You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીર : બિલ પાસ થયા બાદ મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાની ધરપકડ કરાઈ
રાષ્ટ્રપતિના આદેશની સાથે જ હવે કલમ 370 હેઠળ કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો ખતમ કરી દેવાયો છે અને બિલ પસાર થયા બાદ મહેબૂબા મુફ્તીની ધરપકડ કરાઈ છે.
આ સાથે જ જમ્મુ-કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો પણ હટી ગયો છે અને જમ્મુ-કાશ્મીર પાસે હવે રાજ્યનો દરજ્જો પણ રહ્યો નથી.
જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. તેમાંથી લદાખને અલગ કરી દેવામાં આવ્યું છે અને જમ્મુ-કાશ્મીરને એક સાથે રાખવામાં આવ્યાં છે.
જોકે, હવે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. સાથે જ લદાખને પણ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે પરંતુ લદાખમાં વિધાનસભા નહીં હોય.
ભારત ખતરનાક રમત રમી રહ્યું છે : પાકિસ્તાન
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ પાકિસ્તાનની એક સમાચાર ચૅનલ દુનિયા ન્યૂઝને કહ્યું કે ભારત એક ખતરનાક રમત રમી રહ્યું છે જે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે ગંભીર પરિણામ લાવશે.
તેમણે કહ્યું, પાકિસ્તાનના વડા પ્રધાન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે આ બાબતે સમાધાન શોધવામાં મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ ભારતે આજે આ મુદ્દાને વધારે ગૂંચવી નાખ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના કહેવા મુજબ પાકિસ્તાન આ મુશ્કેલ સમયમાં કાશ્મીરી ભાઈઓ સાથે ઊભું છે અને તેમને ક્યારેય એકલા નહીં છોડી દે. અમે રાજનીતિક અને કૂટનીતિક રીતે કાશ્મીરીઓને સમર્થન આપતા રહીશું. હું આંતરરાષ્ટ્રીય મુસ્લિમ સમુદાયને ભારતની નિંદા કરવા માટે કહીશ.
20:12 મહેબૂબા મુફ્તીની ધરપકડ
બિલ પાસ થયા બાદ મહેબૂબા મુફ્તીની ધરપકડ કરાઈ છે અને તેમને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે.
19:18 સુષમા સ્વરાજે આપ્યાં અભિનંદન
પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજે ગૃહમંત્રી અમિત શાહને રાજ્યસભામાં તેમના ભાષણ બદલ અભિનંદન આપ્યાં હતાં.
18:53 જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ રાજ્યસભામાં પાસ
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું છે.
બિલના પક્ષમાં 125 વોટ હતા અને વિરોધમાં 61 વોટ હતા.
18:50જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર મતદાન
રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર મતદાન ચાલી રહ્યું છે. તકનીકી ખામીના કારણે મશીનના બદલે ચિઠ્ઠીથી મતદાન કરાઈ રહ્યું છે.
18:40આરક્ષણ બિલ રાજ્યસભામાં પાસ
રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર આરક્ષણ (બીજું સંશોધન) બિલ 2019 પાસ થઈ ગયું.
જમ્મુ-કાશ્મીરમાં આર્થિક દૃષ્ટિએ પછાત લોકોને દસ ટકા આરક્ષણ આપવા અંગેનું આ બિલ છે.
18:32અમિત શાહે માગ્યું સમર્થન
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "આપણે સૌએ વોટ બૅન્કથી ઉપર ઊઠી જવું જોઈએ, આ ગૃહે એકસાથે મળીને સમર્થન કરવું જોઈએ."
"અમારી સાથે નહીં રહેતી પાર્ટીઓ પણ આજે અમારું સમર્થન કરી રહી છે."
18:18 'સરદાર પટેલની કોઈ ભૂમિકા નથી'
અમિત શાહે કહ્યું, "સરદાર પટેલે જમ્મુ-કાશ્મીર માટે ડીલ નહોતી કરી. તેમણે જૂનાગઢ માટે ડીલ કરી હતી, જે આજે પણ 370 વગર ભારતમાં છે."
"જમ્મુ-કાશ્મીરની ડીલ નહેરુએ કરી હતી, સરદાર પટેલનો એમાં કોઈ હાથ નથી."
18:06 આર્ટિકલ 370થી કાશ્મીરને કોઈ ફાયદો નથી : અમિત શાહ
અમિત શાહે કહ્યું, "પ્રવાસનની તકોને સીમિત કરવાનું કામ 370એ કર્યું છે. મોટી-મોટી કંપનીને ત્યાં જવું છે અને કંપનીઓ જશે તો ત્યાંના લોકોને રોજગારી મળશે."
17:58અમે ધર્મની રાજનીતિ નથી કરતા : અમિત શાહ
અમિત શાહે કહ્યું, "કહેવાય છે કે અમે વોટ બૅન્કની રાજનીતિ કરીએ છીએ. ખાડીમાં શું માત્ર મુસલમાન રહે છે? અમે ધર્મની રાજનીતિ નથી કરતા."
17:46'આર્ટિકલ 370 મહિલાવિરોધી અને દલિતવિરોધી'
રાજ્યસભામાં થઈ રહેલી ચર્ચામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આર્ટિકલ 370થી ખાડીના લોકોનું નુકસાન થયું છે.
"જમ્મુ-કાશ્મીરનો વિકાસ ન થયો એની માટે પણ આ આર્ટિકલ જવાબદાર છે. આર્ટિકલ 370 મહિલાવિરોધી અને દલિતવિરોધી છે."
તેમણ કહ્યું, "370 અને 35એના કારણે ભ્રષ્ટાચાર વધ્યો અને ગરીબી પણ વધી છે. જમ્મુ કાશ્મીરની જનતા લોકશાહી ઇચ્છે છે."
17:36 કાશ્મીરમાં હવે શું થશે?
17:30કાશ્મીરના લોકો ભાગલાવાદીઓ સાથે નથી : પ્રકાશ જાવડેકર
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે કાશ્મીરની જનતા ભાગલાવાવાદીઓ સાથે નથી, જનતા વિકાસ ઇચ્છે છે.
તેમણે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કહ્યું, "ભાદલાવાદીઓની ધરપકડ કરી. તેમની સિક્યૉરિટી ઘટાડી તો એના વિરોધમાં ક્યાં કોઈ આંદોલન, પ્રદર્શન થયાં, નથી થયાં."
"કેમ કે કાશ્મીરની જનતા ભાગલવાદીઓ સાથે નથી. કાશ્મીરની પ્રજા હંમેશાં સારી કેળવણી, શાંતિ અને વિકાસ ઇચ્છે છે."
17:20 પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં વિરોધ
17:03 મહેબૂબા મુફ્તીએ શું કહ્યું?
જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે ભારતે જે જીનને બૉટલમાંથી બહાર કાઢી દીધો છે, એને ફરીથી બૉટલમાં નાખવો બહુ મુશ્કેલ છે.
16:52દેશ 70 વર્ષથી રાહ જોતો હતો : નિર્મલા સીતારમણ
આર્ટિકલ 370ને હટાવવા અંગે રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ સંબોધન કર્યું હતું.
તેમણે કહ્યું કે છેલ્લાં 70 વર્ષોથી દેશ આ નિર્ણયની રાહ જોઈ રહ્યો હતો.
16:44 કાશ્મીરી પંડિતો ખુશ કે નાખુશ?
16:25સરકારનું સાહસિક પગલું : અડવાણી
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કલમ 370 રદ કરવાના નિર્ણયને સાહસિક પગલું ગણાવ્યું છે.
અડવાણીએ એક નિવેદનમાં કહ્યું, "આર્ટિકલ 370 હટાવવાના સરકારના નિર્ણયથી હું ખુશ છું. હું માનું છું કે દેશની અખંડતાને મજબૂત કરવાની દિશામાં આ સાહસિક પગલું છે."
તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પાઠવ્યાં હતાં.
અડવાણીએ કહ્યું છે કે તેઓ જમ્મુ, કાશ્મીર અને લદ્દાખની શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરે છે.
16:16NCP મતદાનમાં ભાગ નહીં લે : સાંસદ વંદના
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)નાં રાજ્યસભા સાંસદ વંદનાએ કહ્યું છે કે તેમનો પક્ષ આ બિલ પર થાનારા મતદાનમાં ભાગ લેશે નહીં
16:08 ઇતિહાસ તમને ખોટા સાબિત કરશે : ચિદમ્બરમ
કૉંગ્રેસના નેતા પી ચિદમ્બરમે રાજ્યસભામાં કહ્યું, "ક્ષણ માટે તમે એવું વિચારી શકો છો કે તમે જીત હાંસલ કરી લીધી. પણ તમે ખોટા છો અને ઇતિહાસ તમને ખોટા સાબિત કરશે. આવનારી પેઢી અનુભવશે કે આ સદન આજે કેટલી મોટી ભૂલ કરે છે."
16:01 દરેક કાશ્મીરીઓએ ભારતના આ પગલાને ખારિજ કર્યું
પાકિસ્તાનના વિદેશમંત્રીએ આગળ કહ્યું, "ભારતે આ મામલાને વિવાદ તરીકે માન્યતા આપી છે."
"દરેક કાશ્મીરીએ આ પગલાને સંપૂર્ણ રીતે ખારિજ કર્યું છે. દરેક રાજકીય વિચારધારાઓએ તેને ખારિજ કર્યું છે. કહેવાતા ઉદારવાદીઓએ પણ તેને ખારિજ કર્યું છે."
15:56 જમ્મુ-કાશ્મીરમાં હવે શું બદલાશે?
15:51 કાશ્મીર આંતરરાષ્ટ્રીય વિવાદ
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ બીબીસી ઉર્દૂને જણાવ્યું, "પાકિસ્તાન આને ખારિજ કરે છે. કાશ્મીરને આંતરરાષ્ટ્રીય વિવાદ તરીકે માન્યતા મળેલી છે. આ અંગે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના ઘણા પ્રસ્તાવ છે. "
15:34 અજિત ડોભાલ કાશ્મીર જશે
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જશે. રાજ્યની સુરક્ષાની સ્થિતિ અંગે તેઓ નિરીક્ષણ કરશે.
15:26 રાજકોટમાં ઉજવણી
રાજપૂત કરણી સેનાના રાજકોટ એકમ દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈનું વિતરણ કરીને સરકારના નિર્ણયને આવકાર્યો હતો.
15:20 દિલ્હીના કાશ્મીરી પંડિતો શું કહે છે?
15:00 'બંધારણ માટે કાળો દિવસ'
રાજ્યસભામાં ઓલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ દેરેકે ઓબ્રાઇને સંબોધન કરતા કહ્યું હતું કે આજનો દિવસ બંધારણ માટે કાળો દિવસ છે.
14:50 કાયદાથી નહીં, દિલથી એકીકરણ થાય છે - ગુલાબ નબી આઝાદ
રાજ્યસભામાં કૉંગ્રેસના નેતા ગુલાબ નબી આઝાદ સંબોધન કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે કાયદાથી એકીકરણ થઈ શકતું જ નથી, એકીકરણ દિલથી થાય છે. લોકોને દિલથી એક કરવા પડે છે.
14:30 શું છેકલમ 144?
14:20 સરકારના નિર્ણયનું સમર્થન કરનારા પક્ષો
14:10 RSSએ ગણાવ્યું સાહસિક પગલું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મોદી સરકારના આ નિર્ણયને સાહસિક પગલું ગણાવ્યું છે.
RSSએ કહ્યું, "સરકારના સાહસપૂર્ણ પગલાનું અમે સ્વાગત કરીએ છીએ."
"જમ્મુ-કાશ્મીર સહિત દેશના હિત માટે આ બહુ આવશ્યક હતું. તમામે પોતાના સ્વાર્થ અને રાજકીય ભેદોથી ઉપર ઊઠીને આ પહેલનું સ્વાગત કરવું જોઈએ."
13:28 કેજરીવાલનો મોદી સરકારને ટેકો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જમ્મુ કાશ્મીર પર ભારત સરકારના નિર્ણયને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું છે કે એવી આશા રાખીએ કે આ નિર્ણય રાજ્યમાં શાંતિ અને વિકાસ લાવશે.
13:00 ખતરનાક પરિણામો આવશે : ઓમર અબ્દુલ્લા
જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા એક નિવેદનમાં કહ્યું છે કે ભારત સરકારનો એકતરફી અને ચોંકાવનારો નિર્ણય કાશ્મીરના લોકોના એ વિશ્વાસનો ભંગ છે જે 1947માં ભારત સાથે જોડાતી વખતે તેમણે ભારત પર મૂક્યો હતો.
તેમણે કહ્યું, આ નિર્ણયનાં બહુ દૂરગામી અને ખતરનાક પરિણામ હશે. આ કાશ્મીરના લોકો સામે આક્રમકતા ભરેલું પગલું છે જેના વિશે રવિવારે રાજ્યની બધી પાર્ટીઓએ ચેતવણી આપી હતી.
તેમણે કહ્યું છે કે ભારત સરકાર અને જમ્મુ-કાશ્મીરમાં તેમના પ્રતિનિધિઓ ખોટું બોલ્યા કે કોઈ મોટો નિર્ણય લેવામાં નથી આવી રહ્યો. સંપૂર્ણ રાજ્ય, ખાસ કરીને કાશ્મીર ખીણને સૈન્ય છાવણીમાં બદલી નાખ્યા પછી આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.
12:50 વધુ 8,000 જવાનોને કાશ્મીર મોકલાયા
ANIના અહેવાલ મુજબ ઓડિશા, આસામ અને ઉત્તર પ્રદેશથી આશરે 8000 પૅરામિલિટરી જવાનો ખસેડીને કાશ્મીર મોકલવામાં આવ્યા છે.
12:41 કલમ 370 શું છે જેને નાબૂદ કરાઈ?
12:40 સુષમા સ્વરાજે સ્વાગત કર્યું
પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજે કહ્યું કે આ ખૂબ જ સાહસિક અને ઐતિહાસિક નિર્ણય છે, શ્રેષ્ઠ ભારત-એક ભારતને અભિનંદન.
12:35 પીડીપીના સાંસદોએ રાજ્યસભામાં બંધારણ ફાડ્યું
ANI મુજબ પીડીપીના રાજ્યસભાના સાંસદો અહેમદ લાવે અને એમ. એમ. ફયાઝે રાજ્યસભામાં સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે બંધારણ ફાડવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તેમને રાજ્યસભામાંથી બહાર કરવામાં આવ્યા હતા.
12:30 જમ્મુ-કાશ્મીરની સ્વાયત્તતા ખતમ
કલમ 370 હટવાને કારણે જમ્મુ-કાશ્મીરનું પોતાનું બંધારણ ખતમ થઈ ગયું છે. આ કલમ અંતર્ગત જમ્મુ-કાશ્મીરને સુરક્ષા અને વિદેશ મામલાઓને છોડીને તમામ નિર્ણયો લેવાનો અધિકાર હતો.
બંધારણમાંથી આ હિસ્સો હટવાને કારણે કાશ્મીરને મળેલો વિશેષ દરજ્જો ખતમ થઈ ગયો છે.
1947માં સ્વાયત્તતાના આધાર પર જ કાશ્મીરને ભારત સાથે લાવવામાં આવ્યું હતું.
12:24 અમિત શાહે 370 કલમ ખતમ થવાની જાહેરાત સાથે શું કહ્યું?
12:02 ભારતીય લોકશાહી માટે કાળો દિવસ : મહેબૂબા મુફ્તી
પીડીપીનાં પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ મોદી સરકારના નિર્ણયને ભારતીય લોકતંત્રનો સૌથી કાળો દિવસ ગણાવ્યો હતો.
તેમણે ટ્વીટ કર્યું, "ભારત સરકારનો કલમ 370 હટાવવાનો નિર્ણય ગેરકાનૂની છે અને ગેરબંધારણીય છે. આનાથી જમ્મુ-કાશ્મીરમાં ભારતની હાજરી એક કબ્જા કરવાવાળી સેનાની થઈ ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે 1947માં ભાગલા વખતે જમ્મુ-કાશ્મીરના નેતૃત્વએ બે રાષ્ટ્રોના સિંદ્ધાંતને નકારતાં ભારત સાથે આવવાનો જે નિર્ણય કર્યો હતો તેની આજે ઉલટી અસર થઈ છે."
11:58ગુલામનબી આઝાદે આ પગલાંને બંધારણની હત્યા ગણાવ્યું
સરકારના આ નિર્ણયનો કૉંગ્રેસ વિરોધ કરી રહી છે. રાજ્યસભામાં કૉંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે ભાજપે કલમ 370 હટાવીને બંધારણની હત્યા કરી છે. જ્યારે અમિત શાહે કહ્યું કે આ ઐતિહાસિક છે.
11:40જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર
હવે જમ્મુ-કાશ્મીર અલગ રાજ્ય રહેશે નહીં. જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં વિધાનસભા હશે.
આ સાથે જ લદ્દાખને અલગ કરવામાં આવ્યું છે, તેને પણ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ તેમાં વિધાનસભા નહીં હોય.
11:20અમિત શાહે કલમ 370 હટાવવાની ભલામણ કરી
રાજ્યસભામાં ભારે હંગામા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હેઠળ કાશ્મીરને મળેલો વિશેષ દરજ્જો હટાવવાની માગ કરી છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 પર વિચાર કરવામાં આવે.
જોરદાર હંગામાને કારણે રાજ્યસભા થોડી વાર માટે સ્થગિત કરવી પડી હતી.
11:10 રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ શરૂ
રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ શરૂ, આ સાથે જ કૉંગ્રેસ અને વિપક્ષોએ રાજ્યસભામાં હોબાળો શરૂ કર્યો છે.
11:00 રાજ્યસભાની કાર્યવાહી શર, શાહ પર નજર
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, સૌની નજર હાલ અમિત શાહ પર છે. શું તેઓ કાશ્મીર મામલે કોઈ જાહેરાત કરશે?
10:55 કૉંગ્રેસની બેઠક
કૉંગ્રેસે તેમના સાંસદો સાથે જમ્મુ-કાશ્મીરમાં ઊભી થયેલી પરિસ્થિતિ અંગે બેઠક કરી હતી.
ભાજપ કહે છે કે તે આર્ટિકલ 35A અને કલમ 370ની વિરુદ્ધ છે. હવે મોદી સરકાર કાશ્મીર મામલે કોઈ નિર્ણય લેવાની છે, ત્યારે સૌની નજર તેના પર ટકી છે.
લોકો વિચારી રહ્યા છે કે શું સરકાર તેને ખતમ કરીને તેમાં બદલાવ કરવા જઈ રહી છે?
10:36 અમિત શાહ સંસદ પહોંચ્યા
વડા પ્રધાનના નિવાસસ્થાને મળેલી કૅબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ સંસદ પહોંચ્યા છે. તેઓ રાજ્યસભામાં 11 વાગ્યે અને લોકસભામાં 12 વાગ્યે બોલશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર કાશ્મીર પર મહત્ત્વનો નિર્ણય લઈ શકે છે. અંદાજ લગાવવાનું બજાર ગરમ છે, કેટલાક લોકો કહી રહ્યા છે કે સરકાર કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી શકે છે.
10:25 જમ્મુમાં સુરક્ષા સઘન
શ્રીનગરની સાથે સાથે જમ્મુમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનિય ઘટના ના બને.
10:14 કૅબિનેટ બેઠક ખતમ
વડા પ્રધાન નિવાસસ્થાને મળેલી કૅબિનેટની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બેઠકમાં સામેલ તમામ મંત્રીઓ હાલ વડા પ્રધાન નિવાસસ્થાનેથી નીકળી રહ્યા છે.
9:42કૅબિનેટની બેઠક શરૂ
થોડી વારમાં વડા પ્રધાનના નિવાસસ્થાને કૅબિનેટની બેઠક શરૂ થઈ ગઈ છે.
કૅબિનેટની બેઠક પહેલાં કૅબિનેટ કમિટી ઑફ સિક્યૉરિટીની બેઠક મળી હતી.
આ બેઠકમાં વડા પ્રધાન સહિત, નાણામંત્રી નિર્મલા સીતારમણ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ સામેલ હતાં. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સામેલ હતા.
9:15પાકિસ્તાને બોલાવી બેઠક
ભારતમાં કાશ્મીર મામલે ચાલી રહેલી હલચલના પડઘા પાકિસ્તાનમાં પડ્યા છે.
પાકિસ્તાને આ મામલે આજે ઇસ્લામાબાદમાં બપોરે બે વાગ્યે કાશ્મીર મામલાની સંસદીય સમિતિની બેઠક બોલાવી છે.
9:00અમિત શાહ વડા પ્રધાનના નિવાસ સ્થાને
અમિત શાહ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને જવા નીકળ્યા છે. 9:30 વાગ્યે કૅબિનેટની બેઠક મળવાની છે.
એવા અહેવાલ છે કે આ બેઠકમાં કાશ્મીરને લઈને કોઈ નિર્ણય આવી શકે છે. મીડિયાના અહેવાલો પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ પીએમ મોદીના નિવાસસ્થાને પહોંચ્યા છે.
આજ સવારે ગૃહમંત્રી અમિત શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળતાં પહેલાં કાયદામંત્રી રવિશંકર પ્રસાદ સાથે મુલાકાત કરી હતી.
8:15રેલી, જાહેર મિટિંગો પર પ્રતિબંધ
કાશ્મીર જિલ્લામાં કલમ 144 લગાવવાને કારણે હવે રેલીઓ, જાહેર મિટિંગો, મેળાવડા અને લોકોની અવરજવર પર પ્રતિબંધ આવી ગયો છે.
એવા પણ અહેવાલ છે કે કાશ્મીરની સાથેસાથે જમ્મુમાં પણ તમામ સ્કૂલો, કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાનો બંધ રહેશે.
આ પહેલાં સરકારે અમરનાથ યાત્રીઓ અને કાશ્મીરમાં રહેલા પર્યટકોને વહેલી તકે રાજ્ય છોડી જવાની સૂચના આપી હતી.
કાશ્મીરમાં કેન્દ્ર તરફથી વધારાનાં સુરક્ષાદળો પણ મોકલવામાં આવ્યાં છે, જેથી સ્થિતિ પર નિયંત્રણ રાખી શકાય.
8:30નેતાઓ નજરબંધ
આ પહેલાં ઓમર અબ્દુલ્લાએ એક ટ્વીટ કરીને આશંકા વ્યક્ત કરી હતી કે તેમને નજરકેદ કરવામાં આવી શકે છે.
ઓમર અબ્દુલ્લાએ ટ્વીટમાં લખ્યું, "તેમને અને અન્ય નેતાઓને નજરકેદ કરવાની પ્રક્રીયા શરૂ કરી દેવામાં આવી છે અને આ મામલે સચ્ચાઈ જાણવાની કોઈ રીત નથી."
મહેબૂબા મુફ્તીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે હાલાત મુશ્કેલ છે પરંતુ કોઈ અમારી પ્રતિબદ્ધતાને તોડી નહીં શકે.
જે બાદ સોમવારે રાત્રે આ નેતાઓને તેમનાં ઘરમાં નજરકેદ કરી દેવામાં આવ્યાં હતાં.
8:15અમિત શાહની બેઠક
રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ગૃહસચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરો અને રૉના હેડ સાથે મુલાકાત કરી હતી.
જોકે, આર્ટિકલ 35A મામલે તમામ બ્યૂરોકેટ્સ અને ઉચ્ચઅધિકારીઓ કંઈ બોલી રહ્યા નથી. તેમજ અત્યાર સુધી સરકાર તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી.
સોમવારે સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં કેબિનેટની બેઠક મળવાની છે. જોકે, આ બેઠકના ઍજન્ડા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આર્ટિકલ 35A રદ કરવા મામલે ફેબ્રુઆરીમાં જ પેપરવર્ક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
8:00જમ્મુ-કાશ્મીરમાં બેઠકો
આર્ટિકલ 35A અને કલમ 370ને ખતમ કરવાની અટકળો વચ્ચે જમ્મુ-કાશ્મીરના નેતાઓએ રવિવારે સાંજે મુલાકાત કરીને રાજ્યને પ્રાપ્ત થયેલા વિશેષ દરજ્જાને બચાવવાની પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી.
સમાચાર એજન્સીઓ પ્રમાણે, કાશ્મીરના પક્ષોની સર્વદળીય બેઠક બાદ નેશનલ કૉન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ફારુક અબ્દુલ્લાએ બેઠકમાં પસાર થયેલા પ્રસ્તાવને વાંચતા કહ્યું, "સર્વસહમતિથી એ નક્કી થયું છે કે તમામ દળો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની સ્વાયત્તતા અને વિશેષ દરજ્જાને બચાવવા સાથે રહેશે."
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આર્ટિકલ 35A અને કલમ 370 અને અન્ય કોઈ પ્રકારની ગેરબંધારણીય કાર્યવાહીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકો પ્રત્યે આક્રમક વલણ માનવામાં આવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો