બીબીસી ઍક્સક્લુઝિવ : રફાલ મામલે નિર્મલા સીતારમને કહ્યું, 'સોદામાં કોઈ વચેટિયા નથી'

    • લેેખક, ઝુબૈર અહેમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમને બીબીસીને આપેલાં ઍક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં વિવાદાસ્પદ રફાલ ફાઇટર વિમાનોના સોદાનો બચાવ કર્યો છે.

તેમણે જણાવ્યું કે આ સોદો ફ્રાંસ અને ભારત સરકાર વચ્ચે થયો હતો અને ભૂતકાળમાં થયેલા સોદોઓની જેમ તેમાં કોઈ વચેટિયા નહોતા.

તેમણે ઉમેર્યું કે તેમની સરકારની ટીકા કરવાના બદલે તેમની સફળતાની પ્રસંશા કરવી જોઈએ.

તમે આ વાંચ્યું કે નહીં?

બે વર્ષ પહેલાં ભારત અને ફ્રાંસ વચ્ચે 36 યુદ્ધ વિમાનોનો સોદો થયો હતો.

ફ્રાંસની 'દસો' કંપની દ્વારા નિર્મિત રફાલ વિમાનના આ સોદા વિશે વધુ માહિતી જાહેર કરાઈ નથી.

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યો છે.

રાહુલ ગાંધી અને અન્ય ટીકાકારો મુજબ આ સોદામાં બે ખોટ છે. પ્રથમ કે આ વિમાનોની કિંમત યુપીએ સરકાર દ્વારા નક્કી કરાયેલી કિંમત કરતાં વધુ ચૂકવાઈ છે.

બીજું કે 'આ વિમાનોનો કરાર ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપની અને 'દસો' વચ્ચે થયો હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પક્ષપાતની નીતિ ખુલ્લી પડી ગઈ છે.'

આ મામલે સરકાર કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહી છે. જેના લીધે વિપક્ષ સવાલ ઉભા કરી રહ્યું છે.

આ મુદ્દાઓને ધ્યાનમાં રાખતાં અનેક ટીકાકારોએ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે.

ગુરુવારે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમને બીબીસી સંવાદદાતા ઝુબેર અહેમદના અનેક સવાલોના જવાબ આપ્યા હતા.

બીબીસી: રિલાયન્સનું નામ લઈને અનેક લોકો કહી રહ્યાં છે કે આ પક્ષપાત છે.

નિર્મલા સીતારમન: કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવા માટે મારી પાસે પુરાવાઓ કે દસ્તાવેજો હોવા જોઈએ. મીડિયા કે વિપક્ષના દબાણ હેઠળ હું કઈ પણ કહી શકું નહીં. મારા હાથમાં સરકારી દસ્તાવેજો હોવા જોઈએ.

બીબીસી: તમે કાયમ એવું કહ્યું કે 'દસો'ને ભારતીય પાર્ટનરનું નામ સરકારે આપ્યું નથી પરંતુ તેમણે પોતાના ભારતીય પાર્ટનર સાથે પત્રકાર પરિષદ પણ યોજી હતી.

નિર્મલા સીતારમન: હું મીડિયા રિપોર્ટ્સનો જવાબ નથી આપતી.

બીબીસી: આ ફક્ત મીડિયા રિપોર્ટસ નથી. 'દસો'એ વર્ષ 2016માં એક કાર્યક્રમ યોજીને માહિતી આપી હતી.

નિર્મલા સીતારમન: શું તે રફાલ સોદામાં ઑફસેટ જવાબદારીઓને નિભાવે છે? મને અટકળો કરવાની પરવાનગી નથી.

બીબીસી: એવું પ્રતીત થઈ રહ્યું છે કે તમે ટેકનિકલ બાબતોનો સહારો લઈ રહ્યાં છો.

નિર્મલા સીતારમન: હું ટેકનિકલ બાબતોનો સહારો લઈ રહી છું? હું આપને નિયમ સમજાવી રહી છું. જો 'દસો' તેમના ભારતીય પાર્ટનરનું નામ આપે તો જ હું કઈક જવાબ આપી શકુ.

બીબીસી: રાહુલ ગાંધી લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને એવી ધારણા ઉભી કરી રહ્યા છે કે તમારા જવાબ અધૂરા છે, નક્કર નથી.

નિર્મલા સીતારમન: તમે અમારા જવાબો વાંચ્યા છે?

બીબીસી: મે જવાબ વાંચ્યા છે.

નિર્મલા સીતારમન: અને તમે એવું વિચારી રહ્યા છો કે મારી પાસે નક્કર જવાબ નથી?

સ્પષ્ટ કહો કે ક્યો જવાબ નક્કર નથી?

રાહુલ ગાંધીએ પાંચ અલગ-અલગ જગ્યાએ રફાલની પાંચ અલગ-અલગ કિંમતો જાહેર કરી છે. તમે કોને યોગ્ય માનો છો?

બીબીસી: તમે જે માહિતી સંસદને આપી છે હું તેના વિશે વાત કરી રહ્યો છું. તમે સંસદમાં કહ્યું છે કે પ્રાથમિક મૉડલનો ભાવ 670 કરોડ રૂપિયા છે.

નિર્મલા સીતારમન: અમે વર્ષ 2016માં સંસદને જે કિંમત જણાવી હતી તેની તુલના તેમણે પોતાના દાવાના આધારે નક્કી કરેલી કિંમતો સાથે કરવી જોઈએ

બીબીસી: સોદાની કિંમત 59,000 કરોડ રૂપિયા અથવા તો 6.87 અબજ ડૉલર હતી. શું આ સત્ય છે.?

નિર્મલા સીતારમન: હું તમને કિમંત જણાવીશ નહીં. જે કિંમત જાહેર કરવાની હતી તે સંસદમાં થઈ ગઈ છે.

બીબીસી: પરંતુ તે તો પ્રાથમિક કિંમત હતી.

નિર્મલા સીતારમન: બિલકુલ સંસદમાં અમને એ જ પૂછવામાં આવ્યું હતું અને અમે સંસદને એ જ જાણકારી આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો