અદાણી પર કેમ 'મહેરબાન' છે ઝારખંડની ભાજપ સરકાર

સપ્ટેમ્બર 2012માં બનેલી ઊર્જા નીતિ ઝારખંડ સરકારે ઑક્ટોબર 2016માં બદલી નાખી હતી.

જૂની નીતિની જોગવાઈઓમાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યા અને રઘુવર દાસની કૅબિનેટે તેની ઉપર મંજૂરીની મહોર મારી દીધી.

આ માટે ઝારખંડની ભાજપ સરકાર દ્વારા કોઈ સરવે કરાવાયો ન હતો કે કોઈ નિષ્ણાત પૅનલની સલાહ લેવામાં આવી ન હતી.

સુધારેલી નીતિના માત્ર પંદર દિવસ બાદ ઝારખંડની ભાજપ સરકાર તથા અદાણી જૂથ વચ્ચે સેકન્ડ લેવલના MoU (મેમૉરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) થયા હતા.

આ કરાર હેઠળ અદાણી પાવર (ઝારખંડ) લિમિટેડને ગોડ્ડા ખાતે 800-800 મેગાવૉટ ક્ષમતાના બે સુપર ક્રિટિકલ પાવર પ્લાન્ટ્સ સ્થાપવાની મંજૂરી મળી ગઈ. જેથી ત્યાં ઉત્પાદિત 1600 મેગાવૉટ વીજળીને ખાસ ટ્રાન્સમિશન લાઇન મારફત સીધી બાંગ્લાદેશ મોકલી શકાય.

ઊર્જા નીતિમાં ફેરફાર

ઝારખંડ સરકારની 2012ની ઊર્જા નીતિમાં એક જોગવાઈ એવી હતી, જેના કારણે અદાણી જૂથ ત્યાં ઉત્પાદિત વીજળી વિદેશમાં વેચી શકે તેમ ન હતું.

એ જોગવાઈ મુજબ, ઝારખંડમાં સ્થાપિત કોઈપણ વીજ ઉત્પાદન એકમે તેના 'કુલ ઉત્પાદનની 25 ટકા વીજળી રાજ્ય સરકારને વેચવી' તેવી જોગવાઈ હતી.

પરંતુ ઝારખંડની સરકારે ઊર્જા નીતિમાં ફેરફાર કરીને તેમાં રાહત આપી હતી.

નવી જોગવાઈ મુજબ, ઝારખંડમાં ઉત્પાદિત વીજળીનો 25 ટકા ભાગ 'બીજા કોઈ પાવર પ્લાન્ટ'માંથી પણ આપી શકે.

નવી નીતિમાં 'ઝારખંડમાં જ ઉત્પાદિત વીજળી'ની અનિવાર્યતા રદ કરી દેવામાં આવી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

અદાણી જૂથને લાભ

જો ઝારખંડ સરકારે તેની ઊર્જા નીતિમાં ફેરફાર ન કર્યા હોત, તો અદાણી જૂથે ગોડ્ડા પ્લાન્ટમાં ઉત્પાદિત 400 મેગાવૉટ (1600 મેગાવૉટના 25 ટકા) ઝારખંડ સરકારને આપવી પડી હોત.

જો આમ થયું હોત તો અદાણી જૂથ પાડોશી દેશ બાંગ્લાદેશના પાવર ડેવલપમૅન્ટ બોર્ડ સાથે થયેલા કરારની શરતોનું પાલન ન કરી શક્યું હોત.

એ કરાર મુજબ એકમમાં ઉત્પાદિત 'પૂરેપૂરી વીજળી' બાંગ્લાદેશને આપવાની હતી. સ્વાભાવિક રીતે ઝારખંડ સરકારની સુધારેલી ઊર્જા નીતિનો લાભ અદાણી જૂથને થયો છે.

પરિવર્તન પાછળ અદાણી જૂથ?

અદાણી જૂથના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું, "અદાણી જૂથે ઊર્જા નીતિમાં ફેરફાર કરવા ઝારખંડ સરકારને કોઈ વિનંતી કરી ન હતી. વીજળીની કિંમતો નક્કી કરવામાં પણ અમારી કોઈ ભૂમિકા નથી.

ભારત તથા બાંગ્લાદેશના વડા પ્રધાનોની વચ્ચે કરાર થયા હતા, જેમાં 1600 મેગાવૉટ વીજળી ઉત્પાદિત આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

સંસદીય બાબતોના પ્રધાન સરયૂ રાયે આ અંગે ઝારખંડની વિધાનભામાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશ સાથે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોને પગલે આ ફેરફાર કરાયો હતો.

રાયે કહ્યું હતું, "રાજ્ય સરકારને અદાણી જૂથ પાસેથી જેટલી વીજળી મળવી જોઈએ, એટલી વીજળી મળશે જ. માત્ર એટલો ફેર પડશે કે અદાણી જૂથ ઝારખંડ સિવાયના રાજ્યમાંથી પણ આ વીજળી આપી શકશે."

રાયના મતે ઝારખંડ સરકારે વીજળી નીતિમાં 'સુધાર' કર્યો છે, 'પરિવર્તન' નહીં.

રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી તથા ઝારખંડ વિકાસ મોરચાના અધ્યક્ષ બાબુલાલ મરાંડીનો આરોપ છે કે અદાણી જૂથને લાભ પહોંચાડવા માટે ભાજપ સરકારે આ પરિવર્તન કર્યું હતું.

મરાંડીના કહેવા પ્રમાણે, "ઊર્જા નીતિ ઉપરાંત જમીનની કિંમત નક્કી કરવામાં, લોક અને પર્યાવરણીય સુનાવણીઓમાં પણ ગેરરીતિ આચરવામાં આવી હતી."

"એનટીપીસી (નેશનલ થર્મલ પાવર કૉર્પોરેશન) ડીવીસી (દામોદર વેલી કૉર્પોરેશન) તથા નેશનલ ગ્રીડમાંથી રાજ્ય સરકાર દ્વારા વીજળી ખરીદવામાં આવે છે. જો અન્ય રાજ્યમાંથી 400 મેગાવૉટ વીજળી લાવવામાં આવે તો રાજ્ય સરકારની તિજોરી ઉપર ભારણ આવશે."

મરાંડી ઉમેરે છે, "2012ની ઊર્જા નીતિ મુજબ પાવર કંપનીએ કુલ ઉત્પાદનના 25 ટકા ઉત્પાદનમાંથી માત્ર 12 ટકા વીજળી વેરિયેબલ કૉસ્ટ પર આપવાની રહેતી. જ્યારે બાકીની 13 ટકા વીજળીની ફિક્સ્ડ અને વેરિયેબલ એમ બંને ખર્ચને ધ્યાને રાખીને નક્કી કરવામાં આવતી હતી.

"નવી જોગવાઈઓ મુજબ વીજ કંપની ફિક્સ્ડ કે વેરિયેબલ બંને ખર્ચને આધાર ગણીને નક્કી કરેલી કિંમતે આપી શકે છે. જેના કારણે કારણે ઝારખંડની સરકારે વધુ ચૂકવણું કરવું પડશે."

બીજી બાજુ ઝારખંડ સરકારના પ્રધાન સરયૂ રાય કહે છે કે વીજળીના ભાવ નક્કી કરવાનો અધિકાર ઝારખંડ રાજ્ય વિદ્યુત નિયામક પંચ પાસે અબાધિતપણે રહેલો છે અને પંચ શા માટે નુકસાન થાય તેવો સોદો કરે?

ઝારખંડના મહાલેખાકારે પણ ઊર્જા નીતિમાં ફેરફારને નુકાસન કરનારો સોદો જણાવ્યો છે.

ઊર્જા સચિવને મોકલવામાં આવેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે આ ફેરફારને કારણે રાજ્ય સરકારને દર વર્ષે રૂ. 296 કરોડ અને આગામી 25 વર્ષ દરમિયાન રૂ. 7,410 કરોડનું નુકસાન થાય તેમ છે.

કારણ કે અદાણી જૂથે બાંગ્લાદેશ સાથે આગામી 25 વર્ષ સુધી 1600 મેગાવૉટ વીજળી પૂરી પાડવાના કરાર કર્યા છે.

આ દરમિયાન અદાણી જૂથ બીજા રાજ્યમાં સ્થાપિત પ્લાન્ટમાંથી વીજળી પૂરી પાડશે, જેના કારણે તેની ખરીદી કરવાને કારણે રાજ્ય સરકારને નુકસાન થાય તેવી આશંકા છે.

જમીનના ભાવોમાં કડાકો

બીબીસીની તપાસમાં માલૂમ પડ્યું હતું કે અદાણી જૂથ સાથે એમઓયુ થયા તે પહેલાં રાજ્ય સરકારે ગોડ્ડામાં જમીનના ભાવો નક્કી કરવા માટે એક કમિટીનું ગઠન કર્યું હતું.

2014માં તત્કાલીન ડેપ્યુટી કમિશનરે આ જમીનનો ભાવ રૂ. 40 લાખ પ્રતિ-એકર નિર્ધાર્યો હતો, પરંતુ આ કમિટીએ જમીનના ભાવ ઘટાડીને પ્રતિ એકરના રૂ. ત્રણ લાખ 25 હજાર કરી નાખ્યા હતા.

ઝારખંડમાં જમીન મેળવવા માટે બજારભાવના ચાર ગણી રકમ વળતરપેટે આપવાની જોગવાઈ છે.

અગાઉની કિંમત મુજબ એકરદીઠ ખેડૂતને દોઢ કરોડ રૂપિયાનું વળતર મળ્યું હોત, પરંતુ નવી નીતિ મુજબ આ રકમ ઘટીને પ્રતિ એકર માત્ર રૂ. 13 લાખ પ્રતિ એકર થઈ ગઈ.

વિપક્ષે આ અંગે ભારે હોબાળો કર્યો હતો એટલે સરકારે તત્કાલીન મુખ્ય સચીવ રાજીવ ગૌવાની અધ્યક્ષતામાં નવી કમિટીનું ગઠન કર્યું અને તેને ભાવ નિરધારણનું કામ સોંપ્યું.

એ કમિટીએ જે ભાવો નક્કી કર્યા, તે અગાઉની કિંમતો કરતાં વધુ હતા, પરંતુ તેમાં જમીનનું વર્ગીકરણ કરી નાખવામાં આવ્યું હતું.

નવી જોગવાઈમાં જમીનની ઓછામાં ઓછી કિંમત (એકરદીઠ) રૂ. છ લાખ તથા વધુમાં વધુ રૂ. 13 લાખ (એકરદીઠ) થઈ.

મતલબ કે અગાઉ રૂ. દોઢ કરોડનું વળતર મળ્યું હોત, તેના બદલે હવે વધુમાં વધુ રૂ. 52 લાખ વળતર પેટે ચૂકવાયા.

વળતરમાં ગેરરીતિના આરોપ

મરાંડીના કહેવા પ્રમાણે, અદાણી જૂથને વળતર ચૂકવવામાં લાભ પહોંચાડી શકાય.

મરાંડી કહે છે, "અમે વિરોધ કર્યો એટલે સરકારે મારી પાર્ટીના નેતા તથા સ્થાનિક ધારાસભ્ય પ્રદીપ યાદવ સામે અનેક કેસ ફટકારી દીધા. તેમને અનેક મહિનાઓ માટે જેલમાં રહેવું પડ્યું હતું.''

''અદાણી જૂથ દ્વારા કથિત રીતે બળજબરીપૂર્વક જમીન મેળવી તેના વિરોધમાં અનશન પર બેઠા હતા, ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી."

ઝારખંડમાં મહેસૂલ અને જમીન સુધાર પ્રધાન અમર બાઉરીએ આરોપોને નકાર્યા છે.

બીબીસી સાથે વાતચીતમાં બાઉરીએ કહ્યું, "ગોડ્ડામાં જમીન વળતર નક્કી કરવા માટે રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક હાઇલેવલ કમિટી ગઠિત કરવામાં આવી હતી. તે કમિટીની ભલામણને આધારે ત્યાં જમીનની કિંમત નક્કી કરવામાં આવી હતી.

"સંથાલ પરગણા વિસ્તારને બાદ કરતા તમામ જિલ્લાઓ (દેવઘરને બાદ કરતા) આ તજવીજ હાથ ધરવામાં આવી હતી. સરકારે અદાણી જૂથને લાભ પહોંચાડવા માટે ગોડ્ડામાં જમીનની કિંમતો નક્કી કરી એ આરોપો પાયાવિહોણાં છે."

બળજબરીપૂર્વક જમીન મેળવવામાં આવી હોવાના આરોપોને અદાણી જૂથે નકાર્યા છે.

અદાણી જૂથના પ્રવક્તાના કહેવા પ્રમાણે, ગોડ્ડામાં પ્લાન્ટ સ્થાપિત કરવા માટે જેટલી જમીનની જરૂર છે, એટલી જમીન મેળવી લેવાઈ છે.

કંપનીનું કહેવું છે, "97 ટકા ખેડૂતોએ વળતરની રકમ મેળવી લીધી છે. એટલે કંપની દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાના આરોપ માત્ર અફવા છે. કેટલાક લોકો પોતાના અંગત હિતો સાથવા માટે આ પ્રકારના આરોપ મૂકી રહ્યા છે."

517 એકર જમીનનું અધિગ્રહણ

અદાણી જૂથના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું કે પોડૈયાહાટ તાલુકાના સોનડીહા તથા ગાયઘાટ ગામની લગભગ સવાર ત્રણસો એકર જમીન અધિગ્રહણમાં અદાણી જૂથને કોઈ રસ નથી.

અગાઉ એવી ચર્ચા હતી કે ગોડ્ડામાં પ્લાન્ટ સ્થાપિત કરવા માટે અદાણી જૂથને 900 એકર જમીનની જરૂર છે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, ગોડ્ડા જિલ્લામાં અદાણી જૂથે કુલ 517 એકર જમીન મેળવવાનું કામ પૂર્ણ કરી લીધું છે.

ગંગાનું પાણી અપાશે?

અદાણી જૂથના ગોડ્ડા પ્લાન્ટ માટે પાણી ક્યાંથી આવશે તે અંગે હજુ સુધી કોઈ ઔપચારિક નિર્ણય લેવાયો નથી. ઉપરાંત આ પ્લાન્ટને કોલસો ક્યાંથી પૂરો પાડવામાં આવશે, તે પણ અસ્પષ્ટ છે.

આ અંગે અદાણી જૂથના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું, "અમે સાહિબગંજમાંથી ગંગાનું પાણી મેળવવાનું આયોજન કર્યું છે. તેને હજુ સુધી ભારત સરકારની મંજૂરી મળી નથી. જો અમને ઝારખંડમાં કોલ લિંકેજ નહીં મળે તો અમે તેની આયાત કરીશું, આ માટે રેલવે લાઇન પણ સ્થાપવામાં આવશે. એ સંજોગોમાં અમને વધુ થોડી જમીનની જરૂર ઊભી થશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો