Zanco T1 : અંગૂઠાથી પણ નાનો અને સિક્કાથી પણ વજનમાં હલકો મોબાઇલ

આ છે વિશ્વનો સૌથી નાનો ફોન. તેમાં 'સેલ્ફી' નથી લઈ શકાતી અને તેમાં ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઍપ પણ નથી ચાલતા. તેમ છતાં તે અન્ય બીજા દરેક ફોનને માત આપે છે. કારણ કે તે વિશ્વનો સૌથી નાનો ફોન છે.

એક તરફ જ્યાં સેલફોન કંપનીઓ મોટા સ્ક્રીનને મહત્ત્વ આપી રહી છે.

તો બીજી તરફ કેટલીક કંપનીઓ સૌથી નાના ફોન બનાવવાની સ્પર્ધામાં છે.

ટેક્નૉલૉજી ક્ષેત્રના પ્રકાશન 'બિઝનેસ ઈનસાઇડર' અનુસાર આ સ્પર્ધામાં એક નવું નામ Zanco T1 છે.

તમને આ પણ વાંચવું ગમશે

જે હાલમાં વિશ્વનો સૌથી નાનો ફોન છે.

4 સેન્ટિમીટરનું કદ અને 13 ગ્રામનું વજન

Zanco T1 ચાર સેન્ટિમીટરનું કદ અને 13 ગ્રામનું વજન ધરાવે છે. એક પ્રમોશનલ વીડિયોમાં કંપની જણાવે છે, "તમારા અંગૂઠા કરતા નાનો અને સિક્કા કરતા પણ વજનમાં હલકો ."

આ ફોનથી તમે 'ટેક્સ્ટ્ મેસેજ' મોકલી શકો છો. અને ટુ-જી કનેક્શન હેઠળ કૉલ કરી શકો છો. જો કે કંપનીના જણાવ્યા અનુસાર આ ફોન બધા જ દેશોમાં ઉપલબ્ધ નથી.

તેની કિંમત 45 અમેરિકી ડોલર જેટલી છે.

ત્રણ દિવસનું બૅટરી આયુષ્ય

ફોન બનાવનાર કંપની કહે છે કે, તેની બૅટરી ત્રણ દિવસ ચાલી શકે. તથા કૉલિંગ કરવામાં આવતું રહે તો બૅટરી ત્રીસ મિનિટ ચાલે છે.

કંપનીનું કહેવું છે કે તેમાં 300 જેટલા ફોન નંબર સ્ટોર કરી શકાય છે.

ઉપરાંત 50 'ટેક્સ્ટ્ મેસેજ' અને 50 ફોન કૉલનું રેકૉર્ડિંગ સ્ટોર થઈ શકે છે.

જો કે, Zanco હજી બજારમાં લૉન્ચ નથી થયો.

મે-2018થી ફોનનું માર્કેટિંગ

કંપની પ્રાયોગિક ધોરણે 'કિકસ્ટાર્ટર' મારફતે 'ક્રાઉડ ફડિંગ' પ્રકારની ઝુંબેશ દ્વારા ફોનની માગ જાણવાની કોશીશ કરી છે.

ત્યાર બાદ કંપની ફોનનું સત્તાવાર વેચાણ કરવા અંગે નિર્ણય લેશે.

જો બધું અપેક્ષા મુજબ રહેશે તો મે-2018થી ફોનનું માર્કેટિંગ શરૂ થઈ જશે.

ત્યાર પછી વિશ્વમાં કોઈ પણ જગ્યાએથી તે ઑનલાઇન ખરીદી શકાશે.

કંપનીનો મૂળ આઇડિયા એ છે કે આ ફોનનો 'ઇમર્જન્સી' (કટોકટી)ના સમયે ઉપયોગ થઈ શકે.

જેથી કરીને આવી પરિસ્થિતિમાં બૅટરી અંગે ચિંતા કર્યા વગર તેને વાપરી શકાય.

નાના ફોનની ટીકા

આ પ્રકારના નાના ફોન સાથે મોટાભાગે વિવાદ જોડાયેલા જ હોય છે. Zanco (ઝેન્કો) પ્રકારના અન્ય ફોન પહેલાંથી જ બજારમાં ઉપલબ્ધ છે.

પણ તેની ઘણી ટીકા કરવામાં આવી છે. નાના ફોનને મહત્ત્વ આપતા લોકો તેના કદ, બૅટરી અને કિંમત જેવા કારણો આગળ ધરીને તરફેણ કરતા હોય છે.

પરંતુ અન્ય લોકો માને છે કે આવા ફોન જેલમાં દુરુપયોગ માટે બનાવવામાં આવે છે. તે સરળતાથી સુરક્ષા પદ્ધતિમાંથી છટકી શકે છે.

કારણ કે તેમાં નહિવત્ પ્રમાણમાં ધાતુનો ઉપયોગ થાય છે.

સુરક્ષા માટે પડકાર

લંડનમાં થયેલા એક વિવાદમાં ખુદ ન્યાય વિભાગના પ્રધાનની સંડોવણી પણ આ મામલે સપાટી પર આવી હતી.

તાજેતરમાં જ ન્યાય વિભાગનો કારભાર સંભાળી રહેલા પ્રધાન ડેવિડ લિડિંગ્ટોને જણાવ્યું હતું કે, આ પ્રકારના ડિવાઇસોને ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 'સ્કેનર સાથે છેતરપિંડી કરવામાં' સક્ષમ ગણવામાં આવ્યા છે.

તેમણે કહ્યું, "એક વાત સ્પષ્ટ છે કે આ ડિવાઇસનો વેચાણનો આઇડિયા છેતરપિંડી માટે છે."

તેમણે આ પ્રકારના ડિવાઇસ વેચતી વેબસાઇટને કહ્યું કે, જો સુરક્ષાકર્મીઓ તેને 'ડિટેક્ટ' ન કરી શકતા હોય, તો તેનું વેચાણ બંધ કરી દેવામાં આવે.

જેલમાં કેદીઓ દ્વારા ઉપયોગ

અત્રે નોંધવું રહ્યું કે લંડનની જેલમાં સેલફોન પર પ્રતિબંધ છે. તેમ છતાં કેટલાક કેદીઓ ગેરકાનૂની પ્રવૃતિઓ માટે ફોન વાપરતા હોય છે.

ફોન રાખવું ઘણું સરળ હોય છે કેમ કે તેની કિંમત માત્ર 25 અમેરિકી ડોલર હોય છે. એમેઝોન અને ઈ-બે પ્રકારની વેબસાઇટ પર તે ઑનલાઇન મળી રહે છે.

જો કે બાદમાં આ વેબસાઇટે પણ તેના વેચાણ બંધ કરી દીધા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો