એ ગામ, જેણે અમેઠીને દુનિયાભરમાં ઓળખ અપાવી

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, અમેઠીથી બીબીસી ગુજરાતી માટે

વર્ષ 1976ની વાત છે. દેશમાં જ નહીં, પણ સમગ્ર દુનિયામાં ભારતમાં લગાવવામાં આવેલી ઇમરજન્સીની ચર્ચા ચાલી રહી હતી.

આ સમયે નવેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર જિલ્લામાં આવેલું અમેઠીનું ખેરૌના ગામ અચાનક જ ચર્ચાનું વિષય બની ગયું હતું.

દેશ અને દુનિયાના સમાચારપત્રોમાં ખૈરોના ગામ હેડલાઈન બની ગયું.

અમેઠી સાથે જોડાયેલા આ ગામમાં તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી પોતાના કેટલાક યુવા સાથીઓ સાથે ત્યાં પહોંચ્યા હતા.

તેમણે પાવડો ચલાવીને રસ્તાના નિર્માણનું કામ શરૂ કર્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

તેમની સાથે સમગ્ર દેશમાંથી યુવા કોંગ્રેસના લોકો શ્રમદાન માટે અહીં આવી પહોંચ્યા હતા.

તેમની પહેલા જ મોટી સંખ્યામાં પાવડા, કુહાડી, ટોકરીઓ અને તમામ જરૂરી વસ્તુઓ અહીં મોકલી દેવાઈ હતી.

એક મહિના કરતા વધારે ચાલ્યું શ્રમદાન

શ્રમદાન એક બે દિવસ નહીં પણ એક મહિના કરતા વધારે સમય ચાલ્યું હતું. એટલું જ નહીં, શ્રમદાન માટે બહારથી આવેલા લોકો પણ અહીં જ રોકાયેલા હતા.

તેમના માટે અહીં જ ભોજન બનતું. રહેવાની સગવડ ગામના લોકોએ પોતાના ઘરોમાં કરીને રાખી હતી.

તો મનોરંજન માટે પણ કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું.

એટલે કે લગભગ દોઢ મહીના સુધી અહીં માહોલ એવો હતો જાણે કોઈ ઉત્સવ ચાલી રહ્યો છે.

તે સમયે ખેરૌના ગામના પ્રધાન રામનરેશ શુક્લ હતા.

હાલ રામનરેશ શુક્લની ઉંમર 100 વર્ષ કરતા વધારે છે પરંતુ હવે તેઓ બોલી કે સાંભળી શકતા નથી.

તેમના મોટા દિકરા રાજનેદ્ર પ્રસાદ શુક્લ એ સમયને યાદ કરતા કહે છે, "શ્રમદાનથી જ સંજય ગાંધીની રાજનીતિની શરૂઆત થઈ હતી. 3 રસ્તાઓ પર શ્રમદાન થયું હતું. ત્રણ રસ્તાઓ પર ડામર પાથરવામાં આવ્યો."

"દોઢ મહિના સુધી અહીં મેળો લાગેલો રહ્યો હતો. તમામ રાજ્યોથી લોકો આવી રહ્યા હતા અને શ્રમદાન કરી રહ્યા હતા. ડીએમ, એસપી અને તમામ મોટા નેતા અહીં ડેરો જમાવીને બેઠા હતા."

સંજય ગાંધીની રાજનૈતિક જમીન બની અમેઠી

સંજય ગાંધી પર રાજનીતિની છાયા તો ઇમરજન્સી પહેલા જ પડી ગઈ હતી પણ તેઓ રાજનીતિ સાથે જોડાયા ન હતા.

અહીંથી જ તેમના માટે રાજનૈતિક જમીન તૈયાર કરવા પ્રયાસ શરૂ કરાયા હતા અને તેમના માટે અમેઠીને સંસદીય ક્ષેત્રની પસંદગી કરાઈ હતી.

અમેઠી સંસદીય ક્ષેત્ર બન્યું તેના 10 કરતા પણ ઓછા વર્ષ થયા હતા અને આ વિસ્તારની ઓળખ માત્ર એક સંસદીય ક્ષેત્રના રૂપમાં હતી.

એટલે કે જે રીતે રાજનીતિમાં આ વિસ્તારને વીઆઈપી ક્ષેત્ર તરીકે જોવામાં આવે છે ત્યારે તેવું કંઈ જ ન હતું.

અમેઠીમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા ઉમાકાંત દ્વિવેદી એ લોકોમાંથી એક છે કે જેમણે શ્રમદાનમાં સક્રિય ભૂમિકા નિભાવી હતી.

તેઓ કહે છે, "વર્ષ 1971 સુધી અહીંથી વિદ્યાધર વાજપેયી કોંગ્રેસ પાર્ટીના સાંસદ હતા. તેઓ ઉન્નાવના હતા પણ ચૂંટણી અમેઠીથી લડતા હતા."

"તેઓ ગાંધી પરિવાર સાથે ખૂબ સારા સંબંધ ધરાવતા હતા અને જ્યારે એ વાત ચાલી કે સંજય ગાંધી રાજનીતિમાં આવી રહ્યા છે તો તેમણે એક રીતે સંજય ગાંધીને દત્તક લઈ લીધા."

"તેમણે સાર્વજનિક રૂપે એ ઘોષણા કરી કે તેઓ પોતાની સીટ સંજય ગાંધી માટે છોડી રહ્યા છે."

ચૂંટણી લડતા પહેલાવિકાસ કાર્ય

દ્વિવેદી જણાવે છે કે વર્ષ 1971ની ચૂંટણીમાં ખૈરોના ગામમાં એક જનસભા થઈ હતી. એ જનસભામાં ઇન્દિરા ગાંધી પણ હતા અને ઘણા લોકો એકત્ર થયા હતા.

જ્યારે અમેઠી સંસદીય ક્ષેત્રને સંજય ગાંધીના રાજનૈતિક જીવનની શરૂઆત તરીકે પસંદ કરવામાં આવ્યું તો સંજય ગાંધીએ પોતે અહીંથી ચૂંટણી લડતા પહેલા વિકાસ કાર્ય કરવાની શરૂઆત કરી.

તે જ ક્રમમાં તેમણે શ્રમદાન કરવાનો નિર્ણય લીધો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉક્ટર સંજય સિંહ અમેઠીના રાજપરિવાર સાથે સંબંધ ધરાવે છે.

તેઓ કહે છે, "લગભગ એક હજાર યુવા કોંગ્રેસના લોકો શ્રમદાનમાં જોડાયા હતા. રાત દિવસ અહીં જમાવડો રહેતો. હું તો ખેલાડી હતો, પરંતુ સંજય ગાંધીએ કહ્યું કે અહીં રહેવું છે."

"બસ પછી શું હતું- રમત છોડીને અમે બધા રસ્તો બનાવવા લાગ્યા. એ ત્રણેય રસ્તા આજે પણ છે."

ઉત્સવ જેવો માહોલ

સંજય સિંહ કહે છે આ ગામને શ્રમદાન માટે પસંદ કરવામાં આવ્યું હતું કેમ કે એ ગામ અમેઠી સાથે જોડાયેલું છે. તેના સિવાય બીજુ કોઈ ખાસ કારણ ન હતું.

શ્રમદાન બાદ ખેરૌના ગામમાં ત્રણ પાક્કા રસ્તા બન્યા હતા. ત્રણેય આજે પણ સારી સ્થિતિમાં છે. ગામમાં બીજા પણ સંપર્ક માર્ગ છે. સ્કૂલ તેમજ બજાર પણ છે.

પરંતુ લોકોનું કહેવું છે કે દોઢ-બે મહિનાના એ ઉત્સવધર્મી માહોલ બાદ તેમના ગામમાં એવું કંઈ નથી બન્યું જેને તે લોકો યાદ કરી શકે.

આટલું કામ થયું હોવા છતાં તેના સંબંધિત કોઈ એક પથ્થર કે નિશાન પણ ગામમાં નથી.

ગામના કેટલાક નાના બાળકોને સંજય ગાંધીનું નામ પણ યાદ નથી. જો કે થોડી ચૂંટણીઓ છોડી દઈએ તો મોટા ભાગે અહીં ગાંધી પરિવારનો જ કોઈ વ્યક્તિ સાંસદ બને છે.

રામસાગર આજે લગભગ 70 વર્ષના છે પરંતુ ત્યારે તેઓ યુવાન હતા. તે સમયને યાદ કરીને તેમની તરૂણાઈ ફરી એક વખત કુદકા મારવા લાગે છે.

તેઓ જણાવે છે, "અલગ અલગ જગ્યાએથી લોકો આવ્યા હતા. તમામ શિક્ષીત યુવતીઓ આવી હતી."

"તે પણ શ્રમદાન કરી રહી હતી. આખો દિવસ તેના માટે અમે મહેનત કરતા હતા કે સારું ભોજન તો મળશે. ગીત સંગીત પણ સાંભળવા મળશે."

ગામના એક મહિલા અમરાવતી દેવી કહે છે, "તે સમયગાળામાં મહિલાઓ ઘરમાંથી વધુ બહાર નીકળતી ન હતી. પરંતુ બહારથી આવેલી મહિલાઓ અહીં આવી અમારા લોકો માટે રસ્તા બનાવી રહી હતી."

"તો તેમને જોઈને ગામની મહિલાઓ પણ બહાર નીકળી. બધા એકબીજાને જોઈને કામ કરી રહ્યા હતા."

અમેઠીથી પહેલી ચૂંટણી હાર્યા સંજય ગાંધી

જો કે આગામી વર્ષ એટલે કે વર્ષ 1977માં લોકસભા ચૂંટણી યોજાઈ હતી.

ચૂંટણીના મેદાનમાં પહેલી વખત સંજય ગાંધીએ પગ મૂક્યો હતો. પરંતુ આ જ અમેઠી સીટ પરથી સંજય ગાંધીએ હારનો સામનો કરવો પડ્યો હતો.

જનતા પાર્ટીના રવિન્દ્ર પ્રતાપ સિંહે તેમને હાર આપી હતી. પણ વર્ષ 1980માં જ્યારે ફરી ચૂંટણીનું આયોજન થયું તો સંજય ગાંધીએ ભારે બહુમત સાથે ચૂંટણી જીતી હતી.

ઉમાકાંત દ્વિવેદી જણાવે છે, "ઇમરજન્સી અને તેમાં પણ જે નસબંધીનું અભિયાન ચાલ્યું, તેણે કોંગ્રેસ વિરૂદ્ધ લોકોમાં એક રીતે નફરતની ભાવના ઉભી કરી દીધી હતી."

"સંજય ગાંધીએ માત્ર શ્રમદાન કર્યું ન હતું, પણ જગદીશપુરને ઔદ્યોગિક ક્ષેત્ર બનાવવાની ભૂમિકા પણ ત્યારે જ બની ગઈ હતી."

"સંજય ગાંધીની ચૂંટણી લડવાની ઘોષણા પહેલા જ તેના પર કામ શરૂ થઈ ગયું હતું. પરંતુ જનતાના ગુસ્સા સામે આ કામ જાણે ક્યાંક ખોવાઈ ગયા હતા."

લગભગ 41 વર્ષ પહેલા અમેઠીને રાજનીતિમાં સ્થાન અપાવવા વાળું આ ગામ આજે પણ લગભગ એ જ સ્થિતિમાં છે. જો કે મોટાભાગના લોકોના ઘર પાક્કા બાંધકામ સાથે તૈયાર થઈ ચૂક્યા છે.

રસ્તા તો છે જ અને અમેઠી સાથે જોડાયેલા હોવાને કારણે સ્કૂલ તેમજ હૉસ્પિટલની સુવિધા પણ છે.

પરંતુ આજની યુવા પેઢીને ન તો એ શ્રમદાન વિશે કોઈ જાણકારી છે ન તો શ્રમદાન બાદ એ ગામની સ્થિતિમાં કોઈ એવો બદલાવ આવ્યો કે જેથી યુવાનો એ અનુભવી શકે કે તેમના ગામનું મહત્વ બીજા ગામની સરખામણીએ અલગ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો