'ડંડા-તલવારથી યુપી-બિહારના ભૈયાજી પર હુમલો થઈ રહ્યો હતો'

    • લેેખક, મનીષ શાંડિલ્ય
    • પદ, પટનાથી, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદ અને પટના વચ્ચે દોડતી અઝીમાબાદ એક્સપ્રેસ સવારે સાત વાગે પટના જંક્શન પહોંચી.

આ ટ્રેનના સામાન્ય ડબ્બામાંથી એવા ઘણાં મુસાફરો ઉતર્યા જેઓ લગભગ એક અઠવાડિયાથી હિંદી ભાષી લોકો વિરુદ્ધ ગુજરાતમાં થઈ રહેલી હિંસાને પગલે અચાનક પોતાના વતન પરત ફર્યા.

આ લોકોએ ગુજરાતના અલગઅલગ વિસ્તારથી અમદાવાદ આવી અઝીમાબાદ એક્સપ્રેસ ટ્રેન પકડી.

આમાંથી એવા લોકો પણ હતા જેમને પટનાથી અલગઅલગ જિલ્લામાં જવાનું હતું.

બીબીસીએ આ ટ્રેનમાંથી ઊતરનારા એવા લોકો સાથે વાતચીત કરી જે પોતે હિંસાનો શિકાર બન્યા હતા અથવા જેમણે પોતાની આંખો સામે મારપીટ થતા જોઈ હતી.

બુધવારનું આ દૃશ્ય પછીના દિવસોમાં પણ વત્તાં-ઓછાં પ્રમાણમાં સરખું જ રહ્યું. વાંચો આવા લોકોની આપવીતી.

'બંગાળી-આસામીને છોડી દેતા'

મુઝફ્ફરપુર જિલ્લાના રહેવાસી દિનેશ કુમાર ગુજરાતના બિયનડાર વિસ્તારમાં ઇન્ડિયન ઑઇલની એક રિફાઇનરીમાં કામ કરતા હતા.

તેઓ કહે છે, "હું ભાગીને કોઈપણ રીતે મારો સામાન લઈને બિહાર પરત ફર્યો છું. 14 માસની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બન્યા બાદ ગુજરાતનું વાતાવરણ બગડ્યું છે. ત્યાંના લોકોએ બિહારના લોકોને મારવાનું શરૂ કરી દીધું છે."

"મારી સાથે અને મારા ભાઈબંધુઓ સાથે છ તારીખે મારપીટ થઈ હતી. મને માથામાં હળવી ઈજા થઈ છે, પરંતુ અન્ય લોકોને વધુ લાગ્યું છે. ત્યારબાદ અમે ત્યાંથી જીવ બચાવીને ભાગ્યા. આ ઘટના બાદ હુમલાખોરો સૌને સરનામું પૂછી રહ્યા હતા."

"જે લોકો બંગાળી અને આસામના હોવાનું કહેતા તેમને છોડી દેવામાં આવતા, પરંતુ જે બિહારી અને યૂપીના હોવાનું કહેતા તેમને મારવામાં આવતા હતા. આ કારણસર અમારે ભાગીને અહીં આવવું પડ્યું. બિહારથી લગભગ 50 લોકો અમે ત્યાં રહેતા હતા."

"બધા લોકો તે કૉલોની છોડીને જતા રહ્યા. તેમાંથી અમારા ગામના આઠેક લોકો આજે આવ્યા છે. અન્ય લોકો જે જગ્યા નજીક પડી ત્યાં જતા રહ્યા. કોઈ મુંબઈ ગયા તો કોઈ અન્ય જગ્યાએ. જો ત્યાં વાતાવરણ સારું થશે તો પરત જઈશું, નહીંતર નહીં જઈએ."

તમે આ વાંચ્યું કે નહીં?

'સ્થાનિકો ડંડા અને તલવારથી હુમલો કરતા હતા'

બેગુસરાય જિલ્લાના મટિહાનીના રહેવાસી રણજીત સિંહ થોડા દિવસ પહેલાં સુધી અમદાવાદના મણિનગરના યશોદાનગર વિસ્તારમાં રહેતા હતા.

રણજીત કહે છે, "મારી સાથે તો કોઈ ઘટના નથી ઘટી, પરંતુ મેં જોયું કે સ્થાનિક લોકો ભૈયાજી લોકો સાથે મારપીટ કરી રહ્યા હતા. હું ત્યાં આઠ વર્ષથી રહેતો હતો અને મને ગુજરાતી આવડે છે. હવે કોઈના માથા પર તો નથી લખ્યું કે તેઓ ભૈયાજી છે."

"ભાષા અને પહેરવેશથી લોકોની ઓળખ કરવામાં આવી અને તેમની સાથે મારપીટ કરવામાં આવી. ગુજરાત ખાલી કરવાની વાત કહી તેમને મારવામાં આવ્યા. કાલુપુર રેલવે સ્ટેશન પર મેં સ્થાનિકોને ડંડા અને તલવારોથી હુમલો કરતા જોયા છે."

"આ દૃશ્યો મેં પ્લેટફોર્મ ઉપરના ઓવર બ્રિજ પરથી જોયા. કોઈ સ્થાનિક દેખાતા તો હું પણ પૂછી લે તો કે શું છે? આવું કરવાથી તેઓ મને તેમનો ભાઈ સમજી લેતા. જે લોકો હિંદી અને ભોજપુરી બોલતા તેઓ પકડમાં આવી ગયા."

'રિક્ષાવાળાએ સમજાવ્યું કે યુપી-બિહારનું નામ ન લેતા'

મોહમ્મદ ઇસરાફિલ મૂળ સહરસા જિલ્લાના પચહારી ગામના રહેવાસી છે અને અમદાવાદથી લગભગ 20 કિમી દૂર ગ્યાસપુરમાં નિર્માણ ક્ષેત્રમાં શ્રમિક તરીકે કામ કરતા હતા. તેઓ તેમના ગામના ચાર લોકો સાથે પરત ફર્યા છે.

મોહમ્મદે જણાવ્યું, "હું થોડા મહિના પહેલાં જ ઘરેથી ઈદ મનાવીને પરત ફર્યો હતો. જ્યાં હું કામ કરતો ત્યાં છ-સાત મહિના કામ ચાલવાનું હતું. હવે જ્યાં સુધી વાતાવરણ ઠંડુ ના પડી જાય ત્યાં સુધી ગુજરાત પરત નહીં ફરીએ. પરત ફર્યા બાદ પણ ડર તો લાગશે જ."

"હિંમતનગર પાસે આવેલા ટાટા કંપનીના મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરનારા ખગડિયા જિલ્લાના મારા સાથીઓએ જણાવ્યું કે તેમની સાથે રાત્રે મારપીટ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ પહેલાં કંપનીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. ગાર્ડે તેમને રોક્યા તો તેઓ મજૂર કૉલોનીમાં ઘૂસ્યા અને મારપીટ કરવા લાગ્યા."

"અમે જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે રિક્ષાવાળાએ કહ્યું કે અહીં મારપીટ થઈ છે. તમે લોકો યુપી-બિહારનું નામ ન લેતા. રિક્ષાવાળાએ કહ્યું હતું કે કોઈ સરનામું પૂછે તો કોલકાતા જણાવજો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો