ઉમેશ યાદવ : ઇન્ડિઝ સામે બીજી ટેસ્ટમાં જીત અપાવનાર હીરો

વેસ્ટ ઇન્ડિઝના કૅપ્ટન જેસન હોલ્ડરને આશા હતી કે હૈદરાબાદ ખાતેની ટેસ્ટ મૅચમાં તેઓ નવેસરથી ઇતિહાસ લખી શકશે. પરંતુ ભારતીય ટીમના ફાસ્ટ બૉલરે હોલ્ડરની મહેનત પર પાણી ફેરવી દીધું હતું.

ઉમેશની બૉલિંગને કારણે બીજી ઇનિંગમાં વેસ્ટ ઇન્ડિઝની સમગ્ર ટીમ માત્ર 127 રનમાં આઉટ થઈ ગઈ હતી.

ત્રીજા દિવસે હૈદરાબાદ ટેસ્ટ મૅચ તથા સિરીઝ જીતવા માટે 72 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ભારતના ઓપનર્સે માત્ર 17મી ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી દીધો હતો.

ઓપનર લોકેશ રાહુલ તથા પૃથ્વી શોએ અણનમ 33-33 રન ફટકાર્યા હતા. ભારતે દસ વિકેટે વિજય સાથે બે મૅચની સિરીઝ પર 2-0થી કબજો કર્યો હતો.

આપને આ પણ વાંચવું ગમશે

નબળી રહી ઇન્ડિઝની ટીમ

હૈદરાબાદ ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે પહેલા સેશન સુધી કોઈને લાગતું ન હતું કે આ મૅચ એકતરફી થઈ જશે.

પહેલી ઇનિંગમાં 52 રન ફટકારનારા વેસ્ટ ઇન્ડિઝના કૅપ્ટન હોલ્ડરે, રૉસ્ટન ચેઝ સાથે 104 રનની પાર્ટનરશિપ કરી હતી.

વેસ્ટ ઇન્ડિઝ સામે ઘરઆંગણેની ટેસ્ટ સિરીઝમાં ચાર વર્ષમાં પહેલી વખત એવું થયું કે ભારતીય બૉલર્સે 100 ઓવરથી વધુ ઓવરની બૉલિંગ કરવી પડી હોય. વેસ્ટ ઇન્ડિઝની ટીમે 311 રન ફટકાર્યા હતા.

બાદમાં કૅપ્ટન હોલ્ડરે માત્ર 56 રન આપીને પાંચ વિકેટ ખેરવી હતી. ભારતીય ટીમ માત્ર 367 રનમાં આઉટ થઈ ગઈ અને અપેક્ષા મુજબ લીડ મળી નહીં.

અસરકારક ઉમેશ યાદવ

મૅચના ત્રીજા દિવસના પહેલા સેશન સુધી મૅચમાં રસ્સાકસ્સી જણાતી હતી, પરંતુ ઉમેશ યાદવની અસરકારક બૉલિંગે મૅચને એકતરફી કરી દીધી હતી.

પહેલી ઇનિંગમાં ઇન્ડિઝના છ ખેલાડીઓને આઉટ કરનારા યાદવે બીજી ઇનિંગમાં 45 રન આપીને ચાર વિકેટ લીધી હતી.

ઉમેશ યાદવની ચુસ્ત બૉલિંગને પગલે ઇન્ડિઝની ટીમ બીજી ઇનિંગમાં માત્ર 127 રને ઑલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઇનિંગમાં ઇન્ડિઝની ટીમ માત્ર 46.1 ઓવર રમી શકી. 38 રન ફટકારનારા સુનિલ એમ્બરીસ ટોપ સ્કોરર રહ્યા.

વેસ્ટ ઇન્ડિઝના ત્રણ બૅટ્સમૅન એક પણ રન ફટકારી શક્યા ન હતા. ઉમેશ યાદવે મૅચ દરમિયાન 133 રન આપીને દસ વિકેટ્સ લીધી હતી.

ઘર આંગણે એક જ ટેસ્ટમાં દસ વિકેટ લેનારા તેઓ ત્રીજા ફાસ્ટ બૉલર છે. આ પહેલાં કપિલ દેવ તથા જવાગલ શ્રીનાથે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

યાદવે પહેલી ઇનિંગમાં 88 રન આપીને છ વિકેટ લેવાની સાથે એક સિદ્ધિ હાંસલ કરી હતી. 20 વર્ષમાં પહેલી વખત ઘર આંગણે એક જ ઇનિંગમાં છ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બૉલર બન્યા હતા.

બીજી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ ત્રણ, આર. અશ્વિને બે તથા કુલદીપ યાદવે એક વિકેટ ખેડવી હતી.

બૉલર્સના ભવ્ય પ્રદર્શનને પગલે ભારતીય બૅટ્સમૅન માટે વિજય મેળવવો માત્ર ઔપચારિકતા બની રહી હતી.

ભારતે રાજકોટ ખાતે પ્રથમ મૅચમાં એક ઇનિંગ તથા 272 રને વિજય મેળવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો