You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોમવાદ વધારતી ખિલાફતની ચળવળને ટેકો આપી ગાંધીજીએ થાપ ખાધી?
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
આ સવાલ બીજી રીતે પણ પૂછાય છે : તુર્કીની ખિલાફત સાથે ભારતને શી લેવાદેવા? એને બચાવવા માટે ગાંધીજીએ અને ભારતીયોએ શા માટે આંદોલન કરવું જોઈએ?
આ ચળવળથી કોમવાદને ઉત્તેજન મળશે એવી ચેતવણીઓને ગાંધીજીએ કેમ અવગણી?
એવું પણ કહેવાય છે કે ખિલાફત ચળવળમાં ગાંધીજીએ ધર્મ અને રાજકારણનું ખતરનાક મિશ્રણ કર્યું, તેથી રૂઢિચુસ્તતા અને કોમવાદને બળ મળ્યું.
ખલીફા અને ખિલાફત
તુર્કીનું ઓટ્ટોમન સામ્રાજ્ય વીસમી સદીના આરંભે છેલ્લું ઇસ્લામિક સામ્રાજ્ય હતું. તેના વડા રાજસત્તાની રીતે સુલતાન અને ધર્મસત્તાની રીતે ખલીફા કહેવાતા હતા.
તેમની રાજસત્તા સામ્રાજ્યની હદ સુધી હતી, પણ તેમની ધર્મસત્તા (ખિલાફત) દુનિયાભરના સુન્ની મુસ્લિમો પર ચાલતી હતી. (જેમ પોપ વિશ્વભરના રોમન કૅથલિક ખ્રિસ્તીઓના ધાર્મિક વડા ગણાય છે.)
ઇસ્લામનાં પવિત્ર સ્થળો મક્કા, મદીના, કરબલા અને જેરુસલેમ ઓટ્ટોમન સામ્રાજ્યનો હિસ્સો હતાં.
ખલીફાનો દરજ્જો અને ધાર્મિક સ્થળો પ્રત્યેની આસ્થા એમ બેવડાં કારણસર ભારતીય મુસ્લિમોના મોટા હિસ્સાને તુર્કીના બનાવો સીધા સ્પર્શતા હતા.
અંગ્રેજોનો વચનભંગ
તુર્કી સાથે કેટલાક યુરોપિયન દેશોનો સંઘર્ષ શરૂ થઈ ચૂક્યો હતો. ભારતીય મુસ્લિમો તુર્કી પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીંથી રોકડ રકમની મદદ પણ તુર્કી પહોંચતી હતી. સાથોસાથ, ભારતની અંગ્રેજ સરકાર સાથે પણ તેમની સારાસારી હતી.
પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું તેમાં અંગ્રેજો અને જર્મનો સામસામે આવ્યા. ભારતના કેટલાક મુસ્લિમ નેતાઓએ તુર્કીના ખલીફાને વિનંતી કરી કે તે યુદ્ધથી દૂર રહે અને જર્મન પક્ષે તો ન જ જોડાય.
તમે આ વાંચ્યું કે નહીં?
પરંતુ થોડા મહિનામાં તુર્કી, જર્મની સાથે (અને બ્રિટનની સામે) યુદ્ધમાં ઊતર્યું. અંગ્રેજોના લશ્કરનો નોંધપાત્ર હિસ્સો ભારતીય સિપાહીઓનો હતો.
તેમાંથી મુસ્લિમો દૂર ન થઈ જાય એ માટે અંગ્રેજ વડા પ્રધાને વચન આપ્યું કે યુદ્ધ પછી તુર્કીમાં આવેલાં ઇસ્લામનાં પવિત્ર ધાર્મિક સ્થળોનું સાર્વભૌમત્વ નહીં જોખમાય અને ખલીફાની સંસ્થા સલામત રહેશે.
પરંતુ યુદ્ધમાં જીત પછી અંગ્રેજોનો રંગ બદલાવા લાગ્યો.
મક્કા-મદીના નવા બનેલા સાઉદી અરબસ્તાનમાં ગયાં, જેનું રાજ બ્રિટનના માનીતા સુલતાનને સોંપાયું.
જેરુસલેમ જ્યાં હતું તે પૅલેસ્ટાઇન અને કરબલા જ્યાં હતું તે ઇરાક અંગ્રેજોના વાલીપણામાં ગયા. તેના કારણે ભારતીય મુસ્લિમોના મોટા હિસ્સામાં કચવાટ ફેલાયો અને ખિલાફતની સલામતી વિશે અજંપો જાગ્યો.
ગાંધીજી સિવાયના નેતાઓનું વલણ
ગાંધીજીએ સપ્ટેમ્બર, 1919માં 'નવજીવન' સાપ્તાહિક સંભાળ્યું, તેના પહેલા જ અંકથી તેમણે તુર્કીનો સવાલ ઉપાડ્યો અને લખ્યું, 'જે સવાલ પ્રજાના એક ચતુર્થાંશ ભાગને લાગુ પડે છે એ સવાલ સમસ્ત હિંદુસ્તાનનો છે.'
નોંધપાત્ર છે કે લોકમાન્ય ટિળક, સુરેન્દ્રનાથ બૅનરજી, બિપિનચંદ્ર પાલ જેવા સિનિયર નેતાઓ પણ ખિલાફતના મુદ્દે ભારતીય મુસ્લિમોનું સમર્થન કરતા હતા.
થોડાં વર્ષો પછી કોમવાદી રાજકારણ તરફ ઢળેલા લાલા લજપતરાયે 1919માં લખ્યું હતું, 'ઇસ્લામની કીર્તિને ફરી જીવંત કરવાના અને તેના માટે રાજકીય આઝાદી મેળવવાના મુસલમાન દેશવાસીઓના પ્રયાસમાં હિંદુઓ તેમની સાથે ઊભા રહેશે.' (The Political Future of India, 1919, p.207)
બીજી તરફ, ગાંધીજીએ ખિલાફતનો મુદ્દો ઉપાડ્યો અને લોકજુવાળ જાગ્યો, ત્યારે બિનસાંપ્રદાયિક મહંમદઅલી ઝીણાએ તેની ટીકા કરી.
ખિલાફતના મુદ્દાને સ્વરાજ આંદોલનની સાથે જોડવાનું ગાંધીજીનું પગલું તેમના સાથીદાર વલ્લભભાઈને પણ સમજાતું ન હતું અને ઇન્દુલાલ યાજ્ઞિકે તો તેના વિરોધમાં 'નવજીવન' છોડી દીધું.
'નવજીવન'ના મૂળ સ્થાપક અને ગાંધીજીના સાથી બનેલા ઇન્દુલાલને ખિલાફતમા 'ધર્મ અને રાજકારણનું વિકૃત સ્વરૂપ અને કૃત્રિમ મિશ્રણ' થતું દેખાયું. (આત્મકથા-2, ઇન્દુલાલ યાજ્ઞિક, પૃ.185)
ગાંધીજીનું દૃષ્ટિબિંદુ
જાણીતા પત્રકાર દુર્ગાદાસે ગાંધીજીને ટીકાઓ વિશે પૂછ્યું ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે હિંદુ-મુસલમાન એકતા તેમના માટે પરમ શ્રદ્ધાનો વિષય છે અને તે એવા મૂરખ નથી કે તેને નુકસાન પહોંચાડવાની સંભાવના ધરાવતી ચળવળ ઉપાડે. (India: From Curzon to Nehru and After, p.77)
ગાંધીજીએ ખિલાફતના પ્રશ્ને વચનભંગ અને ધર્મભંગ જોયાં. ઉપરાંત, મુસ્લિમોને અહિંસક આંદોલનના માર્ગે દોરવાની અને હિંદુ-મુસ્લિમ એકતા સિદ્ધ કરવાની અભૂતપૂર્વ તક પણ જોઈ.
તેમણે કહ્યું હતું, "અત્યારે આપણને જિંદગીમાં ન મળે એવી આ તક મળી છે. ખિલાફતનો પ્રશ્ન બીજા સો વર્ષ સુધી ફરી ઊઠે નહીં."
"હિંદુઓને જો મુસલમાનો સાથે કાયમની મિત્રતા કરી લઈ કાયમને માટે તેમને કાચે તાંતણે બાંધી લેવા હોય તો આજ તેમણે ઇસ્લામના માનમાં રક્ષણ કરવાના મુસલમાનોના પ્રયત્નમાં તેમની સાથે જાનનિસારી કરવા તૈયાર થવું જોઈએ." (નવજીવન, 22 મે, 1921)
સાથે તેમણે સ્પષ્ટતા પણ કરી કે સવાલ ફક્ત મુસ્લિમોની ધાર્મિક લાગણી સાચવવાનો નથી અને આપણી બુદ્ધિ તેમની ધાર્મિક લાગણીને કબૂલ ન કરે તો આપણે મદદ કરવા બંધાયેલા નથી.
પણ ખિલાફતના સવાલમાં ધર્મનો સવાલ બાજુએ રાખતાં પણ તે ન્યાયના રસ્તા પર જ છે. "તેમનો કેસ તદ્દન સાચો જાણ્યા છતાં હું શકથી કે બીકથી અળગો રહું તો મારું હિંદુત્વ લાજે, મારો પડોશીધર્મ જાય." (નવજીવન, 30 જાન્યુઆરી, 1921)
ગાંધીજીના આંદોલનમાં અહિંસાની શરત ફરજિયાત હતી. કેટલાક મૌલવીઓએ એવો મુદ્દો ઊભો કર્યો કે ન્યાયની લડતમાં હિંસાનો ત્યાગ કુરાનને સુસંગત ગણાય?
ત્યારે ગાંધીજીએ તેમને સમજાવ્યા કે 'કુરાનમાં હિંસાની છૂટ આપી છે. (પણ) એ ફરજિયાત નથી. એવું હોત તો મુસલમાનોએ તેમનો દરેક ઝગડો કે મતભેદ હિંસાથી જ પતાવવા પડત.' (આચાર્ય કૃપાલાનીની આત્મકથા, પૃ. 92)
મુસ્લિમોને ઉદ્દેશીને તેમણે લખ્યું હતું, "અત્યારની જાગૃતિનો મુસલમાનો સદુપયોગ કરશે કે દુરુપયોગ કરશે? મુસલમાનો જ પોતાના શત્રુ બનશે અથવા મિત્ર."
"ઇશ્વર તેમને સન્મતિ આપો ને તેઓને હિંદુ પૂરી મદદ કરી શકે એવી સ્થિતિ તેઓ જાળવો." (નવજીવન, 21 માર્ચ, 1920)
હિંદુ-મુસ્લિમ એકતામાં મોટી અડચણ ધરાવતો એક મુદ્દો ગોરક્ષાનો હતો. ગાંધીજી માનતા હતા કે ખિલાફતના મુદ્દે મુસ્લિમોને બિનશરતી ટેકો આપવામાં આવે, તો ગોરક્ષા આપોઆપ થાય.
અભૂતપૂર્વ એકતા
ગાંધીજીએ અને કોંગ્રેસે ખિલાફતનો મુદ્દો ઉપાડી લેતાં દેશભરમાં હિંદુ-મુસ્લિમ એકતાનાં અભૂતપૂર્વ દૃશ્યો સર્જાયાં.
તે વખતે મુસ્લિમોના નિર્વિવાદ નેતા ગણાતા અલીબંધુઓ (મૌલાના મહંમદઅલી અને મૌલાના શૌકતઅલી) ગાંધીજીના નિકટના સાથી બન્યા. તે હિંસામાં માનતા હતા, પણ ગાંધીજીની સાથે રહીને તેમણે આ લડત પૂરતી તેમણે હિંસા છોડી.
ગાંધીજીએ અને આર્યસમાજી સ્વામી શ્રદ્ધાનંદે મસ્જિદોમાં જઈને રાજકીય પ્રવચન આપ્યાં. 'હિંદુ-મુસલમાન કી જય' જેવાં સૂત્રો ગુંજવાં લાગ્યાં.
સફળતા અને નિષ્ફળતા
ગાંધીજી માટે ખિલાફત ન્યાયનો, ધર્મનો, પાડોશીધર્મનો, ભાઈને ટાંકણે મદદ કરવાનો, હિંદુમુસલમાન એકતાનું સપનું સિદ્ધ કરવાનો, સ્વરાજનો અને ગોરક્ષાનો પ્રશ્ન હતો.
ભારતના જાહેર જીવનમાં હિંદુમુસલમાન એકતા સિદ્ધ કરવાનો ગાંધીજી માટે આ પહેલો પ્રસંગ હતો.
તેમાં અને મુસ્લિમોના મોટા સમૂહને અંગ્રેજોથી તથા હિંસાથી દૂર લઈ જવામાં તેમને કામચલાઉ ભવ્ય સફળતા મળી. પણ આ બધા ગાળા દરમિયાન અંગ્રેજ સત્તાધીશો અને બીજાં કોમવાદી પરિબળો સતત સક્રિય હતાં.
માર્ચ, 1922માં ગાંધીજીની ધરપકડ થઈ અને રાજદ્રોહના ગુનાસર તેમને છ વર્ષનો જેલવાસ થયો. તબિયતના કારણસર તે 1924માં જેલમાંથી છૂટ્યા, ત્યારે બહારનું વાતાવરણ બગડી ચૂક્યું હતું.
એકાદ મહિના પછી તુર્કીના પ્રગતિશીલ નેતા મુસ્તફા કમાલ પાશાએ જ ખિલાફત નાબૂદ કરી નાખી અને સુલતાન-ખલીફાને હાંકી કાઢ્યા. એટલે ખિલાફતનો મુદ્દો અપ્રસ્તુત થઈ ગયો.
કોમવાદી પરિબળોનું ખેંચાણ અને કોમી હિંસાનો ચાલુ સિલસિલો, હિંદુ-મુસ્લિમો વચ્ચે ખટરાગની સ્થિતિ કાબૂમાં રાખવાને બદલે તે વણસે એવી કોશિશ કરતી અંગ્રેજ સરકાર અને ખિલાફતનો મુદ્દો ન રહેતાં, ભારતીય મુસ્લિમોમાંથી ઘણાનું આંદોલનથી વિમુખ થઈ જવું.
આ બધાને કારણે હિંદુ-મુસ્લિમ એકતાનું તાજું ચણતર તહસનહસ થઈ ગયું.
1924માં સરહદપ્રાંતના કોહાટમાં થયેલાં રમખાણોની તપાસ કર્યા પછી, તેનાં તારણો વિશે ગાંધીજી અને અલીબંધુઓ એકમત ન થઈ શક્યા. એટલે તેમના રસ્તા પણ ફંટાયા અને પછી કદી એક ન થયા.
વિશ્લેષણ
ગાંધીજીએ ખિલાફત ચળવળમાં તેમની ભૂમિકા વિશે પછીથી પણ કદી અફસોસ કે પસ્તાવો વ્યક્ત ન કર્યો અને પોતાનું વલણ યોગ્ય જ ગણાવ્યું.
બીજા ઘણા વિશ્લેષકોએ ખિલાફત ચળવળને ગાંધીજીની મોટી ભૂલ ગણી.
એવું કહેવાયું કે આ ચળવળને લીધે સામાન્ય મુસ્લિમોમાં રાજકીય જાગૃતિ આવી, તેમાં રહેલા ધર્મના તત્ત્વને કારણે ધાર્મિક રૂઢિચુસ્તોને પ્રતિષ્ઠા મળી અને જાગ્રત થયેલા મુસ્લિમો ખિલાફતનો સવાલ પૂરો થયા પછી હિંદુઓની સામે પડ્યા.
કેટલાક અભ્યાસીઓએ એવી પણ ટીકા કરી છે કે ગાંધીજીએ ધાર્મિકને બદલે આર્થિક મુદ્દે હિંદુ-મુસ્લિમ એકતાની કોશિશ કરી હોત તો તેનું આવું ખરાબ પરિણામ ન આવત.
ખિલાફત થકી હિંદુ-મુસ્લિમ એકતાનો ગાંધીજીનો પ્રયાસ ચાર દિવસની ચાંદની નીવડ્યો, તેમાં બેમત નથી.
ધાર્મિક મુદ્દે હિંદુ-મુસ્લિમોને એક કરવાનો ગાંધીજીનો પ્રયાસ અવાસ્તવિક આદર્શ લાગે, તો આર્થિક મુદ્દે આવી એકતાનો ખ્યાલ પણ એટલો જ અવાસ્તવિક આદર્શ છે.
'આદર્શ' શબ્દમાં જ કંઈક અંશે અવાસ્તવિકતાનો ભાવ છે. પરંતુ સરેરાશ ભારતીયોની ધાર્મિકતા જોતાં, એકતા માટે ગાંધીજી આર્થિકને બદલે ધાર્મિક રસ્તો જ પસંદ કરે, એ સમજાય એવું છે. (આર્થિક અસમાનતા એકતાનું કારણ બની શકતી હોત તો ભારતમાં સામ્યવાદનાં મૂળીયાં ઊંડાં ઊતર્યાં હોત)
ખિલાફત અંગેની ટીકા વિશે ગાંધીજીએ પત્રકાર દુર્ગાદાસને કહ્યું હતું કે ઝીણા જેવા નેતાઓ ચળવળને ઉપરથી નીચે સુધી ઊભી કરવા માગે છે, જ્યારે તે ચળવળને નીચેથી ઉપર લઈ જવા માગે છે.
આ પ્રક્રિયામાં મુસ્લિમોને સાંકળવા માટે ખિલાફતનો ઉપયોગ કરવાનો તેમનો ખ્યાલ હતો.
તેમાં આરંભિક સફળતા પછી ગાંધીજી નિષ્ફળ નીવડ્યા એ તદ્દન સાચું છે, પણ તેના આધારે 'ચળવળને ટેકો આપવાનું પગલું મૂળમાંથી ખોટું હતું' એવું કહી શકાય? એ વિશે શંકા રહે છે.
ખિલાફત પછીની નિષ્ફળતા વિશે વિચારતી વખતે હિંદુ-મુસલમાન એકતા સુદૃઢ કરવાના સમયગાળામાં જ ગાંધીજીનો જેલવાસ, બંને પક્ષના કોમવાદીઓની શુદ્ધિ-સંગઠન-તબલીઘ-તંઝીમ જેવી ચળવળો અને અંગ્રેજ સરકારની ભૂમિકા પણ ધ્યાનમાં લેવી રહી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો