You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં 'પ્રથમ હિંદુ મહિલા સિવિલ જજ' બનનારી યુવતી કોણ છે?
- લેેખક, રિયાઝ સુહૈલ
- પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા, કરાચી
પાકિસ્તાનમાં સિંધ પ્રાંતના શહદાદકોટ જિલ્લાનાં સુમન બોદાની સિવિલ જજ બનનારા પ્રથમ હિંદુ મહિલા બન્યાં છે.
જ્યુડિશિયલ સેવાની પરીક્ષામાં 54મો ક્રમ મેળવ્યા બાદ તેમને સિવિલ જજ અને જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
સિંધ અને બલુચિસ્તાનની સરહદ પર વસેલું શહદાદકોટ એક પછાત શહેર છે. 2010માં આવેલા પૂર દરમિયાન જે શહેરો અસરગ્રસ્ત થયાં હતાં, તેમાં શહદાદકોટ પણ સામેલ હતું.
સિંધ યુનિવર્સિટીમાંથી કર્યું એલએલબી
સુમન બોદાનીએ ઇન્ટરમીડિએટ સુધીનું શિક્ષણ પોતાના જ શહેરમાં મેળવ્યું. એ પછી તેમણે હૈદરાબાદથી એલએલબી અને કરાચીની ઝૅબિસ્ટ યુનિવર્સિટીથી એલએલએમ કર્યું.
તેઓ કરાચીમાં પ્રખ્યાત વકીલ નિવૃત્ત જસ્ટિસ રિઝવીના લૉ ફર્મ સાથે જોડાયાં અને તેમની સાથે બે વર્ષ પ્રેક્ટિસ કરી.
પિતાની ઇચ્છા હતી કે સુમન કાયદાના ક્ષેત્રમાં આવે.
તેમના પિતા ડૉક્ટર પવન બોદાનીએ બીબીસીને જણાવ્યુ કે હૈદરાબાદમાં સિંધ યુનિવર્સિટી સાથે જોડાયેલી એક કૉલેજમાં પાંચ વર્ષીય કાયદાની ડિગ્રીના અભ્યાસની શરૂઆત થઈ રહી હતી અને આ તેમની પહેલી બેચ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમને લાગ્યું કે ક્ષેત્ર ખૂબ સારું છે અને બાળકો, ગરીબોને ન્યાય અપાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે એટલે સુમન બોદાનીને આ ક્ષેત્રમાં મોકલી દીધાં.
સુમનનું કહેવું છે કે તેઓ ગ્રામીણ વિસ્તાર સાથે સંબંધ ધરાવે છે, ત્યાં તેમણે ઘણા લોકોને કાયદાકીય સમસ્યાઓનો શિકાર થયેલા જોયા છે કે જેઓ કોર્ટનો ખર્ચ ઉઠાવી શકે એમ નથી.
"મેં વિચાર્યું હતું કે હું વકીલ બનીશ અને તેમને ન્યાય અપાવીશ."
સુમનના પિતા ડૉક્ટર પવન બોદાની શહદાદકોટમાં આંખોની સારવારનું દવાખાનું ચલાવે છે.
તેમનું કહેવું છે કે 1991માં તેમણે કમિશન પાસ કર્યું પરંતુ સરકારી નોકરીમાં પગાર ઓછો હોવાને કારણે તેમણે ખાનગી પ્રેક્ટિસ કરવાને મહત્વ આપ્યું.
તેઓ 1992થી શહદાદકોટમાં જ પ્રેક્ટિસ કરે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
લતા મંગેશકરનાં ચાહક છે સુમન
સુમન બોદાની ડૉક્ટર બોદાનીના એક માત્ર સંતાન નથી કે જેમણે પોતાના પરિવારનું નામ રોશન કર્યું હોય.
તેમની મોટી દીકરી સૉફ્ટવેર એંજિનયર છે, બીજી દીકરી સુમન જજ બન્યા છે, ત્રીજા ઓમાનમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે જ્યારે એક પુત્ર ખાનગી યુનિવર્સિટીમાં ઑડિટર છે.
તેમના બે નાના દીકરા કૉલેજમાં અભ્યાસ કરે છે અને ડૉક્ટર બનવાનું સપનું સેવે છે.
સિંધમાં હિંદુ સમુદાય સાથે જોડાયેલી છોકરીઓને મોટાભાગે ડૉક્ટર અથવા શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા પર ભાર અપાય છે.
સુમન બોદાનીનું કહેવું છે, "મને ખબર છે કે સમુદાય આ નિર્ણયનું સમર્થન નહીં કરે કારણકે આ ક્ષેત્રે છોકરી કામ કરે એ પસંદ કરવામાં નથી આવતું."
જોકે, તેમને હંમેશાં પિતા અને ભાઈ-બહેનોની મદદ મળી છે.
તેઓ ઉમેરે છે, "આ વિષયમાં પરિવારને ઘણી વાતો સંભાળવી પડી પરંતુ મારા પરિવારે વાતોની પરવા ન કરી મને આ મુકામ સુધી પહોંચાડી દીધી."
સોશિયલ મીડિયા પર સુમન બોદાનીની પ્રોફાઇલના અનુસાર તેઓ લતા મંગેશકર અને આતિફ અસલમના પ્રશંસક છે. જ્યારે તેમની પસંદગીની ફિલ્મોમાં 'વિવાહ' અને 'ધી ડેવિલ્સ ઍડવોકેટ' સામેલ છે.
આ ઉપરાંત તેઓ શાયરી વાંચનમાં પણ રસ ધરાવે છે.
સિંધના શહદાદકોટ, જેકબાબાદ, કશમોર અને શિકારપુરમાં હિંદુ સમુદાયની છોકરીઓના કથિત રીતે ધર્મ પરિવર્તન અને વેપારીઓને ઉઠાવી જવાની ફરિયાદો આવતી રહી છે.
ડૉક્ટર પૂનકુમારનું કહેવું છે કે હવે પરીસ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે, જોકે હજુ પણ કેટલીક ફરિયાદો તો છે જ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો