You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યાં લોકો એક ઝોકું ખાવાના આપે છે રૂપિયા ‘બે હજાર’
એક ઝોકું તમને તાજા માજા કરી શકે છે. ઊંઘનું એક ઝોકું તમારા તણાવમાં ઘટાડો કરી શકે છે.
જો તમારે ઝોકું ખાવાના પૈસા ચૂકવવા પડે તો? માન્યામાં નહીં આવે પરંતુ કેટલાક લોકો આના માટે પણ તૈયાર છે.
અમેરિકાના સૌથી વ્યસ્ત શહેર ન્યૂ યૉર્કમાં એક 'નેપ સ્ટોર' ખૂલ્યો છે.
તમે અહીંયા ઝોકું ખાઈ શકો છો, ભાગદોડની જિંદગીમાંથી ફુરસદની પળો વિતાવી શકો છો.
ઝોકાં ખાવાના આ કેન્દ્રનું નામ 'કેસ્પર' છે. અહિંયા 45 મિનિટની ઊંઘ કરવાના 25 ડૉલર વસૂલવામાં આવે છે.
અમેરિકાના ડૉલરની રૂપિયામાં કિંમત આંકો તો આ રકમ 1750 રૂપિયાથી પણ વધારે થાય છે.
કેસ્પરમાં આવીને તમને એવું લાગી શકે છે જાણે કે ઊંઘ તમારી જ રાહ જોઈ રહી હોય.
છતની ડિઝાઇન એવી છે કે જાણે ખુલ્લા આકાશમાં તારા ટમટમ થતા હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહિંયા અલગ અલગ કેબિનમાં નવ પથારીઓ પાથરવામાં આવી છે.
સ્ક્રીનથી બહાર નીકળતા પ્રકાશથી જો તમારી આંખો થાકી ગઈ હોય તો અહિંયા આવીને તમે પોતાની આંખોને આરામ આપી શકો છો.
ઊંઘ આવે તેવો માહોલ
કેસ્પરમાં ટીવી છે પરંતુ તેની સ્ક્રીન તમને ઊંઘ લેવા માટે પ્રેરણા આપે છે.
હકીકતે ન્યૂ યૉર્કનું આ ઝોકા કેન્દ્ર ગાદલા બનાવનારી કંપનીની માર્કેટિંગ રણનીતિનો ભાગ છે.
આ નેપ સ્ટોરના એક ભાગમાં તમે વૈભવી ઊંઘની મજા માણી શકો છો.
બીજો ભાગ ગાદલા બનાવનારી કંપનીએ માર્કેટિંગના પ્રચાર પ્રસાર માટે રાખ્યો છે.
કેસ્પરના સંસ્થાપકનું માનવું છે કે તેઓ એવા યુવાન ગ્રાહકોને પોતાની તરફ આકર્ષી શકે છે જે સામાન ખરીદવા કરતા નવા અનુભવો મેળવવા માટે વઘુ ખર્ચ કરવા તૈયાર હોય.
તમે આ વાંચ્યું કે નહીં?
કેસ્પરના સહ સંસ્થાપક નીલ પરીખ કહે છે, "અમે એવી જગ્યા તૈયાર કરવા માંગતા હતા જ્યાં લોકો નિરાંતે આરામ કરી શકે."
"જો કોઈ લાલ આંખે આવે તો ચોક્કસપણે તે ખૂબ જ થાકેલા હશે. તમે જ્યારે આખો દિવસ મહેનત કરો ત્યારે આવું થઈ શકે છે."
"એવામાં જો તમે ઇચ્છો તો અહિંયા ઊંઘ કરી શકો છો અહિંયા તમને થાક ઉતારવાની તક મળી શકે છે."
આ જગ્યાએ પૈસાદાર લોકો આવે છે, ઝોકું ખાય છે અને અહીંની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાનું ચૂકતા નથી.
પૈસા ખર્ચ કરીને ઝોકું ખાવાનું સુખ નવો અનુભવ છે. જેને વેચવામાં તેઓ કોઈ પણ પ્રકારનો સંકોચ કરતા નથી.
અહિંયા નિરાંતે એક ઝોકું ખાધા બાદ એક મહિલાએ કહ્યું "આરામ કરવા માટે આ જગ્યા સારી છે."
સામાન્ય માણસોનું મંતવ્ય શું છે?
આ જગ્યા વિશે સામાન્ય માણસો પણ આવું જ વિચારે છે કે નહીં તે જાણવા માટે અમે ન્યૂ યૉર્કના કેટલાક સામાન્ય લોકો સાથે વાતચીત કરી.
હાલમાં જ કૉલેજથી બહાર નીકળીને કારકિર્દી શરૂ કરનારા એક યુવકે કહ્યું "જો મારી પાસે ખર્ચ કરવા માટે અઢળક પૈસા હોય તો હું પણ આવું જ કરું."
આ જ સવાલ અમે એક યુવતીને પુછ્યો તો તેમનો જવાબ હતો "હું ત્યાં જઈ શકું છું પરંતુ મારું માનવું છે કે એક ઝોકું ખાવાના આટલા રૂપિયા વધારે છે. હું એવું ઇચ્છીશ કે આવી જગ્યા સાર્વજનિક હોવી જોઈએ જ્યાં લોકો નિરાંતે ઝોકાં ખાઈ શકે."
ન્યૂ યૉર્કમાં આ એકમાત્ર જગ્યા નથી જ્યા ઊંઘનો વેપાર થાય છે.
કેટલાંક સેન્ટર છે જ્યા અલગ અલગ સમયે ઊંઘ લેવા માટે 15 ડૉલરથી લઈને 50 ડૉલર સુધીનો ચાર્જ લેવામાં આવે છે.
'નેપ યૉર્ક' પણ આવી જ એક જગ્યા છે જે ઊંઘ વેચીને પૈસા કમાઈ રહી છે.
અહિંયા 30 મિનિટની ઊંઘ કરવા માટેનો ચાર્જ 15 ડૉલર છે.
અન્ય કોઈ પણ મહાનગરની જેમ ન્યૂ યૉર્કમાં પણ ઊંઘવાની ઇચ્છા ધરાવતા લોકો માટે સસ્તા વિકલ્પો પણ છે.
ન્યૂ યૉર્કના બગીચાઓમાં પણ તમને ઊંઘતા લોકો જોવા મળશે.
કેટલાક કૉલેજના વિદ્યાર્થીઓ પણ મેદાનોમાં મળી જશે પરંતુ અહિંયા એવી તસવીર નહીં મળે જે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો