દિવાળી પર ફટાકડાનાં પ્રદૂષણથી કેવી રીતે બચશો?

દિવાળી પર ફટાકડા ફોડતા પહેલાં શું તકેદારી લેવી જોઈએ? ફટાકડાથી થતા પ્રદૂષણથી રક્ષણ મેળવવા શું કરવું જોઈએ?

દિવાળી આવે એટલે ફટાકડાને લઈ અલગઅલગ પ્રતિભાવ મળતા હોય છે.

કેટલાક લોકોના માનવા પ્રમાણે ફટાકડા ફોડવાથી પ્રદૂષણ વધે છે એટલે ન ફોડવા જોઇએ.

તો કેટલાક લોકો કહે છે દિવાળી એક દિવસનો તહેવાર છે એટલે ફટાકડા તો ફોડવા જ જોઇએ પણ તકેદારી સાથે.

તમને આ પણ વાંચવું ગમશે

આ બાબતે બીબીસીએ ફેસબુક લાઇવ દ્વારા ડૉ. પ્રશાંત જાદવ અને ડૉ. નીતા જાદવ સાથે વાત કરી હતી.

તેમની પાસેથી એ જાણ્યું હતું કે ફટાકડાને કારણે શ્વાસ પર કેવી અસર થાય છે અને ફટાકડા ફોડતી વખતે કેવી તકેદારી લેવી જોઇએ.

ડૉ. નીતા જાદવ કહે છે કે આપણે તહેવારની ઉજવણીથી અજાણતાં જ પર્યાવરણને નુક્સાન પહોંચાડીએ છીએ.

સૂકો કચરો પણ ઠાલવી રહ્યા છીએ. જેથી ફટાકડા ફોડતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઇએ.

દમ અને હૃદયરોગના દર્દીઓ પર ફટાકડાના પ્રદૂષણની શું અસર થાય એવા સવાલના જવાબમાં ડૉ. પ્રશાંત જાદવ કહે છે કે શક્ય હોય તો 10 દિવસ ઘરની બહાર જવું જોઇએ નહીં.

તેઓ કહે છે, "જેની વિસ્ફોટ ક્ષમતા ઓછી હોય તેવા ફટાકડા ફોડો. જેથી ધ્વનિ પ્રદૂષણ ઓછું થાય."

ડૉ. નીતા જાદવના કહેવા મુજબ મોટા વિસ્ફોટથી બ્લડપ્રેશર પણ વધે છે. હૃદયરોગના અને દમના દર્દીઓને ઘણી તકલીફ પડે છે.

આથી તેમણે દમના દર્દીઓને ઇન્હેલર સાથે રાખવાનું સૂચન કર્યું હતું.

ડૉ. પ્રશાંત કહે છે કે ખુલ્લા વિસ્તારમાં બધાએ સાથે ફટાકડા ફોડવા જોઇએ જેથી પ્રદૂષણની શરીર પર અસર ઓછી થાય.

ડૉ. પ્રશાંત જાદવ કહે છે કે દાઝી જવાના કેસ વધારે આવે છે.

કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ?

ડૉ. પ્રશાંત જાદવે જણાવ્યું હતું કે દિવાળીના દિવસોમાં માસ્ક પહેરીને બહાર નીકળવું જોઇએ અને બાળકો સાથે માતાપિતાએ રહેવું જોઈએ.

ચાઇનીઝ ફટાકડા વિશે ડૉ પ્રશાંતે જણાવ્યું હતું કે ચાઇનીઝ ફટાકડા ફોડવા જ ન જોઇએ. કારણકે તેની વિસ્ફોટ ક્ષમતા વધારે હોય છે.

મનુષ્યની શ્રવણ ક્ષમતા 60 ડેસિબલ હોય છે. તેનાથી વધારે વિસ્ફોટ ક્ષમતાવાળા ફટાકડા કાનને નુક્સાન પહોંચાડે છે. કાનને રક્ષણ મળવું ખૂબ જ જરૂરી છે.

ડૉ. અમી ચંદારાણાએ ફટાકડા વિશે વાત કરતા કહ્યું હતું કે મને તો ફટાકડા ફોડવા ગમે છે.

તેઓ પણ તકેદારી સાથે ફટાકડા ફોડવાની સલાહ આપે છે.

ડૉ. ચંદારાણાએ કહ્યું હતું, "એક ડૉક્ટર તરીકે જાગૃતિ માટે હું એવું નહીં કહું કે ફટાકડા ફોડવા જ ન જોઈએ, પરંતુ ધ્વનિ પ્રદૂષણ ઓછું થાય, હવાનું પ્રદૂષણ ઓછું થાય તેવા ફટાકડા ફોડવા જોઇએ."

જો કોઈ અનિચ્છનિય ઘટના બને તો પ્રાથમિક સારવાર કઈ રીતે કરી શકાય એવો સવાલ આ ડૉક્ટર્સને પૂછવામાં આવ્યો હતો.

ડૉ. પ્રશાંત કહે છે કે અનિચ્છનિય ઘટના બને તો તરત જ ડૉક્ટરનો સંપર્ક સાધવો. ફર્સ્ટ એઇડ બોક્સ પણ સાથે રાખો.

ફટાકડા ફોડતી વખતે મોઢા પર ભીનો રૂમાલ બાંધવાથી ફાયદો થાય? એવા એક યૂઝરના સવાલના જવાબમાં ડૉ. પ્રશાંત કહે છે કે ફટાકડા ફોડતી વખતે મેડિકલ માસ્ક પહેરી શકાય.

ફટાકડા ફોડવાની તરફેણ કરતા દેવલ જાદવ કહે છે કે દિવાળી નાના બાળકો માટે ઉત્સાહનો તહેવાર છે.

સરકારે કોઈ જ નિયંત્રણો ન લાદવા જોઇએ. એક જ જગ્યાએ ફટાકડા ફોડવાના વિચારને દેવલ જાદવે ઘણો સારો ગણાવ્યો હતો.

ફટાકડા ફોડવાની બાબતને પર્યાવરણ અને ધર્મને જોડ્યા વગર જોઈ શકાય? આવું પૂછતા દેવલે કહ્યું હતું કે બિલકુલ.

દેવલે સવાલ કર્યો હતો કે, એક જ દિવસમાં કઈ રીતે પર્યાવરણનું નુક્સાન થઈ જાય? એવા કોઈ પુરાવા હોય તો અમે ફટાકડા નહીં ફોડીએ.

આપ આ ફેસબુક લાઇવ વીડિયો અહીં જોઈ શકો છો: http://bit.ly/2zg1YSO

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો