You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાતીય શોષણ અંગે ઊઠ્યો મહિલા પત્રકારોનો નીડર અવાજ
- લેેખક, દિવ્યા આર્યા
- પદ, બીબીસી સંવાદદાતા
''મારા જાતીય શોષણ અંગે વાત કરવામાં મને કોઈ શરમ નથી આવતી. પણ, મને લાગે છે કે 'શું એ મારી ભૂલને કારણે થયું?' વાળો જે ભાવ, જે શરમ અને જે અપરાધબોધ હું અનુભવું છું, એને હું મારી અંદરથી બહાર કાઢી શકીશ. જેને શરમ આવવી જોઈએ એને સમાજ વચ્ચે લાવી શકીશ''
'ધ વાયર' સમાચાર વેબસાઇટનાં પત્રકાર અનુ ભુયન એ મહિલાઓમાંનાં એક છે, જેમણે સોશિયલ મીડિયા પર પોતાની સાથે થયેલા જાતીય શોષણના અનુભવો શૅર કરવાનું શરૂ કર્યું.
જાતીય શોષણ મતલબ કે મહિલાની મરજી વિના તેનો સ્પર્શ કરવો, જાતીય સંબંધ બાંધવાની માગ કરવી, સેક્સ્યુઅલ ભાષમાં ટિપ્પણી કરવી, પોર્ન બતાવવું અથવા તો એમ કહી શકાય કે કહ્યાં વિના અને અનુમતિ વિના 'સેક્યુઅલ વર્તન' કરવું.
આવું વર્તન ભારતમાં કેટલું સહજ બની ગયું છે? કેટલી મહિલાઓ સાથે એમનાં કામ કરવાની જગ્યાએ આવું બની રહ્યું છે? અને આના પર કેટલું મૌન સેવાઈ રહ્યું છે?
અભિનેત્રી તનુત્રી દત્તાએ નાના પાટેકર પર આરોપ લગાવ્યાં બાદ અને કૉમિક આર્ટિસ્ટ ઉત્સવ ચક્રવર્તીની જાતીય શોષણ અંગેની ટિપ્પણી બાદ ઘણી મહિલાઓએ સોશિયલ મીડિયામાં પોતાનો અવાજ ઉઠાવ્યો.
આ અવાજમાં વધુ પડતા પડઘા પત્રકારત્વ જગતમાં સંભળાયા. ઘણી મહિલાઓએ પુરુષોના નામનો ઉલ્લેખ કરી લખ્યું તો અમુકે એમ જ લખ્યું.
અમુક ઘટનાઓ કામની જગ્યાએ સહમતિ વિના સેક્સ્યુઅલ વર્તન અંગેની હતી, તો અમુક શારીરિક સંબંધ બનાવવા માટેની તો અમુક પોર્નોગ્રાફી બતાવવા અંગેની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક કિસ્સામાં સાથે કામ કરતા પુરુષો અથવા બૉસનાં અણછાજતાં વર્તનની વાત હતી.
આમાં એક પ્રકારનો ગુસ્સો પણ જોવા મળ્યો અને પોતાની વાત ડર્યાં વિના કહેવાનો અલગ અંદાજ પણ અનુભવાયો.
અનુએ 'બિઝનેસ સ્ટાન્ડર્ડ' અખબારના પત્રકાર મયંક જૈનનું નામ લઈને ટ્વીટ કર્યું કે મયંકે તેમની પાસે સેક્સની માગ કરી હતી કારણ કે તેમને લાગ્યું કે અનુ 'એ પ્રકારની છોકરી છે'.
ત્યારબાદ અનુ એ વિચારતી રહી ગઈ કે શું તે ખરેખર એ પ્રકારની છોકરી છે?
તમે આ વાંચ્યું કે નહીં?
અનુ બાદ 'ફેમિનિઝમઇનઇન્ડિયા' નામની વેબસાઇટ ચલાવનારાં જપલીન પસરીચા સહિત ઘણી મહિલાઓએ જૈન વિરુદ્ધ આરોપો મૂક્યાં.
આ દરમિયાન ઑનલાઇન સમાચાર વેબસાઇટ 'સ્ક્રૉલ'એ પોતાના એક લેખમાં લખ્યું કે જે સમયે મયંક તેમની સાથે કામ કરી રહ્યા હતા, ત્યારે તેમની વિરુદ્ધ જાતીય શોષણની ફરિયાદ થઈ હતી.
ફરિયાદીઓએ ઔપચારિક ફરિયાદ કરવાને બદલે મયંકને લેખિત ચેતવણી આપીને છોડી મૂક્યાં હતાં.
બીબીસીએ જ્યારે આ આરોપો અંગે 'બિઝનેસ સ્ટાન્ડર્ડ' પાસેથી પ્રતિક્રિયા માગી તો તેમણે કહ્યું કે 'આ મુદ્દે અમારે જ્યારે કંઈક કહેવું હશે, ત્યારે જ કહીશું.'
ઑફિસમાં શોષણ
જપલીન પસરીચાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે પોતાના અનુભવો અંગે ટ્વીટ કરવાનો નિર્ણય કર્યો કારણ કે તેમને લાગ્યું કે બીજી મહિલાઓ સાથે ઊભું રહેવું જરૂરી છે.
તેમણે કહ્યું, "હું બે વર્ષથી મારી જાતને સમજાવતી હતી કે કોઈ વાત નહીં, આ તો એક ઘટના હતી.
પરંતુ અન્ય મહિલાઓએ આ અંગે બોલવાનું શરૂ કર્યું, ત્યારે જાણ થઈ કે આવું ઘણી મહિલાઓ સાથે બન્યું છે. #MeToo આ મૌનને સામે લાવવા માટે જ છે."
એક વર્ષ પહેલાં અમેરિકામાં #MeToo કૅમ્પેનની શરૂઆત થઈ હતી, જ્યાં સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવાની રેસમાં સામેલ બ્રૅટ કૅવનૉ પર જાતીય શોષણના આરોપ લાગ્યા છે અને ફૂટબૉલ ખેલાડી ક્રસ્ટિયાનો રોનાલ્ડો પર બળાત્કારના.
પરંતુ એક વર્ષ દરમિયાન અમુક અવાજો સિવાય ભારતમાં જાતીય શોષણ મુદ્દે મૌન જ સેવાયું હતું
આ બાબત એ સમયની છે જ્યારે ભારતમાં આ અપરાધ માટે કાયદો પણ લાવવામાં આવ્યો.
વર્ષ 2012માં જ્યોતિસિંહ સાથે થયેલા સામૂહિક બળાત્કાર બાદ જાતીય શોષણ વિરુદ્ધના કાયદાને વધુ વ્યાપક બનાવવામાં આવ્યો.
તેમાં જાતીય શોષણ માટે ત્રણ વર્ષની જેલની અને દંડની સજાની જોગવાઈ પણ કરાઈ.
કામની જગ્યા પર જાતીય શોષણ માટે 1997માં બનાવેલા દિશા નિર્દેશને 2013માં કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું જે અંતર્ગત સંસ્થાનોને ત્યાં ફરિયાદ સમિતિ નીમવાની જોગવાઈ કરવામાં આવી.
આ કાયદા અંતર્ગત જાતીય શોષણની ફરિયાદ કરવા પર સંસ્થાની જવાબદારી બને છે કે તે એક ફરિયાદ સમિતિનું ગઠન કરે, જેની આગેવાની કોઈ મહિલા કરે.
કાયદા અનુસાર સમિતિના અડધાંથી વધુ સભ્યો મહિલાઓ હોવી જોઈએ અને જાતીય શોષણના મુદ્દા પર કામ કરતી કોઈ બાહ્ય ગેરસરકારી સંસ્થાના કોઈ પ્રતિનિધિને પણ તેમા સામેલ કરવા જોઈએ.
આવી ઘણી સમિતિમાં બાહ્ય પ્રતિનિધિ તરીકે રહી ચૂકેલાં 'ફેમિનિસ્ટ' લક્ષ્મી મૂર્તિ મુજબ આ કાયદો ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આ કાયદો ગુનેગારને કામની જગ્યાએ રહીને જ સજા આપવાનો હક પ્રદાન કરે છે.
મતલબ કે આ કાયદો જેલ અને પોલીસના સખત રસ્તાથી અલગ ન્યાય માટે વચ્ચેના માર્ગનું કામ કરે છે.
'સજાની જૂની પરિભાષા બદલી રહી છે'
પરંતુ સોશિયલ મીડિયા પર લખી રહેલાં મહિલા પત્રકારો કહી રહ્યાં છે કે સમિતિઓનો આ રસ્તો હંમેશાં અસરકારક નથી નીવડતો.
સંધ્યા મેનને દસ વર્ષ પહેલાં 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અખબારના કે. આર. શ્રીનિવાસ તરફથી પોતાના કથિત શોષણ અંગે લખ્યું હતું.
તેમણે લખ્યું અને આરોપ મૂક્યો કે સમિતિને ફરિયાદ કરાતાં તેમને સલાહ આપવામાં આવી કે તેઓ આ મુદ્દે 'ધ્યાન' ના આપે.
પંરતુ 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' હવે આરોપોની તપાસ કરવાની વાત કહે છે.
જોકે, સમિતિના આ વર્તન અંગે બીબીસીએ અખબારને સવાલ કરતા કોઈ જવાબ ના મળ્યો.
બીજી તરફ પત્રકાર શ્રીનિવાસે ટ્વીટ કર્યું કે તેઓ આ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે.
બીબીસી સાથેની વાતચીતમાં સંધ્યાએ કહ્યું, "મેં એ સમયે ખૂબ જ એકલતા અનુભવી અને થોડા મહિનાઓ બાદ એ નોકરી પણ છોડી દીધી.'' ''પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેં એ વ્યક્તિ વિરુદ્ધ એવા જ આરોપો વિશે સાંભળ્યું અને નક્કી કર્યું કે હવે મારે પણ લખવું જોઈએ."
સજાની જૂની પરિભાષા બદલાઈ રહી છે. મહિલાઓ એકબીજાને હિંમત આપવાં માગે છે અને એ દિશામાં બોલી પણ રહી છે.
જલપીન મુજબ, "આવી સમિતિઓ તરફથી જે ન્યાય મળે છે, તેમાં ખૂબ જ સમય લાગે છે.''તેઓ ઉમેરે છે, ''છેલ્લી કેટલીય ઘટનાઓ પર નજર કરવામાં આવે તો માલૂમ પડશે કે સંસ્થાન મહિલાઓ પ્રત્યે સંવેદનશીલ નથી રહેતું.''''એવામાં સાર્વજનિક રીતે કોઈ વ્યક્તિના ખરાબ વર્તનની ચેતવણી આપવી સારો રસ્તો હોઈ શકે છે."
શું મળશે?
કેટલાં સંસ્થાનોએ આવી સમિતિઓ બનાવી છે એ અંગે કોઈ જાણકારી સાર્વજનિક રીતે ઉપલબ્ધ નથી.
જ્યાં સમિતિ બનાવવામાં આવી છે, ત્યાં ચિંતાઓ જાહેર કરવામાં આવી છે.
તપાસ સમિતિનું ગઠન કરવું એ સંસ્થાની જવાબદારી છે અને તેના સભ્યો પણ એ જ નીમે છે.
એટલા માટે આ સંસ્થાઓનો આવી પ્રક્રિયાઓમાં ઘણો પ્રભાવ રહે છે.
દરેક સમિતિ પક્ષપાત કરે એ જરૂરી નથી પરંતુ જ્યારે ફરિયાદ કોઈ પ્રભાવી વ્યક્તિ વિરુદ્ધ થાય તો મહિલા પર દબાણ ઊભું કરવાનો આરોપ લાગે છે.
પરંતુ સોશિયલ મીડિયા પર પોતાના વ્યક્તિગત અનુભવો લખવાથી શું હાંસલ થશે?
સંધ્યા મુજબ તેમને આશા છે કે આ પરથી સંસ્થાન સમજશે કે તેમને ત્યાં કામ કરનારા પુરુષો પાસેથી તેણે સારા વર્તનની અપેક્ષા કરવી પડશે અને એવું ના થવાં પર કડક પગલાં ભરવા પડશે.
'ધ ન્યૂઝ મિનિટ' વેબસાઇટનાં સંપાદક ધન્યા રાજેન્દ્રને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે કેટલાંક વર્ષોથી મહિલા પત્રકારો પરસ્પર આવા અનુભવોને શૅર કરતી રહી છે.
તેમના મતે સોશિયલ મીડિયા પર શરૂ થયેલી આ ચર્ચા બાદ પણ ઘણી એવી મહિલાઓ છે જે પોતાની વાતને સાર્વજનિક કરવાનું સુરક્ષિત નથી સમજતી.
તેમણે કહ્યું, "હવે આ વાતો બહાર આવી છે અને સંસ્થાનોને સમજાયું છે કે આવું વર્તન ખોટું છે અને આ માટે કંઈક કરવું પડશે. મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનું આ પ્રારંભિક પગલું છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો