લાંચ લેતા પકડાયેલા એ અધિકારી જેમની પાસેથી 200 કરોડ રૂપિયા મળ્યા

    • લેેખક, નારાયણ બારેઠ
    • પદ, જયપુરથી, બીબીસી હિન્દી માટે

પદ-હોદ્દો, પ્રતિષ્ઠા-રૂઆબ અને ધન સંપત્તિ. બધું તેમની પાસે હતું. તેમની મહેચ્છા હતી સંસદ સુધી પહોંચવાની.

પરંતુ એ પહેલાં જ કોટામાં નાર્કોટિક્સ વિભાગના ડેપ્યુટી કમિશનર સહીરામ મીણાની ગત પ્રજાસત્તાક દિવસે કથિત લાંચ લેવાના મામલે ઍન્ટિ-કરપ્શન બ્યૂરોએ ધરપકડ કરી હતી.

મીણાએ સવારમાં ઝંડો ફરકાવ્યો અને સત્ય નિષ્ઠા પર ભાષણ આપ્યું. હવે અધિકારી તેમની ધન-સંપત્તિનો હિસાબ કરી રહ્યા છે.

અધિકારીઓનું માનીએ તો આંકડો બસ્સો કરોડથી ઉપર પહોંચી ગયો છે. બ્યૂરોના અધિકારીઓના પ્રમાણે અત્યાર સુધીની તપાસમાં મીણાની પાસે અઢી કરોડ રોકડા, 106 પ્લોટ, 25 દુકાનો, પેટ્રોલ પંપ, મૅરેજ હોમ, ઝવેરાત અને ખેતીની જમીનનો રેકૉર્ડ મળ્યો છે.

પૈસા ગણવા માટે મશીન

મીણાની પાસે મળેલી ધન રાશી ગણવા માટે મશીનની મદદ લેવી પડી. જાણકારી મળી છે કે તેમણે બીટકોઇનમાં પણ રોકાણ કર્યું છે.

બ્યૂરોના અધિકારી ક્રિપ્ટોકરન્સીની ભાળ મેળવવા માટે એ ઇલેક્ટ્રૉનિક ઉપકરણોને શોધી રહ્યા છે જેનો મીણા ઉપયોગ કરતા હતા.

અધિકારીઓના અનુસાર પકડાઈ ગયા બાદ ન તો તેમના ચહેરા ઉપર કોઈ ડર હતો ના તો કોઈ ચિંતાની રેખા.

ઍન્ટિ-કરપ્શનના અધિક પોલીસ અધિક્ષક ચંદ્રશીલ ઠાકુરે બીબીસીને જણાવ્યું કે હજુ પણ મીણાની પૂછપરછ ચાલુ છે.

મીણાની સાથે દલાલ કમલેશ ધાકડની પણ ધરપકડ કરવામાં આવી છે. એક લાખ રૂપિયાની લાંચ આપતી વખતે ધાકડની ધરપકડ કરવામાં આવી.

તેઓ મીણાના દલાલ પણ છે. તેમના પિતા અફીણની ખેતી કરે છે. તપાસ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું કે મીણા તપાસમાં સાથ નથી આપી રહ્યા. પૂછપરછમાં મીણાએ કહ્યું કે તેમની પાસે વારસાગત પૈસા છે.

બ્યૂરોને કાર્યવાહી દરમિયાન એવા દસ્તાવેજ મળ્યાં છે, જેનાથી ખુલાસો થયો છે કે મીણા લોકસભાની ચૂંટણી લડવા ઇચ્છતા હતા.

એ બીજેપી અને કૉંગ્રેસ બંને પૈકી કોઈ પણ પાર્ટીમાંથી ચૂંટણી લડવા તૈયાર હતા.

નિવૃત્તિમાં થોડો જ સમય બાકી હતો

મીણા 1989માં સરકારી સેવામાં આવ્યા અને પ્રગતિના સોપાનો ચઢતા 1997માં ભારતીય મહેસૂલ સેવાના સભ્ય બની ગયા.

તેમની સેવાનિવૃત્તિમાં થોડો જ સમય બચ્યો હતો. અધિકારીઓએ પૂછપરછમાં કડકાઈ કરી, ત્યારે તેમણે તબિયત ખરાબ હોવાની વાત કહી.

એ પછી તરત તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જો કે ડૉકટરોએ તેમને સ્વસ્થ જાહેર કરી દીધા.

બ્યૂરોના અધિકારી ઠાકુર કહે છે કે અમે એમની પૂછપરછ કરીને જાણકારી મેળવવા ઇચ્છીએ છીએ કે લાંચના આ મામલામાં કોણકોણ સામેલ હતું અને આ કેટલી મોટી સાંકળ હતી.

ખેડૂતો અને નાર્કોટિક્સ વિભાગની વચ્ચેના મુખી

અધિકારીઓના અનુસાર અફીણની ખેતીમાં ખેડૂતો અને નાર્કોટિક્સ વિભાગના મુખી સેતુ હોય છે. મુખી જ એ ગામમાં અફીણના કરની માપણી અને હિસાબ કરે છે.

કમલેશ પોતાના ગામમાંપોતાના પિતાને મુખી બનાવવા ઇચ્છતા હતા પરંતુ પાત્રતા હોવા છતાં કોઈ અન્ય વ્યક્તિને મુખી બનાવી દેવામાં આવ્યા.

બ્યૂરોના અધિકારીઓની મીણા ઉપર ઘણા સમયથી નજર હતી, એટલે કમલેશ અને મીણાના ફોન નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા.

બધું જ ફિલ્મી કથાની જેમ થયું. બ્યૂરોએ મીણા ઉપર નજર રાખી. પ્રજાસત્તાક દિવસ ઉપર મીણા પોતાના નિવાસ સ્થાનેથી સમારંભમાં જવા માટે નીકળ્યા, તેમની ગાડીને બે નાર્કોટિક્સ કર્મચારી બાઇક પર ઍસ્કૉર્ટ કરતા નીકળ્યા.

આરોપી મીણાએ ઝંડો ફરકાવ્યો અને વીસ મિનિટ સુધી ઇમાનદારી ઉપર ભાષણ આપ્યું. ઘરે પરત આવ્યા અને જેવી કમલેશે એક લાખ રૂપિયાની લાંચ આપી, તેમની ધરપકડ કરી લેવામાં આવી.

રાજસ્થાનમાં સવાઈ માધોપુર જિલ્લાના મીણા લગભગ ત્રણ દસકાથી સેવામાં છે. તપાસમાં સંલગ્ન અધિકારીઓના અનુસાર તેમને બરખાસ્ત કરી દેવાયા છે.

પરંતુ આ વિષયમાં કોટા સ્થિત નાર્કોટિક્સ વિભાગ સાથે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું, તેમને આ વિશે જાણકારી નથી.

નાર્કોટિક્સ વિભાગના મુખ્ય મથક ગ્વાલિયરમાં પણ કોઈ પણ અધિકારી આ બાબતે વાત કરવા માટે તૈયાર ના થયા. બ્યૂરોના અનુસાર, આરોપી મીણાના ઘણાં લૉકર અને બૅન્ક એકાઉન્ટ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મોટી સંપત્તિ

મીણાની પાસે જયપુરમાં 106 ભૂમિખંડ હોવાના દસ્તાવેજ મળ્યાં છે.

આમાંથી મીણાના પોતાના નામે 23, પુત્ર મનીષના નામે 23, પત્ની પ્રેમલતાના નામે 42, સંબંધીઓનાં નામે 12 અને પત્નીના નામે 42 દુકાનોની ફાળવણીના દસ્તાવેજ મળ્યા છે.

મુંબઈમાં પુત્રના નામે એક ફ્લેટ છે. આ સિવાય ઘણાં વાહન અને જયપુરમાં મકાન છે. આમાં જયપુરના જગતપુરા સ્થિત મકાનમાં ત્રણ બેગોમાં મુકેલા બે કરોડ, 26 લાખ રૂપિયા મળ્યા છે.

બ્યૂરોના અધિકારીઓએ આરોપી મીણાને પૂછ્યું કે જ્યારે તેમનો પગાર દોઢ લાખ રૂપિયા માસિક છે તો આટલી સંપત્તિ શા માટે એકત્ર કરી. અત્યાર સુધીની પૂછપરછમાં આરોપીએ પોતાને નિર્દોષ જ જણાવ્યા છે.

ભ્રષ્ટાચારનો ખુલ્લો ખેલ

એક તરફ અફીણની ખેતી કરનારા ખેડૂતોના સંગઠનનો આરોપ છે કે છેલ્લાં ઘણાં વર્ષોથી નાર્કોટિક્સ વિભાગમાં ભ્રષ્ટાચારનો ખુલ્લો ખેલ ચાલી રહ્યો હતો.

રાજસ્થાનના સાત જિલ્લાઓમાં અફીણની ખેતીની પરવાનગી છે અને એ માટે સરકાર ખેડૂતોને કેટલીક શરતો સાથે ખેતીની પરવાનગી આપે છે.

ભારતીય અફીણ ખેડૂત વિકાસ સમિતિના અધ્યક્ષ ચૌધરી રામનારાયણે કહ્યું, 'ખેડૂત એક અરસાથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છે, પરંતુ કોઈ સાંભળતું નહોતું. મને સુખદ આશ્ચર્ય થયું જ્યારે ઍન્ટિ-કરપ્શન વિભાગે કાર્યાવાહી કરી કારણકે અમે ફરિયાદો કરીને થાકી ગયા હતા.

અફીણ ઉત્પાદક ખેડૂત છેલ્લા 445 દિવસથી ચિત્તોડગઢ જિલ્લાના મુખ્યમથક ઉપર ધરણા ઉપર બેઠા છે. આ ધરણામાં અફીણ ખેડૂતોની સમસ્યાઓના સમાધાનની માગ કરવામાં આવી રહી છે. આમાં ભ્રષ્ટાચારનો મુદ્દો પણ સામેલ છે.

સમિતિના અધ્યક્ષ ચૌધરી કહે છે, "અમે દિલ્હી જઈને જંતર મંતર ઉપર પણ ધરણા કરી ચૂક્યા છીએ. પરંતુ ખેડૂતની વ્યથા કોણ સાંભળે છે. સરકારી અધિકારીઓએ એવી-એવી નીતિઓ બનાવી છે કે એ દ્વારા ખેડૂતો પાસેથી રકમ વસૂલી શકાય."

તમે આ વાંચ્યું કે નહીં?

ચૌધરીનો આરોપ છે કે વિભાગના અધિકારી ગેરકાયદેસર કાર્યમાં સંકળાયેલા છે. "તેઓ ખેડૂતોને અફીણની ખેતીનું લાયસન્સ રદ્દ કરવાની ધમકી આપીને પૈસા વસૂલે છે.

તેઓ જણાવે છે કે કેન્દ્ર સરકારને ઢગલાબંધ પત્રો લખ્યા, નિવેદનો મોકલ્યા અને પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું. પરંતુ બધું આમ જ ચાલી રહ્યું છે.

ચૌધરીના અનુસાર તેઓ ત્રણ વાર આરોપી અધિકારી સહીરામ મીણાને મળ્યા અને તેમના વિભાગમાં લાંચના વેપારની ફરિયાદ કરી.

કોટામાં અફીણ ખેડૂત સંઘર્ષ સમિતિના ભવાની સિંહ ધરતીપકડે કહ્યું, "વિભાગના અધિકારી ખેડૂતોની ઉપજને નબળી ગુણવત્તાની જણાવીને પટ્ટો રદ કરવાની ધમકી આપીને પૈસા વસૂલતા રહ્યા."

તેઓ કહે છે, "જ્યારેજ્યારે અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને ખેડૂતોની બેઠક થતી, અમે આ મુદ્દો ઉઠાવતા અને આશા રાખતા કે કશું થશે."

"પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. આ બેઠકમાં કોટા, ચિત્તોડ અને ઝાલાવાડના સાંસદો પણ હાજર રહેતા હતા. અમે દરેક વાર ભ્રષ્ટાચારનો મુદ્દો ઉપાડતા પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં."

ધરતીપકડ કહે છે કે અફીણની ખેતીથી પરિવારનું ગુજરાન ચાલી જાય છે, કારણકે અન્ય પાકમાં હવે પેટ પાલવવું મુશ્કેલ બને છે. આ જ અફીણનું ઉત્પાદન કરનારા ખેડૂતોની મજબૂરી છે અને એનો અધકારીઓ લાભ ઉઠાવતા રહ્યા છે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો