ગુજરાતના રાજસમઢીયાળામાં 30 વર્ષથી સ્વયંભૂ ફટાકડાનો નિષેધ

ભારતની સર્વોચ્ચ અદાલતે દિલ્હી શહેરમાં પ્રદૂષણને ધ્યાનમાં લઇને ફટાકડાનાંવેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. પણ તમને ખબર છે ગુજરાતમાં એક એવું ગામ પણ છે, જ્યાં છેલ્લાં 30 વર્ષથી ફટાકડા નથી ફૂ્ટ્યા.

રાજકોટ જિલ્લાને છેડે આવેલા રાજસમઢીયાળા ગામમાં છેલ્લા ૩૦વર્ષથી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. જો કોઈ ફટાકડા ફોડે તો તેને દંડ થાય છે.

ગામના લોકોએ સ્વયંભૂ રીતે આ નિર્ણય લીધો છે.

તમને આ વાંચવું પણ ગમશે :

આ ગામમાં છેલ્લાં 20 વર્ષથી તો ફટાકડાનું વેચાણ પણ બંધ થઈ ગયું છે.

નિર્ણયનો અમલ કેવી રીતે?

ગ્રામ પંચાયતની વિકાસ સમિતિના ચેરમેન હરદેવસિંહ જાડેજાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમારા ગામને અમે સારા સામાજિક પ્રયોગોની એક પ્રયોગશાળા માનીએ છીએ.”

તેમણે કહ્યું, “ગ્રામ પંચાયતની વિકાસ સમિતિએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધનો નિર્ણય સુરક્ષા, નાણાં અને પ્રદૂષણને ધ્યાનમાં રાખીને કરેલો છે."

હરદેવસિંહ ઉમેરે છે કે રાજ-સમઢીયાળાની વસ્તી 1,747 લોકોની છે. અહીં મોટા ભાગે ખેડૂતો છે એટલે આ નિર્ણયનું અમલીકરણ શક્ય બન્યું છે.

પાક માટે ફટાકડા નુકસાનકારક

રાજસમઢીયાળાના રહેવાસી જીતરાજસિંહ જાડેજા કહે છે કે ખેડૂતોનો પાક ખાસ કરીને મગફળી અને કપાસનો પાક ખુલ્લો ખેતરમાં પડ્યો હોય છે.

ફટાકડાનો એક પણ તણખો કે તિખારો જો આ ખેતી કરેલા પાકના ગંજ પર પડે તો આખો પાક બળી શકે છે.

ઉપરાંત ખેતરમાં પડેલો સૂકો કચરો પણ સળગી શકે છે. ખેતરને પણ નુકસાન જવાની સંભાવનાઓ રહેલી છે, તેથી આ નિર્ણય ગ્રામ્યજનોએ આવકાર્યો છે.

હરદેવસિંહ ઉમેરે છે કે ભૂતકાળમાં ફટાકડા ફોડવાથી થયેલી દુર્ઘટનાઓ અને બહુજન સમુદાયની સુરક્ષાને ધ્યાનમાં લઈ ને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ફટાકડા ફોડવાથી થતો ધુમાડો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને વાતાવરણમાં પ્રદૂષણ પણ કરે છે.

ફટાકડા ફૂટયા બાદ જે કચરો ભેગો થાય છે તે પણ રાજસમઢીયાળાની ચોખ્ખા ગામની છાપ બગાડે છે એટલે આ નિર્ણય અમે સ્વીકાર્યો છે.

નિર્ણયનો અમલ અને દંડ

રાજસમઢીયાળા ગામમાં ફટાકડા ફોડવાના બદલ 51 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.

લગ્ન પ્રસંગે ફટાકડા ફોડવા હોય તો પણ દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.

હરદેવસિંહે ઉમેર્યું, "માત્ર દિવાળીના ત્રણ દિવસો એટલે ધન-તેરસ, કાળી ચૌદસ, દિવાળી અને નૂતનવર્ષની વહેલી સવાર સુધી જ ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવે છે.”

તેમણે કહ્યું,“એ છૂટ દરમિયાન પણ રોકેટ જેવા ફટાકડા ફોડવાની મનાઈ છે."

તેમણે વધુમાં કહ્યું, “હાલમાં વાઘબારસને દિવસે ગામમાં કોઈ મેહમાન આવ્યા હતા. તેમણે એક ફટાકડો ફોડ્યો હતો એટલે તેઓ જેમના ઘરે આવ્યાં હતાં તેમની પાસેથી તરત જ 51 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.”

નિર્ણયનો કોઈ વિરોધ કે વિપરીત અસરો

વર્ષ 1983થી આ નિર્ણય અમલમાં છે, શરૂઆતના વર્ષોમાં દર દિવાળીએ અંદાજે પાંચ હજાર રૂપિયા જેવી રકમ દંડરૂપે ભેગી થતી હતી.

હરદેવસિંહે કહ્યું, "છેલ્લા પાંચ વર્ષોથી કોઈ પણ પ્રકારની રકમ આ દંડની જોગવાઈ રૂપે ભેગી કરવામાં નથી આવી, એટલે નિર્ણયનો કોઈ વિરોધ થયો નથી."

તેમણે ઉમેર્યું, “દંડની જમા થયેલી રકમ ગામનાં વિકાસ કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવે છે . અમારું માનવું છે કે સમાજના હિતમાં લેવાયેલા નિર્ણયો જો હકારાત્મક હોય તો મોટાભાગે વિરોધ થવાને બદલે તેમનો સ્વીકાર થાય છે.”

જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી ફટાકડા ફોડવા ઇચ્છતાં બાળકોનાં વાલીઓ તરફથી રજૂઆતો આવી હતી.

મોટાભાગના વાલીઓ દિવાળીના પર્વમાં ફટાકડા ફોડવાના હેતુથી નજીકના શહેરમાં ચાલ્યા જતા હતા અને ઘેર તાળા મારવા પડતા હતા.

રાજસમઢીયાળાનાં તલાટી-કમ-મંત્રી અંજુબેન શર્મા જણાવે છે, "તહેવારોને ધ્યાનમાં લઇને ગામના ઘરોને તાળા મારવા પડે, એને બદલે ગ્રામ વિકાસ સમિતિએ દિવાળીના તહેવારોના દિવસોને ધ્યાનમાં લઇને ફટાકડા ફોડવા માટે ત્રણ દિવસની છૂટછાટ આપવાનો નિર્ણય લીધો."

નિર્ણયથી વેપાર પર અસર

આ નિર્ણયથી નાના ગામમાં ફટાકડાનો વેપાર કરનારા વેપારીઓના ગલ્લાં પર શું અસર થઈ છે?

આ પ્રશ્નના જવાબમાં રાજસમઢીયાળા ગામમાં એકમાત્ર ફટાકડાનો વેપાર કરનારા જીતેશભાઈ ભટ્ટ કહે છે, "છેલ્લાં 20 વર્ષથી મેં ફટાકડા વેચવાનું બંધ કરી દીધું છે. ફટાકડા ન વેચવાથી મારા વ્યાપાર પર કોઈ અસર નથી થઈ.”

તેમણે ઉમેર્યું, “જ્યારે આજે આ વાત ગામલોકોના જીવન સાથે વણાઈ ગઈ છે, ત્યારે કોઈ ફટાકડાની માંગ પણ નથી કરતું."

રાજસમઢિયાળા ગામમાં પાંચેક દુકાનો છે જે જીવન-જરૂરિયાતની ચીજો, પાન, ચા, ઠંડાપીણા વગેરેનો વેપાર કરે છે. જીતેશભાઈ ભટ્ટ ફટાકડાનો વ્યાપાર ૨૦ વર્ષ પહેલા કરતા હતા.

રાજસમઢીયાળા ઉપરાંત ભારતના તામિલનાડુ રાજ્યના ઇરોડ જિલ્લામાં આવેલા આઠ ગામડાંમાં પણ આજુબાજુના વિસ્તારોમાં પક્ષી-અભ્યારણ્યને ધ્યાનમાં લઇને ફટાકડા ન ફોડવાનો સ્વયંભૂ નિર્ણય ગ્રામજનોએ લીધેલો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો