શ્રેષ્ઠ વિકલ્પ બનતાં હોય છે."

"વિદ્યાર્થીઓને આનાથી મોટી તક મળે છે. એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સમાધાન ન થવું જોઈએ."

ઋતુલ આ વિશેના ભયસ્થાન વ્યક્ત કરતા કહે છે કે આ પ્રકારના પગલાથી આપણે લોકશાહીમાં વૈવિધ્ય ગુમાવીએ છીએ.

તેઓ માને છે કે ગુજરાત શિક્ષણક્ષેત્રે વૈશ્વિક સ્તરે સ્થાન મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું હોય ત્યારે આવી ઘટનાઓ 'રાજકીય ફાચર'નું કામ કરે છે.

કોણ છે રામચંદ્ર ગુહા?

રામચંદ્ર ગુહા ભારતીય ઇતિહાસકાર અને રાજકારણના અભ્યાસુ છે.

તેઓ પર્યાવરણ, સામાજિક અને રાજકીય સાંપ્રત પ્રશ્નો અને ક્રિકેટ જેવા વિષયો પર લખતા રહે છે.

તેઓ વિવિધ અખબારો અને સામયિકોમાં કટાર લેખક છે.

ગુહા ભારત ઉપરાંત યુરોપ અને અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કૅલિફૉર્નિયા, બર્કલી, યૅલ, સ્ટૅનફોર્ડ યુનિવર્સિટી તેમજ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ અને જર્મનીની યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપી ચૂક્યા છે.

તેઓ ગુજરાતના 2002ના રમખાણો પરના પુસ્તક 'ગુજરાતઃ ધ મૅકિંગ ઑફ એ ટ્રૅજેડી' અને 'પૅટ્રિઓટ્સ એન્ડ પાર્ટીસન્સ' જેવા પુસ્તકોના કારણે વિવાદમાં રહ્યા છે.

ગૌરી લંકેશની હત્યા વખતે પણ તેમણે સંઘને જવાબદાર ગણાવ્યો હતો.

આ મુદ્દે ભાજપે તેમને નોટિસ પાઠવી હતી. ક્રિકેટ અને ક્રિકેટ કંટ્રૉલ બૉર્ડ વિશેની ટિપ્પણીઓના કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો