ગુજરાત : કોંગ્રેસની બેઠક મળી પણ નામ કેમ જાહેર ન કરાયું?

    • લેેખક, સાગર પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યો હાજર રહ્યા હતાં.

બેઠકમાં 77 બેઠકો મેળવ્યા પછી વિરોધ પક્ષના નેતાની પસંદગી કરવાની હતી.

મીડિયાથી લઇને કાર્યકર્તાઓ કાર્યાલયની બહાર હાજર હતાં. છેલ્લા કેટલાંય વર્ષો પછી કાર્યાલય પર અલગ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું હતું.

કોંગ્રેસે આ વખતે પણ વિરોધપક્ષ તરીકે જ બેસવાનું હતું, પરંતુ શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડીયા જેવા મોટાગજાના નેતાઓ જોવા મળ્યા નહોતા.

તમને આ પણ વાંચવું ગમશે

વિરોધપક્ષના નેતા તરીકેના દાવેદારોમાં પરેશ ધાનાણી, કુંવરજીભાઈ બાવળિયા અને વિક્રમ માડમના નામો ચર્ચામાં છે.

વિક્રમ માડમે નોંધાવી દાવેદારી

જામનગરના વિક્રમ માડમે વિરોધ પક્ષના નેતા તરીકે પોતાની દાવેદારી નોંધાવી હતી.

વિક્રમ માડમનું કહેવું હતું, " હું વિરોધ પક્ષના નેતા તરીકે મારી દાવેદારી આજે પક્ષ સમક્ષ રજૂ કરીશ. મારી સાથે ૨૭ ધારાસભ્યોનો ટેકો છે.''

તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે જો તેમની પસંદગી કરવામાં ન આવે તો શું?

પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું, "પાર્ટીનો નિર્ણય અંતિમ નિર્ણય ગણાશે અને પાર્ટીમાં એક સિપાહીની જેમ પોતાની સેવા આપવાની ચાલુ રાખશે."

બેઠકમાં કોણ કોણ હાજર રહ્યું?

બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતાં. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર સાથે જોવા મળ્યા હતા.

બપોરે ત્રણ વાગ્યે શરૂ થયેલી બેઠક મોડી સાંજ સુધી ચાલી હતી.

આ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું, "વિરોધપક્ષના નેતાનું નામ આજે જાહેર થવાનું નથી.

"નામની જાહેરાત આવતી કાલે કરવામાં આવશે. આજે બેઠકનું આયોજન થયા પછી નામની જાહેરાત ન થાય તે આશ્ચર્યજનક હતું."

આંતરિક બળવાની ભીતિ?

શા માટે બેઠક પછી આજે નેતાની જાહેરાત કરવામાં આવી નથી આ બાબતે બીબીસી દ્વારા જાણીતા રાજકીય વિશેષજ્ઞ ઘનશ્યામ શાહ સાથે વાતચીત કરી હતી.

તેમણે જણાવ્યું હતું, "ભાજપમાં નેતાઓ નિરાશ થઇ રહ્યા છે અને પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે.

તેમ કોંગ્રેસમાં ન થાય તે માટે કદાચ નેતાની આજે જાહેરાત કરવામાં આવી નથી."

આ વર્ષે કોંગ્રેસમાં પણ ઘણા બધા સમીકરણો બદલાયા છે.

કોંગ્રેસને વધારે બેઠકો મળી છે પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી કોંગ્રેસનું નેતૃત્વ કરનારા અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહીલ કે શંકરસિંહ વાઘેલા જેવા નેતાઓ વિધાનસભામાં જોવા નહીં મળે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો