એકતા કપૂર સરોગેસીથી માતા બન્યાં, પિતા જિતેન્દ્રના નામે પુત્રનું નામ પાડ્યું

    • લેેખક, મધુ પાલ,
    • પદ, મુંબઈથી, બીબીસી માટે

ભારતીય ટેલીવિઝનના ક્વીન ગણાતાં અને બોલીવુડ ફિલ્મોના પ્રોડ્યૂસર એકતા કપૂર સરોગેસીથી પુત્રનાં માતા બન્યાં છે.

એકતા કપૂરની પીઆર ટીમ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં આ વાતની ખરાઈ કરાઈ છે.

એકતા કપૂરે આ અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. એમાં તેમણે પોતાના માતા બનવાના અનુભવ વિશે લખ્યું છે, "મારા જીવનમાં ઘણી સફળતાઓ જોઈ છે, પણ આ ભાવનાને કંઈ જ પાછળ પાડી ન શકે."

તેમણે એવું પણ લખ્યું છે, "મારા બાળકના જન્મથી હું કેટલી ખુશ છે એ હું કહી નથી શકતી, હું મારા બાળક સાથેની નવી જિંદગી શરૂ કરવા આતુર છું."

27 જાન્યુઆરીએ જન્મેલા આ બાળકનું નામ રવિ કપૂર રાખવામાં આવ્યું છે.

એકતા કપૂરના પિતા જીતેન્દ્રનું પણ અસલી નામ રવિ કપૂર જ છે.

સરોગેસીથી માતા બનવામાં એકતા કપૂરને ડૉક્ટર નંદિતા પલશેતકરે મદદ કરી. તેમણે કહ્યું, "એકતા કપૂર થોડા સમય પહેલાં માતા બનવાની ઇચ્છા સાથે મારાં પાસે આવ્યાં હતાં. અમે આઈવીએફ અને આઈયૂઆઈ થકી ઘણી વખત પ્રયત્ન કર્યા, પણ એકતા ગર્ભવતી ન બની શક્યાં. એટલે અમે સરોગેસીની મદદ લીધી."

આપને આ પણ વાંચવું ગમશે

એકતાના માતા બનવાના સમાચારથી બોલીવુડ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.

એકતા કપૂર તુષાર કપૂરના મોટાં બહેન અને પોતાના જમાનાના પ્રસિદ્ધ અભિનેતા જીતેન્દ્રનાં દીકરી છે.

એવું કહેવાય છે કે તેમણે માતા બનવાની પ્રેરણા ભાઈ તુષાર કપૂર પાસેથી મળી હતી.

સરોગેસીથી પિતા બન્યા હતા તુષાર

ત્રણ વર્ષ પહેલાં તુષાર કપૂર પણ સરોગેસીથી પિતા બન્યા હતા અને તેમણે પુત્રનું નામ લક્ષ્ય કપૂર રાખ્યું હતું.

લક્ષ્યના જન્મદિવસે તથા આ ઉપરાંત અનેક વખત એકતા કપૂર કહી ચૂક્યાં છે કે તેઓ લગ્ન કરવા માગતા નથી.

પણ જ્યારે તુષારના પુત્ર લક્ષ્યનો જન્મ થયો હતો, ત્યારે તેમણે માતા બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે તેઓ જ્યારે જવાબદારી ઉઠાવવા લાયક થઈ જશે, ત્યારે ચોક્કસ માતા બનશે.

બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ સોશિયલ મીડિયા પરની તેમની અને તેમના ભત્રીજાની તસવીરોમાં દેખાય છે.

ઘણી વખત તેઓ ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે કે તેમનો ભત્રીજો લક્ષ્ય તેમનો સૌથી પ્રિય છે.

બોલીવુડના અન્ય સરોગેટ પેરેન્ટ

એવું નથી કે એકતા અને તુષાર જ બોલીવુડમાં સરોગેસીથી પેરેન્ટ બનનારાં સેલિબ્રિટીઝ છે.

તેમના પહેલાં કરણ જૌહર જેવા અન્ય બોલીવુડ સેલિબ્રિટીઝ પણ પેરેન્ટ બની ચૂક્યા છે.

બોલીવુડ બાદશાહ શાહરુખ ખાન, અભિનેત્રી સની લિયોન અને અભિનેતા આમિર ખાન પણ સરોગેસીથી માતાપિતા બની ચૂક્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો