You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફિલ્મ 'પદ્માવતી'નાં પોસ્ટરની રંગોળી ટોળાએ વેરવિખેર કરી
સુરતમાં એક યુવા કલાકારે બનાવેલી પદ્માવતી ફિલ્મના પોસ્ટરની રંગોળીને વેરવિખેર કરી દેવાઈ.
લગભગ સો માણસોના ટોળાએ રંગોળી વેરવિખેર કરીને મૉલમાં હંગામો મચાવ્યો હતો.
સુરતના 20 વર્ષીય રંગોળી કલાકાર કરણ જરીવાલાએ બે દિવસની મહેનતથી આ રંગોળી બનાવી હતી.
કરણે ફિલ્મના પોસ્ટરની રંગોળી તેના ટ્વિટર પર મૂકી હતી જેને દીપિકા પાદુકોણે રિટ્વીટ પણ કર્યું હતું.
તમને આ પણ વાંચવું ગમશે
રંગોળી વિખેર્યા બાદના કરણના ટ્વીટ બાદ ટ્વિટર પર તેના સમર્થનમાં લોકોએ ટ્વીટ કરવાનું શરૂ કર્યું.
કરણ જરીવાલા છેલ્લા દસ વર્ષથી રંગોળી બનાવે છે. તેઓ ફિલ્મી કલાકારો અને ફિલ્મના પોસ્ટર્સની રંગોળી પણ બનાવે છે.
મહેનત પાણીમાં ગઈ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતી સાથે કરણ જરીવાલાએ વાત કરી. કરણે કહ્યું, "દિવાળી નિમિત્તે રાહુલરાજ મૉલમાં મેં બે દિવસ સુધી મહેનત કરી ફિલ્મ પદ્માવતીનાં પોસ્ટરમાં દર્શાવેલી દીપિકા પાદુકોણની રંગોળી બનાવી હતી."
તેમણે વધુમાં કહ્યું, "રવિવારે સાંજે જ્યારે હું રંગોળી પૂરી કરીને ઘરે ગયો પછી, મને મૉલના સિક્યુરિટી મેનેજરનો ફોન આવ્યો કે 100 માણસોના ટોળાંએ મારી રંગોળી વેરવિખેર કરી નાંખી છે.”
કરણ વધુમાં જણાવે છે "ટોળાએ મારો રંગોળીનો બધો સામનો પણ ફેંકી દીધો અને મૉલના સુરક્ષાકર્મીઓને ચેતવણી આપી કે, હવે બીજી વાર તેઓ ફિલ્મને લગતું કોઈ પ્રમોશન કે પ્રવૃતિ ન કરે."
"ટોળામાં આવેલા લોકોએ સવાલ કર્યો કે અમને આ બધું કરવાની મંજૂરી કોણે આપી. મૉલમાં હાજર સુરક્ષાકર્મીએ ટોળાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં ટોળાએ મારી રંગોળી નષ્ટ કરી દીધી."
તદુપરાંત કરણે વધુમાં ઉમેર્યું, "રંગોળીમાં મેં પદ્માવતી ફિલ્મનું કોઈ લખાણ નહોતું લખ્યું કે ના કોઈ ઉલ્લેખ કર્યો હતો. ફક્ત ફિલ્મના પોસ્ટરમાં દીપિકા પાદુકોણ દર્શાવાઈ તે તસવીરની રંગોળી જ બનાવી હતી."
તેમણે કહ્યું, "મને લાગે છે કે જો હું ઘટનાસ્થળે હોત તો મને પણ તેઓ હાનિ પહોંચાડી શક્યા હોત. મને ખબર નથી આ લોકો કોણ હતા."
દીપિકા પાદુકોણનો રોષ
આ બાબતની જાણ થતાં જ દીપિકા પાદુકોણે ટ્વિટર પર કેટલાંક ટ્વીટ કરી પોતાનો ગુસ્સો ઠાલવ્યો.
દીપિકાએ આ માટે કોણ જવાબદાર એ પણ પોતાના ટ્વીટથી પૂછ્યું. દીપિકાએ લખ્યું "આખરે ક્યાં સુધી આપણે આ બધું થવા દઇશું?"
દીપિકા પાદુકોણે ટ્વીટમાં તેમના ટ્વીટમાં કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રીને પણ ટેગ કર્યા હતા.
ફેસબુક પર સુખદેવ સિંહ ગોગામેડી અકાઉન્ટ ધરાવતા વ્યક્તિએ આ રંગોળી વિખેરવાનો દાવો કર્યો. તેમણે તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો.
સુખદેવ સિંહ લખે છે કે રાષ્ટ્રીય કરણી સેના અને હિંદુભાઈઓએ મળીને આ રંગોળી વિખેરી નાખી. આ સાથે તેમણે ફરી જો આવું કર્યું તો આ મૉલને તોડવાની ચેતવણી પણ આપી.
રાયટિંગનો ગુનો દાખલ
10 થી 12 લોકો સામે સુરતનાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
અશ્વીન પાંડેએ આ ફરિયાદ કરી હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ કહ્યું, “અમે ફરિયાદ નોંધી છે.”
તેમણે કહ્યું કે આ કિસ્સામાં બહુ ઝડપથી ધરપકડ કરવામાં આવશે.
પદ્માવતી સાથેના વિવાદો
આ પહેલાં પણ કોલ્હાપુરમાં પદ્માવતીના સેટને આગ લગાવવામાં આવી હતી. અજ્ઞાત ટોળાએ પહેલાં તોડફોડ કરી અને પછી આગ લગાવી દીધી.
પદ્માવતી ફિલ્મ સાથે જોડાયેલો વિવાદ રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજીના પ્રસંગોને લઈને છે. કરણી સેનાનો આરોપ છે કે આ ફિલ્મથી રાજપૂતોની ભાવનાને ઠેસ પહોંચી છે.
આ તમામ વિવાદ વચ્ચે કરણી સેના અને સંજય લીલા ભણસાલી વચ્ચે ચર્ચા થઈ ગઈ હોવાની પણ વાત ઉઠી હતી. પરંતુ હજુ વિવાદ ત્યાં જ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો