You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બોલીવૂડની એ ફિલ્મ જેમાં હીરો સિવાય કોઈ જ નથી
- લેેખક, સુમિરન પ્રીત કૌર
- પદ, બીબીસી સંવાદદાતા
આજના સમયમાં બોલીવૂડમાં સો કરોડની ક્લબમાં સામેલ થતી ફિલ્મોનો ટ્રૅન્ડ ચાલી રહ્યો છે.
મતલબ કે આ ક્લબમાં સામેલ થઈ ફિલ્મો પોતાનો એક રેકર્ડ બનાવતી હોય છે.
ભારતમાં એક એવી ફિલ્મ બની ચૂકી છે જેને 'ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકર્ડ્સ'માં સ્થાન મળ્યું છે અને એ ફિલ્મમાં માત્ર એક જ ઍક્ટર છે. આ ઍક્ટર એટલે સુનિલ દત્ત અને ફિલ્મ છે 'યાદેં'.
આ ફિલ્મનું દિગ્દર્શન પણ સુનીલ દત્તે જ કર્યું છે અને ફિલ્મના નિર્માતા પણ તેઓ પોતે જ હતા.
આ ફિલ્મ વર્ષ 1964માં બ્લૅક એન્ડ વ્હાઇટમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની શરૂઆતમાં જ લખેલું આવે છે- વર્લ્ડ ફર્સ્ટ વન એક્ટર મૂવી.
શું છે ફિલ્મની કહાણી?
ફિલ્મના ઍક્ટર સુનીલ દત્ત ઘરે આવે છે અને જુએ છે કે તેમનાં બાળકો અને પત્ની ઘરે હાજર નથી. તેમને લાગે છે કે તેઓ તેમને છોડીને ચાલ્યાં ગયાં છે.
ત્યારબાદ સુનીલ દત્ત એકલા પડી જાય છે. નિરંતર શાંતિ વચ્ચે તેઓ પોતાની સાથે જ વાતચીત કરવા લાગે છે.
આ સાથે જ આસપાસની ચીજો સાથે પણ વાતો કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફિલ્મ ઇતિહાસકાર અને લેખક અમૃત ગંગર કહે છે, "આ ફિલ્મમાં એકલતાની પરિસ્થિતિને વર્ણવામાં આવી છે."
"એવું શું થાય છે કે ફિલ્મના પાત્રને લાગે છે કે તેમની પત્ની અને બાળકો તેમને છોડીને ચાલ્યાં ગયાં છે."
"ફિલ્મના ઍક્ટર તેમની આસપાસ પડેલા સામાન સાથે વાતચીત કરે છે અને ક્યાંક ને ક્યાંક એ લાગણીમાં એ ચીજો પણ જીવીત થઈ ઊઠે છે."
તમે આ વાંચ્યું કે નહીં?
સમગ્ર ફિલ્મને પોતાના ખભા પર ઊંચકીને દર્શકોને જોડી રાખવા એ સૌથી મોટો પડકાર છે.
અમૃત ગંગર કહે છે, "આ ફિલ્મમાં જે પણ થયું તેને ટૅક્નિકની દૃષ્ટિએ જોઈએ, તો આવું નાટકોમાં થતું આવ્યું છે."
"જોકે, થિયેટરમાં આ વધુ મુશ્કેલ હોય છે કારણ કે દર્શકો સામે હોય છે અને બધા સામે હોય છે. એટલું જ નહીં તેમાં રિટેક પણ નથી હોતા."
ફિલ્મની અન્ય ખાસ બાબત
અન્ય એક બાબત આ ફિલ્મને ખાસ બનાવે છે. આ ફિલ્મમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે સમાજ અને પરિવારમાં મહિલાઓનું સ્થાન કેવું હોય છે?
અવાજ અને સંવાદો મારફતે પતિ-પત્ની વચ્ચે ચર્ચા થાય છે, એકબીજાના ચરિત્ર પર લાંછન લાગે છે અને પુરુષનું પાત્ર પોતાનો રોફ બતાવે છે.
ફિલ્મની શરૂઆતમાં જ લખેલું આવે છે કે- જે ઘરમાં નારીનું સન્માન થાય છે, તે ઘરમાં દેવતા નિવાસ કરે છે.
જ્યારે ફિલ્મમાં પતિ-પત્ની વચ્ચે ચર્ચા બતાવવામાં આવે છે, ત્યારે પત્ની નજરે પડતી નથી. માત્ર એક અવાજ સંભળાય છે જે નરગિસનો છે.
ફિલ્મના અંતમાં નરગિસને પડછાયા સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. નરગિસ ઘરે આવે છે અને જુએ છે કે તેમના પતિએ ગળે ફાંસો ખાધો છે.
શું સુનિલ દત્ત બચી જાય છે? શું બધુ જ ઠીક થઈ જાય છે? જુઓ ભાવનાઓને રજૂ કરતી કહાણી જેને અલગ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો