દીપિકા અને રણવીર સિંઘ લગ્નની તારીખની જાહેર, જાણો ક્યાં કરશે લગ્ન?

ઘણા દિવસોથી ચાલી રહેલી ચર્ચાને વિરામ આપતાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘે પોતાનાં લગ્નની તારીખ જાહેર કરી દીધી છે.

આવાનારા નવેમ્બર મહિનાની 14 અને 15મી તારીખે બોલીવૂડનું આ ફેમસ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે.

દીપિકા પાદુકોણે પોતાના ટ્વિટર હેન્ડલ પર તેમનાં લગ્નની જાહેરાત કરી છે.

તેણે લગ્નનું કાર્ડ ટ્વીટ કરતાં લખ્યું કે અમને એ વાતની જાણ કરતાં ખૂબ આનંદ થાય છે કે અમારા પરીવારના આશિર્વાદથી અમારાં લગ્ન 14 અને 15 નવેમ્બર 2018ના રોજ થવાં જઈ રહ્યાં છે.

તેમણે લખ્યું, "આટલાં વર્ષોમાં તમે જે અમને પ્રેમ અને સ્નેહ આપ્યા છે, તેના માટે અમે તમારા આભારી છીએ."

"અમારી શરૂ થનારી પ્રેમ, દોસ્તી અને વિશ્વાસની આ ખૂબસૂરત સફર માટે અમે તમારા આશિર્વાદની આશા રાખીએ છીએ."

લગભગ છેલ્લા એક મહિનાથી દીપિકા અને રણવીરના લગ્ન અંગે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી હતી.

બંને ક્યાં લગ્ન કરશે?

જોકે, આ બંને લોકો ક્યાં લગ્ન કરશે તે અંગે હજી કોઈ જાણકારી મળી નથી. લગ્નના સ્થળ અંગે બંનેમાંથી કોઈએ કશી જાણકારી આપી નથી.

ફિલ્મ જગતના સમાચાર આપતી વેબસાઇટ ફિલ્મફેરે પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે કે બંને લોકો પોતાના લગ્નની સેરેમની ખૂબ જ ખાનગી રાખશે. જેમાં

બહુ ઓછાં લોકો લોકો હશે.

વેબસાઇટના અહેવાલ મુજબ બંનેના લગ્ન ઇટાલીમાં આવેલા લેક કોમ્બોમાં થઈ શકે છે. જ્યાં ભારતીય મીડિયાથી દૂર રહી શકાય.

લગ્ન સમયે લગભગ માત્ર 200 મહેમાનો જ હાજર રહે તેવી પણ સંભાવના આ અહેવાલમાં વ્યક્ત કરાઈ છે.

બંને વચ્ચે શરૂ થયેલી પ્રેમકહાણી

કથિત રીતે બંનેની પ્રેમકહાણી 2012માં સંજયલીલા ભણસાલીની ફિલ્મ 'ગોલિંયો કી રાસલીલા રામલીલા'ના સેટ પરથી શરૂ થઈ હતી.

આ કપલે 'ગોલિંયો કી રાસલીલા રામલીલા' ઉપરાંત 'બાજીરાવ મસ્તાની' અને 'પદ્માવત' જેવી સફળ ફિલ્મોમાં એકસાથે કામ કર્યું છે.

આ ત્રણેય ફિલ્મ સંજયલીલા ભણસાલીની હતી.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર તેમનાં લગ્નની ચર્ચા ત્યારે શરૂ થઈ હતી જ્યારે બંને એકસાથે ઇટાલીમાં જોવા મળ્યાં હતાં.

એવું માનવામાં આવતું હતું કે બંને લોકો પોતાનાં લગ્નનું સ્થળ નક્કી કરવા માટે ઇટાલી ગયાં હોવાં જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો