પરપ્રાંતીયો પર હિંસા બાદ ચર્ચામાં આવેલી ઠાકોર સેના શું છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ધાક-ધમકી આપીને ગુજરાતમાંથી પરપ્રાંતીયોને હાંકી કાઢવામાં આવી રહ્યા છે, તેના આરોપ ઠાકોર સેના સાથે સંકળાયેલા નેતાઓ અને કાર્યકરો પર લાગી રહ્યા છે.

2011માં અલ્પેશ ઠાકોરે તેની સ્થાપના કરી હતી, જેનો હેતુ ગુજરાતની અન્ય પછાત જાતિમાં સમાવિષ્ટ ઠાકોર સમુદાયના ઉત્થાનનો હતો.

તા. 28મી સપ્ટેમ્બરે હિંમતનગરના એક ગામડામાં 14 માસની ઠાકોર બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. જેનો આરોપ એક બિહારી યુવક પર લાગ્યો હતો. જોતજોતામાં આ વિવાદને 'ઠાકોર વિરુદ્ધ પરપ્રાંતીય'નું સ્વરૂપ મળ્યું.

ભાજપે પરપ્રાંતીયોને ધમકી આપવા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર આરોપ મૂક્યા હતા, જેને ઠાકોરે નકાર્યા છે.

આરોપ-પ્રતિઆરોપની વચ્ચે ગુજરાતમાંથી સેંકડો પરપ્રાંતીય શ્રમિકો હિજરત કરી ગયા. જેના કારણે ફરી એક વખત ઠાકોર સેના ચર્ચામાં આવી છે.

ઠાકોરસેના પર આરોપ

ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ગુજરાતમાં અશાંતિ ઊભી કરવાના, પરપ્રાંતીયોને ધમકાવવાના અને મારવાના 61 ગુના નોંધાયા છે, જેમાં 543 શખ્સોની ધરપકડ થઈ છે.

"જેમાંથી 20 લોકો કોંગ્રેસના આગેવાન છે અને તેમના ફોન કોલ્સ રેકર્ડ અને વૉટ્સઍપ ગ્રૂપની તપાસ થઈ રહી છે. તેમની સાથે જોડાયેલા કેટલા લોકો છે.

"મોટાભાગના લોકો 'ઠાકોર સેના' નામના સંગઠન સાથે જોડાયેલા છે, તેમની તથા તેમની કોલ ડિટેઇલ્સની તપાસ ચાલુ છે."

બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે ફેસબુક લાઇવ દરમિયાન અલ્પેશે આરોપોને નકાર્યા અને કહ્યું કે તેમનું સંગઠન પરપ્રાંતીયોને સંરક્ષણ આપવા તૈયાર છે.

તમે આ વાંચ્યું કે નહીં?

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ કમિશનર જે. કે. ભટ્ટે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "અમે નગીન રાઠોડ (ઠાકોર)ની ધરપકડ કરી છે. તેઓ છેલ્લા બે વર્ષથી ઠાકોર સેનાની મીડિયા સેલમાં કામ કરે છે.

"આ સિવાય જગદીશ ઠાકોર નામની વ્યક્તિની ધરપકડ કરી છે. તેમની ઉપર સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક મૅસેજિસ ફેલાવવાનો આરોપ છે."

ગુજરાત પોલીસની સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક સંદેશા વહેતા કરનારા સંદિગ્ધોની યાદી કરવામાં આવી છે અને તપાસ બાદ તેમની ધરપકડ કરવામાં આવશે.

શા માટે ઠાકોર સેના?

ઠાકોર સમાજની આર્થિક સ્થિતિ સુધારવા માટે તથા સમાજમાં પ્રવર્તમાન સામિજક તથા આર્થિક દૂષણોને નાબૂદ કરવાના તથા સમાજમાં એકતા સ્થાપિત કરવાના હેતુથી 2011માં અલ્પેશ ઠાકોરે 'ઠાકોર સેના'ની સ્થાપના કરી હતી. તેનું વડું મથક અમદાવાદમાં છે.

પરપ્રાંતીયો સાથે વાતચીત દરમિયાન અલ્પેશ ઠાકોરે કહ્યું, "સરકારે બાળકી સાથે દુષ્કર્મ મામલે અમારી તમામ માગણીઓ સ્વીકારી લીધી હતી, એટલે અમે આંદોલન સમેટી લીધું હતું.

"તેના ત્રણ દિવસ બાદ હિંસાની શરૂઆત થઈ, જે ઘણુંબધું કહી જાય છે."

રાજ્યમાં સદ્દભાવના માટે ગુરૂવારે ઠાકોરે 'સદ્દભાવના ઉપવાસ' કર્યા હતા. ઠાકોરનો દાવો છે કે સંગઠનમાં ત્રણ લાખથી વધુ સક્રિય સભ્ય છે.

ઠાકોર પૉલિટિક્સના મૂળિયાં

ગુજરાતના રાજકારણમાં ઠાકોર પૉલિટિક્સનો ઉદય અચાનક નથી થયો, એના મૂળિયાં 36 વર્ષ પહેલાં નંખાવાના શરૂ થઈ ગયા હતા.

રાજકીય વિશ્લેષક ડૉ. બિનોદ અગ્રવાલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "1981માં પહેલીવાર વિદ્યાર્થીઓ દ્વારા અનામત આંદોલન થયું હતું. જેને તત્કાલીન મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીએ દબાવી દીધું હતું."

"એ આંદોલન બાદ સોલંકીએ પટેલો પરની નિર્ભરતાને ઘટાડવા માટે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમને સાથે લઈને KHAM સમીકરણ ઊભું કર્યું.

"આમ તો ઠાકોર સમુદાયનો સમાવેશ અન્ય પછાત જ્ઞાતિઓ (ઓબીસી)માં થાય છે, પરંતુ એ ગણતરીમાં ઠાકોરને ક્ષત્રિયો ગણી લેવાયા હતા. ઠાકોરો ગુજરાતના નવ જિલ્લામાં નિર્ણાયક હતા."

KHAM સમીકરણની મદદથી 1985ની કોંગ્રેસને 182માંથી 149 બેઠક પર વિજય મળ્યો હતો, ગુજરાત વિધાનસભામાં આ એક રેકર્ડ છે, જે હજુ સુધી કોઈ પક્ષ તોડી નથી શક્યો.

અગ્રવાલ કહે છે, "સોલંકીથી નારાજ પાટીદારોને સાથે લઈને 1990માં જનતા દળ સાથે મળીને ભાજપે ગુજરાતમાં યુતિ સરકાર બનાવી. 1995 અને 1998માં પણ ભાજપ વિજેતા થયો.

"2006માં નરેન્દ્ર મોદીએ પહેલીવાર અમદાવાદના મેયર તરીકે ઠાકોર નેતાની નિમણૂક કરી. અનેક જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં ઠાકોર નેતાઓની નિમણૂકો કરી, જેના કારણે કોંગ્રેસની પરંપરાગત વોટબૅન્કમાં મોટું ગાબડું પડ્યું.

"આ સાથે ગુજરાતમાં ફરી એક વખત 'ઠાકોર પૉલિટિક્સ'નો ઉદ્દભવ થયો. 2007 અને 2012ની વિધાનસભા તથા 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને તેનો લાભ થયો."

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ઘાંચી છે અને તેમના સમાજનો સમાવેશ ઓબીસીમાં થાય છે.

પાટીદાર, ઠાકોર અને દલિત આંદોલનો

25મી ઑગસ્ટ 2015ના દિવસે અમદાવાદના જીએમડીસી (ગુજરાત મીનરલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન) ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે પાટીદાર આંદોલનનું રણશિંગુ ફૂંક્યું. શરૂઆતમાં પાટીદારોની માગ હતી કે તેમને ઓબીસીના નેજા હેઠળ અનામત આપવામાં આવે.

જો પાટીદારોને ઓબીસી અનામત મળે તો ઠાકોરોના હિત ઉપર જોખમ ઊભું થાય તેમ હતું. એટલે ઠાકોર સેના સક્રિય બની. ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે ઠાકોર સેનાએ દારૂના વેચાણ પર જનતા રેડ શરૂ કરી. જેમાં ઠાકોર મહિલાઓ અને યુવા જોડાયાં.

કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને રાધનપુરની બેઠક પરથી ટિકિટ આપી અને કોંગ્રેસને આજુબાજુની ઠાકોર બહુમતીવાળી બેઠકો પર લાભ થયો.

આ દરમિયાન જ દલિતોએ પણ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં તેમની માગો સાથે આંદોલન કર્યું. ગુજરાતના રાજકીય પરિદૃશ્યમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર તથા જિગ્નેશ મેવાણી સ્વરૂપે ત્રણ નેતા ઉભર્યાં.

કોને લાભ, કોને નુકસાન ?

આ વાત સાથે સહમત થતા તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના સૅફોલૉજિસ્ટ એમ. આઈ. ખાન કહે છે કે, બંને પક્ષો દ્વારા ઠાકોર સમાજને પોતાની તરફે કરવાનો પ્રયાસ થયો છે. પરપ્રાંતીયો સાથે થયેલા વ્યવહારનો પડઘો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તિસગઢની ચૂંટણીમાં જોવા મળી શકે છે.

ખાન કહે છે, "ગુજરાતમાંથી પલાયન થયેલા લોકોને માત્ર ઉત્તર પ્રદેશના 'ભૈયા' તરીકે જોવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં તેઓ રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા છત્તિસગઢના પણ છે. ત્યાંની વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો ઉછાળવામાં આવે તેવી શક્યતા છે."

ખાન માને છે કે આગામી લોકસભા ચૂંટણીમાં આ મુદ્દો ઉછાળવાથી 'ભાજપ કે કોંગ્રેસ' કોઈને પણ લાભ નહીં થાય અને ગુજરાતના ઉદ્યોગપતિ વર્ગને સૌથી વધુ નુકસાન થશે.

મહારાષ્ટ્રના શિવ સેના તથા મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના ઉદાહરણ ટાંકતા ખાન કહે છે, "જે પક્ષ સંકૂચિત પ્રાદેશિક હિતની વાત કરે છે, તે પ્રાદેશિક બની રહે છે."

ભાજપ સરકાર અને સંગઠનના પ્રયાસ

જોત-જોતામાં સ્થિતિ વણસી ગઈ. ગુજરાતની ભાજપ સરકારે વહીવટી તથા પોલીસ તંત્રને સતર્ક કર્યા.

ઉપરાંત પ્રભાવિત જિલ્લાના પોલીસ વડા તથા પોલીસ અધિકારીઓ સ્થાનિકો તથા પરપ્રાંતીયોને મળીને બંને પક્ષો વચ્ચે સૌહાર્દ ઊભો કરવા પ્રયાસરત છે.

ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં પક્ષને નકારાત્મક અસર ન પહોંચે તે માટે પક્ષે કાર્યકર સ્તરે શાંતિબેઠકો શરૂ કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો