You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુપ્રીમ કોર્ટે માંગી રફાલની કિંમત, સરકારે કહ્યું નહીં આપી શકાય
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી ગુજરાતી માટે
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં જસ્ટિસ યૂ યૂ લલિત અને જસ્ટિસ કે એમ જોસેફની બેન્ચે રફાલ બાબત સાથે સંલગ્ન અરજીઓ ઉપર સુનાવણી કરી.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરી, યશવંત સિન્હા અને પ્રશાંત ભૂષણ તરફથી રફાલ કેસમાં એફઆઈઆર નોંધવા અને તપાસની માંગ બાબત અરજી દાખલ કરવામાં આવી છે.
તેમનો આરોપ છે કે ફ્રાંસ પાસેથી રફાલ યુદ્ધ વિમાનોની ખરીદીમાં કેન્દ્રની મોદી સરકારે અનિયમિતતા આચરી છે.
આ સુનાવણીમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ તરફથી દાખલ કરાયેલી અરજીને પણ સામેલ કરવામાં આવી હતી.
સુપ્રીમે માંગી રફાલ સોદાનીવિગતો
10 ઑક્ટોબરે વકીલ એમ. એલ. શર્મા અને વિનીત ઢાંઢા તરફથી દાખલ કરાયેલી અરજીનો સુનાવણી માટે સ્વીકાર કરતા અદાલતે સરકાર પાસે રફાલ સોદા વિશે જાણકારી માંગી હતી.
ભારત અને ફ્રાંસની વચ્ચે 36 યુદ્ધ વિમાનોનો સોદો થયો છે. ડસૉ કંપની દ્વારા બનાવવામાં આવેલાં રફાલ યુદ્ધ વિમાનોના આ સોદા વિશે ઘણી બધી માહિતી સાર્વજનિક નથી થઈ.
વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ વિમાન સોદામાં ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના ઉદ્યોગપતિ અનિલ અંબાણીની નવી-નક્કોર રક્ષા કંપનીની સાથે ડસૉના કરારની બાબતે પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.
આ જ બાબતોને ટાંકીને ઘણી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
આપને આ પણ વાંચવું ગમશે
બુધવારે થયેલી સુનાવણીને અગત્યની જણાવીને અરુણ શૌરીએ બીબીસીને જણાવ્યું, "પહેલાં સુપ્રીમ કોર્ટે ફક્ત સોદાની પ્રક્રિયા બાબતની જાણકારી માંગી હતી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે પોતાની તપાસને વધુ વ્યાપક બનાવી દીધી છે."
તેઓએ કહ્યું, "હવે સુપ્રીમ કોર્ટે પ્રક્રિયા ઉપર વિસ્તૃત જાણકારી માગી છે."
"આ ઉપરાંત સરકારને એમ પણ પૂછ્યું છે કે વિમાનની કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવી અને ઑફશોર પાર્ટનરને સોદામાં કેવી રીતે સામેલ કરવામાં આવ્યા."
અરુણ શૌરીએ કહ્યું, "જયારે ભારતના સૉલિસિટર જનરલે સરકાર તરફથી કહ્યું, કિંમત ગુપ્ત છે ત્યારે અદાલતે કહ્યું કે સરકાર અદાલતને આ વાત સોગંદનામામાં કહે."
શૌરી કહે છે, "સરકાર માટે સોગંદનામામાં આ વાત કહેવી ખૂબ મુશ્કેલ હશે કારણકે ભૂતપૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરે પહેલા જ જાણકારી આપી હતી કે 126 વિમાનોની કિંમત 90 હજાર કરોડ થશે."
"આ હિસાબે એક વિમાનની કિંમત 715 કરોડ થાય. એ પછી રક્ષા રાજ્ય મંત્રીએ સંસદમાં લેખિત સવાલના જવાબમાં કહ્યું હતું કે એક વિમાનની કિંમત 670 કરોડ રૂપિયા થશે."
"એ પછી પોતાના વાર્ષિક અહેવાલમાં રિલાયન્સ અને ડસૉએ કહ્યું હતું કે એક વિમાનની કિંમત 670 કરોડ રૂપિયા નહીં પણ 1670 કરોડ રૂપિયા થશે."
કેન્દ્રની મોદી સરકારનું કહેવું છે કે ફ્રાંસ સાથે થયેલા રફાલ વિમાન સોદામાં ગોપનીયતાની શરત છે.
આ બાબતે શૌરી કહે છે કે ગોપનીયતાની આ શરત ફક્ત વિમાનોની તકનીકી જાણકારી ઉપર જ લાગુ થાય છે, કિંમત ઉપર નહીં.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુલ મૈક્રોં સાથે જ્યારે રફાલ વિમાનોની કિંમત વિશે સવાલ કરવામાં વ્યો હતો ત્યારે તેઓએ કહ્યું હતું કે એનો જવાબ આપવો ભારત ઉપર નિર્ભર કરે છે.
અરુણ શૌરીએ સુનાવણી વિશે કહ્યું, "અમે જ્યારે અદાલતને કહ્યું કે તેઓ સીબીઆઈને પૂછે કે તેઓએ રફાલ સોદાને મુદ્દે અમારી ફરિયાદ સંદર્ભે શું કર્યું તો આ બાબતે ચીફ જસ્ટિસ હસીને બોલ્યા કે ભાઈ, સીબીઆઈ પાસે અત્યારે તપાસ કરાવવી છે, તેઓને પહેલાં પોતાનું ઘર તો સંભાળી લેવા દો, પછી જોઈશું."
રફાલની કિંમત કેમ ન જણાવી શકાય?
ભારતના સૉલિસિટર જનરલે સુનાવણી દરમિયાન અદાલતને કહ્યું કે વિમાનોની કિંમત વિશે જાણકારી આપી શકાય એમ નથી, એ બાબતે અદાલતે સૉલિસિટર જનરલને આ વાત સોગંદનામામાં કહેવાનું કહ્યું.
આ બાબતે ટીપ્પણી કરતા અરુણ શૌરી કહે છે, "તેઓને કદાચ એ આશા નહીં હોય કે અદાલત આવું કહી શકે છે. આમ પણ અત્યારે સરકારના ખરાબ દિવસો ચાલી રહ્યા છે, ખબર નથી તેઓ ક્યારે ક્યાં શું કહી દે."
બીજી તરફ, કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "મોદીજી જે રબ્બરની નાવથી રફાલ સોદાનો ભ્રષ્ટાચાર છુપાવી રહ્યા હતા એ હવે ફાટી ગઈ છે."
"રફાલ વિમાનની કિંમત શા માટે ના જણાવી શકાય, એ રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન કેવી રીતે હોઈ શકે?"
"સીધી-સીધી વાત છે કે આમાં ભ્રષ્ટાચાર છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ ફક્ત એક જ રસ્તો બચ્યો છે- એ છે સંસદની જેપીસી(જોઈન્ટ પાર્લામૅન્ટરી કમિટી)."
"મોદી અને અમિત શાહ બહુ દિવસો સુધી આ વાત છુપાવી શકશે નહીં, કાયદાના હાથ બહુ લાંબા છે."
સૂરજેવાલા કહે છે, "મોદીજીને ડર હતો કે ક્યાંક સીબીઆઈ રફાલ બાબતે તપાસ ના કરે, એ જ ડરમાં તેઓએ રાતોરાત સીબીઆઈ ડાયરેક્ટરને પદથી હટાવી દીધા હતા."
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પહેલાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રફાલ કેસમાં પકડાઈ જવાનો ભય છે.
બીબીસીએ ભાજપા પ્રવક્તાઓ પાસેથી આ વાત ઉપર પ્રતિક્રિયા જાણવા માટે સંપર્ક કર્યો પરંતુ સમાચાર લખાયા સુધી કોઈ જવાબ મળ્યો નહીં.
ભારત સરકાર રફાલ સોદામાં ભ્રષ્ટાચારના તમામ આરોપોને નકારતી આવી છે. સોદા બાબતે સવાલો ઉઠ્યા બાદ સપ્ટેમ્બરમાં ભારતના નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે કેગ (કૉમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલ) આ કરારની કિંમતની તપાસ કરશે કે એનડીએનો રફાલ કરાર સારો છે કે યૂપીએનો કરાર સારો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો