ટ્રમ્પનો એ નિર્ણય, જે ફરીથી શીતયુદ્ધની જામગરી ચાંપી શકે છે

સોવિયેત સંઘના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મિખાઈલ ગોર્બાચેવે કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શીતયુદ્ધની અગત્યની પરમાણુ હથિયાર સંધિનો ભંગ કરવાની યોજના, પરમાણુ નિ:શસ્ત્રીકરણ માટે મોટો આંચકો હશે.

ગોર્બાચેવે જ 1987માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનની સાથે ઇન્ટરનેશનલ-રેન્જ ન્યૂક્લિયર ફોર્સ(આઈએનએફ) સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા હતા.

ટ્રમ્પનું કહેવું છે કે રશિયા ઘણીવાર આઈએનએફ સંધિનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે. રશિયાએ ટ્ર્મ્પની યોજનાની નિંદા કરી છે અને કહ્યું છે કે એ વળતો હુમલો પણ કરશે.

રશિયાએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિન અમેરિકાના સુરક્ષા સલાહકાર જૉન બૉલ્ટનના રશિયા પ્રવાસ દરમિયાન આ બાબતે જવાબ માગશે.

જર્મની અમેરિકાનો પહેલો સહયોગી દેશ છે, જેણે ટ્રમ્પના આ વલણની ટીકા કરી છે.

જર્મનીના વિદેશ મંત્રી હાઈકો માસે કહ્યું છે કે અમેરિકાએ આ બાબતે ફેરવિચારણા કરવી જોઈએ અને તેણે યુરોપ સાથે પરમાણુ નિ:શસ્ત્રીકરણના ભવિષ્ય બાબતે વિચારવું જોઈએ.

આઈએનએફ એક એવો સમૂહ છે જે જમીન પરથી વાર કરી શકતી મધ્યમ અંતરની મિસાઈલોનું પરીક્ષણ અને તેની તહેનાતીને અટકાવે છે. આવી મિસાઇલની રેન્જ 500થી 5,500 કિલોમીટર સુધી હોય છે.

આ બાબતે બંને દેશોએ શીતયુદ્ધની સમાપ્તિ દરમિયાન હસ્તાક્ષર કર્યા હતા.

બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછી 1945થી 1989 દરમિયાન અમેરિકા અને સોવિયેત સંઘના દુશ્મનાવટભર્યા સંબંધોને લીધે આખી દુનિયામાં યુદ્ધની આશંકા ઘેરી બની હતી.

એવું લાગતું હતું કે આ તણાવ ક્યાંક પરમાણુ હુમલાનું રૂપ ના ધરી લે. આ જ પાંચ દશકાઓમાં રશિયા અને અમેરિકા પરમાણુ હથિયારો ઉપર લગામ કસવાના કેટલાક કરારો સુધી પહોંચ્યા હતા.

ગોર્બાચેવ કોણ છે?

- સોવિયેત સંઘના છેલ્લા મહાસચિવ અથવા રાષ્ટ્રપતિ

- 1985માં તેમને આ પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમના સ્થાનિક સુધારાઓને કારણે પરમાણુ નિ:શસ્ત્રીકરણ અને શીતયુદ્ધને સમાપ્ત કરવામાં મદદ મળી હતી.

- સોવિયેત સંઘના પતન બાદ 1991માં ગોર્બાચેવે રાજીનામું આપી દીધું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

ટ્ર્મ્પએ શું કહ્યું છે?

રાષ્ટ્રપતિ ટ્રમ્પે નેવાદામાં એક રેલી દરમિયાન કહ્યું, "અમેરિકા એ વાત સહન નહીં કરી લે કે રશિયા બધું જ કરે અને અમેરિકા કરાર સાથે બંધાયેલું રહે. મને નથી ખબર કે રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ કેમ જોયું નહીં."

2014માં રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એક ક્રુઝ મિસાઇલના પરીક્ષણ બાદ રશિયા ઉપર આઈએનએફ સંધિના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો.

કહેવાય છે કે ઓબામાએ યુરોપીયન નેતાઓના દબાણમાં આ સંધિનો ભંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

યુરોપનું માનવું છે કે આ સંધિ સમાપ્ત થવાથી પરમાણુ હથિયારોની હોડ શરૂ થઈ જશે.

રશિયાનું શું કહેવું છે?

રશિયાના નાયબ વિદેશ મંત્રી સેર્ગેઈ રીયાકોવે કહ્યું છે, "હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે આ બહુ જ જોખમી હશે. આ કરારનો ભંગ થવાથી આખી દુનિયા માટે ચિંતાજનક સ્થિતિ ઉપસ્થિત થશે. આ ભડકાવવાની કાર્યવાહી હશે."

તેમણે રશિયન ન્યૂઝ એજન્સી તાસને કહ્યું, "આંતરરાષ્ટ્રીય સુરક્ષાને માટે આ ખતરનાક બનશે અને સાથે જ પરમાણુ નિ:શસ્ત્રીકરણને બહુ મોટો આંચકો લાગશે.''

''અમેરિકાનો વ્યવહાર એક એવી અણસમજુ વ્યક્તિ જેવો છે જે એક-એક કરીને આંતરરાષ્ટ્રીય કરારો તોડવા પર આવી ગઈ હોય."

સેર્ગેઈએ કહ્યું, "જો અમેરિકા આ પગલું લેશે તો અમારી પાસે કોઈ વિકલ્પ નહીં રહે, પરંતુ અમે પણ વળતો વાર કરીશું. જોકે, અમે એવું નથી ઈચ્છતા કે સ્થિતિ આ સ્તર સુધી પહોંચે."

જોરદાર આંચકો

બીબીસીના સુરક્ષા અને રાજકીય સંવાદદાતા જૉનાથન માર્ક્સનું કહેવું છે કે આ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી હશે.

જૉનાથન કહે છે, "ટ્રમ્પ વહીવટીતંત્રને લાગે છે કે રશિયામાં મિસાઇલ સિસ્ટમ અંગે થઈ રહેલા કામ અને મિસાઇલની તહેનાતી ચિંતાજનક તો છે જ. પરંતુ ટ્રમ્પના આ કરારમાંથી મુક્ત થવાને પગલે હથિયારોના નિયંત્રણ ઉપર ઘેરી અસર પડશે.

"ઘણા વિશ્લેષકોનું માનવું છે કે હવે વાત શરૂ થશે અને આશા છે કે રશિયા આ વાત સમજશે."

"ડર છે કે હથિયારોની હોડ ઉપર શીતયુદ્ધ પછી જે લગામ કસાયેલી હતી તે હોડ ક્યાંક ફરીથી શરૂ ના થઈ જાય. અન્ય ઘણી વાતો છે જેનાથી ટ્રમ્પના નિર્ણયો ઉપર અસર પડશે."

"આ રશિયા અને અમેરિકાની વચ્ચેનો દ્વિપક્ષીય કરાર છે. ચીન ઇન્ટરમીડિએટ રેન્જની પરમાણુ મિસાઇલ બનાવવા અને તેની તહેનાતીની બાબતે સ્વતંત્ર છે.''

''ટ્રમ્પ વહીવટીતંત્રને લાગે છે કે આઈએનએફ સંધિના લીધે તેને નુકસાન થઈ રહ્યું છે કારણ કે ચીન એ તમામ કામ કરી રહ્યું છે, જે અમેરિકા આ સંધિના કારણે કરી શકતું નથી."

શું રશિયાએ આ સંધિનું ઉલ્લંઘન કર્યું છે?

અમેરિકાનું કહેવું છે કે રશિયાએ મધ્યમ અંતરની એક નવી મિસાઇલ બનાવીને આ સંધિનું ઉલ્લંઘન કર્યું છે.

રશિયાની આ મિસાઇલનું નામ 'નોવાતોર 9M729' છે. નાટો દેશ તેને 'એસએસસી-8'ના નામથી ઓળખે છે.

રશિયા આ મિસાઈલ દ્વારા નાટો દેશો ઉપર તત્કાળ પરમાણુ હુમલો કરી શકે છે.

રશિયાએ આ મિસાઈલ વિષે બહુ ઓછું કહ્યું છે અને તે આઈએનએફ સંધિના ઉલ્લંઘનના આરોપોને નકારી રહ્યું છે.

વિશ્લેષકોનું માનવું છે કે રશિયા માટે આ હથિયાર પારંપરિક હથિયારોની તુલનામાં સસ્તો વિકલ્પ છે.

'ન્યૂ યોર્ક ટાઇમ્સ'માં શુક્રવારે પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર અમેરિકાના પ્રશાંત વિસ્તારમાં ચીનની વધતી હાજરીને જોતાં તે આ સંધિનો ભંગ કરવાનો વિચાર કરી રહ્યું છે.

સ્વાભાવિકપણે આ સંધિમાં ચીન સામેલ નથી એટલે તે મિસાઇલોની તહેનાતી અને પરીક્ષણની બાબતે બધાયેલું નથી.

આ પહેલાં 2002માં અમેરિકન રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબલ્યૂ બુશે ઍન્ટી-બૅલિસ્ટિક મિસાઇલ સંધિથી અમેરિકાને મુક્ત કર્યું હતું.

આઈએનએફ સંધિ શું છે?

અમેરિકા અને સોવિયેત સંઘે આ કરાર ઉપર 1987માં હસ્તાક્ષર કર્યા હતા.

આ સંધિ પ્રતિબંધિત પરમાણુ હથિયારો અને પરમાણુરહિત મિસાઇલોનું લૉન્ચિંગ અટકાવે છે.

અમેરિકા રશિયાની એસએસ-20ની યુરોપમાં તહેનાતીથી નારાજ છે.

1991 સુધી લગભગ 2,700 મિસાઇલો નષ્ટ કરવામાં આવી છે.

બંને દેશો એકબીજાની મિસાઇલોના પરીક્ષણ અને તહેનાતી ઉપર નજર રાખવાની અનુમતિ આપે છે.

2007માં રશિયન રાષ્ટ્રપતિ પુતીને કહ્યું હતું કે આ સંધિથી તેના હિતો માટે કોઈ લાભ નથી રહ્યો.

2002માં અમેરિકા ઍન્ટિ-બૅલિસ્ટિક મિસાઈલ સંધિથી મુક્ત થયું એ પછી રશિયાએ આ ટીપ્પણી કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો