You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગ્રાઉન્ડ રિપોર્ટ : શું પલવલની મસ્જિદ માટે ખરેખર પાકિસ્તાનમાંથી ફંડ આવ્યું?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હીથી બે કલાકના અંતરે આવેલું ઉતાવડ મેવાતી મુસલમાનોનું એક ગરીબ ગામ છે, જ્યાં સોમવારે ડઝનબંધ મીડિયાવાળા આવી પહોંચ્યા. કેન્દ્ર સ્થાને હતી એક મસ્જિદ, જે બહારથી જેટલી નાની અને અધૂરી જણાતી હતી અંદરથી એટલી જ સુંદર અને વિશાળ હતી.
'ખુલફએ રાશિદિન મસ્જિદ' એટલી મોટી છે કે આજૂબાજૂના 15 હજાર મુસલમાનો એક સાથે તેમાં નમાજ પઢી શકે છે.
પણ હું જ્યારે અંદર પહોંચ્યો ત્યારે મસ્જિદ ઘણી ખાલી જણાતી હતી. નાની છોકરીઓ કુરાન વાંચી રહી હતી. મને જણાવવામાં આવ્યું કે આ મસ્જિદ પણ છે અને મદ્રેસા પણ.
અત્યારે આ મસ્જિદ ચર્ચામાં છે.
રાષ્ટ્રીય તપાસ સંસ્થા એટલે કે એનઆઈએનો આરોપ છે કે મસ્જિદના ઇમામ મોહમ્મદ સલમાને પાકિસ્તાનના હાફિઝ સઈદ(જમાત ઉદ દાવા પ્રમુખ)ની સંસ્થા પાસેથી નાણાં લઈને આ મસ્જિદ બનાવી છે.
ઇમામ સલમાનની ગયા મહિને ધરપકડ કરવામાં આવી હતી.
એમની સાથે બીજા બે લોકોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
પણ ગામના મોટા ભાગના લોકો ઇમામ સલમાન પર લાગેલા આરોપોને ખોટા ગણે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્યાંથી આવે છે ભંડોળ?
મસ્જિદનું નિર્માણ 1998માં શરું કરવામાં આવ્યું હતું અને એનું ઉદ્ઘાટન 2010માં કરાયું હતું. મને કહેવામાં આવ્યું હતું કે આના બાંધકામ પાછળ અત્યાર સુધી 2 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે.
નિર્માણ સમયથી આની સાથે સંકળાયેલા એક વડીલે જણાવ્યું, ''સલમાનના પિતા એક મોટા ધર્મગુરુ હતા, જેમની ઓળખ વિશ્વભરમાં હતી અને એમાંથી કેટલાય લોકો એમને આ મસ્જિદ માટે પૈસા મોકલતા હતા.''
''પણ મસ્જિદ બની છે સ્થાનિક લોકોએ આપેલા નાણાં વડે જ.''
તમે આ વાંચ્યું કે નહીં?
મને ખબર નહોતી કે કોણ કયા દેશમાંથી કેટલાં નાણાં મોકલે છે.
એમણે અને ત્યાં હાજર લોકોએ મને એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે મસ્જિદ માટે મુસ્લિમ દેશોમાંથી પૈસા એકઠા કરવા એ સામાન્ય વાત છે.
ગયા અઠવાડિયે એનઆઈએની ટીમને મસ્જિદ બતાવનારા મોહમ્મદ ઇર્શાદ નામના એક યુવાને કહ્યું કે પાકિસ્તાન કે પાકિસ્તાની સંસ્થા પાસેથી ભંડોળ આવતું નથી.
લખુ નામના એક પાસેના ગામના સરપંચના જણાવ્યા અનુસાર, ''હાફિઝ સઈદ તો એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી છે, એમની પાસેથી પૈસા કોણ લેવા માગે?''
મોહમ્મદ ઇર્શાદે કહ્યું કે મસ્જિદ માટે સ્થાનિક હિંદુઓએ પણ નાણાં આપ્યાં છે, ''ઘણાં હિંદુઓએ પણ નિર્માણનો સામાન પૂરો પાડી મસ્જિદ માટે મદદ કરી છે.''
પાકિસ્તાનમાંથી જો ભંડોળ આવતું હોત તો...
સરપંચ લખુએ મસ્જિદની બહાર ઊભા રહી એ તરફ ઇશારો કરી જણાવ્યું કે જો પાકિસ્તાન કે બીજા કોઈ દેશમાંથી ભંડોળ આવતું હોત તો મસ્જિદનું આખું માળખું અત્યાર સુધી ઉભું ના થઈ ગયું હોત?
મસ્જિદનો બહારનો ભાગ તો હજી સુધી અધૂરો જ છે.
ડઝનબંધ મીડિયાવાળાની હાજરીમાં મને ત્યાં હાજર મુસલમાનોના ચહેરા પર અનેક સવાલ હતા.
કેટલાય લોકોએ વારંવાર એક વાત પૂછી, ''તમે બધા અહીં કેમ આવ્યા છો?''
ગામના લોકોના મતે ઇમામ સલમાનની ધરપકડ ગયા મહિને કરવામાં આવી હતી.
ઇમામ સલમાનના પક્ષમાં બધા બોલી રહ્યા હતા.
ટોળામાં હાજર નસૂર નામના એક વડીલ વ્યક્તિએ એક દસ્તાવેજ દેખાડી કહ્યું, ''મસ્જિદમાં નાણાં ઓછાં પડવાથી મેં મારી જમીન વેચી દીધી અને પૈસા મસ્જિદ નિર્માણમાં આપી દીધા.''
''આ જુઓ દસ્તાવેજ. સલમાનની વેચાઈ ગયેલી જમીનનો આ દસ્તાવેજ હતો.''
લોકો જે વાત એક સૂરે કહેતા હતા એને મોહમ્મદ ઇર્શાદે કંઈક આ રીતે જણાવી,
''મસ્જિદ એક ઇસ્લામીક કેન્દ્ર પણ છે, જેને આસપાસનાં 84 ગામોની મદદ વડે બનાવવામાં આવ્યું છે.''
''આની સમગ્ર જમીન દસ એકર છે જે પંચાયતે દાનમાં આપી હતી. પણ 100 કરતાં વધારે પરિવારો અને દુકાનદારોએ જમીનના મોટા ભાગ પર કબ્જો કર્યો છે. એની કિંમત કરોડોમાં છે.''
''અમે ,એમને અહીંથી હટાડવા માંગીએ છીએ. એ લોકોએ અમારી પર કેસ કર્યો છે અને અમારી વગોવણી કરવા માટે તેઓ ઇમામ સલામાન અને મસ્જિદ વિરુધ્ધ નિવેદન આપી રહ્યા છે.''
મસ્જિદની બહાર દિલ્હી જતાં માર્ગ પર ઘણી દુકાનો છે, જેના માલિકો એ વાતનો સ્વીકાર કરે છે કે એમણે સલમાન અને એમના સાથી સામે કેસ કર્યો છે પણ એનઆઈએને આ અંગે કશું જ જણાવ્યું નથી.
નસરૂ નામના એક દુકાનદારે કહ્યું, ''એનઆઈટી (એમના કહેવાનો મતલબ હતો એનઆઈએ) નું નામ પણ અમે તો સાંભળ્યું નથી. અમે એમને મળ્યા પણ નથી.''
કેટલાક સવાલો
વિચારવાની વાત તો છે કે બન્ને પક્ષ એક- બીજાના સગાવહાલા છે અને પેઢીઓથી આ ગામમાં રહે છે.
એકબીજા સાથે હળીમળીને રહે છે. છે. વારેતહેવારે કે લગ્નોમાં હાજરી પણ આપે છે.
પણ જ્યારથી આ કેસ થયો છે ત્યારથી બન્ને પક્ષ એકબીજાના દુશ્મન બની ગયા છે.
મસ્જિદવાળી જમીન અને એના પર ગેરકાયદેસરનો કબજો આ દુશ્મનીનું કારણ છે.
હવે સવાલ એ ઉભો થાય કે ઇમામ મોહમ્મદ સલમાન સામે બીજા પક્ષે નિવેદન આપ્યું છે કે કેમ તે તો એનઆઈએ જ કહી શકશે.
અને ઇમામ સલમાનએ હાફિઝ સઈદની દુબઈમાં આવેલી સંસ્થા પાસેથી નાણાં લીધાં છે કે કેમ એ અંગેનું સત્ય તો કોર્ટમાં જ છતું કરી શકાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો