You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પૈસા મળે તો શું તમે દિવ્યાંગ સાથે લગ્ન કરશો?
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી ન્યૂઝ
"મારો પરિવાર કોઈની પણ સાથે મારા લગ્ન કરાવવા તૈયાર હતો." રૂપમ કુમારી ચાલી નથી શકતી. બાળપણમાં તે પોલિયોનો શિકાર બની હતી અને ત્યારથી તે ક્યારેય ચાલી શકી નથી.
તે હાથની મદદથી જમીન પર ઘસડાઈને ચાલે છે. બિહારના નાલંદામાં રહેતો તેનો પરિવાર પૈસાના જોરે કોઈ ગરીબ પરિવારના છોકરા સાથે તેના લગ્ન કરાવવા તૈયાર હતો.
તમને આ વાંચવું પણ ગમશે :
પણ રૂપમ તેની વિરૂદ્ધ હતી. તે માને છે કે, એવા સંબંધમાં સમાનતા કે સંતુલન નથી હોતું.
તેણે મને કહ્યું, "જો પુરુષ ઠીક છે અને મહિલામાં કંઈક ખરાબી છે તો પુરુષને ચાર લોકો ઉશ્કેરી શકે છે અને તેનાથી તે મહિલાને નુકસાન પણ પહોંચાડી શકે છે. મારી શકે છે, બળાત્કાર કરીને છોડી પણ શકે છે."
તેમને લાગે છે કે એવો વ્યક્તિ પોતાની દિવ્યાંગ પત્નીને તેનો દરજ્જો નહીં આપે, બસ તેનો ફાયદો ઉઠાવવા માગશે.
ઘણા વર્ષો સુધી રાહ જોયા બાદ આખરે મે 2017માં રૂપમના લગ્ન થયા. અને તેના લગ્ન પાછળ કારણ હતું એક સરકારી યોજના.
પરિવાર પણ હતો લગ્નની વિરૂદ્ધ
રૂપમનો પતિ પણ દિવ્યાંગ છે. રાજકુમાર સિંહને પણ ચાલવામાં તકલીફ છે. જો કે તે પગને વાળીને ચાલી શકે છે.
હું આ બન્નેને તેમના ઘરમાં મળી. નાલંદાના શહેર પોરખપુરમાં થોડું ફરી તો ખબર પડી કે આ લગ્ન કેટલા અનોખા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગરીબ પરિવારમાં દિવ્યાંગ લોકોને સામાન્યપણે ભાર અથવા તો જવાબદારીના ચશ્માથી જોવામાં આવે છે.
તેમની શિક્ષા અને તેમના રોજગારને થોડુ મહત્વ મળે છે પણ લગ્નની જરૂરિયાતને તો જરા પણ સમજવામાં નથી આવતી.
રાજકુમારના પરિવારને પણ તેમના લગ્નમાં કોઈ ખાસ રસ ન હતો.
ઘણું સમજાવ્યા બાદ તેમનો પરિવાર આ ઇચ્છાને પુરી કરવા રાજી થયો હતો.
દૃષ્ટીકોણ બદલવાની જરૂર
રાજકુમારે કહ્યું, "મે મારા માતા પિતાને કહ્યું કે જ્યારે તમે અમારી સાથે નહીં રહો ત્યારે મારૂં ધ્યાન કોણ રાખશે. ભાઈ ભાભી મારું ધ્યાન નથી રાખતા. પત્ની હશે તો જમવાનું તો બનાવી આપશે."
રાજકુમાર અને રૂપમના લગ્ન અને તેમની પોતાના સાથી પાસે આશાઓ ભલે અલગ હોય, પણ પ્રેમ તો કોઈ સામાન્ય વ્યક્તિ જેવો જ હતો.
દિવ્યાંગ લોકોની જરૂરિયાત તરફ સમાજ અને પરિવારનું વલણ બદલવાના ઉદ્દેશ્યથી જ ઘણા રાજ્યની સરકારે 'ઈન્સેન્ટિવ ફૉર મેરેજ' યોજના લાગુ કરી છે.
આ યોજના અંતર્ગત દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરવા તેમને જીવન વિતાવવા માટે થોડા પૈસા આપવામાં આવે છે. બિહારમાં આ યોજના ગત વર્ષે લાગુ કરવામાં આવી હતી.
આ યોજનામાં દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરવા પર સરકાર 50 હજાર રૂપિયા આપે છે. જો યુવક અને યુવતી બન્ને દિવ્યાંગ છે પૈસા બે ગણા મળે છે એટલે કે 50 હજારને બદલે રકમ 1 લાખ મળે છે.
બસ, શરત ખાલી એટલી છે કે પૈસા લગ્નના ત્રણ વર્ષ બાદ જ આપવામાં આવે છે.
અભિયાનની કરાઈ શરૂઆત
આ યોજનાની જાણકારી લોકોમાં ઓછી છે. તેવામાં તેના વિશે લોકોને જાણકારી આપવા માટે 'વિક્લાંગ અધિકાર મંચ' જેવી NGO કામ કરી રહી છે.
'વિક્લાંગ અધિકાર મંચ' સાથે જોડાયેલા વૈષ્ણવી સ્વાવલંબન જણાવે છે કે જ્યારે તેમણે આ કામ શરૂ કર્યું તો ઘણા લોકોએ કહ્યું કે જે દિવ્યાંગો પોતાનું ધ્યાન નથી રાખી શકતા, તેમના લગ્ન કરાવીને શું મળશે ?
પરંતુ આ વાતોથી વૈષ્ણવી રોકાયા નહીં. તેઓ પોતે પણ દિવ્યાંગ છે. તેમના આધારે સરકારી યોજના ખૂબ મદદરૂપ છે. ગત બે વર્ષોમાં તેમણે બે સામૂહિક વિવાહનું આયોજન કર્યું છે અને 16 જોડીઓનાં લગ્ન કરાવ્યા છે.
સરકારી દહેજ!
તેઓ કહે છે કે સૌથી મોટો પડકાર દિવ્યાંગ લોકો સાથે સામાન્ય લોકોને લગ્ન કરવા માટે પ્રેરિત કરવાનો છે.
સરકારી યોજના છતાં હજુ પણ દિવ્યાંગ લોકો જ એક-બીજા સાથે લગ્ન કરવા માટે સામે આવી રહ્યા છે. યોજનાનો ઉદ્દેશ્ય તો મદદનો છે પણ તેની વિવેચના પણ થઈ રહી છે.
શું આ સરકાર તરફથી દેજ છે ? અને પૈસાની લાલચમાં આવીને કોઈ લગ્ન કરીને જો ભાગી જાય તો ? વૈષ્ણવી આ યોજનાને દહેજ નથી માનતા.
તેમણે કહ્યું, "લગ્નના પૈસા તેમનું મનોબળ વધારે છે કે જો તેમના પરિજનો તેમને છોડી પણ દેશે તો પણ આપણે બે-ત્રણ વર્ષમાં પોતાનું બિઝનેસ શરૂ કરી દઈશું. તેમની અંદર આત્મવિશ્વાસ વધી રહ્યો છે."
પણ મારા મનમાં ઘણી વખત શંકા ઘર બનાવી જાય છે. જો કોઈ સંબંધનો પાયો પૈસાના વાયદા પર રાખવામાં આવશે તો તે કેટલો મજબૂત હશે.
રાજકુમાર અને રૂપમને આ યોજનાએ આર્થિક રૂપે સ્વતંત્ર થવાનો ભરોસો તો આપ્યો છે પણ શું ખરેખર આ મદદ એક ખુશહાલ જીવનનું ઉદાહરણ પુરૂ પાડી શકશે ?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો