પાક.માં સરબજીતનાં પત્ની સાથે આવું થયું

    • લેેખક, સર્વપ્રિયા સાંગવાન
    • પદ, બીબીસી સંવાદદાતા

"મારી કિરપાણને પણ ઉતારી જૂતાં રાખવાની જગ્યાએ રાખી દેવામાં આવી હતી.

"હું ઇચ્છતી હતી કે તેને ક્યાંક ઉપર રાખું. વાદવિવાદ થયો. પરંતુ શું કરતી, મારે મારા ભાઈને મળવું હતું."

કુલભૂષણ જાધવના પરિવાર સાથે પાકિસ્તાનમાં થયેલી ગેરવર્તણૂકને જોઈને સરબજીત સિંહનાં બહેન દલજીત કૌર પોતાને થયેલા અનુભવને યાદ કરે છે.

દલજીત કૌર, સરબજીત સિંહનાં પત્ની અને બે દીકરીઓને લઈને 2008માં સરબજીતને મળવા પાકિસ્તાન પહોંચ્યાં હતાં.

તમને આ પણ વાંચવું ગમશે

શરૂઆતથી થઈ રહી છે ગેરવર્તણૂક

"અમે લાહોર પહોંચ્યાં જ હતાં અને મીડિયાના કારણે ગાડી રોકવી પડી હતી. મીડિયાકર્મીઓએ ગાડીનો કાચ પણ ખોલી નાખ્યો હતો."

"અમારું બેસવું, આવવું- જવું, બધું જ લાઇવ થઈ રહ્યું હતું. ગેરવર્તણૂક તો ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી."

સવારે આઠ કલાકથી માંડીને સાંજે પાંચ વાગ્યા સુધી રાહ જોયા બાદ જ્યારે તેઓ જેલમાં સરબજીતને મળવા પહોંચ્યાં તો જાધવના પરિવાર જેવું જ વર્તન તેમની સાથે પણ થયું હતું.

"સરબજીતને અમે મળ્યાં ત્યારે પાકિસ્તાનના ઘણા અધિકારી, પોલીસકર્મી, ISI અને બાકી ઇન્ટેલિજન્સના લોકો ત્યાં હાજર હતા."

"અમારા જૂડા ખોલાવવામાં આવ્યા હતા. બન્ને દીકરીઓની ચોટલીઓ ખોલાવવામાં આવી હતી."

"સરબજીતનાં પત્નીની બિંદી ઊતારવામાં આવી હતી. રૂમાલથી સિંદૂર પણ દૂર કરાયું હતું."

"મેં કહ્યું હતું કે અમારે ત્યાં આમ કરવું અપશુકન માનવામાં આવે છે. મારી કિરપાણને પણ ઊતારી જૂતાં રાખવાના સ્થાન પર મૂકી દેવાઈ હતી."

"હું ઇચ્છતી હતી કે તેને ક્યાંક ઊંચા સ્થાન પર મૂકું. માથાકૂટ કરી પણ અંતે મારે તેને ઊતારવી પડી. કેમ કે મારે મારા ભાઈને મળવું હતું."

ઉલ્લેખનીય છે કે શીખ ધર્મમાં કિરપાણને પવિત્ર માનવામાં આવે છે.

દલજીત કૌર જણાવે છે કે તેમણે ત્યારે પણ મનમોહન સરકારને આ વર્તન વિશે જણાવ્યું હતું.

પરંતુ કોઈએ પણ પાકિસ્તાનના આ વર્તન પર વાંધો દર્શાવ્યો નહોતો.

જાધવના પરિવારને તો બાવીસ મહિનામાં મળવાનો મોકો મળ્યો પરંતુ અમે અઢાર વર્ષ બાદ અમારા ભાઈને મળી શક્યા હતા.

પાકિસ્તાની મીડિયાએ દીકરીઓને પણ ન છોડી

"મળીને પરત ફર્યા તો મીડિયાકર્મી પૂછવા લાગ્યા કે તમે એક હત્યારાને મળીને આવ્યા છો."

"સરબજીતની નાની દીકરી પૂનમને પૂછવામાં આવ્યું કે તમારા પપ્પા આતંકવાદી છે તો સ્કૂલમાં અન્ય બાળકો તમારી સાથે કેવું વર્તન કરે છે?"

"લોકો તમને કેવી નજરે જુએ છે? પાકિસ્તાનની મીડિયાએ અમને પણ છોડ્યાં ન હતાં."

દલજીત કહે છે કે તેઓ સમજી શકે છે. પહેલાં તેમને લાગ્યું હતું કે કદાચ જાધવના પરિવાર સાથે આવું વર્તન નહીં થાય કેમ કે આ વખતે ભારતનું વિદેશ મંત્રાલય તેમની સાથે છે.

પરંતુ જાધવના પરિવાર સાથે પણ આવું વર્તન જોઈને તેઓ સમજી શકે છે કે તેમને કેવું લાગ્યું હશે.

"અમને બસ 48 મિનિટ સુધી મળવાનો સમય મળ્યો હતો જેમાંથી અડધો કલાક તો અમે માત્ર રડ્યાં હતાં."

"સરબજીતની પરિસ્થિતિ જોઈને મન પણ ગભરાઈ ગયું હતું. ફેર માત્ર એટલો હતો કે તેમની વચ્ચે કાચની દિવાલ હતી અને અમારી વચ્ચે કાળ-કોઠરીના સળીયા હતા."

"જાધવ પરિવાર પર જે વીત્યું છે તે હું સારી રીતે સમજી શકું છું. જેવી રીતે હું વિચારીને ગઈ હતી કે હું મારા ભાઈને ગળે લગાવી લઈશ, તેનું માથું ચૂમી લઈશ, તેવું જ જાધવનાં માતાએ વિચાર્યું હશે."

"મારાં ભાભીએ વિચાર્યું હતું કે તેઓ હાથ પકડીને પૂછી શકશે કે કેમ છો, તેમ જાધવનાં પત્નીએ પણ વિચાર્યું હશે."

"અંતિમ શ્વાસ સુધી આ વાત નહીં ભૂલી શકું"

દલજીત કહે છે કે પાકિસ્તાન મુલાકાતની તસવીરોને ઇરાદાપૂર્વક જાહેર કરે છે. તેવું સરબજીતના સમયે થયું ન હતું.

"ગુરુદ્વારામાં લંગર લેતી વખતે પણ અમારા પરિવારના દરેક વ્યક્તિની સાથે તેમના એક અધિકારી બેસતા હતા."

"એ સમયે તે તસવીર સામે ન આવી અને ન તો પાકિસ્તાને જાહેર કરી કેમ કે અમારો કેસ તો માત્ર પાકિસ્તાનની કોર્ટમાં હતો."

"પરંતુ જાધવના કેસમાં તો તેઓ દુનિયાને બતાવવા માગતા હતા કે જુઓ અમે એક ભારતીય આતંકવાદીને ઝડપી પાડ્યો હતો અને તેને તેમના પરિવારને મળવા પણ દીધો."

દલજીત અંતે ભાવૂક બની જાય છે અને કહે છે કે ભાઈ સાથે મુલાકાતની એક વાત વારંવાર ધ્યાનમાં આવે છે.

"જ્યારે અમે તેમને જમવાનું આપવાની ઇચ્છા કરી તો તેમણે એક કટોરાને અમારી આગળ ધરી દીધો હતો. બસ તે જોઈને મારું કાળજું ફાટી ગયું હતું. આ વાત હું અંતિમ શ્વાસ સુધી નહીં ભૂલું"

લાહોરની જેલમાં સરબજીત સિંહનું મૃત્યુ થયું હતું

સરબજીત સિંહને 1990માં લાહોર અને ફૈસલાબાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ માટે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા આપી હતી.

પાકિસ્તાનના જણાવ્યા અનુસાર 2013માં તેમના પર જેલમાં સાથી કેદીઓએ હુમલો કર્યો હતો જેના છ દિવસ બાદ 2 મે 2013ના રોજ તેમનું સારવાર દરમિયાન પાકિસ્તાનની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો