શોષણ સામેનો સંઘર્ષ : #MeToo અને #YouToo

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દિમાગની રચનામાં હોય એના કરતાં પણ વધારે ગડીઓ અને આવરણ સ્ત્રી-પુરુષના સંબંધોમાં હોય છે. તેમાં કોઈ સામાન્ય સત્ય તારવવું અથવા કોઈ એકને સદા શોષક કે સદા શોષિત ગણી કાઢવાનું શક્ય નથી.

તેમ છતાં, સરેરાશ પ્રમાણે અથવા ઘણાં સંગીન અપવાદો ધરાવતા નિયમ તરીકે કહી શકાય કે સ્ત્રીઓનું પુરુષો દ્વારા શોષણ થાય અને તેની પર સતત ઢાંકપિછોડો થયા કરે, સ્ત્રીને ખમી ખાવાની કે પતાવટ કરી દેવાની સલાહ આપવામાં આવે એવું ઘણું વધારે બને છે.

અમેરિકામાં થોડાં વર્ષ પહેલાં શરૂ થયેલી #MeToo ઝુંબેશનો આશય સ્ત્રીઓને શોષણ સામે અવાજ ઉઠાવવા પ્રેરવાનો હતો.

ભારતમાં પણ આવી ઘડીઓ પહેલાં આવેલી છે અને એકાદ પખવાડિયા પહેલાં નવેસરથી સ્ત્રીઓની ફરિયાદોની શરૂઆત થઈ.

હમણાં ભારતમાં ટ્વિટર પર શરૂ થયેલી #MeToo ઝુંબેશમાં ફિલ્મ, પત્રકારત્વ અને લેખનક્ષેત્રનાં ઘણાં મોટાં નામ સામે આંગળીચીંધામણું થયું.

તેમાંથી મોટા ભાગના લોકોએ નબળી અને માફીના સાચકલા રણકાર વગરની ઔપચારિક માફી માગી, કેટલાકે સાથે પોતાના દુર્વ્યવહાર માટે બહાનાં કાઢ્યાં.

ઝુંબેશના નામકરણથી માંડીને અત્યાર સુધીની ગતિવિધિમાં એવી છાપ પડે છે કે જાણે આ બધું સ્ત્રી વિષયક છે અને પુરુષોને તેમાં કંઈ લેવાદેવા નથી.

આપને આ પણ વાંચવું ગમશે

ફરિયાદ-સ્વીકાર-શરમ-પશ્ચાતાપ-સજા-સુધારો

જાણે, સમદુઃખિયણ સ્ત્રીઓ ભેગી થઈને પોતપોતાની હૈયાવરાળો ઠાલવી રહી છે. ભલે ઠાલવતી. મનમાંથી ઉભરો નીકળી જશે એટલે બધું રાબેતા મુજબ થઈ જશે.

એમાં પુરુષોએ કશું કરવાની જરૂર નથી. લોકો ભલભલું ભૂલી શકતા હોય તો 'મી ટુ' શું ચીજ છે?

કોઈપણ પ્રકારના અન્યાયનો વિરોધ કરવાનો આવે ત્યારે પાયાનો સવાલ હોય છે:

તેમાં બંને પક્ષ સંકળાયેલા છે? ફરિયાદ થાય તે સૌથી પહેલી જરૂરિયાત છે. એટલે જ #MeToo ઝુંબેશ એકદમ આવકાર્ય છે. પરંતુ અન્યાય નિવારણની આખી પ્રક્રિયા સામાન્યતઃ કંઈક આ રીતે ચાલે છે.

ફરિયાદ-સ્વીકાર-શરમ-પશ્ચાતાપ-સજા-સુધારો.

સહેજ શાંતિથી આ પ્રક્રિયા વિશે વિચારતાં સમજાશે કે તેમાંથી ભોગ બનનારે ફરિયાદ કરવાની છે અને ગુનેગારને સજા થાય તેની માગણી કરવાની છે, જ્યારે સ્વીકાર, શરમ, પશ્ચાતાપ, સજા અને સુધારા જેવા મહત્ત્વના તબક્કામાંથી ફરિયાદીએ નહીં, ગુનેગારે પસાર થવાનું હોય છે.

(દલિત પ્રશ્ન અંગે ગાંધીજીને ગમે તેટલી ગાળો દેવી હોય તો પણ, આ પ્રક્રિયા મનમાં રાખીને તેમના અભિગમ વિશે ફરી વિચાર કરવા જેવો છે.)

પરંતુ બને છે સાવ અવળું. #MeToo ઝુંબેશમાં બધું ધ્યાન ભોગ બનનાર પર કેન્દ્રિત છે. ઝુંબેશનું નામ સૂચવે છે તેમ, 'મારી સાથે પણ આવું થયું હતું...હું પણ આનો ભોગ બની ચૂકેલી છું… મી ટુ.'

આગળ જણાવ્યું તેમ, વર્ષોથી કે ઘણાં કિસ્સામાં દાયકાઓથી શોષણના પ્રસંગોનો બોજ વેઠતી સ્ત્રીઓ જાહેરમાં પોતાની વાત મૂકે, તે પહેલું અને બહુ અગત્યનું પગથિયું છે.

આખી પ્રક્રિયા શરૂ થવા માટે તે અત્યંત જરૂરી છે, પણ પૂરતું નથી.

હા, અમેરિકામાં કૅવિન સ્પેસી જેવા વિખ્યાત અભિનેતાને મોટી ઉંમરે થોડું આર્થિક નુકસાન વેઠવું પડ્યું, 'નેટફ્લિક્સ'ની સિરીઝ 'હાઉસ ઑફ કાર્ડ્ઝ'ની છ-છ સિઝનમાં હીરો તરીકે કામ કર્યા પછી, આરોપોના પગલે સાતમી સિઝનમાંથી તેમને હાંકી કઢાયા.

મૉર્ગન ફ્રીમૅન જેવા વિખ્યાત અભિનેતાના ચાહકો થોડા સમય માટે દુઃખી થઈ ગયા, પણ આ બધું ચાર દિવસનાં ચાંદરણાં જેવું વધારે લાગે છે.

તેનાથી એકંદર પરિસ્થિતિમાં ફરક પડતો હોય એવું લાગતું નથી.

ભારતમાં ભૂતકાળમાં ફિલ્મ ઉદ્યોગમાં 'કાસ્ટિંગ કાઉચ'ના આરોપો થયા.

થોડો વખત ચર્ચાયા અને પછી ભૂલાઈ ગયા. આવું થાય ત્યારે ફરિયાદોના પ્રવાહ અને તેની સંખ્યા પરથી તેની ગંભીરતા સમજવાને બદલે, ઉપરથી આ જ હકીકતનો ઉપયોગ તેની ગંભીરતા ઘટાડવા માટે થાય છે.

('હવે બધા વહેતી ગંગામાં હાથ ધોવા નીકળી પડ્યાં છે.')

થોડી જૂઠી ફરિયાદોથી શરમજનક વાસ્તવિકતા સંતાડવાનું ઓર સહેલું થઈ જાય છે.

પરિણામે, શિકારી વૃત્તિ ધરાવતા લોકોને એવી કશી સજા થતી નથી કે જેથી બીજા લોકો પર દાખલો બેસે.

ઉપરાંત, સમાજમાં સ્ત્રીઓ માટે એકંદર કેવી માનસિકતા પ્રવર્તે છે, તેની પણ ચર્ચા કે સ્વીકાર થતાં નથી. સાચી ફરિયાદોને છૂટાછવાયા કિસ્સા તરીકે ખપાવી દેવાય છે.

સંબંધિત ક્ષેત્રના લોકો અને સમાજ વ્યાપક શોષણની કબૂલાત કરતા શરમ અનુભવે છે.

(શરમ ખરેખર તો શોષણખોરીથી અનુભવવાની હોય.)

ફિલ્મ હોય કે પત્રકારત્વ, જાહેર જીવન હોય કે રાજકારણ, આવી ફરિયાદો થાય ત્યારે મોટાભાગના પુરુષો શોષણખોરી કે અન્યાય વિરુદ્ધ પડવાને બદલે પુરુષ તરીકે સંપી જાય એવું વધારે જોવા મળે છે.

બેશક, કોઈપણ કાયદાની જેમ કે કોઈપણ ટેકનૉલૉજીની જેમ, #MeToo ઝુંબેશનો દુરુપયોગ થતો જ હશે. ખોટા આરોપનો ભોગ બનનારાની વળી જુદી કરુણ કથા હોઈ જ શકે.

કોઈ અંગત વ્યક્તિને આવા જૂઠા આરોપનો ભોગ બનવું પડે ત્યારે તેની પીડા બરાબર સમજાય, પરંતુ એના કારણે આખેઆખી #MeToo જેવી ઝુંબેશને 'ફૅશનેબલ' કે દેખાદેખીબાજી તરીકે ધુત્કારી કઢાય નહીં અને તેમાં રહેલી કડવી સચ્ચાઈનો ઇન્કાર પણ કરી શકાય નહીં.

એવું કરનારા સરવાળે પોતાની સંકુચિત માનસિકતા અથવા અન્યાય સામે આંખ આડા કાન કરવાની વૃત્તિ જ વ્યક્ત કરે છે.

હજુ તો ફક્ત ફિલ્મ કે લેખન-પત્રકારત્વનાં અને એ પણ થોડાં ઘણાં નામ જ જાહેર થયાં છે. શોષણનો શરમજનક સિલસિલો ક્યાં નથી?

પીએચ.ડી. કરતી વિદ્યાર્થીનીઓ બોલવાનું શરૂ કરે, તો આપણા કેટકેટલા ગાઇડો ખુલ્લા પડે, સ્થાનિક પત્રકારત્વ, શિક્ષણ અને જાહેર જીવનથી માંડીને કેટકેટલાં ક્ષેત્રોની સ્ત્રીઓ હજુ બોલી નથી.

તેમને પોતાના યોગક્ષેમની ચિંતા છે. તેમને સમાજ પર ભરોસો નથી કે તે કાયમ ટેકામાં રહેશે અને શિકારીઓ પર ભરોસો છે કે તે ગમે તેમ કરીને તેમનું ગોઠવી લેશે.

શોષણની ફરિયાદો થતી જ રહેવી જોઈએ, પણ તેનો મુખ્ય સૂર #MeToo નહીં, #YouToo હોવો જોઈએ, કારણ કે શોષણખોરી નાબૂદ કરવાનો મોટાભાગનો બોજ ફરિયાદીના માથે નહીં, ગુનેગારના અને તેને છાવરનાર સમાજના માથે હોય તો જ લાંબા ગાળે કંઈક અર્થ સરે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો