ફટાકડા અંગે સુપ્રીમના ચુકાદાની તમારા પર શું અસર થશે?

ફટાકડા ફોડવાને કારણે દિલ્હી સહિત અનેક શહેરોની હવામાં પ્રદૂષણનું સ્તર વધી જાય છે અને તે 'ગૅસ ચેમ્બર' બની જાય છે.

ફટાકડા ફોડવાથી હવામાં ઝેરી વાયુ ભળે છે, જેની માઠી અસર બાળકો, સગર્ભા મહિલાઓ તથા સિનિયર સિટીઝન્સ પર જોવા મળે છે.

અરજદારોની માગ હતી કે દિલ્હીમાં ફટાકાડના વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે.

ચુકાદો આપનાર જસ્ટિસ એ. કે. સિકરી તથા જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે કહ્યું હતું કે અમે 'સંતુલન' સાધવાનો પ્રયાસ કર્યો છે.

તા. 28મી ઑગસ્ટના સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી, ત્યારબાદ આજ પર ચુકાદો મોકૂફ રાખવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ચુકાદના મુખ્ય મુદ્દા

- દિવાળીના દિવસે સાંજે આઠથી દસ કલાક દરમિયાન ફટાકડા ફોડી શકાશે.

- નાતાલ તથા ખ્રિસ્તી નવવર્ષ દરમિયાન રાત્રે 11.55 કલાકથી 12.30 કલાક દરમિયાન ફટાકડા ફોડી શકાશે.

- બંધારણના અનુચ્છેદ 21 હેઠળ સન્માનપૂર્વક આજીવિકા રળવાના તથા શાંતિપૂર્વક જીવવાના અધિકાર મળેલા છે. ત્યારે ફટાકડા બનાવનારાઓના આજીવિકા રળવાના તથા આરોગ્યપ્રદ જીવન જીવવાના સામાન્ય નાગરિકના અધિકાર વચ્ચે સંતુલન સાધવાનો સુપ્રીમ સમક્ષ પડકાર હતો.

- ફટાકડા ફોડવાથી ફેલાતા પ્રદૂષણ તથા તેની જાહેર જનતાના આરોગ્ય પર અસર અંગે શું પગલાં લેવામાં આવ્યા છે, તે અંગે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે.

- ફટાકડાનું ઑનલાઇન વેચાણ નહીં થઈ શકે. જો કોઈ વેચાણનો પ્રયાસ કરશે તો તેમની સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

- લાઇસન્સધારક વિક્રેતા ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડા વેચી શકશે.

- ફટાકડાના ઉત્પાદકોનું કહેવું હતું કે માત્ર ફટાકડાને કારણે પ્રદૂષણ નથી ફેલાતું, એટલે વેચાણને મંજૂરી આપવામાં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો