ગાયમાં રહેલા રોગ પ્રતિકારક શક્તિના તત્વોથી એઇડ્સની રસી તૈયાર કરી શકાય છે

અમેરિકાના સંશોધકોએ કહ્યું છે કે એચઆવી (હ્યુમન મ્યૂનોડેફિસિએંસી વાયરસ) નો સામનો કરવા માટેની રસી (વૅકસિન) બનાવવામાં ગાય ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે.

રોગ પ્રતિકારક ક્ષમતાની દ્રષ્ટિએ ગાયમાં ખાસ પ્રકારના એન્ટીબૉડીઝ (રોગ પ્રતિકારક શક્તિના તત્વો) ઉત્પન્ન થાય છે. જેના ઉપયોગથી એચઆઈવી સામે લડી શકાય છે.

એમ મનાય છે કે ગાયનું પાચનતંત્ર જટીલ અને બૅક્ટીરિયાયુક્ત હોવાથી, તેમની રોગ-પ્રતિકારક ક્ષમતા વધુ વિકસિત થયેલી જોવા મળે છે.

તમને આ વાંચવું પણ ગમશે

અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સ ઑફ હેલ્થ દ્વારા આ વિગતોને શ્રેષ્ઠ માહિતી ગણવામાં આવી છે.

એચઆઈવી એ એક ઘાતક વાઇરસ છે અને એટલી ઝડપથી તેની સ્થિતિ બદલાયા કરે છે કે તે દર્દીની રોગ-પ્રતિકારક શક્તિ પર હુમલો કરી નાખે છે. એચઆઈવી લોહીમાં ભળી ગયા બાદ તેની સ્થિતિ સતત બદલ્યા કરે છે.

આ એક એવી રસી છે જે દર્દીની રોગ પ્રતિકારક શક્તિને વિકસિત કરી શકે છે અને લોકોના સ્વાસ્થ્ય પર આ વાઇરસના ચેપના પ્રથમ તબક્કામાં તેને બચાવી શકાય છે.

ગાયનું યોગદાન

ઇન્ટરનેશનલ એઇડ્સ વૅકસીન ઇનિશ્યટિવ અને ધી સ્ક્રીપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ગાયોની રોગ પ્રતિકારક ક્ષમતાની ચકાસણી શરૂ કરી છે.

એક સંશોધક ડૉક્ટર ડેવિન સોકે બીબીસી ન્યૂઝને કહ્યું, "તેના પરિણામોથી અમને આશ્ચર્ય થયું છે."

મહત્વપૂર્ણ એન્ટિબૉડિઝ ગાયોના પ્રતિરક્ષા તંત્રમાં થોડા અઠવાડિયામાંજ બની જાય છે.

ડૉ. સોકે કહ્યું, "આ ખૂબ જ ઉત્સાહિત કરી દેનારી માહિતી છે, કારણકે માનવીઓમાં આવા એન્ટિબોડી વિકસિત થતા લગભગ ત્રણથી પાંચ વર્ષ લાગી જાય છે."

તેમણે જણાવ્યું હતું કે, "આ શોધ ખૂબ મહત્વની છે કારણ કે પહેલાં આ એટલું સરળ નહોતું લાગતું. કોને ખબર હતી કે એચઆઇવીની સારવાર માટે ગાયનું ઉપયોગી બનશે."

પડકાર

'નેચર' જર્નલમાં પ્રકાશિત પરિણામોમાં જણાવવામાં આવ્યું છે કે ગાયના એન્ટીબૉડીઝથી એચઆઈવીની અસરને ૪૨ દિવસમાં 20 ટકા સુધી ખતમ કરી શકાય છે.

પ્રયોગશાળાના થયેલા પરીક્ષણોમાં જાણવા મળ્યું હતું કે ૩૮૧ દિવસોમાં આ એન્ટિબૉડિઝ ૯૬ ટકા એચઆઇવી વાઇરસની અસરને ખાળી શક્યા હતા.

એક અન્ય સંશોધક ડૉક્ટર ડેનિસ બર્ટને કહ્યું કે આ અભ્યાસમાં મળેલી માહિતી શ્રેષ્ઠ છે. તેઓ જણાવે છે, "માનવની સરખામણીમાં પ્રાણીઓમાં રહેલા એન્ટીબૉડીઝ અદભુત છે અને એચઆઇવીને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો