BBC TOP NEWS : ચંદા કોચર ICICIની તપાસમાં દોષી પૂરવાર

ચંદા કોચર મામલામાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણાની અધ્યક્ષતામાં કરાયેલી તપાસ પૂર્ણ થઈ ગઈ છે. આ તપાસમાં ચંદા કોચર દોષી પૂરવાર થયાં છે.

આઈસીઆઈસીઆઈ બૅન્કનાં સીઈઓ અને મૅનેજિંગ ડાયરેક્ટર રહી ચૂકેલાં ચંદા કોચર પર પદનો ખોટો ઉપયોગ કરીને વીડિયોકૉન ગ્રૂપને લૉન આપવાનો અને અયોગ્ય રીતે વ્યક્તિગત લાભ લેવાનો આરોપ છે.

સીબીઆઈ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર વિરુદ્ધ ફરિયાદ નોંધવા તપાસ કરી રહી છે.

આ અંગે બૅન્ક દ્વારા સ્વતંત્ર તપાસ કરાઈ રહી હતી, જેમાં તેઓ દોષી પૂરવાર થતા હવે તેમને તેમના પદ પરથી કાઢી મુકાયા હોવાનું મનાય છે.

આંકડા આયોગમાં રાજીનામાં પડ્યાં

નોટબંધી જાહેર થયા બાદ સરકાર 'વર્ષ 2017-18નો રોજગારી અને બેરોજગારીનો વાર્ષિક સરવે'નો અહેવાલ જાહેર નહીં કરી રહી હોવાથી રાષ્ટ્રીય આંકડા આયોગ(નેશનલ સ્ટટિસ્ટિકલ કમિશન)ના ચૅયરપર્સન અને અન્ય એક અધિકારીએ રાજીનામું આપી દીધું છે.

આયોગમાંથી આંકડાશાસ્ત્રી પી.સી. મોહનન અને જે.વી.મિનાક્ષીએ રાજીનામું આપ્યું છે. તેમની નિમણૂક જૂન 2017માં થઈ હતી. મોહનન આયોગના કાર્યકારી ચૅયરપર્સન હતા.

નોટબંધી બાદ દેશમાં રોજગારી-બેરોજગારીની સ્થિતિ 'નેશનલ સૅમ્પલ સર્વે ઑર્ગનાઇઝેશ'ના આ અહેવાલમાં રજૂ કરાઈ છે.

વર્ષ 2006માં સ્થપાયેલું 'આંકડા આયોગ' એક સ્વાયત્ત સંસ્થા છે અને તેનું કામ દેશની આંકડાકીય વ્યવસ્થાની દેખરેખનું છે.

મોહનને કહ્યું કે "અમે અહેવાલ તૈયાર કરીએ અને આયોગ તેને મંજૂરી આપે એટલે તે અહેવાલ થોડાં દિવસોમાં જ પ્રકાશિત થઈ જતો હોય છે."

તેમણે સરવેનો અહેવાલ ડિસેમ્બરની શરુઆતમાં આપ્યો હતો. જે બે મહિના થવાં છતાં લોકો સમક્ષ રજૂ કરવામાં નથી આવ્યો.

અયોધ્યામાં બિનવિવાદિત જમીન માટે સરકાર સુપ્રીમમાં

લોકસભાની ચૂંટણી અગાઉ અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ કેસમાં હવે સરકારે પણ પ્રવેશ કર્યો છે.

મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે સરકારે જે 67 એકર જમીનનું અધિગ્રહણ કર્યુ હતું તે જમીન રામ જન્મભૂમિ ન્યાસને આપી દેવામાં આવે.

સરકારનું કહેવું છે કે જમીનનો વિવાદ ફક્ત 0.313 એકર પર છે અને બાકીની જમીન પર કોઈ વિવાદ નથી.

ઉલ્લેખનીય છે કે 67 એકર જમીનનું અધિગ્રહણ સરકારે કરેલું છે, જેનાં પર યથાસ્થિતિ જાળવી રાખવાનો સુપ્રીમનો આદેશ છે.

બ્રેક્સિટ : વડાં પ્રધાને મેને મળી સંસદમાં રાહત

બ્રિટનનાં વડાં પ્રધાન થેરસા મેને બ્રેક્સિટ મુદ્દે યુરોપિયન સંઘ સાથે ફરી વાતચીત કરવા માટે સંસદે સમર્થન આપ્યું છે.

કન્ઝર્વેટિવ પક્ષના સાંસદ ગ્રાહમ બ્રેડીના પ્રસ્તાવ પર મતદાન થયું હતું, જેમાં વડાં પ્રધાને 16 મત વધારે મળ્યા હતા.

વડાં પ્રધાન મેએ સંસદને અપીલ કરી હતી કે તેમને યુરોપિયન સંઘ સાથે બ્રેક્સિટ મુદ્દે વાતચીત કરવાનો મોકો ફરી આપવામાં આવે.

ઉલ્લેખનીય છે બ્રિટન અને યુરોપિયન સંઘને અલગ કરતી બ્રેક્સિટની અગાઉની સમજૂતીનો મૂળ દસ્તાવેજ સંસદમાં પસાર થઈ શક્યો નહોતો.

જોકે, લૅબર પાર્ટી દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને થેરેસા મે જીતી ગયા હતાં.

આપને આ પણ વાંચવું ગમશે

વેનેઝુએલામાં વિપક્ષી નેતા સામે પ્રતિબંધની અપીલ

વેનેઝુએલાના એટર્ની જનરલે દેશની ઉચ્ચ અદાલતમાં વિપક્ષી નેતા ખુઆન ગોઇદોના દેશ છોડવા પર પ્રતિબંધ અને એમના બૅન્ક ખાતાઓને સ્થગિત કરવા અંગે અરજી કરી છે.

રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ શપથ ગ્રહણ કર્યા પછી ગત અઠવાડિયાથી વિપક્ષી નેતા ખુઆન ગોઇદોએ ચૂંટણીમાં ગેરરીતિના આરોપ સાથે પોતાને રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધા હતા.

અમેરિકા સહિત લગભગ 20 દેશોએ ગોઇદોને રાષ્ટ્રપતિ તરીકેની માન્યતા આપી છે. આની સામી નિકોલસ માદુરોને ચીન અને રશિયા જેવા દેશો સમર્થન આપી રહ્યાં છે.

સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા મુજબ 21 જાન્યુઆરીથી અત્યાર સુધી ઓછામા ઓછા 40 લોકોનાં મૃત્યુ થયાં છે અને અનેક લોકોની ધરપકડ થઈ છે.

વિપક્ષી નેતાને દેશ છોડવા પર પ્રતિબંધ અને બૅન્ક ખાતા સ્થગિત કરવાની અરજી અમેરિકાના એમને સમર્થન પછી કરવામાં આવી છે.

અમેરિકાએ પોતાના દેશમાં હોય તેવાં તમામ બૅન્ક ખાતાઓનું નિયંત્રણ વિપક્ષી નેતા ગોઇદોને આપી દીધું છે.

2019માં મહિલા અનામત બિલનું રાહુલનું વચન

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગરીબોને લઘુતમ આવકનું વચન આપ્યા બાદ હવે મહિલાઓને અનામતનું વચન આપ્યું છે એમ ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ જણાવે છે.

રાહુલ ગાંધીએ આ જાહેરાત કોચીમાં એક રેલી દરમિયાન કરી છે.

એમણે કહ્યું કે "2019માં સત્તા પર આવીશું તો પહેલું કામ મહિલા અનામત બિલને પસાર કરવાનું કરીશું. અમે મહિલાઓને નેતૃત્વની ભૂમિકામાં જોવા માગીએ છીએ."

ઉલ્લેખનીય છે કે મહિલાઓને સંસદ અને વિધાનસભાઓમાં 33 ટકા અનામતની જોગવાઈ કરતું બિલ 2010માં રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. જોકે, લોકસભામાં તે હજુ સુધી પસાર થઈ શક્યું નથી.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો