કોણ છે એ અંબાણી જેમની PNB કૌભાંડમાં ધરપકડ થઈ ગઈ?

પંજાબ નેશનલ બૅન્કમાં થયેલા 11 હજાર કરોડ રૂપિયાના કૌભાંડની તપાસે પગ પેસારો શરૂ કરી દીધો છે. અને તેમાં ઘણાં અગ્રણી નામ સામે આવી રહ્યા છે.

આ મામલાની તપાસ કરતી કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ નીરવ મોદી અને મેહુલ ચોક્સીની કંપનીઓ સાથે જોડાયેલા પાંચ ઉચ્ચ અધિકારીઓની ધરપકડ કરી છે.

તેમાં ફાયરસ્ટાર ઇન્ટરનેશનલનાં કવિતા મનકિકર અને નક્ષત્ર- ગીતાંજલિ ગ્રૂપના ચીફ ફાઇનાન્શિયલ ઑફિસર સામેલ છે.

મુકેશ અંબાણી સાથે સંબંધ

પરંતુ જે નામની ચર્ચા વધારે થઈ રહી છે તે છે ફાયરસ્ટાર ઇન્ટરનેશનલના ચીફ ફાઇનાન્સિઅલ ઓફિસર વિપુલ અંબાણી. તેમની અટકના કારણે તેમનું નામ વધારે રસપ્રદ બન્યું છે.

વિપુલ અંબાણી ખરેખર મુકેશ અંબાણીના પિતરાઈ ભાઈ છે. તેઓ ધીરુભાઈ અંબાણીના નાના ભાઈ નટુભાઈ અંબાણીના દીકરા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની માહિતી અનુસાર તેઓ વર્ષ 2014થી ફાયરસ્ટારનું નાણાંકીય કામકાજ જોઈ રહ્યા છે.

સ્પષ્ટ છે કે નીરવ મોદીની ફ્લેગશીપ કંપનીના આટલા ઉચ્ચ હોદ્દા પર બેઠેલા હોવાને કારણે આ વાતની આશંકા ખૂબ વધી જાય છે કે તેમની પાસે આ મામલે ઘણી માહિતી હશે.

જે અન્ય લોકોની ધરપકડ થઈ છે તેમાં ફાયરસ્ટારના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ અર્જુન પાટિલ અને ગીતાંજલિ ગ્રુપના મેનેજર નિતેન શાહી સામેલ છે.

આ પાંચ લોકોની સીબીઆઈએ મંગળવારના રોજ સઘન પૂછપરછ કરી હતી એ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

બ્લૂમબર્ગની માહિતી અનુસાર વિપુલ અંબાણીએ પોતાની કારકિર્દીની શરૂઆત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં તેમના પ્રોજેક્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરીંગ ગ્રુપ સાથે કરી હતી.

બિઝનેસ ક્ષેત્રે વ્યાપક અનુભવ

આ સાથે સાથે તેમણે ટેક્નો-ઇકોનોમિક ફિઝીબિલિટી ઇવેલ્યૂશન માટે કમ્પ્યૂટરીકૃત મૉડલ તૈયાર કર્યું હતું. તે ખાસ પૉલીપ્રૉપિલીન પ્રોજેક્ટ માટે હતું.

તેમની પાસે યુનિવર્સિટી ઑફ મેસેચ્યુસેટ્સથી કેમિકલ એન્જિનિયરીંગમાં ડિગ્રી છે.

શિક્ષણ બાદ તેઓ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા અને ત્યારબાદ થોડાં વર્ષો બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાયરેક્ટરના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ રહ્યા અને ત્યારબાદ વર્ષ 1993 સુધી અલગ અલગ ગ્રુપમાં ઉચ્ચ હોદ્દા પર કામ કર્યું.

તેમને ટાવર કેપિટલ અને સિક્યોરિટીઝના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા અને તેઓ વર્ષ 2009 સુધી આ પદ પર રહ્યા.

ત્યારબાદ તેમણે કૈરોક્સ ટેકનૉલૉજીમાં પદ સંભાળ્યું.

ટાવર કેપિટલમાં પદ સંભાળવા દરમિયાન તેમણે કથિત રૂપે હોલસેલ ડેબ્ટ માર્કેટના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તેમણે રિસર્ચ આધારિત ડેબ્ટ ઇન્ટરમીડિએશન ડિવિઝન બનાવ્યું, જેમાં યોગ્ય સિસ્ટમ અને પ્રક્રિયાઓ હતી અને આજે તે ભારતની ત્રણ શીર્ષ ઇન્ટરમીડિઅરીઝમાં સામેલ છે.

કૉર્પોરેટ મામલાના મંત્રાલયના આધારે ત્યારબાદ તેઓ વર્ષ 2012માં કોંટેંગો ટ્રેડિંગ એન્ડ કોમોડિટી નામની કંપનીમાં જતા રહ્યા.

તેના બે વર્ષ બાદ તેમણે નીરવ મોદી સાથે હાથ મિલાવ્યો અને ફાયરસ્ટારનું કામકાજ જોવા લાગ્યા.

ફાયરસ્ટારની વેબસાઇટના આધારે આ કંપની અમેરિકા, યૂરોપ, મિડલ ઇસ્ટ, સુદૂર પૂર્વ અને ભારતમાં વ્યવસાય કરે છે અને તેમની સાથે 1200 કરતા વધારે પ્રશિક્ષિત પ્રોફેશનલ જોડાયેલા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો