You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
20 વર્ષ પહેલાં કેવી હતી ગૂગલ વગરની જિંદગી?
- લેેખક, રોનાલ્ડ હ્યુઝ
- પદ, બીબીસી ન્યૂઝ
મારી બિલાડીને શાકાહારી બનાવી દઉં તે ઠીક ગણાશે? બાળકોમાં તાજગીની સુગંધ આવતી હોય છે તે શું હોય છે? પ્રેમ શું છે?*
1998માં ચોથી સપ્ટેમ્બરે ગૂગલની સ્થાપના થઈ તે પછીના આ 20 વર્ષોમાં આવા અનેક જાતના સવાલોના જવાબ તેણે આપ્યા છે.
ગૂગલનું નામ ક્રિયાપદ તરીકે વપરાવા લાગ્યું છે અને હાલમાં જ સ્પર્ધકોની સામે બહુ વધારે શક્તિશાળી થઈ જવા બદલ તેને પાંચ અબજ ડૉલરનો વિક્રમજનક દંડ પણ થયો છે.
ગૂગલની શોધના કારણે રિસર્ચ જરૂરી હોય તેવા કેટલાક વ્યવસાયોમાં એટલું આમૂલ પરિવર્તન આવી ગયું છે કે તેના વિના ભૂતકાળમાં કામ કેવી રીતે થતું હતું તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
પત્રકાર
ગેરથ હ્યુઝ નોર્થ વેલ્સનના 'ડેઇલી પોસ્ટ' નામના અખબારમાં 1974થી 2006 સુધી રિપોર્ટર તરીકે કામ કરતા હતા. (તેઓ આ લેખના લેખકના પિતા છે).
ગેરથ હ્યુઝ કહે છે, "મારે એટલી બધી જુદી જુદી વસ્તુઓ વિશે લખવાનું થતું હતું કે કોઈ મારી પાસે એવી અપેક્ષા નહોતું રાખતું કે મને બધી જ ખબર હોય."
"મારી પાસે ઍન્સાયક્લૉપેડિયા હતો, સ્થાનિક લાઇબ્રરી હતી, પરંતુ સૌથી અગત્યની વાત હતી સચોટ માહિતી ધરાવનારી વ્યક્તિ કોણ છે તે જાણવું અને તે વ્યક્તિને કોણ ઓળખતું હશે તેની ખબર હોવી.''
"દરેક ગામમાં લગભગ મારું જાણીતું કોઈ છે તે જાણીને મને આનંદ થતો હતો.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમારી લિવરપુલ ખાતેની મધ્યસ્થ ઓફિસમાં પણ અમારી લાઇબ્રરી હતી. ત્યાં દરેક ન્યૂઝપેપર સાચવીને રાખવામાં આવતા હતા. દરેક સ્ટોરીઝના કટિંગ રાખવામાં આવતા હતા.''
"તમારે કોઈ વિષય વિશે જાણવું હોય તો લાઇબ્રેરિયન તેમાંથી શોધી કાઢે અને તમને ફેક્સ કરે. તે લોકો બહુ જ હોશિયાર હતા.''
ગેરથ હ્યુઝ ઉમેરે છે, "હું પોતે પણ ઘણું બધું સાચવીને રાખતો હતો - ભરશિયાળે શહેરથી માઇલો દૂર એક બાળકીનો, બહુ ઓછા વજન સાથે જન્મ થયો હતો તે આખી સ્ટોરી મને સ્મરણમાં હતી.”
“તેને ઊનનાં કપડાંમાં લપેટીને રખાઈ હતી અને તેને લઈને ઍમ્બ્યુલન્સ બરફ વચ્ચેથી જેમ તેમ પસાર થઈ રહી હતી. તે બચશે તેમ નહોતું લાગતું.''
તેમણે જણાવ્યું "છ મહિના બાદ તેને હૉસ્પિટલમાંથી રજા અપાઈ ત્યારે મેં તેના વિશે સ્ટોરી કરી હતી. તે પછી કેટલાય વર્ષો પછી હું મારા કટિંગ્ઝ જોઈ રહ્યો હતો ત્યારે આ સ્ટોરી મારા હાથમાં આવી.”
“મને થયું કે તે હવે 21 વર્ષની થવામાં છે. તેથી મેં ફોન કરીને પૂછપરછ કરી. સ્થાનિક પોસ્ટ ઓફિસનો સંપર્ક કર્યો. મને જાણવા મળ્યું કે મારી ઓફિસની નજીકમાં જ તે રહે છે.”
“ગૂગલ તો પછી આવ્યું, તે ખરેખર ઉપયોગી છે, પરંતુ વ્યક્તિગત સંપર્કો રહેતા હતા તેના જેવી મજા નથી."
બૅરિસ્ટર
હિલેરી હેલબ્રોન ક્યુસીએ 1972માં જુનિયર બૅરિસ્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં તેઓ લંડનની બ્રિક કોર્ટ ચેમ્બર્સનાં સભ્ય છે અને તેઓ કમર્શિયલ લૉ અને ઇન્ટરનેશનલ આર્બિટ્રેશનની પ્રેક્ટિસ કરે છે.
તેમણે કહ્યું, "જુનિયર બૅરિસ્ટર તરીકે તમને સૂચનાઓ આપવામાં આવતી હતી અને તે પછી તમારે જાતે રિસર્ચ કરવું પડતું હતું.”
“લૉ રિપોર્ટ, ટેક્સ્ટ બુક્સ અને લાઇબ્રરીમાં શોધખોળ કરવી પડતી હતી. એક કેસ પરથી બીજો કેશ શોધવા માટે અને વધુ રિસર્ચ કરવા માટે તમારે મિડલ ટેમ્પલ જવું પડતું હતું.”
"હવે બધા જ લૉ રિપોર્ટ્સ ઑનલાઇન ઉપલબ્ધ છે - મારા કબાટમાં લૉ રિપોર્ટ્સના સેટ મૂકેલા છે, તે સરસ લાગે છે, પણ તેની હવે કોઈ ઉપયોગિતા નથી."
"આ સ્થિતિ આશીર્વાદરૂપ છે, કેમ કે તમારો ઘણો બધો સમય બચી જાય છે. તેનાથી કામ સરળ પણ થાય છે.”
“જોકે બહુ સમય નથી બચતો, કેમ કે પહેલાં કરતાં તમારી પાસે હવે ઢગલાબંધ વિગતો ઉપલબ્ધ થાય છે. તેથી તમારે બધી ચકાસવી પડે. તમારે પસંદગી સંભાળપૂર્વક કરવી પડે.”
"તે વખતે તમે જાહેરખબર પણ આપી શકતા નહોતા. તેથી આ માર્કેટિંગ વગેરેના વિચાર અસ્થાને ગણાતા હતા. તમારું કામ સારી રીતે કરીને તમે સંબંધો કેળવતા હતા. તમારે આશા રાખીને બેસવું પડે કે ક્લાયન્ટ ફરી તમારી પાસે જ આવશે."
લાઇબ્રરિયન
કેટલાક દાયકા પહેલાં ન્યૂ યૉર્ક પબ્લિક લાઇબ્રરીનો સ્ટાફ 'મનુષ્ય ગૂગલ' જેવું કામ કરતા હતા.
લાઇબ્રરીના સભ્યો અને જાહેર જનતા પૃચ્છા કરે તે પછી પોતાની પાસે ઉપલબ્ધ વિશાળ સામગ્રીમાંથી તેનો જવાબ શોધી આપવાની કોશિશ કરતા.
લોકોએ કેવા કેવા સવાલો પૂછ્યા હતા તેના કાર્ડ્સનો મોટો જથ્થો હાલમાં જ સ્ટાફને મળી આવ્યો છે.
આ સવાલો તેમણે લાઇબ્રરીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કર્યા છે.
- 1948માં એક વ્યક્તિએ આવો સવાલ પૂછ્યો હતો, "મૃતદેહોને વેચવા માટેના વેપારમાં કેટલા પૈસા છે, કેટલું વેચાણ થાય છે તે બધા આંકડાં મને ક્યાંથી મળશે?"
- 2018માં ગૂગલ સૂચન કરે છે કે રોઇટર દ્વારા અમેરિકામાં બાળકોના શવોના વેપાર વિશે થયેલી તપાસના અહેવાલની આ લિન્ક જોઈ શકો છો.
- "ઉંદરને ઊલટી થાય ખરી?" 1949માં એક વ્યક્તિ આવો પ્રશ્ન પૂછ્યો હતો, પણ શા માટે એ ખબર નથી.
- તેમને જવાબ મળ્યો હતો કે હા, ઉંદરને પણ ઊલટી થાય.
- "ઝેરી સાપ પોતાને જ કરડી જાય, તો મરી જાય ખરો?" 1949માં લોકો પ્રાણીઓ વિશે આવા વિચિત્ર સવાલો પૂછતા હતા.
- ગૂગલ 2018માં આનો શું જવાબ આપે છે: હમમમ, પાકા પાયે કોઈને ખબર નથી.
- "મધ્યાહ્ન ક્યારે થયો કહેવાય?" આ પ્રશ્નનો જવાબ ગૂગલ આપે છે, ‘બપોરે 12 વાગ્યે’.
"18મી સદીના ઇંગ્લિશ પેઇન્ટિંગ્ઝમાં આટલી બધી ખિસકોલીઓ કેમ દેખાય છે અને તે લોકોએ કેવી રીતે પાળી હશે કે પેઇન્ટરને બટકું ના ભરી જાય?"
ગૂગલ જણાવે છે કે તે વખતે મહિલાઓ ખિસકોલીઓ પાળતી હતી, એટલે કદાચ તેજ જવાબ છે.
શિક્ષણશાસ્ત્રી
જેનિસ યેલીને 1970ના દાયકાની શરૂઆતમાં બોસ્ટનની બ્રેન્ડીઝ કોલેજમાંથી પ્રાચીન ન્યુબિયન વિશે પીએચ.ડી. કર્યું હતું.
હાલમાં તેઓ માસાચૂસેટ્સમાં આવેલી બેબસન કોલેજમાં કલાનાં ઇતિહાસનાં પ્રોફેસર છે.
તેઓ કહે છે, "ગૂગલને કારણે બધું જ બદલાઈ ગયું છે. મતલબ કે એક પણ દિવસ બગાડ્યા વિના, કે મ્યુઝિયમ કે લાઇબ્રરીમાં ગયા વિના મારે જોઈતું હોય તે સાહિત્ય હું મેળવી શકું છું.“
“તેના કારણે હું મારું કામ વધારે અસરકારક રીતે કરી શકું છું. તેના કારણે મારે રિસર્ચ માટે જરૂરી સમયમાં 80 ટકાનો ઘટાડો થઈ જાય છે.''
"તે વખતે તદ્દન જુદી રીતે કામ થતું હતું. મારે દિવસભરનું આયોજન કરવું પડતું હતું, તેના બદલે હું હવે ડેસ્ક પર બેઠાં બેઠાં જ કામ કરી શકું છું.”
“તે વખતે કશાક પર કામ કરી રહી હોઉં અને મારે કોઈ માહિતીની જરૂર હોય તો મારે તે કામ પડતું મૂકવું પડે. તે પછી લાઇબ્રરીમાં જઈને ત્યાંથી માહિતી શોધવી પડે.''
"જોકે લાઇબ્રરીમાં સામાજિક સંબંધો બંધાતા હતા. કૅરિયરના વિકાસમાં તેનો બહુ મોટો ફાળો રહેતો હતો. તેનું બહુ મૂલ્ય હતું. ઑનલાઇન કામ કરવું બહુ એકાકી થઈ જવા જેવું છે.''
"પુસ્તકો વચ્ચે દિવસ વિતાવવો અને બીજા લોકો સાથે દિવસ ગાળો હતો તેમાં એક મજા છે. જુવાનિયાઓ હવે તેના સંબંધો કેળવી નથી રહ્યા."
*આ લેખની શરૂઆતમાં જે પ્રશ્નો પૂછાયા તેના જવાબો આ તમારે જોઈતા હોય તો આ રહ્યા:
A) બિલાડીને શાકાહારી બનાવવા વિશે મિશ્ર પ્રતિભાવો મળે છે. અમને તમને બેમાંથી એક પણ માટે સલાહ આપી શકીએ તેમ નથી.
B) કોઈને ખબર નથી કે શા માટે બાળકોના માથામાંથી આટલી સરસ સુગંધ આવે છે. કદાચ તેમની પરસેવાની ગ્રંથીઓમાંથી કોઈ કેમિકલ નીકળતા હશે.
C) તેનો જવાબ તમારે જાતે શોધી લેવાનો રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો