ફટાકડાનાં વેચાણ પર સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ બાદ દિલ્હીમાં પ્રદૂષણ કેવું છે?

દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર રોક લગાવવાથી શું પ્રદૂષણ ઘટ્યું છે? આ સવાલના જવાબો મેળવવાનો પ્રયાસ બીબીસીએ કર્યો છે.

પ્રદૂષણ પર કાબૂ મેળવવા ફટાકડાના વેચાણ પર લગાવેલા પ્રતિબંધની અસર દિલ્હીના વાતાવરણમાં જોવા મળતી નથી.

આકાશમાં પ્રદૂષણનું ધુમ્મસ છવાયેલું છે.

તમને આ પણ વાંચવું ગમશે

આંકડાની વાત કરીએ તો ગયા વર્ષ કરતાં દિવાળીના પ્રદૂષણમાં ઘટાડો તો થયો છે, પણ એ કોઈ મોટો ફેરફાર નથી.

બે વર્ષની દિવાળીની તુલના

એક્શનએડ ઇન્ટરનેશનલ સાથે ક્લાઇમેટ ચેન્જના વિષય પર કામ કરનાર હરિજીત સિંહે બીબીસી સાથે વાત કરી. તેમણે કહ્યું "કેન્દ્રીય પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ એર ક્વૉલિટી ઇન્ડેક્સથી પ્રદૂષણને માપે છે."

તેમના મુજબ આ વર્ષે આ ઇન્ડેક્સ 319 હતો, જ્યારે ગયા વર્ષે આ ઇન્ડેક્સ 431 હતો.

આ બન્ને આંકડા ખતરનાક છે. 300 થી 400 વચ્ચેનો એર ક્વૉલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ કહેવાય છે.

401થી જો ઇન્ડેક્સ ઉપર હોય તો એ વધારે જોખમી છે, પરંતુ ગયા વર્ષ કરતાં આ વર્ષે આ આંકડો ઓછો છે.

પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના આંકડા કહે છે કે સાંજે છ વાગ્યા સુધી હવા અને અવાજનું પ્રદૂષણ ઓછું હતું, પરંતુ રાત્રે 11 વાગ્યા પછી આ પ્રદૂષણ ઘણું વધી ગયું હતું.

પ્રદૂષણ 10 ગણું વધ્યું

PM લેવલ એટલે એ સ્તર જેના હેઠળ હવામાં ધૂળ-રજકણની માત્રાને મપાય છે, જેનો એકમ માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર (µg/m3) છે.

PM2.5 લેવલ 60 µg/m3 અને PM10 લેવલ 100 µg/m3 સુધી સામાન્ય ગણાય છે.

દિવાળી બાદની સવારે દિલ્હીનાં અલગઅલગ વિસ્તારોમાં PM2.5 લેવલ 1000 µg/m3 સુધીનું અને PM10 લેવલ 1200 µg/m3 સુધીનું જોવા મળ્યું હતું.

એટલે કહી શકાય કે આ દિવાળીમાં પણ પ્રદૂષણનું સ્તર સામાન્યથી દસ ગણું વધારે રહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે પોતાના ઓર્ડરમાં કહ્યું હતું કે એક નવેમ્બર સુધી ફટાકડાનું વેચાણ નહીં થઈ શકે. મતલબ કે દિવાળીનો સમય નીકળી જાય પછી વેચાણ રાબેતા મુજબ થશે.

પરંતુ કોર્ટના આદેશમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ નહોતો મૂકાયો. એટલે જ દિલ્હી-એનસીઆરમાં મોડી રાત સુધી ફટાકડા ફૂટ્યાં હતાં.

પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ પ્રતિબંધનો ઉદ્દેશ્ય દિવાળી પહેલા ફટાકડાના વેચાણ પર રોક લગાવી પ્રદૂષણમાં ઘટાડો થાય છે કે નહીં તે જોવાનો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો