અનિલ કુંબલે : તૂટેલા જડબાં સાથે પણ રમી શકે તેવા ખેલાડી

ભારતના પૂર્વ સ્પિન બૉલર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ પણ રહ્યા છે.

પરંતુ કેપ્ટન વિરાટ કોહલી સાથે તેમના અણબનાવના કારણે તેમણે જલદી જ આ પદ છોડી દીધું.

ક્રિકેટની દુનિયામાં મોટા ભાગની વાતો ઢંકાયેલી રહે છે. ત્યાં કુંબલે સામે આવ્યા અને હેડ કોચના પદ પરથી પોતે શા માટે હટી ગયા તેનું કારણ પણ જણાવ્યું.

થાક્યા વગર બૉલિંગ કરવા વાળા કુંબલેની આખી કારકિર્દી ઉપલબ્ધિઓથી ભરેલી રહી છે.

પરંતુ તેમના જીવનની કેટલીક ઘટનાઓ એવી છે કે જેનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

આપને આ પણ વાંચવું ગમશે

તૂટેલા જડબા સાથે ઝડપી હતી લારાની વિકેટ

અનિલ કુંબલેને ઍન્ટિગામાં જડબા પર બૉલ વાગ્યો હતો. ઈજા હોવા છતાં તેઓ મેદાન પર બૉલિંગ કરવા ઉતર્યા હતા. તે સમયે તેમનું જડબું પણ તૂટેલું હતું.

એક ભારતીય ડૉક્ટર તે મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર હતા અને મેચ જોઈ રહ્યા હતા.

તેમણે કુંબલેનું જડબું પટ્ટીથી બાંધી દીધું હતું. બધાને લાગતું હતું કે કુંબલે આરામ કરશે.

પણ કુંબલેની પ્રબળ ઇચ્છા હતી, જેથી કરીને તેઓ બૉલિંગ કરવા મેદાનમાં ઉતર્યા હતા, જેને જોઈને દુનિયા સ્તબ્ધ રહી ગઈ હતી.

તૂટેલા જડબાની સાથે તેમણે સાહસનો પરિચય આપ્યો અને બ્રાયન લારાની વિકેટ ઝડપી તેમને પેવેલિયન પરત મોકલી દીધા હતા.

મેચ ન રમ્યા, પણ જીતની તસવીર લીધી

ટ્રિનિદાદ એન્ડ ટોબૈગોની રાજધાની પૉર્ટ ઑફ સ્પેનમાં ભારતની મેચ યોજાઈ હતી.

તે દરમિયાન જૉન રાઈટ ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને સૌરવ ગાંગુલી કૅપ્ટન હતા.

કુંબલેને પહેલા કહેવાયું હતું કે તેઓ મેચ રમશે, પછી કહેવામાં આવ્યું કે તેઓ નહીં રમે, ત્યારબાદ ફરી એક વખત કહેવાયું કે તેઓ મેચ રમી રહ્યા છે.

તેઓ ઝિંક પેન્ટમાં સતત મેદાનમાં ચક્કર લગાવી રહ્યા હતા. આખરે જ્યારે ટીમની જાહેરાત થઈ તો તેમાં કુંબલેનું નામ ન હતું.

એક સિનિયર ખેલાડી સાથે આ પ્રકારનું વર્તન થયું હતું, પણ જ્યારે ભારતે ટેસ્ટ મેચ જીતી તો સૌથી વધુ ખુશી જેમને થઈ તે અનિલ કુંબલે જ હતા.

તે સમયે તેમના ચહેરા પર ખુશી જોવા મળી રહી હતી અને તેઓ ખુશી મનાવતા પોતાની ટીમની તસવીરો લઈ રહ્યા હતા.

કુંબલેને ક્યારેય મેચ રેફરીએ બોલાવ્યા ન હતા

એક સમયે કુંબલેની આગેવાનીમાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતી. તે સમયે ભારે વિવાદ થયો હતો.

ત્યારે કુંબલેએ કહ્યું હતું કે 'એક જ ટીમ ક્રિકેટ રમી રહી છે.'

કુંબલેના કહેવાનો મતલબ હતો કે ઑસ્ટ્રેલિયા જે રીતે પોતાના પેંતરા અપનાવી રહી છે, તે રમતની ભાવનાની વિરૂદ્ધ છે.

તે સમયે ભારત જબરદસ્ત રીતે સિરીઝમાં પ્રદર્શન કર્યું હતું. તેમાં કુંબલેની મોટી ભૂમિકા હતી.

કુંબલે અનુશાસન સાથે ક્રિકેટ રમતા હતા. એવું ક્યારેય નથી બન્યું કે કુંબલેને કોઈ મેચના રેફરીએ મેદાન પરથી પરત બોલાવ્યા હોય.

કુંબલેના પરફોર્મન્સ પર કોઈ ન ઉઠાવી શક્યું આંગળી

મેચ ફિક્સિંગના એક તબક્કા દરમિયાન કુંબલેએ પોતાના ક્રિકેટ જીવનનું સૌથી શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું હતું.

લાગતું હતું કે તેઓ તેને એક પડકાર તરીકે જોઈ રહ્યા છે.

તેમને લાગતું હતું કે તેઓ મેચ જીતાડીને આરોપ લગાવવા વાળા લોકોને ચૂપ કરી શકે છે.

તેમનું ચરિત્ર એટલું મજબૂત છે કે ક્યારેય કોઈની હિમ્મત ન થઈ કે તેઓ કુંબલે પાસે જઈને પોચે ઇચ્છેલી રમત રમવા માટે કહી શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો