ઓસ્ટ્રેલિયામાં અલગઅલગ 45 સ્થળોએ 'સ્ટૉપ અદાણી' પ્રદર્શનો

ભારતના ઉદ્યોગ સમૂહ અદાણી જૂથ સામે ઓસ્ટ્રેલિયામાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. શનિવારે ઓસ્ટ્રેલિયાના અલગ-અલગ વિસ્તારોમાં પ્રદર્શનકારીઓ મોટી સંખ્યામાં એકઠાં થયાં અને અદાણી જૂથ સામે નારેબાજી કરી હતી.

અદાણી જૂથની કોલસાની ખાણ ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટી હોવાનું કહેવાય છે.

પરંતુ પર્યાવરણ તથા આર્થિક બાબતોને કારણે આ યોજના લાંબા સમયથી અટકેલી પડી છે.

તમને આ પણ વાંચવું ગમશે

પર્યાવરણનાં રક્ષણ માટે કાર્યરત સંસ્થાઓનું કહેવું છે કે ક્વિન્સલેન્ડમાં કોલસાની ખાણ શરૂ થશે તો ગ્લોબલ વૉર્મિંગનું જોખમ વધી જશે.

તેનાથી વિશ્વપ્રસિદ્ધ ગ્રેટ બેરિયર રીફને નુકસાન પહોંચશે તેવી આશંકા છે.

'સ્ટૉપ અદાણી' અભિયાન

અદાણીના કોલસા ખાણના પ્રોજેક્ટ સામે 'સ્ટૉપ અદાણી' અભિયાન હાથ ધરાયું છે.

આ નેજા હેઠળ 45 સ્થળોએ વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યાં.

એક પ્રદર્શનના આયોજક બ્લેયર પેલીસના કહેવા પ્રમાણે, "સિડનીમાં બોન્ડી કિનારા પર એક હજારથી વધુ લોકો એકઠાં થયાં. તેમણે માનવ શ્રૃંખલા દ્વારા 'સ્ટૉપ અદાણી' લખ્યું."

ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મીડિયાનો દાવો છે કે અડધાથી વધુ ઓસ્ટ્રેલિયન નાગરિકો આ ખાણ યોજનાના વિરોધમાં છે.

આર્થિક સમસ્યા

આ ખાણ શરૂ કરવા માટે પ્રારંભિક ધોરણે 400 કરોડ ડોલરની જરૂર છે. વિશ્લેષકોને શંકા છે કે અદાણી આટલી રકમ આપી શકશે કે નહીં.

બીજી બાજુ, અદાણી જૂથના કહેવા મુજબ આ યોજના દ્વારા અનેક લોકોને નોકરીઓ મળશે. સાથે જ ભારતમાં કોલસાની નિકાસ કરવામાં આવશે.

જેના કારણે ભારતના ગ્રામીણ વિસ્તારો સુધી વીજળી પહોંચાડી શકાશે.

અદાણીએ આ યોજના માટે જરૂરી રેલવે લિંક શરૂ કરવા માટે ઉત્તર ઓસ્ટ્રેલિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પાસેથી 70 કરોડ ડૉલરથી વધુની લોન લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

જોકે અદાણી જૂથના મુખ્ય કાર્યકારી અધિકારી જયકુમાર જનકરાજનું કહેવું છે કે જો કોમર્શિયલ બેંક્સ પાસેથી જરૂરી નાણાં મળી રહેશે તો એનઆઈએફ પાસેથી નાણાં નહીં લેવા પડે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો