અફઘાનિસ્તાનમાં ભારતની દખલથી સ્થિતિ વકરી: પાક. પીએમ

પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીના કહેવું છે કે, અફઘાનિસ્તાનમાં ભારતની આર્મી કે સરકારની કોઈ ભૂમિકા ન હોઈ શકે.

બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂ માં અબ્બાસીએ કહ્યું, "મને લાગે છે કે, ભારતની દખલથી અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો થશે."

આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની છાપ, રાજકીય સ્થિતિ, અમેરિકા સાથે સંબંધ અને આતંકવાદી સંગઠનોને આશરો આપવાના આરોપો અંગે બીબીસીના સંવાદદાતા બાર્બરા પ્લેટે ન્યૂયોર્કમાં અબ્બાસી સાથે વાત કરી.

અમેરિકા સાથે સંબંધ નબળા પડ્યા હોવાના સવાલ અંગે પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે અમેરિકા અને તેમનો હેતુ એક જ છે - આતંકવાદ સામે લડાઈ, અફઘાનિસ્તાનમાં શાંતિ.

તેમણે કહ્યું, "મને નથી લાગતું કે સંબંધ નબળા પડ્યા છે. . અમે સંદેશ લાવ્યા છીએ કે બંને દેશોના સંબંધ સંબંધ પરસ્પર વિશ્વાસ અને સન્માન પર આધારિત હોવા જોઈએ. તેમાં જો કોઈ કચાશ હોય તો તેને દૂર કરવી જોઈએ."

ઇન્ટર્વ્યૂના અંશો

ટ્રમ્પ સરકારે 225 મિલિયન ડોલરની સૈન્ય અટકાવી છે. જેને છૂટી કરવા માટે કોઈ શરત મૂકી છે?

કોઈ શરત નથી મૂકી. વાત એવી છે કે અમારે માત્ર વાત કરવાની તથા આગળ વધવાની જરૂર છે. અમે આ મુદ્દે ચર્ચા કરતા રહીએ.

આ ફરિયાદો જૂની છે, પરંતુ રાષ્ટ્રપતિ નવા છે. તેઓ કૂટનીતિજ્ઞ નથી. તેઓ કાર્યવાહી કરી શકે છે. શું પાકિસ્તાન તેના માટે તૈયાર છે ?

આતંકવાદ સામેની લડાઈમાં અમે ભાગીદાર છીએ. અમારો હેતુ એક જ છે. આ કોઈ વિરોધાભાસી સંબંધ નથી. મને નથી લાગતું કે કોઈની સામે કાર્યવાહી કરવાની જરૂર છે.

આતંકવાદને પ્રોત્સાહન

તમે કહો છો કે પાકિસ્તાન આતંકવાદીઓને આશરો નથી આપતું. આ વાત પર કોઈ વિશ્વાસ કેમ નથી કરતું? સરકારોને એવું કેમ લાગે છે કે પ્રાદેશિક સુરક્ષાની બાબતમાં પાકિસ્તાન સમસ્યાનો ઉકેલ નહીં સમસ્યા વધુ છે.

મને લાગે છેકે આ સવાલ તમારે એમને પૂછવો જોઈએ. અમારું વલણ બિલકુલ સ્પષ્ટ છે. અમારી કામગીરી પણ સ્પષ્ટ છે. ત્યાં સક્રિય તમામ આતંકવાદીઓને આશ્રય આપવાનો અમે ઇન્કાર કરી દીધો છે.

અમારી ધરતી પર અમે તેમની સામે લડ્યા છીએ, તેમને હાંકી કાઢ્યા છે તથા હરાવ્યા છે.

પાકિસ્તાનમાંથી અફઘાનિસ્તાન પર હુમલો થઈ શકે, તેવું કોઈ આશ્રયસ્થાન બચ્યું નથી.

જૂનમાં પેન્ટાગને રિપોર્ટ આપ્યો હતો. જેમાં લખ્યું છે, "અફઘાનિસ્તાન વિરૂદ્ધ કાર્યરત આતંકવાદી સંગઠનોને પાકિસ્તાનમાં પૂર્ણ પણે સ્વતંત્રતા મળેલી છે. પાકિસ્તાનની સરકારના કેટલાક તત્વો તેમને મદદ કરે છે."

અમે આ કથનથી સહમત નથી. જો કોઈ આશ્રયસ્થાન અંગે જણાવવામાં આવશે તો અમે કાર્યવાહી કરીશું.

પરંતુ ભારતની સરખામણીએ તમારી પીછેહઠ થઈ રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં ભૂમિકા ભજવવા ભારતને કહ્યું છે. આ એવી બાબત છે, જે તમે ક્યારેય ઇચ્છતા ન હતા.

અફઘાનિસ્તાનમાં ભારતની કોઈ રાજકીય કે સૈન્ય ભૂમિકા હોઈ ન શકે. મને લાગે છે કે, ભારતની દખલથી અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવાની પ્રક્રિયામાં અવરોધ ઉભો થશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

શું તમને લાગે છે કે, અફઘાનિસ્તાનમાં વાટાઘાટો માટે તાલિબાન પર દબાણ લાવવા સૈન્ય કાર્યવાહી કરવાની રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિ કારગર સાબિત થશે?

અમને નથી લાગતું કે યુદ્ધથી અફઘાન સમસ્યાનો ઉકેલ આવશે. અફઘાનોએ જ તેનો પ્રયાસ કરવો જોઈએ. દુનિયા તેમાં માત્ર મદદ કરી શકે. અફઘાનિસ્તાનમાં યુદ્ધ એ કોઈ ઉકેલ નથી.

પરંતુ તે ત્યાં પહોંચવાનો માર્ગ હોઈ શકે છે. મતલબ કે અમેરિકનો આવી જ વ્યાખ્યા કરી રહ્યા છે.

મને લાગે છે કે છેલ્લા 15 વર્ષો પર નજર કરો અને જુઓ તો હજુ સુધી તે કારગર નથી રહી.

અમેરિકાનું કહેવું છે કે સમાધાન માટે તાલિબાનને તૈયાર કરવામાં પાકિસ્તાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. શું તમને લાગે છે કે, હજુ પણ પાકિસ્તાનનો એવો જ પ્રભાવ છે?

મને નથી લાગતું. અમને સ્થિતિનો અંદાજ છે. મને નથી લાગતું કે માત્ર પાકિસ્તાનનો જ ભારે પ્રભાવ છે. અમે માત્ર મદદ કરી શકીએ. સમાધાન માટે અમને જવાબદાર ન ઠેરવી શકાય.