આ ઝાડને દવાના આટલા બધા બાટલા કેમ ચડાવ્યા?

કોઈ માણસ બીમાર પડે તો તેની સારવાર માટે ગ્લુકોઝ ઉપરાંત અન્ય દવાઓને બોટલમાં પ્રવાહી સ્વરૂપે શરીરમાં આપવામાં આવે છે. પરંતુ જો કોઈ વૃક્ષ બીમાર પડે તો? એને ક્યારેય બાટલા ચડાવ્યા હોવાનું તમે સાંભળ્યું છે?

દક્ષિણ ભારતનાં તેલંગણામાં 700 વર્ષની ઉંમર ધરાવતા વડના એક વૃક્ષને બચાવવા માટે તેમને ખાસ પ્રકારની દવાના બોટલ ચડાવવામાં આવી રહ્યા છે.

આ બોટલ્સમાં એક વિશેશ જંતુનાશક છે, જે કીટકોને દૂર રાખવા માટે વપરાય છે. આ વૃક્ષ લગભગ ત્રણ એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને એમ માનવામાં આવે છે કે, આ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું વૃક્ષ છે.

ઉધઈથી બચાવવાની કોશિશ

આ વૃક્ષ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. આથી અધિકારીઓ તેને ઉધઈથી બચાવવાની કોશિશ કરી રહ્યા છે.

તેના મૂળીયાંને પણ પાઇપો સાથે બાંધી દેવાયાં છે, જેથી ઉધઈનો ફેલાવો અટકાવી શકાય.

સરકારી અધિકારી પાંડુરંગા રાવે બીબીસીને જણાવ્યું, "અમે ડાળીઓની આજુબાજુ સિમેન્ટ પ્લેટ લગાવવા જેવી વ્યવસ્થા કરી છે, જેથી વૃક્ષને પડી જતું બચાવી શકાય."

તેમણે વધુમાં જણાવ્યું કે, વૃક્ષને ખાતર પણ આપવામાં આવે છે.

સ્થાનિક મીડિયાને એક અન્ય કર્મચારીએ કહ્યું, "અમે વિચાર્યું કે, વૃક્ષના રોગગ્રસ્ત વિસ્તારમાં પાણીમાં મેળવેલી જંતુનાશક દવા જો ટીંપે-ટીંપે આપવામાં આવે તો તેમાં આ ડ્રીપ મદદ કરી શકે છે."

ગયા ડિસેમ્બરમાં વહિવટીતંત્રના ધ્યાનમાં આવ્યું કે વડની ડાળીઓ તૂટી રહી હતી, જેને કારણે તેમણે આ વિસ્તારમાં પ્રવાસીઓને પ્રતિબંધિત કરવામાં આવ્યા.

વન વિભાગના અધિકારીઓએ સ્થાનિક મીડિયાને કહ્યું કે, વૃક્ષને ખૂબ જ ગંભીર પ્રમાણમાં ઉધઈ લાગી ગઈ છે.

તેમણે એમ પણ કહ્યું કે, અહીં આવતા પ્રવાસીઓ વૃક્ષની ડાળીઓનો હિંચકા તરીકે ઉપયોગ કરતા હોવાથી ડાળીઓ ઝૂકી ગઈ હતી.

ભારતમાં વડનું ઝાડ ઝડપથી વધવા અને પોતાનાં મજૂબત મૂળિયાં માટે જાણીતું છે. એ એટલી ઝડપથી વધે છે કે તેમની વડવાઈઓ ડાળીઓ પરથી નીચે પડે છે, જેથી વૃક્ષને વધારાનો ટેકો મળી જાય.

(આ અહેવાલ સૌપ્રથમ 2018માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો