You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહિલા ટી-20માં સદી ફટકારનારાં હરમનપ્રીત કૌર કોણ છે?
વેસ્ટ ઇન્ડિઝના ગુયાનામાં શુક્રવારથી શરૂ થયેલી આઈસીસી મહિલા વર્લ્ડ ટી-20 ટૂર્નામેન્ટની પ્રથમ મૅચમાં ભારતે ન્યૂ ઝિલૅન્ડને 34 રનથી હરાવ્યું.
આ મૅચમાં ભારતની ટીમનાં કૅપ્ટન હરમનપ્રીત કૌરે સદી ફટકારી ઇતિહાસ સર્જી દીધો.
તેમની આગેવાની હેઠળ ભારતે પ્રથમ દાવ લઈ 194 રન બનાવ્યા હતા. જેમાં હરમનપ્રીત કૌરે સદી ફટકારી હતી, આ સાથે જ તેઓ મહિલા ટી-20 મેચમાં સદી ફટકારનારાં પ્રથમ ભારતીય મહિલા બની ગયાં છે.
ત્રીજા નંબરે બૅટિંગ કરવા આવેલાં હરમનપ્રીતે માત્ર 49 બૉલમાં સદી ફટકારી હતી અને કુલ 51 બૉલમાં સાત ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 103 રન બનાવ્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
કૅપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી રહી.
બીજી ઑવરમાં જ ભારતનાં તાનિયા ભાટિયા આઉટ થઈ ગયાં હતાં.
પ્રથમ નંબરે બૅટિંગ કરવા આવેલાં જેમીમા રોડ્રિગ્ઝે 59 રન બનાવ્યા હતા. હરમનપ્રીત અને રોડ્રિગ્ઝે કુલ 134 રનની ભાગીદારી કરી હતી. આ રીતે ભારતે 20 ઑવરમાં 194 રન બનાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોણ છે હરમનપ્રીત કૌર?
આઈસીસી મહિલા વિશ્વકપની પ્રથમ મેચમાં ન્યૂ ઝિલૅન્ડ સામે આક્રમક સદી ફટકારીને ઑલરાઉન્ડર હરમનપ્રીત કૌરે ઇતિહાસ રચ્યો છે. આ મૅચમાં હરમનપ્રિત કૌરે 51 બોલમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 103 રન કર્યા હતા.
હરમનપ્રીત કૌરની આ સદી મહિલા ક્રિકેટની કોઈપણ ટી-20માં ભારતીય ખેલાડીએ નોંધાવેલી પ્રથમ સદી છે.
હાલ ભારતની મહિલા ક્રિકેટ ટીમનાં કપ્તાન પંજાબના મોગામાં ગલી ક્રિકેટ રમતાં હતાં ત્યારથી બૉલર્સને હંફાવતા આવ્યાં છે.
પંજાબના મોગામાં 8 માર્ચ 1989ના રોજ જન્મેલાં હરમનપ્રીત કૌરને ક્રિકેટ સિવાય ફિલ્મ, ગીતો અને કાર ચલાવવાનો શોખ છે.
તેમણે બોલીવૂડની ફિલ્મ દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે અનેકવાર જોઈ છે.
હરમનપ્રીત કૌરે પોતાની પહેલી વન-ડે મૅચ 2009 રમી હતી. 2013માં ઇંગ્લૅન્ડની સામે સદી ફટકારીને તેઓ જાણીતાં બન્યાં.
બિગ બૈશની ત્રણ લીગ મધ્યમક્રમનાં હરમનપ્રીત કૌરને સાઇન કરવા માગતી હતી. જોકે, તેમણે સિડની થંડર્સની પસંદગી કરી હતી.
સિડની થંડર્સ સાથે કરાર કરનાર તેઓ પહેલા ભારતીય મહિલા ક્રિકેટર છે.
2016માં ભારતે ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં ટી-20 ક્રિકેટની સૌથી મોટી જીત મેળવી હતી.
આ મૅચમાં મહત્ત્વની ભૂમિકા નિભાવતા 31 બોલમાં 46 રન કર્યા હતા.
2013માં બાંગ્લાદેશ સામેની કપ્તાન મિતાલી રાજને આરામ આપવામાં આવતા ભારતીય ટીમની કપ્તાની પહેલીવાર હરમનપ્રીતને સોંપવામાં આવી હતી.
2016થી તેઓ મિતાલી રાજને સ્થાને ભારતીય ટી-20 ટીમની કપ્તાની સોંપવામાં આવી છે.
ભારતની મહિલા ક્રિકેટ ટીમ 2018ના આ વિશ્વકપની પ્રબળ દાવેદાર મનાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો