સુપ્રીમ કોર્ટે જે ‘ગ્રીન ફટાકડા’નો ઉલ્લેખ કર્યો તે શું છે?

    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, નવી દિલ્હી

ફટાકડાના વેચાણ પર સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કેટલીક શરતો સાથે દિવાળીમાં આતશબાજી કરવાની પરવાનગી આપી છે.

જસ્ટિસ એ.કે. સીકરી અને જસ્ટિસ અશોક ભુષણની ખંડપીઠે કહ્યું હતું કે જો પ્રતિબંધિત ફટાકડાઓ વેચાશે તો જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી જવાદાર ગણાશે અને અધિકારીઓ પર કોર્ટના આદેશની અવગણના કરવાનો કેસ ચાલશે.

દિવાળીમાં માત્ર બે કલાક માટે રાત્રે 8થી10 વાગ્યા દરમિયાન ફટાકડા ફોડવાની પરવાગી આપવાની સાથે કોર્ટે એવો આદેશ પણ આપ્યો છે કે તહેવારોમાં ઓછું પ્રદૂષણ કરે તેવા 'ગ્રીન ફટાકડા' જ ફોડવા અને વેચવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે જે 'ગ્રીન ફટાકડા'નો ઉલ્લેખ કર્યો તે શું છે? આ ફટાકડાઓ સામાન્ય ફટાકડાથી કેવી રીતે જુદા પડે છે?

'ગ્રીન ફટાકડા'ની શોધ 'નેશનલ ઍનવાયરમૅન્ટલ એંજિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (નીરી) દ્વારા કરાઈ છે. આ ફટાકડા ઓછું પ્રદૂષણ ફેલાવે છે.

નીરી એક સરકારી સંસ્થા છે. આ સંસ્થા 'કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ' સંસ્થાના નેજા હેઠળ કાર્યરત છે.

જાન્યુઆરીમાં કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધને કહ્યું હતું કે દેશમાં ઓછું પ્રદૂષણ ફેલાવે તેવા ફટાકડાઓ તૈયાર કરવાની જરૂરિયાત છે.

ડૉ. હર્ષવર્ધનના આ નિવેદન બાદ નીરીએ 'ગ્રીન ફટાકડા' વિશે સંશોધન શરુ કર્યું હતું.

ગ્રીન ફટાકડા શું છે?

'ગ્રીન ફટાકડા' દેખાવમાં અને અવાજમાં સામાન્ય ફટાકાડા જેવા જ હોય છે પરંતુ તેનાથી પ્રદૂષણ ઓછું થાય છે.

સામાન્ય ફટકાડાઓ કરતાં આ ફટાકડા ફૂટવાથી 40-50 ટકા ઓછું નુકસાન કરે તેવો ગૅસ નિકળે છે.

નીરીના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સાધના રાયલુના જણાવ્યા મુજબ " આ ફટકાડાના કારણે નિકળનારો ગૅસ વાતાવરણમાં 40-50 ટકા ઓછું નુકસાન કરશે. આ ફટાકડાના કારણે પ્રદૂષણ સંપુર્ણપણે અટકાવી શકાશે નહીં પરંતુ તેના પ્રમાણમાં ચોક્કસથી ઘટાડો કરી શકાય."

તમે આ વાંચ્યું કે નહીં?

ડૉ.સાધના કહે છે કે સામાન્ય ફટાકડાના ફૂટવાથી વાતાવરણમાં મોટા પાયે નાઇટ્રોજન અને સલ્ફર ગૅસ ઉત્પન્ન થાય છે, પરંતુ તેમના સંશોધનનું લક્ષ્ય પ્રદૂષણમાં થતી માત્રાનો ઘટાડો કરવાનું હતું.

'ગ્રીન ફટાકડા'નો મસાલો સામાન્ય ફટાકડા કરતાં ઘણો જુદો હોય છે.

નીરી દ્વારા તૈયાર કરવામાં આવેલા કેટલાક ફૉર્મ્યુલાના લીધે આ ફટાકડામાંથી નુકસાનકારક ગૅસના પ્રમાણ ઘટાડો કરી શકાય છે.

વિવિધ પ્રકારના ગ્રીન ફટાકડા

ડૉ. સાધના જણાવે છે કે નીરી દ્વારા તૈયાર કરવામાં ફટાકડા સળગ્યા બાદ તેમાંથી પાણી નીકળશે જેના લીધે ફટાકડામાંથી નિકળતો નુકસાનકાર ગૅસ આ પાણીમાં ભળી જશે.

નીરી દ્વારા ચાર પ્રકારના 'ગ્રીન ફટાકડા' તૈયાર કરવામાં આવ્યા છે.

  • 1. પાણી ઉત્પન્ન કરે તેવા ફટાકડા

આ ફટાકડા સળગ્યા બાદ તેમાંથી પાણીના કણ નીકળશે.

આ પાણીમાં જ ફટાકડામાંથી નીકળતો સલ્ફર અને નાઇટ્રોજન ભળી જશે.

નીરી દ્વારા આ સંશોધનને 'સેફ વૉટર રિલીઝર' નામ અપાયું છે. આ સંશોધન ફટાકડાના કારણે થતાં પ્રદૂષણમાં ઘટાડવાનો કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

ગત વર્ષે દિલ્હીના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ઓછું કરવાં માટે પાણીના છંટકાવનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

  • 2.ઓછાં પ્રમાણમાં સલ્ફર અને નાઇટ્રોજન પેદા કરનારા ફટાકડા

નીરી દ્વારા આ ફટાકડાને STAR ક્રૅકર નામ આપવામાં આવ્યું છે.

જેનો અર્થ 'સેફ થર્માઇટર ક્રૅકર' થાય છે. આ ફટાકડામાં ઑક્સિડાઇઝિંગ ઍજન્ટનો ઉપયોગ થાય છે.

આ ફટાકડો સળગ્યા બાદ ઉત્પન્ન થતાં સલ્ફર અને નાઇટ્રોજનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.

જેના માટે વિશેષ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં છે.

  • 3.ઍલ્યુમિનિયમનો ઓછો ઉપયોગ

આ ફટાકડાઓમાં સામાન્ય ફટાકડા કરતાં 50-60 ટકા જેટલું ઍલ્યુમિનિયમ ઓછું વાપરવામાં આવે છે.

નીરી દ્વારા આ ફટાકડાને સેફ મિનિમલ ઍલ્યુમિનિયમ એટલે કે SAFAL નામ આપવામાં આવ્યું છે.

  • 4.અરોમાં ક્રૅકર્સ

આ ફટાકડા સળગ્યા બાદ તેમાંથી નુકસાનકારક ગૅસ ઓછો પેદા થશે અને તેમાંથી સારી સુગંધ પણ પ્રસરાશે.

ગ્રીન ફટાકડા ક્યાં મળશે?

હાલમાં દેશની બજારોમાં 'ગ્રીન ફટાકડા' ઉપલબ્ધ નથી. આ સંશોધન બજાર સુધી પહોંચતાં વાર લાગશે.

આ ફટાકડાને બજારમાં મૂકતાં પહેલાં સરકાર સમક્ષ તેના ફાયદા અને ગેરફાયદા દર્શાવવા પડશે.

સરકાર દ્વારા ફટાકડાઓનું નિરીક્ષણ કરાયા બાદ તેને બજારમાં મૂકવા અંગેની પરવાનગી અપાશે.

વર્તમાન સમયમાં દેશનાં બજારોમાં વેચાતાં ફટાકડા પરંપરાગત રીતે તૈયાર થાય છે.

જોકે, કેટલાક કેમિકલ પર પ્રતિબંધ મૂકાયા બાદ આ પ્રકારે તૈયાર થતાં અમુક ફટાકડા બંધ થઈ ગયા છે.

'ગ્રીન ફટાકડા'નું સંશોધન ભલે નીરી દ્વારા કરવામાં આવ્યું હોય પરંતુ તેનું ઉત્પાદન બજારના માધ્યમથી જ થશે.

આવી સ્થિતિમાં તાલીમના અભાવે આ પ્રકારના ફટાકડા તૈયાર કરવા પણ પડકારજનક બની રહેશે.

વિશ્વમાં ક્યાં-ક્યાં ગ્રીન ફટાકડાનો ઉપયોગ થાય છે?

સુપ્રીમ કોર્ટ દ્વારા જે 'ગ્રીન ફટાકડા'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો ઉપયોગ વિશ્વના અન્ય કોઈ દેશમાં થતો નથી.

ડૉ.સાધના કહે છે કે ગ્રીન ફટાકડાનો વિચાર ભારતનો છે, જો તે બજારમાં પ્રવેશે તો ભારત વિશ્વને નવો રાહ ચીંધશે.

તેમનાં જણાવ્યા મુજબ સંશોધનની પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. હવે સરકારી એજન્સીઓની પરવાનગીની રાહ જોવાઈ રહી છે.

તેઓ કહે છે " અમે પેટ્રોલિયમ ઍન્ડ ઍક્સપ્લોઝીવ સેફ્ટી ઑર્ગેનાઇઝેશન' પાસે પરવાનગી માગી છે. તેમની પરવાનગી બાદ આ સંશોધન બજાર સુધી પહોચી શકશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો